કામ કરો છો કે પછી કામના નામે ટાઇમપાસ કરો છો?

14 February, 2021 08:02 AM IST  |  Mumbai | Bhavya Gandhi

કામ કરો છો કે પછી કામના નામે ટાઇમપાસ કરો છો?

અક્ષયકુમાર. તમે તેને જુઓ તો પણ તેના પ્રેમમાં પડો અને તમે તેને મળો તો તમારો પ્રેમ બમણો થઈ જાય. તમે તેની આદત અને તેનો સ્વભાવ જાણો તો આ પ્રેમ ત્રણગણો વધારે થઈ જાય. તેના કામથી લઈને તેનો દેશપ્રેમ અને તેના ફૅમિલી માટેના પ્રેમને જોઈને તમને એનાથી રિસ્પેક્ટ જ થાય. તમને મનમાં થઈ આવે કે તમે તો આ બધા માટે કશું કરતા નથી. હું તો કહીશ કે હું અક્ષયકુમારનો જબરદસ્ત મોટો ફૅન છું અને બધેબધી બાબતમાં તેનો ફૅન છું. ખરેખર આ માણસ પાસેથી પુષ્કળ શીખવા જેવું છે. તેનું ડેડિકેશન, તેની નિષ્ઠા, તેની ફૅમિલી પ્રત્યેની રિસ્પૉન્સિબિલિટી અને તેના પ્રત્યેની તેની નિષ્ઠા એ બધા ઉપરાંત તેની પોતાના કામ પ્રત્યેની તમામ પ્રકારની ક્લૅરિટી. ટાઇમ મૅનેજમેન્ટથી લઈને ડાયટ સુધી. આ માણસ પાસેથી બધેબધું શીખવા જેવું છે. હું તો કહીશ કે અક્ષયકુમાર પાસે એટલું શીખવા જેવું છે કે તે આઇઆઇએમ જેવી ઇન્સ્ટિટ્યૂટે કૉલેજના સિલેબસમાં તેનો સમાવેશ કરવો જોઈએ. અક્ષય એક આદર્શ રોલ મૉડલ બનવાની બધી ક્વૉલિટી ધરાવે છે. હું તો કહીશ કે તેનામાં જેટલી ક્વૉલિટી છે એ ક્વૉલિટીમાંથી જો અડધી ક્વૉલિટી પણ હોય તો માણસ પોતાના જીવનમાં નવી ઊંચાઈઓ મેળવી લે. સૌથી પહેલી જો કોઈ વાત આપણે બધાએ શીખવી જોઈએ તો એ છે અક્ષયકુમારનું ટાઇમ મૅનેજમેન્ટ.

ટાઇમ મૅનેજમેન્ટની બાબતમાં અક્ષયકુમાર ગજબનાક છે. આ ટાઇમ-ટેબલ બીજા કોઈએ નહીં, પણ અક્ષયે પોતે ગોઠવ્યું છે. કોઈ મૅનેજર નહીં, કોઈ પ્રોડ્યુસર નહીં અને ક્યાંય કોઈ ફૅમિલી મેમ્બરનો પણ હાથ નહીં. અક્ષયે જાતે જ એ બનાવ્યું છે અને એ બનાવવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. આ ટાઇમ-ટેબલમાં કોઈ જાતનો ફેરફાર ન થાય એની ચીવટ બીજું કોઈ નહીં ,પણ અક્ષય પોતે જ રાખે છે. આ ટાઇમ-ટેબલ ડિસ્ટર્બ કરે એવું કંઈ હોય તો એને છોડી દેતાં પણ તે અચકાતો નથી. તમને તેનું ડેઇલી રૂટીન ખબર ન હોય તો એ એક વાર વાંચી લો. આ રૂટીન જાણ્યા પછી એને ફૉલો કરવાનું શક્ય હોય તો એ કરજો. ખરેખર લાઇફ એકદમ સિસ્ટમૅટિક થઈ જશે.

