અનન્યા પાંડેની જેમ શું તમે પણ ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ ધરાવો છો?

04 November, 2025 07:06 PM IST  |  Mumbai | Jigisha Jain

ખૂબ નાની ઉંમરે વધુપડતા જવાબદાર બની જવું, મૅચ્યોર બિહેવ કરવું, લોકોને સતત સારું લાગે એવું વર્તન કરવું, તેમનું ધ્યાન ખુદ પર રહે એ માટેના પ્રયત્નો કરવા જેવાં અમુક લક્ષણો આ સિન્ડ્રૉમ તરફ સંકેત કરે છે.

અનન્યા પાંડેની જેમ શું તમે પણ ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ ધરાવો છો?

ખૂબ નાની ઉંમરે વધુપડતા જવાબદાર બની જવું, મૅચ્યોર બિહેવ કરવું, લોકોને સતત સારું લાગે એવું વર્તન કરવું, તેમનું ધ્યાન ખુદ પર રહે એ માટેના પ્રયત્નો કરવા જેવાં અમુક લક્ષણો આ સિન્ડ્રૉમ તરફ સંકેત કરે છે. ઘરમાં નાના ભાઈ કે બહેનના આવ્યા પછી મોટા બાળકમાં સહજપણે આવતા અમુક બદલાવ જીવનભર રહે છે તો અમુક નકારાત્મક બદલાવ સમજણ સાથે જતા રહે છે. પરંતુ જો ધ્યાન ન આપ્યું તો એ નકારાત્મક ભાવનાઓ ઘર કરી જાય છે જે વયસ્ક બન્યા પછી પણ તમારી અંદરથી જતી નથી, જેનો ઉપાય નાનપણમાં માતા-પિતાએ જ કરવો રહ્યો

હાલમાં અનન્યા પાંડેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે તે ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ ધરાવતી હતી. તેણે કહ્યું હતું કે તે એક ઓવર ડ્રામેટિક બાળક હતી. તેનું કહેવું હતું કે તેની નાની બહેન રાયસા જ્યારે જન્મી ત્યારે તેના પર કોઈ ધ્યાન આપી રહ્યું નહોતું. ત્યારે તેણે ઘણી અલગ-અલગ વસ્તુઓ કરવી પડતી હતી જેને કારણે તે લોકોનું ધ્યાન પોતાના તરફ કરી શકે. અનન્યાએ કહ્યું હતું કે તેના પેરન્ટ્સ તેને નાનપણમાં AP બોલાવતા હતા. AP એટલે અટેન્શન પ્રૉબ્લેમ અને મોટા થઈને તેને રિયલાઇઝ થયું કે તેને ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ છે. 
મોટા ભાગે કોઈ પણ ઘરમાં મોટું બાળક નાનાં ભાઈ-બહેનો માટે મા કે બાપની પછીની જગ્યાએ જ હોય છે. મોટી બહેન હોય તો તે નાનાં ભાઈ-બહેનની બીજી મમ્મી બની જતી હોય છે અને મોટો ભાઈ હોય તો તે બીજા પપ્પા. નાના હોય ત્યારે જ નહીં, મોટા થઈ ગયા પછી પણ એવું જ રહેતું હોય છે. મોટાં ભાઈ-બહેનો નાનાની જવાબદારી જીવનભર નિભાવતાં હોય છે. તેમનું ખૂબ ધ્યાન રાખતાં હોય છે. તેમને ક્યારેય શીખવવું પડતું નથી કે તેમણે નાનાં ભાઈ-બહેનો માટે શું કરવાનું છે. તેમને ક્યારેય તેમની જવાબદારીનો અહેસાસ દેવડાવવો પડતો નથી. પરંતુ તેઓ આવા કઈ રીતે બની જાય છે એ ક્યારેય વિચાર્યું છે? આવું બનવા માટે તેમણે ઘણીબધી બાબતોમાંથી પસાર થવું પડે છે જેને ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ કહેવાય છે. 

