08 February, 2026 03:37 PM IST | Mumbai | Shailesh Nayak
અમદાવાદમાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટના
અમદાવાદમાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનામાં સળગી ગયેલા પ્લેનમાંથી બચી ગયેલો સામાન સ્વજનોને પરત કરી રહી છે ઍર ઇન્ડિયા : ઉત્તર ગુજરાતના થાવર ગામના સવદાન ચૌધરીની આંખો ભરાઈ આવી જ્યારે તેમના દીકરા અને પુત્રવધૂનાં લગ્નનું આલબમ તેમને બળેલી હાલતમાં મળ્યું અને અર્ધબળેલી હાલતમાં ફોટો પરથી એની ઓળખ કરી શક્યા : પાસપોર્ટ, આધાર કાર્ડ, સાડી, રમકડાં સહિતની અડધી બળી ગયેલી કે ફાટી ગયેલી હાલતમાં ૨૨,૦૦૦ જેટલી નાની-મોટી ચીજવસ્તુઓ મળી આવી : ૮૦૦૦થી વધુ વસ્તુઓની ઓળખ થઈ : કોઈ સ્વજન ચીજોના રૂપમાં યાદો લઈ જવા માગે છે તો કોઈ વિચારે છે કે હવે આ વસ્તુઓ લઈને શું કરીએ
‘આ લગ્નનું આલબમ ભલે બળેલી હાલતમાં છે, પણ જ્યારે મારા દીકરાની યાદ આવશે ત્યારે આ આલબમ કાઢીને અમે જોઈ લઈશું. અમને થશે કે મારા દીકરા અને તેની પત્નીની યાદ અમારી સાથે છે, તેઓ અમારી સાથે જ છે. એટલે જ અમે દીકરાનાં લગ્નના આલબમને સ્ટોર કરીને મૂકી દીધું છે.’
કઠળ કાળજાના માનવીને પણ હચમચાવી મૂકતી આ વાત ભારે હૈયે ‘મિડ-ડે’ને સવદાન ચૌધરીએ કરી હતી.
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે બળી ગયેલી હાલતમાં મળેલા પોતાના દીકરાનાં લગ્નના આલબમ પર દીકરા અને તેની પત્નીનો અડધોપડધો ફોટો જોઈને પિતા સવદાનભાઈની આંખો ભરાઈ આવી હતી અને ફોટોને તેઓ ક્યાંય સુધી સૂનમૂન થઈને જોતા જ રહ્યા હતા.
ઉત્તર ગુજરાતના ધાનેરા તાલુકાનું થાવર ગામ. આ ગામમાં રહેતા સવદાન ચૌધરીએ દીકરા કમલેશ અને તેની પત્ની ધાપુને ખુશી-ખુશી લંડન રવાના કર્યાં હતાં, પણ વિધિના લેખ કંઈક અલગ લખાયા હતા. આ ખુશી પર જાણે કોઈની નજર લાગી ગઈ અને અમદાવાદમાં ગોઝારી વિમાન-દુર્ઘટના થઈ જેમાં સવદાનભાઈનાં પુત્ર-પુત્રવધૂ કાળનો કોળિયો બની ગયાં. આ કમભાગી ઘટનાને છ મહિના જેટલો સમય વીત્યો છે ત્યારે ઍર ઇન્ડિયા એ ગોઝારી ઘટનામાં કમનસીબ રીતે અવસાન પામેલા મુસાફરોનો મળી આવેલો સામાન તેમના સ્વજનોને પાછો આપી રહી છે. સવદાન ચૌધરીને પણ ઍર ઇન્ડિયામાંથી જાણ કરવામાં આવી અને તેમના દીકરા અને પુત્રવધૂનો જે કોઈ સામાન ઓળખી શક્યા એ તેમની યાદના રૂપમાં ઘરે લઈ આવ્યા છે.
એ ગોઝારો દિવસ
૨૦૨૫ની ૧૨ જૂનનો એ ગોઝારો દિવસ કોઈ ભૂલી શકે એમ નથી જ્યારે અમદાવાદના ઍરપોર્ટ પરથી લંડન જવા માટે ઍર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરી હતી. હજી તો માંડ આકાશ તરફ જાય એ પહેલાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે આ વિમાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. વિમાનમાં સવાર એકમાત્ર મુસાફર સિવાય તમામ મુસાફરો અને ક્રૂ-મેમ્બરો બળીને ભડથું થઈ ગયા હતા. આ ઉપરાંત મેસમાં જમવા બેઠેલા સ્ટુડન્ટ્સ, બિલ્ડિંગમાં રહેલા લોકો તેમ જ આસપાસના કેટલાક લોકો પણ આ કમભાગી ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં ૨૪૧ પૅસેન્જર અને ક્રૂ-મેમ્બરો તેમ જ ૧૯ નૉન-પૅસેન્જર સહિત કુલ ૨૬૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઘટનાસ્થળેથી તેમ જ આસપાસના વિસ્તારમાં વેરવિખેર હાલતમાં પડેલા વિમાનના કાટમાળમાંથી સળગી ગયેલી તેમ જ અડધી સળગી ગયેલી હાલતમાં તેમ જ ફાટી ગયેલી કે તૂટી ગયેલી હાલતમાં પૅસેન્જરોની ચીજવસ્તુઓ ઍર ઇન્ડિયાએ શોધી કાઢી છે. એમાંથી જે ચીજવસ્તુઓની સીધી રીતે ઓળખ થઈ છે એ સામાન તેમના સ્વજનોને પાછો આપવાની કાર્યવાહી ઍર ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં ચાલી રહી છે.
