મોસમ વેકેશનની: બહાર તો એવી રીતે આવ્યા લોકો જાણે પૃથ્વી ભાગી જતી હોય

12 June, 2021 02:32 PM IST  |  Mumbai | Manoj Joshi

અનલૉક માંડ થયું છે બધું: આઝાદીનો અનુભવ દિલથી કરવાનો છે અને આ અનુભવમાં ક્યાંક ને ક્યાંક પૃથ્વી પકડી લેવાની છે

ફાઈલ તસવીર

હા, એવું જ બન્યું છે. જુઓ તમે, વેકેશનના દિવસો આવ્યા હોય એ રીતે રાજસ્થાન, લદાખ અને ઉત્તરાંચલની ફ્લાઇટ પૅક થવા માંડી છે. હોટેલ પણ પૅક થવા માંડી છે અને રસ્તાઓ પણ ઊભરાવા લાગ્યા છે. કોઈને માઉન્ટ આબુ ફરવા જવું છે તો કોઈને લેહ જવાની ઇચ્છા છે. કોઈને મધ્ય પ્રદેશ ફરવા જવાનું મન થાય છે અને કોઈને મસૂરી જવાની ઇચ્છા છે. કોઈ ગીરનો પ્લાન બનાવે છે તો કોઈ રણથંભોર જવાની તૈયારીમાં લાગી ગયું છે. યુ સી લૉકડાઉન ખૂલ્યું છે ભાઈ. જેવી તેવી વાત થોડી છે. હવે તો રખડવાનું છે, ફરવાનું છે, મજા કરવાની છે. માંડ ઘરમાંથી છૂટ્યા છીએ. માંડ-માંડ બહાર નીકળવા મળ્યું છે. હવે તો જીવી લેવાનું છે. હોટેલમાં જઈને ખાવાનું છે અને દરિયાકિનારે બેસીને જલસો કરવાનો છે. અનલૉક માંડ થયું છે બધું. આઝાદીનો અનુભવ દિલથી કરવાનો છે અને આ અનુભવમાં ક્યાંક ને ક્યાંક પૃથ્વી પકડી લેવાની છે. બાકી તો આ પૃથ્વી, આ સૃષ્ટિ ભાગી જવાની હતી. ભલું થજો સરકારનું કે એણે દરવાજા ખોલી નાખ્યા ઘરના અને બહાર નીકળવાની પરવાનગી આપી દીધી. આ પરવાનગી સાથે અમે કોવિડની ત્રીજી લહેરને પણ લાવીશું. લાવીશું નવા સ્ટ્રેનને અને પછી પરિવારના બધાને ટેન્શનમાં મૂકવાનું કામ પણ કરીશું. કામ પણ કરીશું અને જીવનો દાવ પણ ખેલીશું. છેને સરકાર, બેઠી છે એ. અમારી સારવાર કરવા માટે. વૅક્સ‌િન લેવામાં અમે ભલે આળસ કરીએ, ભલે ગેરમાન્યતાઓ વાંચી-વાંચીને એને ફૉલો કરીએ પણ આ જે છૂટછાટ મળી છે એનો લાભ તો લેવો જ લેવો છે. કંઈક આવી જ માન્યતા સાથે, આવી જ મેન્ટાલિટી સાથે સૌકોઈએ અનલૉકને લીધું છે, પણ આ જ ભૂલ, આ જ માનસિકતા સૌથી વધારે હેરાન કરનારી બનવાની છે એ ભૂલવું ન જોઈએ. ફરવા ન જઈ શકાય તો ચિંતા નહીં કરો. ચાલશે, હજી બેચાર મહિના ઘરમાં રહેશો તો. હોટેલના જન્ક ફૂડ નહીં જમો તો વજન ઊતરી નથી થવાનું અને ધારો કે ઊતરી જાય તો આ કોવિડે દેખાડી દીધું કે એ વધેલું વજન તમારે માટે જોખમી છે. સાહેબ, નહીં કરો આવી ભૂલ. આ. હજાર વખત કહ્યું તમને કે તમે માત્ર તમને નહીં, તમારા પરિવારને પણ જોખમમાં મૂકો છો અને તમારા પરિવાર સાથે જોડાયેલા અન્ય લોકો પર પણ જોખમ ઊભું કરી રહ્યા છો. તમારા સર્કલ માટે પણ આ જોખમ છે અને તમારા દેશ માટે પણ આ જોખમ છે. તમારી મૂર્ખામી જો તમારી આજુબાજુમાં જ જોખમ ઊભું કરે એમ હોય તો પણ તમે એ મૂર્ખામી અકબંધ રાખતા હો તો તમને બીજું તો શું કહેવું, પણ હા, એટલું કહેવું પડે કે આ અમાનવીય વર્તન અને અક્ષમ્ય વ્યવહાર માટે તમને માફ તો દેશ પણ ન કરી શકે. અજાણતાં આવી ગયેલી તકલીફને સમજી શકાય અને એવી તકલીફ માટે ખુવાર થવાની પણ તૈયારી રાખી શકાય, પણ સામે ચાલીને જો તકલીફને ગળે વળગાડવી હોય તો તમને ક્યારેય માફ ન કરવા જોઈએ, ક્યારેય નહીં અને કોઈ કાળે નહીં.

columnists manoj joshi