28 November, 2025 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ઍર ફોર્સના પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો પરિવાર અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો ત્યારની ફાઇલ તસવીર
ગયા શુક્રવારે દુબઈ ઍર-શોમાં ઇન્ડિયન ઍરફોર્સનું ફાઇટર જેટ તેજસ હવાઈ કરતબ દરમ્યાન આગનો ગોળો બનીને તૂટી પડ્યું ત્યારે એના તેજસ્વી યુવાન પાઇલટ નમાંશ સ્યાલની જિંદગી પણ એ અગનગોળામાં ખાખ થઈ ગઈ હતી. એક કાબેલ, અનુભવી કારકિર્દી પર પૂર્ણવિરામ અને એક પરિવારની પ્રસન્નતા પર પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું. વિંગ કમાન્ડર નમાંશ સ્યાલને વિદાય આપતી વેળા તેમની પત્ની વિંગ કમાન્ડર અફશાનની મૂક વેદના કરોડો ભારતીયોનાં હૈયાં વીંધી ગઈ. વરદીને અનુરૂપ મક્કમતા અકબંધ હોવા છતાં વહાલમની વિદાયે તેના ચહેરા પર પાડેલા વેદનાના ચાસ જોનારની આંખો ભીંજવી ગયા.
પણ એકવીસમી નવેમ્બરના એ શુક્રવારે દુબઈમાં એક અન્ય વ્યક્તિએ સંવેદનશીલ માણસોનાં દિલ જીતી લીધાં. જોગાનુજોગ માણસાઈથી છલકતો તે ભાવુક ટીમ કમાન્ડર અમેરિકાનો બાશિંદો છે.
ભારતીય જેટ તેજસની દુર્ઘટના અને વિંગ કમાન્ડર નમાંશના મૃત્યુ પછી પણ દુબઈ ઍર-શો રાબેતા મુજબ જ ચાલતો રહ્યો ત્યારે અમેરિકાથી ઍર-શોમાં ભાગ લેવા આવેલી એફ ૧૬ વાઇપર ડેમોન્સ્ટ્રેશન ટીમના કમાન્ડર મેજર હિસ્ટર (હિઝર)ને આઘાત લાગ્યો. ઍર-શોના ઉલ્લાસ અને એક્સાઇટમેન્ટભર્યા ધમધમાટથી દૂર એક ખૂણે ઊભેલી લીડરવિહોણી ઉદાસ ભારતીય ટીમ અને બાજુમાં પાર્ક કરેલી ગુમસૂમ કારમાં રેઢી પડેલી કમાન્ડર નમાંશની ચીજો હિસ્ટરને હચમચાવી ગઈ. તેણે ભારતીય ટીમની દુ:ખની એ પળોમાં સહભાગી થવા, તેમનો સાથ આપવા પોતાની ટીમનો પર્ફોર્મન્સ રદ કરીને અમેરિકા પાછા ફરવાનો નિર્ણય કર્યો.
પોતાના આ નિર્ણય વિશે હિસ્ટરે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ત્યારે તેને એ વિચાર આવ્યો હતો કે નમાંશની જગ્યાએ તે પણ હોઈ શકત અને તેની ટીમને તેના વગર પાછા ફરવું પડ્યું હોત! એ પળોમાં પોતાના અવસર કે ઉજવણી બાજુએ રાખીને બીજાના દુ:ખની પળોમાં તેમના પડખે ઊભા રહેવાની ખાનદાની આજે ભૂતકાળ બની ગઈ છે ત્યારે એક અમેરિકન પાઇલટે ભારતીય પાઇલટના સાથીઓ અને સ્નેહી-સ્વજનોની લાગણીનો વિચાર કર્યો. તે પણ ‘શો મસ્ટ ગો ઓન’માં તો માનતો હતો, પરંતુ દુ:ખની પળોમાં સાથ અને હૂંફની અગત્ય પણ સમજતો હતો. એ આઘાતજનક પળોમાં તેણે કમાન્ડર નમાંશના સ્વજનોની લાગણીનો વિચાર કર્યો! મૃત્યુના મૌનનું સન્માન કર્યું. સલામ તે અમેરિકન પાઇલટની સંવેદના અને ખેલદિલીને.
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)