એક ચહેરા પર બીજા ચહેરાનો ‘દાગ’

12 June, 2021 03:23 PM IST  |  Mumbai | Raj Goswami

‘દાગ’ એટલી જબરદસ્ત હિટ રહી કે આજેય એવું મનાય છે રાજેશ ખન્ના અને યશ ચોપડાએ ભેગા થઈને યશરાજ (યશ અને રાજેશ) ફિલ્મ્સની સ્થાપના કરી હતી

‘દાગ’નું પોસ્ટર

‘દાગ’ એટલી જબરદસ્ત હિટ રહી કે આજેય એવું મનાય છે રાજેશ ખન્ના અને યશ ચોપડાએ ભેગા થઈને યશરાજ (યશ અને રાજેશ) ફિલ્મ્સની સ્થાપના કરી હતી. આમાં તથ્ય નથી, કારણ કે ‘રાજ’ શબ્દ યશ ચોપડાના નામનો જ હિસ્સો છે. બીજું એ કે ‘દાગ’ પછી ચોપડા અને ખન્ના ફરી ભેગા ન થયા. યશ ચોપડા ખન્નાને લઈને’ જ ‘દીવાર’ બનાવવાના હતા, પણ ખન્નાએ પટકથામાં સુધારા-વધારા સૂચવ્યા એટલે ચોપડાએ અમિતાભને કાસ્ટ કર્યો. ખન્નાએ એ પણ ગમ્યું નહોતું

સ્વતંત્ર નિર્દેશક તરીકે યશ ચોપડાની પહેલી જ ફિલ્મ ‘દાગ’ (૧૯૭૩) એટલી જબરદસ્ત હિટ રહી કે બૉલીવુડમાં આજે પણ એવી વાર્તા છે કે રાજેશ ખન્ના અને યશ ચોપડાએ ભેગા થઈને યશરાજ (યશ અને રાજેશ) ફિલ્મ્સની સ્થાપના કરી હતી. આમાં તથ્ય નથી, કારણ કે ‘રાજ’ શબ્દ યશ ચોપડાના નામનો જ હિસ્સો છે. બીજું એ કે ‘દાગ’ પછી ચોપડા અને ખન્ના ફરી ભેગા ન થયા (ખન્ના જ્યાં હોય ત્યાં ઝઘડાની વાત તો હોય જ). ઇન ફૅક્ટ, યશ ચોપડા ખન્નાને લઈને જ ‘દીવાર’ બનાવવાના હતા, પણ ખન્નાએ સલીમ-જાવેદની પટકથામાં સુધારા-વધારા સૂચવ્યા એટલે ચોપડાએ અમિતાભને કાસ્ટ કર્યો. ખન્નાએ એ પણ ગમ્યું નહોતું.

ત્યારે ખન્નાના નામે આઠેક ફ્લૉપ ફિલ્મો હતી, પણ ‘દાગ’ એ પુરવાર કરવાનો પ્રયાસ હતી કે તે હજી પણ રેસનો ઘોડો છે. એ પુરવાર પણ થયું. તેની લડખડાતી કારકિર્દીમાં ‘દાગ’ તાકાત બનીને આવી હતી. ‘દાગ’ વિવાદાસ્પદ કહાની હતી. એમાં સુનીલ (ખન્ના) હનીમૂનની રાતે તેની

પત્ની સોનિયા (શર્મિલા ટાગોર) પર બળાત્કાર કરવા જતા ધીરજ કપૂર (પ્રેમ ચોપડા)નું ખૂન કરી નાખે છે. પોલીસ સુનીલને જેલમાં લઈ જતી હોય છે

ત્યારે પોલીસ વૅનને અકસ્માતે આગ લાગે છે અને બધા કેદીઓ મૃત્યુ પામે છે. એનો લાભ લઈને સુનીલ નાસી

છૂટે છે અને એક ટ્રેનમાં ચડી જાય છે. ટ્રેનમાં એક શહેરના વયોવૃદ્ધ દીવાન (મનમોહન કૃષ્ણા) અને તેમની દીકરી ચાંદની (રાખી)નો ભેટો થાય છે. દીવાનની અચાનક તબિયત

ખરાબ થાય છે તો સુનીલ બાપ-દીકરીની મદદે આવે છે. એમાંથી સુનીલને કાનૂનથી બચવા માટે નામ બદલીને એક અજાણ્યા પરિવાર સાથે રહેવાનો આઇડિયા આવે છે.

