કુકિંગ ક્લાસમાં બનાવે એક વાહવાહી બન્નેની થાય

20 February, 2026 04:49 PM IST  |  Mumbai | Jigisha Jain

ધીમે-ધીમે બન્ને મોટી થતી ગઈ ત્યારે થોડાંક ફીચર્સ બદલાયાં. એ બદલાયેલાં ફીચર્સ પણ તેમનાં મમ્મી-પપ્પાને જ સમજાય છે. બહારની કોઈ ત્રીજી વ્યક્તિને એ સમજાતાં નથી. એ બન્ને અત્યારે બીજા ધોરણમાં ઉત્પલ સંઘવી સ્કૂલમાં ભણે છે.

જય મોદી અને ધરા મોદી અને તેમના ટ્‍વિન્સ આદ્યા અને આહાના

વિલે પાર્લેમાં રહેતાં જય મોદી અને ધરા મોદીને ટ્‍વિન્સ છે આદ્યા અને આહાના, જે બન્ને ખાસ્સાં સરખાં દેખાય છે. માતા-પિતા સિવાયની કોઈ પણ વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય છે અને એને કારણે ઓળખવામાં થાપ ખાઈ જાય છે. ટ્‍વિન્સ તરીકે મળતું અટેન્શન બન્નેને ગમે છે અને ક્યારેક બાળસહજ મસ્તીમાં બન્ને સરખા દેખાવનો ફાયદો પણ ઉઠાવી જાણે છે

વિલે પાર્લેમાં રહેતાં ધરા મોદી અને જય મોદીના ઘરમાં ૨૦૧૭ના નવેમ્બરમાં ટ્‍વિન્સ દીકરીઓ જન્મી. એકનું નામ રાખ્યું આદ્યા અને બીજીનું આહાના. ધરાના ઘરમાં કઝિન મામા અને માસીને ત્યાં ટ્‍વિન્સ હતા પણ એના નજીકના પરિવારમાં કોઈને જ ટ્વિન્સ નહોતા. તેને પણ પ્રેગ્નન્સીના ત્રીજા મહિને ખબર પડી કે તેની કૂખમાં બે બાળકો છે. તેણે ધાર્યું જ નહોતું. આજકાલ IVFને કારણે જોડિયા અને ટ્રિપ્લેટ્સ બાળકો ઘણાં જોવા મળે છે પણ ધરાને નૅચરલી બે બાળકો રહ્યાં હતાં. આંચકો અને ખુશીની બન્ને મિક્સ ફીલિંગ હતી એ સમયે, સમજાતું નહોતું કે બે બાળકોને કઈ રીતે હૅન્ડલ કરી શકાય અને બીજી તરફ ખુશી પણ એટલી જ હતી કે આ તો જૅકપૉટ લાગ્યો.

આદ્યા અને આહાના બન્ને પૂરા ૯ મહિને જન્મી. એકદમ તંદુરસ્ત હતી. તેઓ જ્યારે જન્મી ત્યારે એકદમ એકસરખી દેખાતી હતી. એ સમયને યાદ કરતાં ધરા મોદી કહે છે, ‘હૉસ્પિટલમાં સિસ્ટર્સ કન્ફયુઝ થઈ જતી હતી એટલે લેબલ લગાડીને રાખતી હતી. ફીડ થઈ જાય એટલે તરત માર્ક કરીને રાખતી. જન્મી ત્યારે બન્નેને માથા પર વાળ સાવ પાંખા હતા એટલે આહાનાના માથા પર એક માર્ક હતો એ દેખાતો હતો. એના વડે ઓળખ કરતા કે આનું ફીડ થઈ ગયું છે, બીજીનું બાકી છે. મોઢું જોઈએ તો ન ખબર પડે. મને મમ્મી તરીકે પણ કન્ફ્યુઝન રહેતું એટલે પેલો માથા પરનો માર્ક આ જગ્યાએ ખૂબ કામ આવતો.

ધીમે-ધીમે બન્ને મોટી થતી ગઈ ત્યારે થોડાંક ફીચર્સ બદલાયાં. એ બદલાયેલાં ફીચર્સ પણ તેમનાં મમ્મી-પપ્પાને જ સમજાય છે. બહારની કોઈ ત્રીજી વ્યક્તિને એ સમજાતાં નથી. એ બન્ને અત્યારે બીજા ધોરણમાં ઉત્પલ સંઘવી સ્કૂલમાં ભણે છે. સ્કૂલના નિયમ પ્રમાણે બન્ને જુદા-જુદા ડિવિઝનમાં જ છે પણ એમ છતાંય સ્કૂલના ટીચર્સ અને ફ્રેન્ડ્સ તેમને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. પોતાની દીકરીઓ વિશે વાત કરતાં પિતા જય મોદી કહે છે, ‘બન્ને જોડિયા છે અને એકસરખી દેખાય છે એને લીધે મળતું અટેન્શન બન્નેને ગમે છે. તેઓ ચિડાઈ જતી નથી કે દરેક વખતે બધાને કહેવું પડે કે હું આ છું, આ નહીં. ઘરમાં અમે ઓળખીએ છીએ એટલું તેમના માટે પૂરતું છે પણ બહારના લોકોનું બન્ને જે ધ્યાન ખેંચે છે એ તેમને મજા પડે એવું છે.’

તેમની મજાનો કિસ્સો જણાવતાં ધરા મોદી કહે છે, ‘એક વખત સ્કૂલમાં કુકિંગ ક્લાસ હતો. તે બન્ને કંટાળતી હતી. ઘરેથી મેં બન્નેને સામગ્રી આપેલી. ત્યાં જઈને બનાવવાનું હતું. એકે ક્લાસમાં કુકિંગ કર્યું અને બીજીએ એ જ ડિશ ત્યાં જઈને બતાવી દીધી. બનાવ્યું એકે, વાહવાહી બન્નેએ મેળવી લીધી. હજી તો નાની છે પણ એકસરખી દેખાવાની મજા પણ બન્ને ઉઠાવી જાણે છે. આ રીતે કેટલાક મિત્રો સાથે પણ બનાવટ કરી લેતી હોય છે. આદ્યા આહાના બનીને અને આહાના આદ્યા બનીને મિત્રોનાં સીક્રેટ્સ જાણી લેતી હોય છે. મજાની વાત એ છે કે એ બન્ને સરખી દેખાય છે એ તો ઠીક, બન્નેના સ્વભાવમાં પણ ખાસ અંતર નથી. બન્નેને એકસરખી વસ્તુઓ ગમે છે. બન્ને હોશિયાર છે. બન્નેને આર્ટમાં રસ છે. સ્પોર્ટ્‍સ બન્ને સારું રમે છે.’

columnists gujaratis of mumbai gujarati community news lifestyle news life and style Jigisha Jain