૨૨,૦૦૦ જેટલી નાની-મોટી વસ્તુ મળી
ઍર ઇન્ડિયાનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિમાન-દુર્ઘટના બાદ શોધખોળ કરતાં અંદાજે ૨૨,૦૦૦ જેટલી નાની-મોટી વસ્તુઓ અમને ઘટનાસ્થળેથી તેમ જ આસપાસના સ્થળેથી મળી આવી છે. પાસપોર્ટ, આધાર કાર્ડ, સાડી સહિતનાં કપડાં, રમકડાં, બૅગ, પુસ્તકો, ડૉક્યુમેન્ટ્સ સહિતની વસ્તુઓ ક્યાં તો અડધી સળગેલી હાલતમાં અથવા તો ફાટી ગયેલી કે તૂટી ગયેલી હાલતમાં મળી આવી છે. આ વસ્તુઓમાંથી જે વસ્તુઓ જેમ કે ફોટો, પાસપોર્ટ, આધાર કાર્ડ કે બૅગ સહિતના લગેજ પર કોઈ મુસાફરનું નામ વંચાતું હતું એવી વસ્તુઓની ઓળખ થઈ શકી છે, જ્યારે કેટલીક વસ્તુઓની ઓળખ નથી થઈ શકી. આ બધી વસ્તુઓનું લિસ્ટ એક વેબસાઇટ બનાવી છે એમાં અપલોડ કર્યું છે. આ વેબસાઇટ પરથી મૃત્યુ પામેલી વ્યક્તિની ફૅમિલીના સભ્યો તેમની વસ્તુઓની ઓળખ કરી શકે છે. અમે અંદાજે ૮૦૦૦ જેટલી વસ્તુઓ ઓળખી શક્યા છીએ. એમાં પાસપોર્ટ, આધાર કાર્ડ, ડૉક્યુમેન્ટ્સ, ટૅગ પરથી બૅગની ઓળખ, ફોટો સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઓળખાયેલી વસ્તુઓ જે વ્યક્તિની છે તેમની ફૅમિલીને અમે જાણ કરી છે કે તમે આ વસ્તુઓ લઈ જાઓ. બાકી જે વસ્તુઓ ઓળખી નથી શકાઈ એને વેબસાઇટ પર અપલોડ કરી છે જેથી મૃત્યુ પામેલા મુસાફરોની ફૅમિલી એ વસ્તુઓ જોઈ શકે અને તેમની હોય તો ક્લેમ કરી શકે. વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના સ્વજનો વસ્તુઓ લેવા આવી રહ્યા છે.’
કમલેશ અને ધાપુ ચૌધરીના અડધાપડધા બળી ગયેલી હાલતમાં મળી આવેલા ડૉક્યુમેન્ટ્સ. કમલેશ અને ધાપુ ચૌધરીનાં લગ્નનું આલબમ અડધું બળી ગયેલી હાલતમાં મળ્યું છે.
વસ્તુઓ બચી કેવી રીતે?
અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટનામાં થયેલા વિસ્ફોટને કારણે એક મુસાફરને બાદ કરતાં તમામ પૅસેન્જરો અને ક્રૂ-મેમ્બર્સ બળીને ભડથું થઈ ગયા હતા. આસપાસના વિસ્તારનાં બિલ્ડિંગો તેમ જ વૃક્ષો પણ સળગી ગયાં હતાં. આવી ભયાનક આગમાં વસ્તુઓ કેવી રીતે બચી ગઈ એ અચરજ પમાડે એવી બાબત છે. આ મુદ્દે ઍર ઇન્ડિયાનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘વિમાનમાં કાર્ગો નીચે હોય છે. આ વિમાન-દુર્ઘટના બની ત્યારે પ્લેન પહેલાં કદાચ બિલ્ડિંગને ટકરાયું હોવું જોઈએ એટલે માલસામાન પડ્યો હોવો જોઈએ. આ ઉપરાંત પ્લેનમાં વિસ્ફોટ થયો ત્યારે એનો કાટમાળ અને અંદર રહેલો માલસામાન આસપાસ ફંગોળાયા હશે અને બધું વેરવિખેર થયું હશે. આ ઘટના પછી ઘટનાસ્થળના આખા એરિયામાં તપાસ કરીને સામાન શોધ્યો હતો. એક-એક વસ્તુમાં કોઈ ક્લુ મળે જેનાથી એ વસ્તુની ઓળખ થઈ શકે એ તપાસ્યું હતું. આ બધું કર્યા પછી માલસામાન એક જગ્યાએ ભેગો કર્યો હતો. આ કામમાં સમય લાગ્યો હતો, કેમ કે ચીજવસ્તુઓની ખરાઈ કરવી જરૂરી હતી.’
