અમદાવાદમાં શરૂ થયું રેડિયો મ્યુઝિયમ

15 February, 2026 05:18 PM IST  |  Mumbai | Shailesh Nayak

હથેળીમાં સમાઈ જાય એવા કૉમ્પૅક્ટ રેડિયોથી લઈને અઢી-ત્રણ ફુટ લાંબા રેડિયો સહિતના ૧૨૦ જેટલા જાતભાતના રેડિયોનું કલેક્શન કર્યું છે રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલે

રેડિયો મ્યુઝિયમમાં મુકાયેલા અવનવા રેડિયો.

આજકાલ રેડિયો સાંભળનાર વર્ગ છે પરંતુ એ પહેલાંની તુલનામાં ઓછો છે. અત્યારે અત્યાધુનિક ગૅજેટ્સ આવી ગયાં છે જેમાં ઘણીબધી વસ્તુઓ સામેલ હોય જેના કારણે એક જમાનામાં વપરાત મસમોટા રેડિયોથી લઈને ટચૂકડા રેડિયો હવે તો ઘરમાં રાખવાનું ભુલાતું જઈ રહ્યું છે. એવા સમયે અમદાવાદમાં રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલે વર્લ્ડ રેડિયો દિવસે અમદાવાદમાં રેડિયો મ્યુઝિયમ શરૂ કર્યું છે જેમાં તેમણે હેરિટેજ કહી શકાય એવા ૧૨૦ જેટલા જાતભાતના રેડિયોનો ખજાનો રાખ્યો છે.

આજના સમયે પણ રેડિયોના કલેક્શન માટે સિદ્ધાર્થ પટેલ કાર્યરત રહે છે. તેમને રેડિયો મ્યુઝિયમ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે વાત કરતાં સિદ્ધાર્થ પટેલ ‘મિડ ડે’ને કહે છે, ‘અમદાવાદને જ્યારે હેરિટેજ સિટી જાહેર કર્યું ત્યારે મને થયું કે મારી પાસે ૧૨૦ જેટલા વર્ષો જૂના રેડિયોનું કલેક્શન છે. આ બધા રેડિયો પ્રીમિયમ ક્વૉલિટીના છે. તો આનું મ્યુઝિયમ બનાવવું જોઈએ. હેરિટેજ સિટી થયું તો રેડિયોનું હેરિટેજ મ્યુઝિયમ બનાવીએ. આવો વિચાર આવ્યો હતો એનો હવે મેળ પડ્યો છે અને વર્લ્ડ રેડિયો ડે પર ૧૩ ફેબ્રુઆરીએ અમદાવાદમાં રેડિયો મ્યુઝિયમનું ઓપનિંગ કર્યું જેનું નામ સર્વયોગમ્ રેડિયો મ્યુઝિયમ રાખ્યું છે.’    

સ્ક્રૅપમાં જતા રેડિયોને જોયા અને...

સ્વાભાવિક છે કે ઘરમાં કોઈ પણ નકામી વસ્તુઓ પડી હોય તો એને લોકો ભંગારમાં આપી દેતા હોય છે પણ રેડિયો સ્ક્રૅપમાં જતા જોઈને સિદ્ધાર્થ પટેલને થયું કે આ તો આપણો વારસો છે, એને સાચવવો જોઈએ. આવા કંઈક વિચાર સાથે તેમણે રેડિયોનું કલેક્શન શરૂ કરવાનું શરૂ કર્યું. આ મુદ્દે સિદ્ધાર્થ પટેલ કહે છે, ‘વર્લ્ડ વૉર વખતે વાલ્વવાળા રેડિયો આવતા હતા અને એ લોકપ્રિય બન્યા હતા. લાકડાના અને મોટા વાલ્વવાળા રેડિયો આવતા હતા. એ પછી ટેક્નૉલૉજી બદલાઈ અને નાના–કૉમ્પૅક્ટ રેડિયો આવ્યા. બધાને ખબર ન હોય કે આ આપણો વારસો છે, એને સાચવીને રાખીએ. એની સાથે યાદો રહેલી છે. પણ એવું નહીં થતાં રેડિયો સ્ક્રૅપમાં જતા હતા. એ વખતે ૧૯૮૧માં મેં પોસ્ટ-ગ્રૅજ્યુએશન અભ્યાસ પૂરો કર્યો હતો. મને નાનપણથી રેડિયો સાંભળવાનો બહુ શોખ હતો એટલે રેડિયોનું પ્રોડક્શન શરૂ કરવું હતું પણ મેં જોયું કે રેડિયો તો સ્ક્રૅપમાં જતા હતા તો હવે નવું પ્રોડક્શન કરીને કરવાનું શું? પરંતુ મનમાં એવું થયું કે જે રેડિયો સ્ક્રૅપમાં જાય છે એમાંથી કોઈ પ્રીમિયમ પીસ સારી કન્ડિશનમાં મળી આવે તો એ લઈ લેવો કેમ કે સ્ક્રૅપવાળા પાસે જે રેડિયો આવતા એમાંથી બે ત્રણ પીસ તો આવે જે સારી કન્ડિશનમાં હોય. આવા રેડિયોનું મેં કલેક્શન કરવાનું શરૂ કર્યું અને જૂના રેડિયોનું કલેક્શન કરવા લાગ્યો.’ 


