03 December, 2025 10:41 AM IST | Mumbai | Dr. Sudhir Shah
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
૨૭ નવેમ્બરના દિવસે વાઇટ હાઉસની બહાર અફઘાનિસ્તાનના એક વતનીએ આતંકવાદી હુમલો કર્યો. નૅશનલ ગાર્ડના બે સૈનિકોને ગોળી વાગી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ હુમલાના કારણે એવું જાહેર કર્યું કે હવેથી તેઓ અફઘાનિસ્તાન, જે ત્રીજા વિશ્વનો દેશ છે એવા ત્રીજા વિશ્વના દેશોના નાગરિકોને અમેરિકામાં કાયમ માટે પ્રવેશ નહીં આપે.
જ્યારથી ટ્રમ્પે અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું છે ત્યારથી તેમણે એક પછી એક એક્ઝિક્યુટિવ ઑર્ડરો બહાર પાડીને ઇમિગ્રન્ટોને અમેરિકા બહાર કરવા માટેના પ્રયત્નો કરવા માંડ્યા છે. બહારથી કોઈ ઘૂસી ન આવે એ માટે પણ તેમણે ખૂબ જ પ્રયત્નો આદરી દીધા છે. ઇમિગ્રેશન અૅન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) જે અમેરિકાની ખાસ મુખ્ય ઇમિગ્રન્ટોને લગતી સંસ્થા છે એનું વર્ચસ્વ અમેરિકાની બૉર્ડરની સો કિલોમીટર બહાર અને સો કિલોમીટર અંદર હોય છે. તેઓ આ સો કિલોમીટરના ઘેરાવામાં જે લોકો ઈલ્લીગલી અમેરિકામાં હોય તેમને અરેસ્ટ કરી શકે છે, દેશનિકાલ કરી શકે છે.
આ ICE ૧૦૦ કિલોમીટરથી વધુ અંદર અમેરિકામાં આવીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટો સામે સખત પગલાં લઈ રહી છે. જે લોકો સામે દેશનિકાલની અમેરિકાની સરકારે નોટિસો કાઢી હોય એ લોકો કોર્ટમાં અરજી કરીને એ નોટિસ થંભાવી દેવાની, એ નોટિસ ગેરકાનૂની છે, ખોટી છે, તેમને લાગુ નથી પડતી એવું કોર્ટ પાસે કબૂલ કરાવવા માગે છે.
આવી અરજીઓને અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું પોતે મોશન કાઢીને ડિસમિસ કરવાની અરજી કરી શકે છે. આ અરજી લેખિત હોવી જોઈએ. એનો જવાબ આપવા ઇમિગ્રન્ટોને દસ દિવસનો સમય આપવો જોઈએ. પણ હાલમાં ઇમિગ્રેશન ખાતું આવી ‘મોશન ટુ ડિસમિસ’ની અરજીઓ મૌખિક કરે છે. ઇમિગ્રન્ટોને જવાબ આપવાનો સમય નથી આપવામાં આવતો. એ જ દિવસે કોર્ટ ‘મોશન ટુ ડિસમિસ’ પર પોતાનો હુકમ બજાવે છે.
શહેરોમાં જો ઇમિગ્રેશન ઑફિસરોને એવું જણાય કે આ માણસ ગેરકાયદેસર આવ્યો છે તો તેની ધરપકડ કરે છે, ભલે પછી તે કાયદેસર અમેરિકામાં આવ્યો હોય કે ગ્રીન કાર્ડ ધારક હોય. પણ ચહેરા-મહોરા પરથી, વાતચીત પરથી અંગ્રેજી આવડતું ન હોવાથી આવા લોકોની ધરપકડ કરે છે, પૂછપરછ કરે છે. બે-ચાર દિવસ તેમને જેલમાં પણ રાખે છે.
તમે જો અમેરિકામાં રહેતા હો ગેરકાયદેસર યા કાયદેસર, ગ્રીન કાર્ડ ધારક હો, ગેરકાયદેસર ઘૂસવાનો વિચાર કરતા હો તો સાવધાન રહેજો; નહીં તો તમે આ બધી લપેટમાં આવી જશો અને હેરાન-પરેશાન થઈ જશો.