સંવેદનાને નથી હોતી સીમા : શ્રીલંકન છોકરીએ સોશ્યલ મીડિયા પર કેવી ધૂમ મચાવી છે!

25 September, 2021 03:17 PM IST  |  Mumbai | Manoj Joshi

આ વાત, આ ટોપિક નીકળવાનું મુખ્ય કારણ એટલું કે કલાને, સંવેદનાને કોઈ સીમા હોતી નથી એ વધુ એક વાર પુરવાર થયું

પ્રતીકાત્મક તસવીર

તેનું સાચું નામ બોલવું હોય તો જીભના લોચા વળી જાય અને એ ગીતની જો વાત કરવી હોય તો તો પરસેવો છૂટી જાય અને એમ છતાં અત્યારે આખી દુનિયામાં એ છોકરીએ અને એના સૉન્ગે દેકારો મચાવ્યો છે. શ્રીલંકન છે એ છોકરી. નામ એનું યોહાની. આખું નામ યોહાની દિલોકા ડિસિલ્વા. એ સૉન્ગ-રાઇટર છે, સિંગર છે, મ્યુઝિક કમ્પોઝર પણ છે અને રૅપર પણ છે. ઉંમર તેની હજી માંડ ૨૪-૨૫ જેવી છે, પણ અત્યારે તેણે જબરદસ્ત દેકારો મચાવી દીધો છે. કહો કે ધૂમ મચાવી છે. એના જે ગીતે તરખાટ મચાવ્યો છે એના શબ્દો ‘મનિકે માગે હિતે...’ સિંહાલી લૅન્ગવેજનું આ ગીત છે, એમાંથી એક પણ શબ્દ સમજાતો નથી. ગીત ગણગણવું હોય તો પણ એ ગણગણી શકાય એમ નથી અને એ પછી પણ એ ગીતે ઇન્ટરનેટ પર રીતસરની ધમાલ મચાવી દીધી છે. હિન્દી, મલયાલમ, બેન્ગૉલી ભાષાથી લઈને વિશ્વની અનેક ભાષામાં એના વર્ઝન બની ગયાં અને ઓરિજિનલ સૉન્ગનાં વખાણ તો અમિતાભ બચ્ચનથી માંડીને શંકર-અહેસાન-લૉય જેવા ધુરંધરોએ પણ કરી લીધાં.

આ વાત, આ ટોપિક નીકળવાનું મુખ્ય કારણ એટલું કે કલાને, સંવેદનાને કોઈ સીમા હોતી નથી એ વધુ એક વાર પુરવાર થયું. આ અગાઉ ધનુષે ગાયેલા ‘કોલાવરી-ડી’ સૉન્ગને પણ આવો જ વ્યાપ મળ્યો હતો અને બધા એ ગીત પર તૂટી પડ્યા હતા. આજના સમયમાં કોઈ વાત વાઇરલ થવી એ નવી વાત નથી, પણ વાઇરલ થયેલી વાત તમને પણ વાઇરલ કરવાનું મન થઈ આવે એવું ભાગ્યે જ બનતું હોય છે. યો‌હાનીએ લખેલું અને ગાયેલું ‘મનિકે માગે હિતે’ એવું જ ગીત છે. તમને એમાં કંઈ સમજ પડતી નથી, જરા પણ સમજ પડતી નથી અને એ પછી પણ તમે એ સાંભળ્યા કરો અને થોડી વાર પછી જેકોઈ શબ્દો યાદ રહ્યા હોય એ પકડીને ગીત ગણગણવા માંડો. તમને કોઈ પૂછે ત્યારે ખબર પડે કે આપણે શું બકબક કરીએ છીએ.

કલાના ક્ષેત્રમાં ક્રાન્તિ લાવવાનું કામ સોશ્યલ મીડિયાએ જબરદસ્ત રીતે કર્યું છે. ‘મનિકે માગે હિતે’ પણ આ ક્રાન્તિનું જ પરિણામ છે. કલ્પના પણ નહોતી થઈ શકતી કે શ્રીલંકન સૉન્ગ આપણે સાંભળીએ અને આપણે એ ગીતના પ્રેમમાં પડીએ, પણ એવું બને છે એ આ ઇન્ટરનેટનો જ જાદુ છે. આ જ ઇન્ટરનેટને જરૂર પડ્યે ભાંડવું પણ પડે છે, પણ એ ભાંડનીતિ અતિરેક સામે છે. આપણે સૌએ અતિરેકમાંથી બહાર આવવું પડશે અને બહાર આવીશું તો જ ‘મનિકે માગે હિતે’ જેવો ચમત્કાર આપણે પણ કરી શકીશું. જોવું એ એક પ્રક્ર‌િયા છે અને સર્જક બનવું એ બીજી પ્રક્રિયા છે અને આ બીજી પ્રક્રિયામાં જવા માટે ઇન્ટરનેટમાંથી બહાર આવીને કામ કરવું પડશે. યોહાનાએ હમણાં એક ઇન્ડ‌િયન ન્યુઝ-ચૅનલને કહ્યું કે એ વીકમાં માંડ એકાદ કલાક ઇન્ટરનેટને ફાળવે છે. આ ઇન્ટરનેટમાં તેનું મેઇલ અકાઉન્ટ પણ આવી ગયું. ધ્યાન આપજો કે એક યુટ્યુબર આ વાત કહે છે. જરા સમજો, એને ખબર છે કે મારે ક્રીએશન કરીને ત્યાં મૂકવાનું છે, મારે ત્યાં પડ્યાપાથર્યા રહેવાનું નથી. સમજાયુંને, તમારે શું કરવાનું છે હવે?

‘મનિકે માગે હિતે’ સાંભળીને ઇન્ટરનેટ ઑફ કરી કામે લાગવાનું છે.

columnists manoj joshi