10 December, 2025 02:17 PM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં છે. એટલે જ તો અમેરિકા ઇમિગ્રન્ટ્સનો દેશ કહેવાય છે. દુનિયાના જે લોકો જુદા-જુદા દેશોમાંથી સ્થળાંતર કરે છે એમાંથી ૧૯ ટકા લોકો અમેરિકામાં સ્થળાંતર કરે છે. ગેરકાયદેસર પણ એનાથી બમણા કે વધુ લોકો અમેરિકામાં સ્થળાંતર કરે છે. અમેરિકા દેશ જ એવો છે કે ત્યાં સુખ-સંપત્તિ અને સાહ્યબી છે. તમે જો મહેનત કરવા રાજી હો અને તમારામાં થોડી પણ આવડત હોય તો તમે આકાશને આંબી શકો છો.
ભારતીયો પણ અમેરિકા જવા એટલા માટે જ પ્રેરાય છે, પણ અમેરિકા બધા જ લોકોને પોતાને ત્યાં આવવા દે તો પછી એ દેશ ઊભરાઈ જાય. આથી અમેરિકાએ સ્થળાંતરનો જે કુદરતી નિયમ ‘પુશ ઍન્ડ પુલ’ હતો એને બાજુએ મૂકીને ‘ધ થિયરી ઑફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવ્યો છે. કૌટુંબિક સંબંધો દ્વારા એમ્પ્લૉયમેન્ટ પ્રેફરન્સ દ્વારા અને કાયમ રહેવા કેટલા લોકો દર વર્ષે જઈ શકે? કેટલા લોકો નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર જઈ શકે? આ બધું નક્કી કર્યું છે.
આ જે સંખ્યા નક્કી કરવામાં આવી છે એનાથી અનેકગણી વધુ સંખ્યામાં લોકો અમેરિકામાં જાય છે. આથી જ થોડા સમયથી અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં ખૂબ બદલાવ આવ્યો છે. કડપ દાખવવામાં આવ્યો છે. આ કડપ એટલોબધો વધી ગયો છે કે રસ્તે ચાલતા અમેરિકનો તેમને કોઈ ઇન્ડિયન, એશિયન, ચાઇનીઝ, જૅપનીઝ કે પછી અફઘાન દેખાય તો તેને પૂછે છે કે ‘હુ આર યુ?’ તમે કોણ છો?’
જો તમારી પાસે તમે કાયદેસર અમેરિકામાં છો એ દેખાડવાના પુરાવા ન હોય તો એ તમને અરેસ્ટ કરી પોલીસ-સ્ટેશનમાં લઈ જશે, ત્યાં પૂછપરછ કરશે. કદાચ તમને એકાદ-બે દિવસ ડીટેઇન પણ કરે, પછી તેમને ખાતરી થાય કે તમે અમેરિકામાં કાયદેસર છો તો જ તમને છોડશે. જો ગેરકાયદેસર હશો તો તમને દેશનિકાલ પણ કરશે.
જો તમે અમેરિકામાં હો, સિટિઝન હો, ગ્રીન કાર્ડધારક હો, નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર રહેતા હો તો જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમે કાયદેસર અમેરિકામાં છો એ દર્શાવતા દસ્તાવેજો તમારી સાથે રાખજો જેથી તમને કોઈ પૂછે કે કોણ છો તો તમે ફટ દઈને તમારો અમેરિકાની સરકાર દ્વારા આપવામાં આવેલો પાસપોર્ટ દેખાડી શકો; તમારું નૅચરલાઇઝેશન સર્ટિફિકેટ દેખાડી શકો; તમારું ગ્રીન કાર્ડ દેખાડી શકો; તમારો L-1 વીઝા, H-1B વીઝા, F-1, B-1/B-2 વીઝા દેખાડી શકો.
ખ્યાલ રાખજો, તમને ‘તમે કોણ છો?’ એવું પૂછવામાં આવી શકે છે. તમે હંમેશાં તમારી પાસે એના ડૉક્યુમેન્ટ્સ રાખજો.