માતૃત્વ, કારકિર્દી, નો કિડ્સ અને સિંગલ મધર્સ

11 November, 2025 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા સમાજમાં બાળકો માટે કારકિર્દી છોડી દેવાની અપેક્ષા સ્ત્રી પાસે જ રાખવામાં આવે છે, પછી તે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી હોય કે ઉચ્ચ શિક્ષિત હોય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માતા પોતાના સંતાનને કેટલો સમય આપે છે એ માત્ર પ્રેમનો પ્રશ્ન નથી; એ બાળકના માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસનો આધાર પણ છે. ખવડાવવું, નવડાવવું, ભણાવવું, રમતો રમવી, વાતો કરવી જેવી સામાન્ય બાબતો પણ બાળકમાં આત્મવિશ્વાસ ઊભો કરવા માટે જરૂરી છે. માતાનો સહવાસ બાળકને લાગણીશીલ બનાવવા પણ જરૂરી છે.

જોકે આજના સમયમાં સ્ત્રી માટે આ ફરજ નિભાવવી અઘરી થઈ પડે છે. કામકાજને કારણે તેણે અનિચ્છાએ પણ બાળકથી દૂર રહેવું પડે છે. કુટુંબનાં અને બાળકનાં સપનાં પૂરાં કરવા માટે તે આર્થિક ટેકો આપવા ઇચ્છે છે. આજની સ્ત્રી શિક્ષિત છે, કોઈક ને કોઈક ક્ષેત્રમાં પારંગત છે, નોકરી-ધંધો કે કોઈ વ્યવસાય સંભાળી શકે એવી સક્ષમ છે. તેની ક્ષમતાનો ઉપયોગ બાળકના વધુ સારી રીતે ઉછેર માટે કેમ ન કરી શકે? શિક્ષિત માતાઓ બાળક સાથે વધુ ક્વૉલિટી ટાઇમ વિતાવે છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે આજની માતા વધુ સ્પષ્ટ હોય છે. ઘરની અને જૉબ કે બિઝનેસની જવાબદારી તે યોજનાબદ્ધ રીતે નિભાવી શકે છે.

સાથે એ પણ હકીકત છે કે કામ કરતી માતાઓ ઘણી વાર ઘર અને વ્યવસાય વચ્ચે સંઘર્ષ અનુભવે છે. બન્ને ક્ષેત્રમાં એકસરખું ધ્યાન આપવું સ્વાભાવિક રીતે જ મુશ્કેલ હોય છે. છતાં બન્ને ક્ષેત્રમાં શ્રેષ્ઠ આપવાની તેની પોતાની અપેક્ષા જ તેને થકવી દે છે. આવામાં જો કુટુંબનો સહયોગ પૂરતો ન હોય તો જીવન જાણે એક મહાસંગ્રામ બની જાય છે જ્યાં ફરજ અને મહત્ત્વાકાંક્ષા આમને-સામને ઊભાં રહે છે. પતિ અને કુટુંબીજનોનો સહકાર આ વખતે બહુ જરૂરી હોય છે.

આપણા સમાજમાં બાળકો માટે કારકિર્દી છોડી દેવાની અપેક્ષા સ્ત્રી પાસે જ રાખવામાં આવે છે, પછી તે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી હોય કે ઉચ્ચ શિક્ષિત હોય. કામકાજ છોડનારી સ્ત્રીઓ અંગેના એક સર્વે મુજબ ૪૪ ટકા સ્ત્રીઓએ ઘરકામ અને બાળસંભાળને જ મુખ્ય કારણો જણાવ્યાં હતાં. બદલાતા સમય સાથો માતૃત્વનો અર્થ કારકિર્દીનો ત્યાગ નહીં એમ સમજવું જરૂરી નથી લાગતું? પતિ-પત્ની જીવનરથનાં બે પૈડાં છે એ વાત ફક્ત કાગળ પર જ રહી ન જવી જોઈએ.

બાય ધ વે, તદ્દન બીજા છેડે બાળકની ઇચ્છા ન ધરાવતાં ‘નો કિડ્સ કરીઅર કપલ્સ’ અને માતૃત્વ માટે લગ્ન જરૂરી નથી એવું માનતી સિંગલ મધર્સનો ટ્રેન્ડ સમાજશાસ્ત્રીઓ માટે ઊંડા અભ્યાસનો વિષય નથી લાગતો?

columnists exclusive gujarati mid day