24 December, 2025 11:12 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકાને ‘એ’ એટલે એડ્વાન્સમેન્ટ-પ્રગતિ. ‘એમ’ એટલે માઈટ-શક્તિ, ઈ એટલે એન્કરેજમેન્ટ-પ્રોત્સાહન. આર એટલે રાઈટ-હક. આઈ એટલે ઈન્ડિપેન્ડન્સ-સ્વતંત્રતા. સી એટલે કો-ઑપરેશન-સહયોગ અને છેલ્લો એ એટલે અચીવમેન્ટ-સિદ્ધિ. આમ અમેરિકા એટલે પ્રગતિ, શક્તિ, પ્રોત્સાહન, હક, સ્વતંત્રતા, સહયોગ અને સિદ્ધિ. આટઆટલા ગુણો અમેરિકા ધરાવે છે અને એટલે જ વિશ્ર્વના બધા જ લોકોને અમેરિકા જવાની ઈચ્છા, એ દેશ જોવાની ઈચ્છા, ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણવાની ઈચ્છા, સિલિકોન વેલીમાં કમ્પ્યુટર પ્રોફેશનલ તરીકે કામ કરવાની ઈચ્છા જાગે છે.
અમેરિકા દેશ શોધાયો ત્યારે સૌપ્રથમ યુરોપ અને ઈંગ્લેન્ડના રહેવાસીઓને થઈ અને એમણે આ સિદ્ધિ અપાવે એવા દેશ પ્રત્યે દોટ મૂકી. ત્યાર બાદ અમેરિકાના ચીનમાંથી ચાઈનીઝોએ અમેરિકા ભણી દોટ મૂકી. જાપાનમાંથી મજૂરો આ સિદ્ધિ ધરાવતા દેશમાં નોકરીની તકો હોવાના કારણે ત્યાં જવા લાગ્યા. અને પછી તો વિશ્ર્વના બધા દેશોમાંથી લોકોનો ધસારો અમેરિકા પ્રત્યે થયો.
ધસારો ખાળવા માટે અમેરિકાને જુદા જુદા કાયદાઓ ઘડવાની જરૂરિયાત લાગી. એમણે ૧૯૫૨માં ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ ઘડ્યો અને અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતા પરદેશીઓનું નિયંત્રણ કરવાનું શરૂ કર્યું. અમેરિકાની ઈમિગ્રેશનને લગતી બારાખડીના અક્ષરો જો તપાસીએ તો આપણને જાણ થશે કે ‘એ એટલે ‘અમેરિકા, ‘બી એટલે ‘બર્થ ટૂરિઝમ, સી એટલે ‘ચેન્જ ઓફ સ્ટેટસ, ડી એટલે ‘ડિપેન્ડન્ટ ચાઈલ્ડ, ઈ એટલે ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ, એફ એટલે ‘ફેમિલી બેઝ્ડ, જી એટલે ‘ગ્રાઉન્ડ ઓફ ઈનએડ્મિસિબિલિટી, એચ એટલે હ્યુમનિટેરિયન રિઝન્સ, આઈ એટલે ઈલ્લિગલ, જે એટલે જોઈન્ટ એપ્લિકેશન, કે એટલે કબૂતરબાજી, એલ એટલે લિગલ, એમ એટલે મિલિટરી, એન એટલે નોન-ઈમિગ્રન્ટ ઈન્ટેન્શન, ઓ એટલે ઓવરસ્ટે, પી એટલે પ્રોયોરિટી ડેટ, ક્યૂ એટલે ક્વેશ્ર્ચશન્સ એટ ઈન્ટરવ્યૂ, આર એટલે રિટર્નિંગ રેસિડન્ટ, એસ એટલે સબસ્ટિટ્યૂશન, ટી એટલે ટૂરિસ્ટ, યુ એટલે અનલૉફુલ, વી એટલે વિઝા, ડબ્લ્યુ એટલે વેવર, એક્સ એટલે ઝેરોક્સ કૉપી, વાય એટલે યર ટુ વેઈટ અને ઝેડ એટલે ઝીરો ટોલરન્સ. આમ આ બારાખડીમાં અમેરિકા એટલે શું? એ અને એનો ઈમિગ્રેશનનો કાયદો સમાયેલો છે.
જો તમારે અમેરિકામાં ટૂંક સમય માટે યા કાયમ માટે જવું હોય તો અમેરિકાની આ બારાખડીના અક્ષરોના અર્થો તમારે જાણી લેવા જોઈએ, જેથી તમને નોન-ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ વિઝા મેળવવામાં મુશ્કેલી ન નડે.