બીજી તરફ સોનિયા ઘર છોડીને દીકરા રિન્કુને ઉછેરવા માટે એક સ્કૂલમાં શિક્ષકનો નોકરી સ્વીકારે છે. એ જ સ્કૂલમાં ચાંદનીની દીકરી પિન્કી

ભણતી હોય છે. આ પિન્કી પેલા ધીરજ કપૂરની જ દીકરી છે. ધીરજ કપૂરે ચાંદનીને લગ્ન કરવાનું વચન આપ્યું

હતું અને પછી ફરી ગયો હતો.

સોનિયા એ રીતે ચાંદનીના સંપર્કમાં

આવે છે અને પછી પિન્કીની ગાર્ડિયન બનીને ચાંદનીના ઘરમાં આવે છે. ત્યાં તેને સુનીલનો ભેટો થાય છે જે સુધીર બનીને પિન્કીનો પાપા બન્યો હોય છે. છેલ્લે પોલીસ સુનીલ સુધી પહોંચી જાય છે અને પછી બન્ને સ્ત્રીઓ અદાલતમાં સુનીલને બચાવવા આગળ આવે છે. અંતે સુનીલ કેસમાંથી છૂટીને સોનિયા-ચાંદની અને બે બાળકો સાથે ખાઈ-પીને રાજ કરે છે.

ટેક્નિકલી સુનીલે ચાંદનીની દીકરીને ખાલી પોતાનું નામ જ આપ્યું હતું, પણ ફિલ્મમાં બહુપત્નીત્વનો સંદેશો બહુ દેખીતો હતો, જે સાહસ જ કહેવાય. વધારામાં હિન્દી ફિલ્મોનો રિવાજ છે તેમ કહાનીને અંતે એક પાત્રનું મૃત્યુ થાય અને બાકીના બે આનંદથી રહે એવું પણ ‘દાગ’માં નહોતું.

ફિલ્મના અંતે અદાલતમાં સુનીલને બચવવા માટે ચાંદની ધીરજ કુમારના ખૂનનો અપરાધ પોતાના માથે લઈ લે છે ત્યારે સુનીલ તેનો આભાર માને છે અને ચાંદની તેને કહે છે તે જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે સુધીર બનીને તે જ વહારે આવ્યો હતો. આજે જ્યારે તે મુશ્કેલીમાં છે ત્યારે તેણે તેની ફરજ બજાવી છે. આ એક એવો સંબંધ છે જેને કોઈ નામની જરૂર નથી. એ જ વખતે સોનિયા ત્યાં આવે છે અને કહે છે, ‘હાં, ચલો ઘર ચલતે હૈં.’

એ વખતે ફિલ્મી દુનિયાના જાણકાર લોકોએ પણ યશ ચોપડાને કહ્યું હતું કે બે સ્ત્રીઓ એક પુરુષ સાથે રહે એવો અંત લોકો પસંદ નહીં કરે, પણ ચોપડાને વિશ્વાસ હતો કે દર્શકો એટલા પરિપક્વ છે કે કહાનીના મૂળ ભાવને સમજશે. એક ઇન્ટરવ્યુમાં ચોપડા કહે છે, “દાગ’માં મેં એ બતાવ્યું હતું કે એક પુરુષ કેવા સંજોગોમાં બે સ્ત્રીઓનો પતિ બને છે. એની માવજત ભાવનાત્મક અને રોમૅન્ટિક હતી, પરંતુ મારે કહેવું એમ હતું કે આપણા જીવનમાં ઘણીવાર નિયતિ નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે અને આપણે એની સાથે સમાધાન કરવું પડતું હોય છે. જીવન સમાધાન જ છેને.’

અગાઉ ‘વક્ત’ ફિલ્મમાં પણ ચોપડાએ નિયતિનો આધાર લીધો હતો. લાલ કેદારનાથ (બલરાજ સહાની)ને તેની સમૃદ્ધિ અને સુખી પરિવારનું બહુ ગૌરવ છે અને ભવિષ્યને લઈને બહુ આશાવાદી છે. લાલાનો જ્યોતિષ ચેતવે છે કે બહુ ગુમાન ન રાખવું, પણ લાલા કહે છે ભવિષ્ય તેની મુઠ્ઠીમાં છે અને ત્યાં જ ધરતીકંપ આવે છે અને લાલાનો પરિવાર તહસનહસ થઈ જાય છે.

‘દાગ’ની ધુઆંધાર સફળતાનું આ જ રહસ્ય  હતું. બૉક્સ ઑફિસ પર તો તેણે પૈસા બનાવ્યા જ હતા, ૨૧મા ફિલ્મફેર અવૉર્ડમાં ‘દાગ’નાં ૭ નૉમિનેશન હતાં, જેમાંથી એ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ (રાખી) અને બેસ્ટ ડિરેક્શનનો અવૉર્ડ લઈ ગઈ હતી. એમ તો ફિલ્મનું સંગીત પણ સદાબહાર હતું. સાહિર લુધિયાનવીએ ગીતો નહીં, કવિતાઓ લખી હતી. તમામ ગીત ગહન અને માર્મિક હતાં. એમાં ખાસ કરીને ‘મેરે દિલ મેં આજ ક્યા હૈ...,’ ‘જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ...’ અને ‘અબ ચાહે માં રૂઠે યા બાબા...’ આજે પણ લોકપ્રિય છે.