રોજ સવારે ૪ વાગ્યે જાગવાનું અને પછી એક્સરસાઇઝ કરવાની. વૉકિંગ, જૉગિંગ, રનિંગ અને માર્શલ આર્ટ તેનું ડેઇલી રૂટીન છે. જો બહાર એવી કોઈ જગ્યા હોય જ્યાં તેને ઓળખતા હોય એવા લોકો ઓછા હોય તો અક્ષય સવારના પહોરમાં સાઇક્લિંગ કરવા નીકળી જાય, પણ મુંબઈમાં પણ વૉકિંગ, જૉગિંગ, રનિંગ અને બીજી એક્સરસાઇઝ થાય જ થાય. એમાં ફેરફારને કોઈ અવકાશ નથી. સવારે જાગીને સૌથી પહેલું કામ બૉડીને રિચાર્જ કરવાનું હોય. અત્યારે બધા આ વાત માનશે, પણ પછી, પછી બે જ દિવસમાં વાત ભૂલી જશે. નવું-નવું જિમ જૉઇન કરનાર પહેલા બે દિવસ ઉત્સાહથી જિમમાં જાય છે, પણ પછી ત્રીજા દિવસે જિમમાં જવાનું ટાળવાનું બહાનું આગલી રાતથી શોધવા માંડતા હોય છે. ટાઇમ-ટેબલ પાળવું એ દરેકનો ધર્મ છે. એક વાત યાદ રાખજો કે નિયમ બનાવવા અને એનું પાલન કરવું એ માત્ર માણસ જ સમજે છે. જો તમે નિયમો બનાવતા ન હો અને જો તમે એનું પાલન ન કરતા હો તો તમારે તમારી જાતને માણસમાં ન ગણવી જોઈએ.

સૉરી, ખરાબ લાગ્યું હોય તો પણ આ રિયલિટી છે એટલે તમને કહ્યું. અક્ષયકુમારને જોશો તો તમે પણ આ વાત સ્વીકારી લેશો અને માનશો પણ ખરા કે નિયમોનું પાલન કરવું એ આપણી પહેલી ફરજ છે. ટાઇમ-ટેબલ નિયમ છે, ટાઇમ-ટેબલ લાઇફ શેડ્યુલ છે અને એ નિયમને સાચવવો એ આપણી ફરજ છે. પોતાના ટાઇમ-ટેબલમાં અક્ષયે બીજી પણ એક વાત નક્કી રાખી છે.

કામના ફિક્સ કલાક. હા, કામ વધી જાય તો પણ એ જ કલાકોમાં એને સેટ કરવાના, પણ કામના કલાકો નહીં વધારવાના.

બહુ, બહુ અને બહુ જરૂરી છે આ અને એ પણ ખાસ કરીને આજના સમયમાં. આજે ચારે બાજુએ હરીફાઈ છે અને કોવિડના આ પિરિયડમાં તો લોકો પાસે કામ પણ નથી રહ્યાં. કામ નથી એટલે હરીફાઈ પણ ખૂબ વધી ગઈ છે. આ હરીફાઈમાં ટકવાનું કામ ખૂબ અઘરું થઈ ગયું છે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે તમે બધું ભૂલી જાઓ અને તમારી ફૅમિલીને પણ ભૂલીને માત્ર કામ જ કર્યા કરો. કામ કરવાનું છે અને કરતા રહેવાનું છે, પણ બધું ભૂલીને નહીં, એના સમયે જો તમારી ઇચ્છા હોય તો તમે એ ચોક્કસ કલાકોમાં પૂરતું કામ કરી શકો છો અને એ કામ કરીને તમે તમારે માટે કે તમારી ફૅમિલી માટે પૂરતો સમય પણ ખર્ચી શકો છો. મારી દૃષ્ટિએ એ કરવું જ જોઈએ. હમણાં જ મારે એક એવી વ્યક્તિ સાથે વાત થતી હતી જેની પાસેથી બહુ મહત્ત્વની કહેવાય એવી વાત જાણવા મળી. બધા વીકમાં એક દિવસ રજા રાખે છે. કારીગરો જેવા કારીગરો પણ અમાસ અને પૂનમ જેવા દિવસે રજા રાખે છે, પણ આજે થ્રૂઆઉટ આખું વર્ષ કામ કરનારાઓ ખૂબ વધી ગયા છે. ખોટું કરીએ છીએ આપણે. આવું કરીને ફૅમિલીને પણ અન્યાય કરીએ છીએ અને જાતને પણ આપણે અન્યાય કરીએ છીએ.

એક નાનકડી વાત કહું તમને. ૮ કલાક કામ કરવામાં આપણે એટલા ઠાગાઠૈયા કરીએ છીએ કે રિયલમાં આપણે એ ૮ કલાકમાંથી માંડ ૩ કલાક કામ કરતા હોઈએ છીએ અને એટલે બનતું એવું હોય છે કે કામ ખેંચાયા જ કરે અને મન પર કામનો બોજ રહ્યા કરે. ના, નહીં કરો એવું. અક્ષયકુમાર સેટ પર ગપ્પાં નથી મારતો. મોબાઇલ પર સર્ફિંગ કરતો નથી. ચૅટ કરતો પણ જોવા નહીં મળે. તે પોતાનું કામ કરે અને માત્ર પોતાનું જ કામ કરે. ખોટી જગ્યાએ ક્યાંય સમય વેડફે નહીં એટલે કામ એક્ઝૅક્ટ સમયે પૂરું થઈ જાય. જેવું કામ પૂરું થાય કે તરત પોતાનું બીજું કામ શરૂ કરી દે. કામના સમયને માત્ર કામમાં ખર્ચવાના. આ ભાઈબંધને મળી લીધું અને વચ્ચે અડધો કલાક ફ્રેશ થવા ગૉસિપ કરી લીધી એવું તેનામાં નથી આવતું અને એ નથી આવતું એટલે એ બધી જગ્યાએ પોતાની હાજરી આપી શકે છે.