બળી ગયેલી હાલતમાં વસ્તુ લઈ આવ્યા
ઍર ઇન્ડિયાએ મૃત્યુ પામેલા મુસાફરોના સ્વજનોને ઓળખ થયેલી ચીજવસ્તુઓ લઈ જવા જાણ કર્યા બાદ બનાસકાંઠાના થાવર ગામમાં રહેતા સવદાન ચૌધરી અમદાવાદ આવીને તેમના પુત્ર અને પુત્રવધૂની વસ્તુઓ લઈ ગયા હતા. સવદાન ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘અમારો દીકરો કમલેશ અને તેની પત્ની ધાપુ લંડન જઈ રહ્યાં હતાં. મારો દીકરો ૩ વર્ષથી લંડન રહેતો હતો અને ત્યાં સર્વિસ કરતો હતો. વિમાન-દુર્ઘટનામાં તે બન્નેનાં મૃત્યુ થયાં હતાં. અમને ઍર ઇન્ડિયામાંથી જાણ કરવામાં આવી હતી એટલે અમે અમદાવાદ જઈને મારા દીકરાની અને તેની પત્નીની વસ્તુઓ લઈ આવ્યા છીએ. અમને અડધી બળેલી હાલતમાં તેમ જ ફાટી ગયેલી હાલતમાં દીકરાનાં લગ્નનું આલબમ મળ્યું છે. તેમનાં આધાર કાર્ડ અને પૅન કાર્ડ તેમ જ લંડન જવા માટેના ડૉક્યુમેન્ટ્સ પણ મળ્યાં છે. આ વસ્તુઓ બળી ગયેલી છે, પણ થોડી-થોડી ઓળખાતી હતી. મારા દીકરા અને તેની પત્નીના નામ અને ફોટો પરથી અમે તેમની વસ્તુઓ ઓળખી હતી અને એ લઈ આવ્યા છીએ.’
કમલેશ અને ધાપુ ચૌધરી હવે આ દુનિયામાં નથી. સવદાન ચૌધરી.
યાદ આવશે ત્યારે આ આલબમ જોઈશું
દીકરા-દીકરી ગમે એટલાં મોટાં થઈ જાય, મા-બાપ માટે તો તેઓ છોકરા જ રહેવાના અને જ્યારે જુવાનજોધ દીકરો અકાળ દુનિયા છોડીને પ્રભુના દરબારમાં પહોંચે છે ત્યારે એ વજ્રાઘાત સહન કરવો માતા-પિતા માટે કઠિન થઈ જાય છે. સવદાનભાઈ અને તેમનો પરિવાર પણ આ વજ્રાઘાત સહન કરી રહ્યા છે. જોકે હિંમત રાખીને સવદાનભાઈએ કહ્યું હતું કે ‘મારા દીકરા અને પુત્રવધૂની જે કંઈ વસ્તુ મળી છે એ બળી ગયેલી હાલતમાં છે તો પણ અમને એમ થાય છે કે તેમની યાદ અમારી સાથે છે. છેલ્લે જે વસ્તુઓ તેની પાસે હતી એ આ વસ્તુઓ હતી એટલે તેનાં લગ્નનું આલબમ, આધાર કાર્ડ, ડૉક્યુમેન્ટ્સને સ્ટોર કરીને મૂક્યાં છે. જ્યારે પણ દીકરાની કે પુત્રવધૂની યાદ આવશે ત્યારે આ વસ્તુઓ કાઢીને જોઈ લઈશું. દીકરાનાં લગ્નનું આલબમ બળેલી હાલતમાં મળ્યું છે. એમાં પુત્ર અને પુત્રવધૂનો અડધોપડધો ફોટો જ જોવા મળે છે. આ આલબમ પરથી અને તેના ડૉક્યુમેન્ટના ફોટો પરથી મારા દીકરા અને પુત્રવધૂની આ વસ્તુઓ અમે ઓળખી શક્યા હતા.’
દીકરી નથી તો તેની વસ્તુઓને લઈને શું કરું?
દીપાંશી ભદૌરિયા
અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટનામાં ભદૌરિયા પરિવારની એકની એક દીકરી દીપાંશી પણ ભોગ બની હતી. જોકે તેનો પરિવાર તેની ચીજવસ્તુઓ લેવા માટે અસમંજસમાં છે. ગુજરાતમાં પોલીસ-અધિકારી તરીકે ફરજ બજાવતા તેના પિતા સંદીપસિંહ ભદૌરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘મને ઍર ઇન્ડિયામાંથી ઈ-મેઇલ આવી છે. મેં વેબસાઇટ જોઈ હતી. એમાં બહુબધી ચીજો છે, પણ મેં હજી ક્લેમ કરી નથી. ફૅમિલી વિચારે છે કે ક્લેમ કરીને શું કરીએ? દીકરીનો પાસપોર્ટ મળ્યો છે, પણ દીકરી હવે નથી તો પાસપોર્ટ લઈને શું કરીશું.’