ચોપડાને આવી વાર્તાઓમાં ફાવટ હતી (કદાચ એટલે જ તેમને બીઆર ફિલ્મ્સમાં ફાવ્યું નહીં હોય). એ ‘હટકે’ પ્રેમકહાનીઓ બનાવતા હતા, પણ દર્શકો ભડકી ન જાય એનું પણ ધ્યાન રાખતા હતા. વર્ષો પછી આવેલી તેમની ‘દૂસરા આદમી’ અને ‘લમ્હે’ આવી જ વિવાદાસ્પદ થીમવાળી ફિલ્મો હતી. આ ફિલ્મ બ્રિટિશ લેખક થૉમસ હાર્ડીની નવલકથા ‘મેયર ઑફ કૅસ્ટરબ્રિજ’ અને ગુલશન નંદાની ‘મૈલી ચાંદની’ પરથી પ્રેરિત હતી. યશ ચોપડાએ પાછળથી ‘સિલસિલા’ અને ‘લમ્હે’માં ચાંદનીનું પાત્ર રિપીટ કર્યું હતું.

 શર્મિલા ટાગોર અને રાખી માટે આ અઘરી ભૂમિકાઓ હતી. સંજોગોની મારી તે બન્ને એવાં સમાધાનો કરે છે કે અસલી જીવનમાં તો કોઈ સ્ત્રી એમ જ કહે કે ‘આના કરતાં તો મરી જવું સારું.’ છતાં બન્નેએ કાબિલેદાદ પર્ફોર્મન્સ આપ્યા હતા. રાજેશ ખન્ના માટે પણ ‘દાગ’ એક પડકારભરી ફિલ્મ હતી. ત્યારે તેનો સિતારો ચમકતો હતો એટલે બે મજબૂત સ્ત્રી પાત્રોવાળી ફિલ્મમાં કામ કરવું એ હિંમત તો કહેવાય જ, પાછું તેની ખુદની ભૂમિકા હત્યારા અને દ્વિપતિત્વની હતી અને છતાં તેને દર્શકોની સહાનુભૂતિ મળે એ માત્રને માત્ર ખન્નાની ઍક્ટિંગનો પ્રતાપ હતો. તે તેનાં પાત્રોને જીવી જાણતો હતો અને દર્શકોને એવું ઠસાવી દેતો કે આવું સંભવ છે.

યશ ચોપડાને ખબર હતી કે રાજેશ ખન્નાનું પાત્ર દર્શકો માટે મુશ્કેલ હતું. એટલે તેમણે તેના મોઢામાં એક કવિતા (નઝમ) મૂકી હતી જે તેને ફિલોસૉફિકલ રંગ આપતી હતી અને દર્શકો પણ તેની પરિસ્થિતિને સહાનુભૂતિથી જોવા મજબૂર કરે. સુનીલ એટલે કે સુધીરને જ્યારે દીવાનની જગ્યાએ શહેરમાં મેયર તરીકે ચૂંટવામાં આવે છે ત્યારે તે ‘આપ ક્યા જાને મુઝકો સમજતે હૈ ક્યા, મૈં તો કુછ ભી નહીં’ કવિતા કહે છે. એમાં તેની ઈમાનદારી બહાર આવે છે. એ કવિતા બહુ લોકપ્રિય થઈ હતી અને ખન્નાના લાઇવ સ્ટેજ પ્રોગ્રામમાં તેના પર સીટીઓ પડતી હતી.

યશ ચોપડાએ એની સફળતાથી પ્રેરાઈને જ તેમની ભાવિ ફિલ્મોમાં હીરોમાં મોઢે કવિતાઓ અથવા લાંબા સંવાદો મૂકવાની પરંપરા શરૂ કરી હતી. જેમ કે ‘દીવાર’માં મંદિરમાં અમિતાભનો સંવાદ, ‘કભી કભી’માં અમિતાભની કવિતા ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ અને ‘જબ તક હૈ જાન’માં શાહરૂખ ખાનની કવિતા ‘તેરી આંખોં કી નમકીન મસ્તીયાં.’ ખૂબી એ છે હિન્દી ફિલ્મોના સૌથી મોટા ત્રણેય સુપરસ્ટાર ખન્ના, બચ્ચન અને ખાનના મોઢે યશ ચોપડાએ કવિતાઓ મૂકી છે.

