AIનો અતિરેક જીવનનો સામનો કરતાં નહીં શીખવે

11 December, 2025 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું નથી કે માત્ર સ્ટુડન્ટ્સ જ, હવે તો ટીચર પણ AI પાસે પોતાના સિલેબસ અને નોટ્સ બનાવતા થયા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજે સ્ટુડન્ટ્સ હોય કે ટીચર, બધા જ પોતાનાં કામ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પાસે કરાવતા થયા છે. સ્ટુડન્ટ્સના મનમાં સવાલ જાગે તો તેઓ ChatGPTને કે બીજા AI ટૂલને પૂછી લે છે. પોતાના પ્રેઝન્ટેશન બનાવવાથી લઈને પોતાના આન્સર્સ પણ AI પાસે લખાવી રહ્યા છે. તેમને હવે ટીચરની જરૂર જ નથી લાગી રહી. ક્લાસરૂમમાં નહીં ભણી શક્યા તો ઘરે જઈને AI પાસેથી ભણી લઈશું. પોતાના પ્રૉબ્લેમ્સ શૅર કરવા માટે તેઓ ફ્રેન્ડ્સ પાસે નહીં પણ AI પાસે જવા માંડ્યા છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે AI તેમને ખરાબ નહીં પણ સારું જ ફીલ થાય એવા જવાબ આપશે. AI તેમને જીવનની કઠણ વાસ્તવિકતાઓને બદલે તેમને ફીલગુડ ફીલ કરાવતી વાતો જ જવાબમાં કહેશે. એક અજીબોગરીબ વર્ચ્યુઅલ વર્લ્ડ ઊભું થઈ રહ્યું છે. માણસો એકબીજાની સાથે છે પણ આઇસોલેટેડ પણ છે. પરસ્પર રિયલ કમ્યુનિકેશન ઘટ્યું છે અને AI સાથેની ઘનિષ્ઠતા વધી રહી છે.

એવું નથી કે માત્ર સ્ટુડન્ટ્સ જ, હવે તો ટીચર પણ AI પાસે પોતાના સિલેબસ અને નોટ્સ બનાવતા થયા છે. ટૉકિંગ પૉઇન્ટ પણ AI બનાવી આપે. એટલે કોઈ પણ વિષયના ઊંડાણમાં જવાની તો વાત જ નથી આવતી. સ્ટુડન્ટ્સ પણ ઉપરછલ્લા રહે છે અને ટીચર્સ પણ. દરેક પ્રશ્નનું સમાધાન હવે માત્ર વર્ચ્યુઅલી મેળવી શકાય એ સરળતાએ લોકોનું રિયલ વર્લ્ડ સાથેનું કનેક્શન તોડ્યું છે અને એ બાબત ગંભીર છે. માણસ ઇમોશન્સ સાથે જીવે છે અને ઇમોશન્સ કનેક્શન્સથી બને છે. જો તમે કોઈ સાથે ક્યારેય જોડાશો જ નહીં તો જીવનનો સામનો કરવાની ક્ષમતા માત્ર વર્ચ્યુઅલ તમારા મનગમતા જવાબોથી નહીં ખીલે. જરૂર છે આજે ફરી એક વાર વધુ ને વધુ કનેક્શન બિલ્ડ થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ ઇન્ટ્રોડ્યુસ કરવાની. સ્કૂલો દ્વારા હવે પ્રયાસ થવા જોઈએ કે તેઓ સ્ટુડન્ટ્સને તેમની બેન્ચ પરથી ઊઠવું પડે અને કોઈક સાથે કમ્પલ્સરી વાત કરવી જ પડે એવી પ્રવૃત્તિઓ ઇન્ટ્રોડ્યુસ કરે. તમારે પ્રયાસ કરવા પડશે જેમાં બાળકોમાં ફીલિંગ્સનો મહિમા વધે. ઇમોશન્સ અને સોશ્યલ કનેક્શન્સના મહત્ત્વને ફરીથી એસ્ટૅબ્લિશ કરવાનો સમય આવી ગયો છે.

 

- ડૉ. કવિતા સંઘવી (અત્યારે એજ્યુકેશનને લગતા એક ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં ડૉ. કવિતા સંઘવી મુંબઈની અગ્રણી સ્કૂલ અને કૉલે‌જિસમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી ચૂક્યાં છે.)

ai artificial intelligence Education columnists exclusive gujarati mid day