બાળપણ છીનવાઈ જાય 
વડીલો હંમેશાં કહેતા કે બે બાળકો તો હોવાં જ જોઈએ. ઘરમાં બીજું બાળક આવવાને કારણે મોટા બાળકને કંપની આપનારું એક બીજું બાળક મળે, બન્ને સાથે રમે, સાથે ભણે અને મોટાં થાય. માતા-પિતા ન હોય ત્યારે પણ મારું કોઈ છે એવો લોહીનો સંબંધ ધરાવતી એક વ્યક્તિ મળે એ માટે આ સલાહ આપવામાં આવે છે. પણ એમાં કઈ જગ્યાએ પ્રૉબ્લેમ શરૂ થાય છે એ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘કોઈ પણ પરિવારમાં પહેલું બાળક આવે ત્યારે દરેક વ્યક્તિનો પ્રેમ અને અટેન્શન તેને મળે છે. તેના પછી જ્યારે બીજું બાળક આવે ત્યારે પહેલું બાળક એક વર્ષનું હોય કે પાંચ વર્ષનું, તે મોટું બની જતું હોય છે. આમ મોટા ભાગે મોટા બાળકનું બાળપણ એટલાં જ વર્ષો સુધીનું હોય છે જેટલાં વર્ષ તે એકલું હોય છે. જેવું નાનું બાળક આવે અને તે મોટું થાય, તેનું બાળપણ છીનવાઈ જાય છે. દરેક બાબતમાં તેને અહેસાસ દેવડાવવામાં આવે છે કે તું મોટું છે, તું સમજ, તું ધ્યાન રાખ, તું યોગ્ય કરીશ તો તને જોઈને તે યોગ્ય કરશે એટલે તારે તો સાચું જ કરવાનું છે. આમ પણ દરેક માતા-પિતા માટે તેનું પહેલું બાળક તેનું પ્રોજેક્ટ હોય છે. તે ઇચ્છતાં હોય છે કે તે પર્ફેક્ટ બને. તેના ઉછેરમાં તેઓ બિલકુલ ઢીલ આપતાં નથી, જ્યારે બીજા બાળકમાં તેઓ ઘણી ઢીલ રાખતાં હોય છે કારણ કે ત્યાં સુધીમાં તેમને શું કરવું અને શું ન કરવું એનો અંદાજ આવી જતો હોય છે.’

અટેન્શન પ્રૉબ્લેમ 
ઘરમાં એક જ બાળક હોય તો તેના પર પૂરતું ધ્યાન અપાતું હોય છે. જો બીજું બાળક આવે તો ધ્યાન વહેંચાઈ જાય. એમાં પણ બીજું એકદમ નાનું હોય તો એના પર વધુ ધ્યાન આપવું પડે છે એટલે શરૂઆતી વર્ષો મોટા બાળક માટે ખૂબ આકરાં બને છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘દરેક બાળકને પોતાનાં માતા-પિતાનું વહેંચાયા વગરનું અટેન્શન જોઈતું જ હોય છે. પરંતુ સિબ્લિંગના આવવાથી એ મળતું નથી. મોટું બાળક એ સમયે એટલું નાનું હોય છે કે તે સમજી નથી શકતું કે તેનાં માતા-પિતા જે એક અવાજે તેની પાસે દોડી આવતાં હતાં તે અત્યારે કેમ આવી શકતાં નથી. તેને નાનાં ભાઈ-બહેન માટે ઈર્ષા પણ થાય છે. તેને લાગે છે કે મમ્મી-પપ્પા નાનાં ભાઈ-બહેનને કારણે તેનાથી દૂર થઈ ગયાં. લગભગ બધાં જ બાળકોને આ ફીલિંગ થાય છે. અમુક બાળકો મોટાં થાય એમ ભૂલી જાય છે અને અમુક બાળકોના નાનકડા બાળ મન પર ઘણી વાર ઘેરી છાપ છોડી જાય છે, જેની અસર તે મોટાં થાય ત્યાં સુધી રહી જાય છે. ઘણાં બાળકો એકદમ તેજસ્વી હોય છે પણ જેવું તેમના ઘરમાં નાનું બાળક આવે તેમનું રિઝલ્ટ ખરાબ થઈ જાય છે, આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. આવી કોઈ અસરો હોય તો માતા-પિતાએ ચેતવું અને એ બાળકને કાઉન્સેલિંગ કરાવવું. એ જરૂરી છે.’

