અગસ્ત્ય-ઍલિસન-આતિશ : અદ્ભુત-અકલ્પનીય-અદ્વિતીય

07 April, 2022 03:12 PM IST  |  Mumbai | JD Majethia

ઍલિસનને તમે ક્યારેય મૂડલેસ ન જુઓ, ક્યારેય નહીં. એવું જ આતિશ અને અગસ્ત્યનું છે. તકલીફોનો સામનો હિંમતથી કરવાની તેમની જે ક્ષમતા છે, જે શક્તિ છે એ અદ્ભુત અને અદ્વિતીય છે

અગસ્ત્ય-ઍલિસન-આતિશ

કેટકેટલી મુસીબતોનો સામનો કરનારી ઍલિસનનું નામ જ્યારે પણ આવે ત્યારે મારી આંખ સામે હંમેશાં હસતી ઍલિસન જ આવે. તકલીફો વચ્ચે પણ ચહેરા પર સ્માઇલ રાખવાનો જો ખિતાબ કોઈને મળવાનો હોય તો એ ઍલિસનને જ મળે અને એ પણ લગાતાર આ બધાં વર્ષો માટે. સદાય હસતી ઍલિસન આજે અગસ્ત્યને જોઈને કેટલી હરખાતી હશે. 

આપણે વાત કરીએ છીએ મારી લાઇફના સૌથી મોટા ઇન્સ્પિરેશન એવાં ઍલિસન, આતિશ અને અગત્સ્યની. ગયા ગુરુવારે તમને કહ્યું એમ આતિશ અને ઍલિસનનાં મૅરેજ પછી સમય પસાર થતો ગયો અને કેસરનો જન્મ થયો. આતિશ ઍલિસનની બહુ કૅર કરે અને એ કૅરના ભાગરૂપે જ તે બાળકનું પ્લાનિંગ અવૉઇડ કરે. અમે ઘણી વાર બેઠા હોઈએ ત્યારે વાતો થાય તો અમે કહીએ પણ ખરા કે કેસરનું કન્યાદાન આતિશ અને ઍલિસન કરશે. સમય પસાર થતો ગયો અને વર્ષ આવ્યું ૨૦૦પ-’૦૬નું. અમે વેકેશન પર ગયા અને પાછા આવ્યા પછી અમને બે ગુડ ન્યુઝ મળ્યા. ઍલિસન અને નિપાના. પ્રેગ્નન્સીની બાબતમાં ઍલિસન થોડી પહેલાં હતી. અમારા બધા માટે એ બહુ આશ્ચર્યજનક પણ હતું અને ખુશીની લાગણી પણ હતી. અમને વાતો પરથી ખબર પડી કે ઍલિસને બહુ હિંમત કરી. આતિશને બહુ ફિકર રહેતી હતી કે કેવી રીતે નિભાવી શકીશું. ઍલિસને પોતાનું ધ્યાન રાખવા માટે ખૂબ તકલીફમાંથી જવું પડે છે અને ઉંમર પણ થોડી વધારે હતી એટલે બાળકનું પણ કેવી રીતે કરશે? એ લોકોનો ફિયર ખોટો નહોતો અને એ પછી પણ ઍલિસને હિંમત કરી. જોકે કુદરત હજી વધારે પરીક્ષા લેવા માગતી હતી અને પેલા જે ગુડ ન્યુઝ હતા એ મિસકૅરેજમાં પરિણમ્યા. તો પણ સર્વાઇવર અને હિંમત જેનું નામ. ઍલિસને ફરી પ્રયત્ન કર્યો એટલે ફરી સારા દિવસો રહ્યા. અમારે ત્યાં જાન્યુઆરીમાં મિશ્રીનું આગમન થયું અને ઍલિસનને હજી વાર હતી. 

જૂનની ડેટ હતી અને મને અત્યારે પણ યાદ છે કે હું પહેલી એપ્રિલે ટીવી-ઇન્ડસ્ટ્રીના એક બહુ મોટા ફેસ્ટિવલ માટે કાંધ જવાનો હતો. બહુ મોટો ફેસ્ટિવલ. વર્લ્ડ-ઓવર ટીવી-ઇન્ડસ્ટ્રીમાંથી લોકો આવે. ફૉરેનના પ્રોગ્રામોની વાત થાય, જાતજાતનાં સેશન્સ હોય, સેમિનારો હોય. વિચારોની અને આઇડિયાઓની બહુ મોટા પાયે આપ-લે થાય. આ ફેસ્ટિવલમાં આતિશ આવી શકે એમ નહોતો, કારણ કે તેણે નક્કી કર્યું હતું કે ઍલિસનની પ્રેગ્નન્સીને લીધે તે ઍલિસનની સાથે જ રહેશે.