કામના કલાકો નક્કી છે તો એની સાથોસાથ એ પણ નક્કી છે કે તે મોડે સુધી કામ નહીં કરે. તમે માનશો નહીં કે અક્ષયકુમાર પહેલાં જ ક્લિયર કરી નાખે કે તારી સ્ક્રિપ્ટમાં ક્યાંય રાત છે નહીં એટલે હું નાઇટ નહીં ફાળવું. ધારો કે નાઇટ-સીક્વન્સ હોય તો એ પણ તે જોઈ લે કે આ સીક્વન્સ દિવસે થઈ શકે એમ છે કે નહીં. એવું નથી કે એ રાતે કામ નથી કરતો એટલે રાતનો સમય પોતાને ફાળવે છે. ના, જરાય નહીં. રાતે કામ નથી કરતો એટલે એ રાતે કોઈ જાતની પાર્ટીમાં પણ નથી જતો. મોટા ભાગના સ્ટાર્સ તમને રાતના સમયે બહાર ફરતા કે ભટકતા જોવા મળે, પણ અક્ષય તમને ક્યાંય જોવા નહીં મળે. એક બહુ જાણીતી વાત કહી દઉં. કરણ જોહર અક્ષયકુમારને પોતાના ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’માં લાવવા માગતો હતો. અક્ષયે શરત મૂકી કે ‘મને આવવામાં વાંધો નથી, પણ જો તું સવારે ૭ વાગ્યે શૂટ કરે તો.’ ‘કૉફી વિથ કરણ’નું શૂટ જ રાતના સમયે શરૂ થતું, પણ અક્ષય આવવાનો હતો એટલે એ દિવસે સવારે શૂટ ગોઠવાયું અને એ શૂટ માટે કરણ જોહરે બે દિવસ સવારે વહેલા જાગવાની પ્રૅક્ટિસ કરી હતી!

એવું નથી કે અક્ષય સંબંધો રાખવા પાર્ટીમાં જતો નથી. એ જાય, પણ કમ્પલ્સરી હોય તો અને જો એવું બને તો રાતે ૮ વાગ્યે ઘરે પાછો આવી જાય છે. હા, બીજી એક ખાસ વાત, અક્ષયકુમાર ફૂડની બાબતમાં જૈન છે. તે સાંજે ૬ વાગ્યા પછી ફૂડ નથી ખાતો. એ પછી ભૂખ લાગે તો પણ સિલેક્ટેડ વેજિટેબલ્સ અને કાં તો સિલેક્ટેડ ફ્રૂટ્સ અને કાં તો દૂધ. તમે માનશો નહીં કે અક્ષયકુમારે સાકર ખાવાનું લગભગ ૧૫ વર્ષથી છોડી દીધું છે. તે બિલકુલ સાકર ખાતો નથી. તેના ઘરે ચા બને છે એ પણ ઑર્ગેનિક ગોળમાંથી બને છે અને એનો હું સાક્ષી છું. અક્ષયકુમારની એક બીજી બહુ સરસ વાત હોય તો એ કે હું કોઈની રાહ જોઈશ નહીં અને કોઈને રાહ જોવડાવીશ નહીં. આ નિયમે પણ અક્ષયકુમારને એક નવી ઊંચાઈ આપી છે. જીવનમાં એક વખત આ નિયમ પાળવાની કોશિશ કરજો. તમને ગૅરન્ટી સાથે કહું છું કે તમારું માન વધશે અને તમે પણ કોઈને માન આપો છો એ સ્પષ્ટ દેખાઈ આવશે. અક્ષયકુમારની બીજી પણ અનેક ક્વૉલિટી છે અને એની ચર્ચા આપણે આવતા વીકમાં કરીશું, પણ ઍટ લીસ્ટ, આ કે આવી કોઈ એક ક્વૉલિટી સ્વીકારીને રાખશો તો ખરેખર લાઇફ સારી અને સાચી રીતે જીવવા જેવી લાગશે. તમારી આજુબાજુના કોઈને એવું પણ નહીં લાગે કે તમે તેની સાથે રહીને ઉપકાર કરી રહ્યા છો. બીજા કોઈને નહીં લાગે અને તમને પણ લાઇફ ભારરૂપ નહીં લાગે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Bhavya Gandhi