ભવિષ્યમાં મોટી તકલીફ આવી શકે 
આમ તો આ સિન્ડ્રૉમનાં અમુક સકારાત્મક લક્ષણો જીવનભર રહે છે. નકારાત્મક લક્ષણો નાનપણ પૂરતાં સીમિત હોય છે. પરંતુ ક્યારેક એ નકારાત્મકતા મોટા થયા પછી પણ જોવા મળે છે. એ વિશે વાત કરતાં સોની શાહ કહે છે, ‘મોટું બાળક જ્યારે આ સિન્ડ્રૉમ ધરાવતું હોય ત્યારે લોકોનું ધ્યાન ખેંચવા માટે તે સાચાં-ખોટાં કામ કરતું થઈ જાય છે. જો બાળક પાંચ વર્ષથી નાનું હોય તો તેને પોતાનો ઈર્ષાભાવ સમજાતો નથી એટલે નાનાં ભાઈ-બહેનને ચીંટિયો ભરે કે જાણ બહાર મારે કે રોવડાવે. કોઈ પૂછે કે તને નાનો ભાઈ કે બહેન કેટલું ગમે તો તે તરત જ કહેશે કે મને જરાય ન ગમે. આમ તે કોઈ ને કોઈ રીતે જતાવી દે છે કે તેને નાના બાળકથી પ્રૉબ્લેમ છે. તેના મનમાં એ ભાવ ધરબાઈ જાય છે જ્યારે બન્ને બાળકો વચ્ચે ઉંમરનો ભેદ થોડો મોટો હોય. જેમ કે બાળક ૭-૮ વર્ષનું હોય અને નાનું આવે તો તે ઝટ દઈને જતાવી નથી શકતું કે તેને નાનાથી પ્રૉબ્લેમ છે કારણ કે ત્યાં સુધીમાં એ અહેસાસ સ્ટ્રૉન્ગ થઈ ગયો હોય છે કે નાનું તેની જવાબદારી છે. જ્યારે કોઈ તકલીફ છે અને એ એક્સપ્રેસ થઈ નથી ત્યારે મોટા થઈને એ પ્રૉબ્લેમમાં પરિણમે છે. આપણે જોઈએ જ છીએ કે ભાઈ-બહેનો વચ્ચે કોઈ ખાસ લેવાદેવા ન હોય કે પછી અમુક પરિવારમાં તો બન્ને એકબીજાનું મોઢું પણ જોવા ન માગતાં હોય. બન્ને વચ્ચે હોવો જોઈએ એવો પ્રેમ ન હોય એની પાછળ તેમનું બાળપણ અને એ ધરબાયેલી લાગણીઓ જવાબદાર બનતી હોય છે.’ 

માતા-પિતા શું કરી શકે? 
જો તમારું મોટું બાળક ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ ધરાવતું હોય તો તમે શું કરી શકો એના ઉપાય જણાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘પહેલાં તો મોટા બાળકના માથે તમે જવાબદારીનું પોટલું ન મૂકો કે નાનું આવશે તેને તારે જ સંભાળવાનું છે. તે મોટું છે અને પેલું નાનું એવું અહેસાસ દેવડાવવા કરતાં તારું કોઈ સાથી આવી રહ્યું છે એવું કહેવું બેટર રહેશે. બેબી આવશે તો મમ્મી બિઝી થઈ જશે એ સહજ છે પણ એ સમયે પપ્પા કે ઘરના બીજા સદસ્યએ મોટા બાળકને ભરપૂર પ્રેમ આપવો. મમ્મીએ પણ તું મોટું છે, તું સમજ, હું વ્યસ્ત છું એવું ન કહેવું. ઊલટું તે પોતે મોટા બાળકને સમય નથી આપી શકતી એનું તેને દુઃખ છે કે અફસોસ છે એ બાબતનો મોટા બાળકને અહેસાસ કરાવવો. મારે જ્યારે બીજું બાળક આવ્યું ત્યારે અમે બધા જ સગાંવહાલાંઓને કહેલું કે નાના બાળક માટે તમે કંઈ નહીં લાવો તો ચાલશે પણ મોટા બાળક માટે ગિફ્ટ લાવજો જ કારણ કે નાનું નવજાત છે, તેને સમજ નથી પણ મોટું સમજે છે. તેને થશે કે બધા નાના બેબીને જ ચાહે છે. આવું ન થાય એ માટે બધા જ લોકો બન્ને બાળકો માટે ગિફ્ટ લાવેલા. પેરન્ટ્સ હંમેશાં બન્ને બાળકોને સરખો જ પ્રેમ કરતા હોય છે પણ બન્ને બાળકોને એ અહેસાસ હોવો પણ એટલું જ જરૂરી છે. એમાં ભાગલા ન હોઈ શકે. ભૂલથી પણ તમારું વર્તન એકતરફી ન થાય એનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે.’ 