‘દાગ’માં જે નઝમ હતી તે સાહિર લુધિયાનવીએ ૧૯૭૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો ત્યારે એને સ્વીકારતી વખતે તેમણે સ્ટેજ પરથી રજૂ કરી હતી. સાહિર અને યશ ચોપડા બીઆર ફિલ્મ્સ વખતથી દોસ્ત હતા અને યશ ચોપડાની મોટા ભાગની ફિલ્મોનાં ગીતો સાહિરે લખ્યાં હતાં. સ્વાભાવિક રીતે જ ‘દાગ’ ફિલ્મથી બન્નેની સંગીત-સફર શરૂ થઈ હતી. ‘દાગ’ની એ નઝમ હીરો સુનીલ જ નહીં, ખુદ સુપરસ્ટાર રાજેશ ખન્નાની જિંદગીનું ગીત બની ગઈ હતી. સાહિરે એમાં જાણે ખન્ના માટે જ લખ્યું હતું,

 

ઇજ્જતેં, શોહરતેં, ચાહતેં, ઉલ્ફતેં

કોઈ ભી ચીજ દુનિયા મેં રહતી નહીં

આજ મેં જહાં હૂં, કલ કોઈ ઔર થા

યે ભી એક દૌર હૈ, વો ભી એક દૌર થા

આજ ઇતની મુહબ્બત ના દો દોસ્તો

કી મેરે કલ કે ખાતિર કુછ ભી ના રહે

આજ કા પ્યાર થોડા બચા કર રખો

થોડા બચા કર રખો મેરે કલ કે લિયે

કલ જો ગુમનામ હૈ

કલ જો સુનસાન હૈ

કલ જો અનજાન હૈ

કલ જો વિરાન હૈ

મૈં તો કુછ ભી નહીં

જાણ્યું-અજાણ્યું...

- યશ ચોપડા ૧૫ વર્ષની ઉંમરે મોટા ભાઈ બી. આર. ચોપડા પાસે મુંબઈ આવ્યા હતા.

- બીઆર ફિલ્મ્સ માટે તેમણે નિર્દેશિત કરેલી પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ (૧૯૫૯) હતી. ત્યારે તેમની ઉંમર ૨૭ વર્ષની હતી.

- રાજ કુમારને ‘જાની’ બનાવનાર ૧૯૬૫ની ‘વક્ત’ ફિલ્મ પછી યશને પોતાની રીતની ફિલ્મો બનાવવાનો ચસકો લાગ્યો હતો. મોટાભાઈને જોકે એ ગમી નહોતી.

- ૧૯૬૯માં આવેલી રાજેશ ખન્ના-નંદાની ગીતો વગરની થ્રિલર ‘ઇત્તેફાક’ની પ્રેરણા યશ ચોપડાએ પ્રવીણ જોશી-સરિતા જોશી-અરવિંદ જોશીના નાટક ‘ધુમ્મસ’ પરથી લીધી હતી.

- બીજા જ વર્ષે તેમણે પાર્શ્વગાયિકા પામેલા સિંહ સાથે લગ્ન કર્યાં. પામેલાના આવવાથી ચોપડા બંધુઓ વચ્ચે વિભાજન થયું.

યશ ચોપડા સાથે અલપઝલપ...

‘હું ભાઈના બૅનર માટે સફળ ફિલ્મો બનાવતો હતો, પણ મને લાગતું હતું કે હું તેમના પડછાયામાં છું. મારે મારી રીતે ઊડવું હતું. મારે મારું નામ કરવું હતું. મને થતું હતું કે મારે મનગમતી ફિલ્મો કરવી છે. એમાં ઊંધા માથે પછડાવાનું જોખમ તો હતું, પણ હું એના માટે તૈયાર હતો. એટલે મેં ‘દાગ’થી મારું બૅનર શરૂ કર્યું. એ વિવાદાસ્પદ વિષય હતો. પુરુષને બે પત્નીઓ હોય એ આજે સ્વીકાર્ય નથી. એમાં પાછો હીરો રાજેશ ખન્ના હતો. તેની આઠ ફિલ્મો ફ્લૉપ ગઈ હતી. લોકોને ‘દાગ’ની સફળતા માટે શંકા હતી. મને વિશ્વાસ હતો. અમે મુંબઈમાં ખાલી ૯ પ્રિન્ટ જ રિલીઝ કરી હતી પણ પહેલા જ સપ્તાહમાં ડબલ કરવી પડી. એ સફળતાએ ફિલ્મની દુનિયામાં મારા પગ મજબૂત કરી દીધા.’

યશ ચોપડાના અંતિમ ઇન્ટરવ્યુમાંથી

columnists raj goswami