માનાં ચરણે મને માંગલ્ય મળે

12 May, 2025 06:58 AM IST  |  Mumbai | Hiten Anandpara

ન સ્મિત છે કે જે સરખાવું લાડલી સાથે, ન કોઈ વસ્ત્ર અહીં માના સાડલા જેવું- ડૉ. પ્રણય વાઘેલા

પ્રતીકાત્મક તસવીર

જેને આખો યુગ અર્પણ કરીએ તોય ઓછો પડે એવી માતાને દર વર્ષે મધર્સ ડે નિમિત્તે આપણે વિશેષ યાદ કરીએ છીએ. ઓછી નોંધાયેલી અને આ કટાર માટે ખાસ લખાયેલી કેટલીક પંક્તિઓ સાથે માતૃદિવસની ઉજવણીમાં આપણી લાગણીનું ચરણામૃત ધરીએ. ભારતી ગડા અસીમનું સરનામું આપે છે... 

કરી શોધ ઈશ્વરની મંદિરમાં પણ

મળે તીર્થ સઘળાંમાના ચરણમાં

હતુંમાના ચહેરા ઉપર સ્મિત તોયે

પીડા છે ઘણી બાળના અવતરણમાં

પ્રસૂતિની પીડા એક એવી પરીક્ષા છે જે માતૃત્વના સ્મિત તરફ લઈ જાય છે. ગર્ભ ધારણ કરવાથી લઈને એના અવતરણની પ્રક્રિયા માતૃત્વના વિવિધ તબક્કાનો અનુભવ કરાવે છે. ડૉ. પ્રણય વાઘેલા સ્ત્રીની બે ઉત્તમ ભૂમિકાને આવરી લે છે... 

સ્મિત છે કે જે સરખાવું લાડલી સાથે

કોઈ વસ્ત્ર અહીં માના સાડલા જેવું

માનો સાડલો બાળક માટે સધિયારો હોય છે. એનો ગાભો બનાવીને તે સૂઈ જાય ત્યારે સલામતી મહેસૂસ કરે. માતૃત્વ દૂધમાંથી પણ વહે છે અને વસ્ત્રમાંથી પણ. સાડલામાં પરોવાયેલો કપાસનો ધાગો પરમ ધન્યતા અનુભવતો હશે. માની પ્રેમાળ આંગળીઓ બાળકના માથે ફરે એટલે તે નિરાંત અનુભવે. હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ માની મમતા નિરૂપે છે... 

દર્દ જાણે કે જાણે, પણ દવા અકસીર દે

કોવૈદ છે માની કૂણી આંગળીના ટેરવે?

સરખામણી કરવી નથી પણ પહેલાંની માતાઓ દાદી-નાની, મા-સાસુ પાસેથી મહત્ત્વની ટિપ્સ મેળવતી. રસોડાની સામગ્રીનો ઉપયોગ બીમારીમાં કેવી રીતે થાય, બાળક બહુ રડે તો શું કરવું, પેટમાં દુખે તો શું કરવું, ખાવાની ના પાડે તો શું કરવું વગેરે બાબતો વિશે ઘરમાંથી જ સલાહ મળી જતી. હવે નાની-નાની વાતે ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડે છે. દાદીમાના ઔષધનો વારસો ધીરે-ધીરે ભુલાઈ રહ્યો છે. જયશ્રી વિનુ મર્ચન્ટ કમીનો અહેસાસ અલગ સંદર્ભે વ્યક્ત કરે છે... 

ભૂલી જવા માટે ભલે, સૌ મનાવે જશ્નને

માની કમીનું આભ ખાલીખમ રહેવાનું હતું

હો મોત કે મુશ્કેલ, બસ, બે નામ કાયમ યાદ રહે

એક ઈશ્વરનું હતું ને બીજું તો માનું હતું

ભયંકર દર્દ થાય તો મોઢામાંથી આપોઆપ ‘ઓય મા’ નીકળી પડે છે. ઉંમર નાની હોય કે મોટી, મમ્મી હંમેશાં આપણી સાંત્વના બની રહે છે. પ્રત્યક્ષ હોય કે પરોક્ષ માતૃત્વ શિખરની ટોચ પર બિરાજે છે. અમેરિકામાં રહેતી દીકરીને માથે દુખ પડે તો ભારતમાં રહેતી માનું કાળજું ઘવાઈ જાય. હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં માના અંતરમાંથી નીકળતી દુઆ પહોંચી જ જાય છે. કોકિલા ગડા માતૃશક્તિનું કારણ દર્શાવે છે...

સંતાન કાજે પથ્થરો પૂજ્યા હશે માએ

ઈશ્વરને પ્રશ્નો કેટલા પૂછ્યા હશે માએ

સાડલામાં એટલે ભીનાશ છે થોડી

અશ્રુઓ પાલવથી કૈં લૂછ્યાં હશે માએ

બાળક માંદું થાય ત્યારે માની કસોટી થાય. એમાં પણ તે નાનું હોય, બોલતાં ન શીખ્યું હોય ત્યારે તેને કળતાં શીખવું પડે. કેટલીક વાર માંદગી જોર બતાવે અને બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે ત્યારે તેના દેહમાં ભોંકાતી ઇન્જેક્શનની સોય ખરેખર તો માની ત્વચામાં જ ભોંકાતી હોય છે. સંતાનની વિવિધ અવસ્થા સાથે માતૃત્વ પણ ઘડાતું જાય છે. માતૃત્વની એક્સપાયરી ડેટ નથી હોતી. ખાટલાવશ થયેલી વયોવૃદ્ધ મા રાતે પોતાનો વૃદ્ધ દીકરો પાછો આવ્યો કે નહીં એની મૌન ચોકસાઈ કરી જ લેતી હોય છે. પ્રેમ ક્યારેક અભિવ્યક્તિની પર અને પાર થઈ જતો લાગે. અલ્પા વસા લખે છે...

કૂખમાં સંચાર થોડો પણ થયો વરસો પછી જ્યાં

થઈ હરખઘેલી માડીની વ્યથાઓ ઓમ સ્વાહા

દીકરીનાં હર્ષ-પગલાં સાસરેથી જ્યાં પડ્યાં

રંક માતાના ઘરેથી યાતનાઓ ઓમ સ્વાહા

વધી રહેલા વૃદ્ધાશ્રમના જમાનામાં શાંતિલાલ કાશિયાણી કહે છે વાત ચિંતન-મનન માગી લે છે.

પ્રભુની સૂરતને સૌ સાચવીને રાખો

મમતાની મૂરતને સૌ સાચવીને રાખો

જન્મોજનમના પુણ્યે જન્મે મળી છે

ગોદ, જુરતને, સૌ સાચવીને રાખો

(જુરત = છાતી)

લાસ્ટ લાઇન

એવી ક્યાં ઇચ્છા છે, કૈવલ્ય મળે

ફક્ત માનું મને વાત્સલ્ય મળે

       શક્ય છે જોયા વગર પ્રેમ થવો?

       માની આંખોમાં કૌશલ્ય મળે

કાફી છે ઢાલ સમી માની નજર

યુદ્ધમાં લાખો ભલે શલ્ય મળે

       માની ચમચીમાં શું તાકાત હશે?

       દહીં-મિસરીથી સાફલ્ય મળે

સ્વર્ગ રહેવા દો! હું તો જાણું, ફક્ત

માનાં ચરણે મને માંગલ્ય મળે

- મિતુલ કોઠારી (શલ્ય = બાણ)

columnists gujarati mid-day exclusive mothers day