કેમ ખબર પડે કે તમારા મોટા બાળકને ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમ છે કે નહીં? 
 જો તમારું મોટું બાળક તેની ઉંમર કરતાં ઘણું વધારે મૅચ્યોર વર્તન કરતું હોય. તેને લાગતું હોય કે દરેક વસ્તુ માટે તેણે જ જવાબદારી લેવાની છે. જેમ કે નાનું બાળક માંદું પડ્યું તો તેને લાગે કે મેં તેનું ધ્યાન બરાબર ન રાખ્યું.
 તમારા મોટા બાળકમાં સતત ચિંતા અને ડર રહ્યા કરે છે. જેમ કે નાનું બાળક ૨૧ વર્ષનું થઈ ગયું અને મોટું ૨૫ વર્ષનું. બન્ને મોટાં છે પણ જે મોટું બાળક છે તે સતત નાનાને શિખામણ આપે છે કે આમ કરાય અને આમ ન કરાય કારણ કે તેને ડર છે કે આ ગરબડ કરીને જ આવશે. 
 તમારું મોટું બાળક સતત પીપલ પ્લીઝિંગ વર્તન કરે છે. એટલે કે લોકોને ખુશ રાખવામાં જ વ્યસ્ત રહે છે. 
 તમારા મોટા બાળકને સતત પર્ફેક્ટ બનવાનું ભૂત સવાર છે. દરેક વસ્તુમાં પર્ફક્શન ન હોય તો તેને લાગે છે કે તેણે બરાબર કામ કર્યું નથી.
 એક વસ્તુમાં નહીં, દરેક ક્ષેત્રમાં તેને અચીવર બનવું હોય છે કારણ કે લોકો તેની ગણના કરે છે કે નહીં એ વાત તેના માટે અત્યંત મહત્ત્વની છે. 
 મોટા બાળકના મનમાં તેના પર લાદી દેવામાં આવેલી જવાબદારીઓને કારણે નાના ભાઈ કે બહેન માટે રોષ જન્મી ગયો હોય કે મનમાં ધરબાઈ ગયો હોય.

ઓલ્ડર ડૉટર સિન્ડ્રૉમ
ઓલ્ડર સિબ્લિંગ સિન્ડ્રૉમને ઓલ્ડર ડૉટર સિન્ડ્રૉમ પણ કહેવાય છે કારણ કે મોટી બહેનોમાં આ પ્રૉબ્લેમ વધુ જોવા મળે છે. મોટી બહેન જેવી હશે એવી જ નાની બહેન બનશે એમ સમજાવીને તેના પર એક આદર્શ વ્યક્તિ બનવાનું ભારણ ઘણું વધુ હોય છે. વળી છોકરીઓમાં માતૃત્વ જન્મથી જ હોય છે એટલે તેના નાના ભાઈ કે બહેનની તે બીજી મા તો તેમના જન્મથી જ બની ગઈ હોય છે. છોકરાઓમાં આ સિન્ડ્રૉમ દેખાય છે પણ છોકરીઓમાં એનું પ્રમાણ વધુ હોવાથી એને સાઇકોલૉજીમાં ઓલ્ડર ડૉટર સિન્ડ્રૉમ જેવું નામ અપાયું છે.

Jigisha Jain columnists Ananya Panday mental health life and style lifestyle news