મારી જવાની બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને ૩૦ માર્ચે ઍલિસનની તબિયત બરાબર ન રહેતાં તેને ચેકઅપ માટે લઈ ગયા. તબિયત સારી ન હોવાને કારણે તેને ઍડ્‍મિટ કરી. રિપોર્ટ્સ આવ્યા અને ડૉક્ટરે કહ્યું કે તમારે બાળકને પ્રી-મૅચ્યૉર ડિલિવરી કરાવવી પડશે. પ્રી-મૅચ્યૉર એટલે જેને ખરેખર પ્રી-મૅચ્યૉર કહેવાય એવી જ પરિસ્થિતિ હતી. જૂનની ડ્યુ-ડેટ અને માર્ચમાં ડિલિવરી કરાવવાની એટલે કે ત્રણ મહિના પહેલાં અને ઍલિસન-આતિશે હિંમત હાર્યા વિના હા પાડી દીધી. બીજા દિવસે એટલે કે ૩૧ માર્ચે ઑપરેશન થયું અને અગસ્ત્યનો જન્મ થયો.
અગસ્ત્ય નાજુક એટલે એવો નાજુક કે હાથમાં પણ ન લઈ શકાય. કદમાં સાવ નાનો અને વજન પણ નગણ્ય એવું. ડૉક્ટરને શબ્દો નહોતા જડતા કે શું કહેવું, પણ આતિશ અને ઍલિસનની હિંમત. ઍલિસનને વિશ્વાસ હતો કે તેને કંઈ નહીં થાય, હી વિલ સર્વાઇવ. અને એવું જ થયું. કેટકેટલી તકલીફોમાંથી અગસ્ત્ય પસાર થયો અને ઍલિસન-આતિશે એટલું બધું ધ્યાન રાખ્યું અને એવી-એવી પરિસ્થિતિમાંથી પસાર થયાં કે હું તમને વર્ણવી નથી શકતો. એ વર્ણવવા જતાં એ તકલીફોમાંથી ફરી પસાર થવું પડે અને મેં તો એ તકલીફો જોઈ છે, ભોગવી નથી; પણ જો ઍલિસન-આતિશ એ વાંચશે તો કદાચ એ લોકોની તકલીફ નવેસરથી મનમાં આવશે એટલે આપણે તકલીફોવાળા ટ્રૅકને ટપીને આગળ વધીએ. હા, કહેવું પડે કે હિંમત જો કોઈ માણસ હોય તો એ ચોક્કસ ઍલિસન અને આતિશને સાત તોપની સલામી આપે. ખરેખર.

અગસ્ત્યનો પ્રોગ્રેસ થતો ગયો. ખૂબ-ખૂબ એટલે ખૂબ કાળજી રાખી તેના પેરન્ટ્સે. નાનામાં નાની વાતની, ઝીણામાં ઝીણી વાતની કૅર સાથે અગસ્ત્ય મોટો થતો ગયો. અગસ્ત્ય થોડો મોટો થયો પછી રિયલાઇઝ થયું કે તે બહુ સુંદર ગાય છે. ઍક્ચ્યુઅલી તેને આ વારસો નાના પાસેથી મળ્યો છે. ઍલિસનના ફાધર બહુ સરસ પિયાનો વગાડે. એ લોકોની ફૅમિલીમાં સંગીતનું કલ્ચર બહુ સરસ છે. સામાન્ય રીતે ક્રિશ્ચિયનમાં હોય જ. 

અગસ્ત્યને પણ શીખવાડ્યું પિયાનો વગાડતાં. એ પછી તો તેણે મ્યુઝિકની પ્રોફેશનલ ટ્રેઇનિંગ લેવાનું પણ શરૂ કર્યું. મ્યુઝિક ઉપરાંત તેનામાં આતિશના પણ ગુણ આવ્યા. વનલાઇનર્સ પણ એવી મૂકતો રહે કે આપણને આતિશ જ દેખાય. આજે અગસ્ત્ય અને મિશ્રી એક જ ક્લાસમાં ભણે છે. બન્ને આજે બહુ સારાં પાક્કાં મિત્રો છે - ડિટ્ટો મારા અને આતિશ જેવાં. તે બન્નેને હું વાતો કરતાં જોઉં ત્યારે મને એમાં હું અને આતિશ જ દેખાય. પ્રી-મૅચ્યૉર્ડ અગસ્ત્ય હવે સોળનો થઈ ગયો. ગયા ગુરુવારે.