રેડિયો મ્યુઝિયમ જોવા આવેલા લોકોને રેડિયો વિશે માહિતી આપી રહેલા સિદ્ધાર્થ પટેલ.

રેડિયો માટે લોકો સંપર્ક કરતા 

સિદ્ધાર્થ પટેલે રેડિયોનું કલેક્શન શરૂ કર્યું એ વાત લોકો સુધી પહોંચતાં જે લોકો પાસે રેડિયો આવતા તેઓ સિદ્ધાર્થ પટેલનો સંપર્ક કરતા હતા. આ બાબતે સિદ્ધાર્થ પટેલ કહે છે, ‘૧૯૮૦માં અમદાવાદથી મેં રેડિયો-કલેક્શન શરૂ કર્યું હતું. પછી તો મુંબઈ, ઉદયપુર, જયપુર સહિતનાં શહેરો અને ગામોમાંથી પણ સારી કન્ડિશનવાળા રેડિયો મળે એ હું ખરીદતો હતો. હું રેડિયો શોધતો હતો અને લોકોને ખબર પડી કે આ ભાઈ તો જૂના રેડિયો રાખે છે તો એવા લોકો મારો સંપર્ક કરતા હતા. મારે ત્યાં લોકો રેડિયો બતાવવા આવતા અને વેચવા આવતા, કેમ કે આ લોકોને ખબર હતી કે આ ભાઈ રેડિયોનું મૂલ્ય આપે છે, કિંમત નહીં. મને પણ રેડિયો ગમી જાય તો હું રાખી લેતો.’  

જૂના રેડિયોનો સંગ્રહ 

જૂના રેડિયો એકઠા કરવા વિશે સિદ્ધાર્થ પટેલ કહે છે, ‘મારી પાસે ૧૯૪૦થી ૧૯૮૦ સુધીના રેડિયો છે. આ વર્ષોની આગળના પણ રેડિયો છે પણ એની વિગતો મારી પાસે નથી. અત્યાર સુધીમાં મેં ૧૨૦ જેટલા રેડિયો એકઠા કર્યા છે. આ રેડિયો ચાલુ હાલતમાં છે. વિશ્વયુદ્ધ વખતના રેડિયો પણ છે. આ બધા વાલ્વવાળા રેડિયો છે. હથેળીમાં સમાઈ જાય એવા કૉમ્પૅક્ટ અને અઢીથી ત્રણ ફુટ લાંબા રેડિયો પણ મારા કલેક્શનમાં છે. મેટલના અને વુડનમાં બનેલા રેડિયો પણ મારા સંગ્રહાલયમાં છે. આ રેડિયો મારા માટે અમૂલ્ય છે.’

અપૉઇન્ટમેન્ટ લઈને જોઈ શકાશે મ્યુઝિયમ

સ્વાભાવિક છે કે રેડિયોનું આવું મ્યુઝિયમ બને તો એને જોવાની ઇચ્છા ઘણાબધાને થાય, પરંતુ એ માટે તમારે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે. સિદ્ધાર્થ પટેલ કહે છે ‘આ મારું પ્રાઇવેટ રેડિયો મ્યુઝિયમ છે. જોકે આ મ્યુઝિમય જોવા આવનારા પાસેથી કોઈ ફી લેવાનો નથી કેમ કે આ મારો શોખ છે. હું મારી વેબસાઇટ બનાવવાનો છું જેમાં મ્યુઝિયમ જોવા માટેના ટાઇમિંગ લખાશે. એટલે જેમણે રેડિયો મ્યુઝિયમ જોવું હશે તેમને અપૉઇન્ટમેન્ટ લઈને આવવા દેવામાં આવશે. એ પછી રેડિયો કલેક્શન જોઈ શકશે. કોઈ પણ વ્યક્તિને રેડિયો-કલેક્શન જોવું હોય તો આવી શકે છે.’

columnists gujarati mid day shailesh nayak technology news tech news lifestyle news life and style