અગસ્ત્યને જોઈને સૌથી પહેલી કોઈ વાત મારા મનમાં આવે તો એ છે હૅટ્સ ઑફ ઍલિસન. હા, સિમ્પ્લી હૅટ્સ ઑફ. ઍલિસને નિર્ણય લીધો હતો કે આપણે એક બાળક કરવું જ જોઈએ. તેણે આતિશને કન્વિન્સ કર્યો. આતિશને કન્વિન્સ કર્યા પછીની જે જર્ની રહી એમાં આતિશે ખરેખર બહુ જ સપોર્ટ કર્યો છે અને એ મેં મારી પોતાની આંખોથી જોયું છે એટલે આમ જોઈએ તો કોઈનું કંઈ ઓછું આંકી શકાય એમ નથી. મા એ મા તો અગસ્ત્યના કિસ્સામાં તો બાપ એ બાપ જ છે અને એવું જ દીકરાને પણ લાગુ પડે છે. અગસ્ત્યએ પણ જે જિજીવિષા સાથે સંઘર્ષ કર્યો અને જે પ્રકારે તે ઊભો થયો એ અકલ્પનીય છે, સુપરહીરો જ સમજી લો જાણે.

બધેબધી ચૅલેન્જિસ અમે જોઈ છે. કેટકેટલી મુસીબતોનો સામનો કરનારી ઍલિસનનું નામ જ્યારે પણ આવે ત્યારે મારી આંખ સામે હંમેશાં હસતી ઍલિસન જ આવે. તકલીફો વચ્ચે પણ ચહેરા પર સ્માઇલ રાખવાનો જો ખિતાબ કોઈને મળવાનો હોય તો એ ઍલિસનને જ મળે અને એ પણ લગાતાર આ બધાં વર્ષો માટે. સદાય હસતી ઍલિસન આજે અગસ્ત્યને જોઈને કેટલી હરખાતી હશે. તેનો અગસ્ત્ય સોળ વર્ષનો થઈ ગયો છે. હેમખેમ અને તમામ તકલીફોને પાર કરીને તે આજે સૌની સામે ઊભો રહી ગયો છે.

ઍલિસનની એક બીજી ખાસિયત કહું તમને. બધી વાતોનું ધ્યાન રાખતાં-રાખતાં પણ ઍલિસનને તમામના બર્થ-ડે યાદ હોય. અમારા મિત્રોનું એક વૉટ્સઍપ ગ્રુપ છે. કુલ ઓગણીસ જણનું. એમાં અમે પાંચ મિત્રો, તેમની પાંચ પત્નીઓ અને અમારાં નવ સંતાનો. કુલ ઓગણીસ જણનું ફૅમિલી-ગ્રુપ છે. આ ઓગણીસમાંથી જેનો પણ જન્મદિવસ આવતો હોય, ઍડ્વાન્સમાં જ ઍલિસન બધા પાસેથી તેમના ફોટો મગાવી-મગાવીને ગ્રુપમાં મૂકવાનું શરૂ કરી દે. ગ્રુપનું ડિસ્પ્લે-પિક્ચર એટલે કે ડીપી પણ દિવસ દરમ્યાન વારંવાર બદલ્યા કરે. તે અમારા આ ગ્રુપની ડીપી-ક્વીન છે. 
મારી કોઈ પણ નાની-મોટી તકલીફ હોય, ઍલિસન મને બહુ ઇન્સ્પાયર કરે. અરે, હું જ નહીં, ઍલિસનથી તેની આસપાસના લોકોથી માંડીને અમારા ગ્રુપ અને અમારા બધાના રિલેટિવ્સ પણ ખૂબ ઇન્સ્પાયર થાય. ઍલિસન છે જ એક સ્પેશ્યલ વ્યક્તિ. આ સ્પેશ્યલ વ્યક્તિએ અમને અગસ્ત્ય જેવો હોશિયાર અને ટૅલન્ટેડ દીકરો આપ્યો છે જે સર્વાઇવર બનીને આજે સોળનો થઈ ગયો છે. અગસ્ત્ય ખૂબ લાંબું જીવે અને તમારા બન્નેનું નામ ખૂબ રોશન એવી અમારા સૌની શુભેચ્છા. 

આપણે આ ટૉપિકની શરૂઆત કરી ત્યારે જ તમને કહ્યું હતું કે એક વખત તમારી આસપાસમાં નજર કરજો, તમને ઇન્સ્પાયર કરતી વ્યક્તિ દેખાશે જ દેખાશે. હા, જરૂર છે તો તેને ફક્ત આઇડેન્ટિફાઇ કરવાની. જેમ મેં કરી છે, ઍલિસન. ઍલિસન મારા જીવનની હિરોઇન છે, નાયિકા. જે હારતી નથી, થાકતી નથી, અટકતી નથી. સતત આગળ વધતી જાય છે અને તકલીફોને મહાત આપતાં-આપતાં બધાને શીખવે છે કે કેવી રીતે અડગ રહેવું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia