માય નેમ ઇઝ ઍન્થની ગૉન્સાલ્વેઝ: ગોવાથી આવીને મુંબઈ વસેલા ખ્રિસ્તીઓ

28 March, 2026 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખ્રિસ્તી ઍન્થનીનું પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચન અને કિશોરકુમારે ગાયેલું આ ગીત અને જેમાં એ આવતું હતું એ ફિલ્મ એક જમાનાના મુંબઈની ‘સર્વધર્મસમભાવ’ની ભાવનાનું એક ઉદાહરણ હતી.

ગિરગામના ખ્રિસ્તી કબ્રસ્તાનની જગ્યાએ બનેલું સ. કા. પાટીલ ઉદ્યાન.

माई नेम इझ एन्थनी गोनसालवेस
मैं इस दुनिया में अकेला हूँ
दिल भी है खाली, घर भी है खाली
इसमें रहेगी कोई किस्मत वाली
हाए, जिसे मेरी याद आए, जब चाहे चली आए
जिसे मेरी याद आए, जब चाहे चली आए
रूप महल, प्रेम गली, खोली नंबर ४२०
एक्सक्युझ मी प्लीझ
माई नेम इझ एन्थनी गोनसालवेस
છેક ૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘અમર, અકબર, ઍન્થની’નું આ ગીત આજે પણ ઘણાને યાદ હશે. એમાં ખ્રિસ્તી ઍન્થનીનું પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચન અને કિશોરકુમારે ગાયેલું આ ગીત અને જેમાં એ આવતું હતું એ ફિલ્મ એક જમાનાના મુંબઈની ‘સર્વધર્મસમભાવ’ની ભાવનાનું એક ઉદાહરણ હતી. અને છતાં એ વખતે અને આજે પણ ઘણા મુંબઈવાસીઓ બધા ખ્રિસ્તીઓને એકસરખા જ માને છે. પણ ગયા વખતે આપણે જેને વિશે વાત કરેલી એ બૉમ્બે ઈસ્ટ ઇન્ડિયન્સ અને આ ઍન્થની ગૉન્સાલ્વેઝ જેવા ગોવાના ખ્રિસ્તીઓ બન્ને પોતપોતાની જમાતને અલગ માને. બન્ને વચ્ચે નોકરીઓ અને સામાજિક દરજ્જા વિશે થોડી ખેંચતાણ પણ ખરી. પણ ગોવાના ખ્રિસ્તીઓ વિશે વાત કરતાં પહેલાં એક બીજી વાત. આ ગીત અને ફિલ્મમાં જે નામ આવે છે, ઍન્થની ગૉન્સાલ્વેઝ, એ કાલ્પનિક નામ નથી. એ વખતે જાણીતા એવા એક ગોવાના ખ્રિસ્તી સંગીતકારનું હતું એ નામ. ૧૯૫૦ના અરસામાં હિન્દી ફિલ્મોમાં તેમનું નામ અવારનવાર ઝળકતું. ગોવાના માજોર્ડા ગામે ૧૯૨૭માં તેમનો જન્મ. આખું નામ ઍન્થની પ્રભુ ગૉન્સાલ્વેઝ. નૌશાદસાહેબ સાથે વાયોલિનવાદક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત. પછી આર. ડી. બર્મન અને (લક્ષ્મીકાન્ત) પ્યારેલાલજી જેવા ધરખમ સંગીતકારોને પોતાને ઘરે બોલાવી, ટ્યુશન આપી, વાયોલિન વગાડતાં શીખવ્યું. ‘અમર અકબર ઍન્થની’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાં અમિતાભ બચ્ચનના પાત્રનું નામ હતું ઍન્થની ફર્નાન્ડિસ. ત્યારે પ્યારેલાલજીએ દિગ્દર્શક મનમોહન દેસાઈને ખાસ વિનંતી કરીને તેનું નામ બદલીને ઍન્થની ગૉન્સાલ્વેઝ કરાવ્યું અને આ ગીત દ્વારા પોતાના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અસલ ઍન્થની ગૉન્સાલ્વેઝ હિન્દુસ્તાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં સેરાક્યુઝ યુનિવર્સિટીમાં ગોવન-હિન્દુસ્તાની ફ્યુઝન જૅઝ મ્યુઝિક પર ઘણું કામ કર્યું. પણ પછી સ્વદેશ પાછા ફરી ગોવામાં સ્થાયી થયા. ત્યાં જ ૨૦૧૨માં તેમનું અવસાન થયું.
પણ હવે પાછા વળીએ મુંબઈના ગોવન ખ્રિસ્તીઓ તરફ. ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની શરૂઆત ક્યારથી થઈ એ વિશે મતભેદ છે. એક માન્યતા પ્રમાણે ભગવાન ઈસુના બાર ‘એપોસ્ટલ’માંના એક સેન્ટ બાર્થોમેલો હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમણે કોકણ અને ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની શરૂઆત કરી હતી. છેક ૧૫૧૦માં પોર્ટુગીઝોએ બીજાપુરના સુલતાન પાસેથી ગોવા જીતી લીધું. ત્યાર બાદ તેમણે ધર્માંતરણની શરૂઆત કરી. એ માટે ગરીબ લોકોને તેઓ ચોખાનું ‘દાન’ આપતા તો મધ્યમ વર્ગના લોકોને સરકારી નોકરીની લાલચ આપતા. બીજા રાજાઓના મુલકમાં પણ ધર્મપ્રચાર થઈ શકે એ માટે પોર્ટુગીઝ સરકાર તેમને લશ્કરી મદદ આપતી. ઈ. સ. ૧૫૪૨માં સોસાયટી ઑફ જીઝસના બે સ્થાપકોમાંના એક સેન્ટ ફ્રાન્સિસ ઝૅવિયર્સ ગોવા આવ્યા. એ પછી ખ્રિસ્તી ધર્મના પ્રચારે વધુ જોર પકડ્યું. ઈ. સ ૧૫૬૦માં પોર્ટુગીઝ સરકારે બિનખ્રિસ્તીઓ માટે ખૂબ આકરા કાયદા અમલમાં મૂક્યા. ખ્રિસ્તી ધર્મ સિવાયના બીજા કોઈ પણ ધર્મના પાલન પર પ્રતિબંધ મૂક્યો. ખ્રિસ્તીઓ માટે પણ ઘણા કડક કાયદા અમલમાં મૂક્યા. તેથી એ વખતે ઘણા ખ્રિસ્તીઓ ગોવા છોડીને બીજે ગયા. તેમાંના કેટલાક મુંબઈ આવી વસ્યા. મુંબઈમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો એ પછી તેમને સરકારી જુલમનો સામનો કરવાનો રહ્યો નહીં. બલકે અંગ્રેજી ભાષાની સારી જાણકારીને લીધે સરકારી અને બીજી નોકરીઓમાં તેમને માટે સારી તકો ઊભી થઈ. વખત જતાં આઝાદી માટેની લડતમાં પણ મુંબઈના ગોવન ખ્રિસ્તીઓએ ભાગ લીધો. અને ખુદ ગોવાની આઝાદી માટેની લડતમાં તો મુંબઈના ગોવન ખ્રિસ્તીઓ અગ્રેસર રહ્યા. અગાઉ ગોવન ખ્રિસ્તીઓએ ડિસૂઝા, રૉડ્રિગ્સ, ફર્નાન્ડિસ, પિન્ટો જેવી પોર્ટુગીઝ અટકો અપનાવી હતી એ ચાલુ રાખી. તો બીજી બાજુ મુંબઈના કેટલાક ગોવાનીઝ ખ્રિસ્તીઓ ધર્માંતરણ પહેલાંની પોતાની પ્રભુ, કામથ, નાયક, શેટ, શેનોય જેવી અટકો જ આજે પણ વાપરે છે. ગોવાનીઝ ખ્રિસ્તીઓ મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓએ પહેલાં તો તેમને પોતાના હરીફ તરીકે જોયા હતા. ગોવાથી આવેલા ખ્રિસ્તીઓ મુંબઈમાં ગિરગામ, કાલબાદેવી, બાંદરા જેવા વિસ્તારોમાં વસ્યા. 
આ લખનારને આજે પણ બરાબર યાદ છે ગિરગામના વસવાટના એ દિવસો. ગિરગામ રોડ પરની નાના શંકર શેટની વાડીથી શરૂ કરીને લગભગ પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી મુખ્ય વસ્તી હતી ગોવન ખ્રિસ્તીઓની. નાતાલ શરૂ થવાના થોડા દિવસ અગાઉથી ફુટપાથ પર ચીની સ્ત્રીઓ (હા જી, એ વખતે મુંબઈમાં ચીનાઓની સારીએવી વસતી હતી. તેમાંના ઘણા દાંતના ડૉક્ટર હતા) ફુટપાથ પર દુકાન માંડીને ચીકણા કાગળનાં સ્ટાર, ફોલ્ડિંગ તોરણો, બીજાં સુશોભનો વેચવા માંડે આ બધું જ એ વખતે રંગબેરંગી કાગળનું બનતું, કારણ કે ‘પ્લાસ્ટિક’ નામના બહુમુખી ઑક્ટોપસે હજી દેખા દીધી નહોતી. અહીંથી ખરીદી કરીને ખ્રિસ્તીઓ પોતાના ઘરને બહારથી અને અંદરથી શણગારે. સાથે ઇલેક્ટ્રિક લાઇટની રોશની તો ખરી જ. ડિસેમ્બરની ૨૪મીની અને ૩૧મીની રાતે બરાબર બાર વાગ્યે થોડે દૂરની બરોઝ ક્રૉસ લેનમાં ૧૮૭૦માં બંધાયેલા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચમાં ઘંટારવ શરૂ થાય. ઘણા ખ્રિસ્તીઓ રસ્તા પર આવી નાચે, પિપૂડાં વગાડે, ફટાકડા પણ ફોડે.
બીજી યાદ એ તેમના ફ્યુનરલ પ્રોસેશનની. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચની પાછળ જ એ વખતે આવેલું હતું ખ્રિસ્તી કબ્રસ્તાન. પછીથી એ બધી જમીન એક પૈસોય લીધા વગર ખ્રિસ્તીઓએ સરકારને આપી દીધી, સરસ બગીચો બનાવવા. આજે એ જગ્યા પર સ. કા. પાટીલ ઉદ્યાન આવેલું છે. જગ્યા આપતી વખતે બે જ શરત : એક, યાદગીરી કહો કે સ્મારક કહો, બગીચામાં એક, માત્ર એક જ, કબર રહેવા દેવાની. બીજી બધી કબર ઉખેડી નાખવાની. અને બીજી શરત એ કે આ જગ્યાના કોઈ પણ ભાગનો ઉપયોગ આવક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ માટે કરવાનો નહીં. એ વખતે ફ્યુનરલ પ્રોસેશનમાં બધું જ સફેદ. પારદર્શક કાચ બધી બાજુ મઢેલી મોટી સફેદ મોટર એટલે કે હર્સમાં સફેદ કૉફીનમાં મુકાયેલો સફેદ કપડામાં સજ્જ પાર્થિવ દેહ. એના પર અને હર્સની બધી બાજુ સફેદ ફૂલોની બનેલી રીધ (ગોળાકાર પુષ્પમાળા). એની પાછળ શોક સંગીત વગાડતું નાનું બૅન્ડ. પાછળ ચાલતાં બધાં સ્ત્રી-પુરુષ સફેદ કપડાંમાં સજ્જ. એ બધું બહુ જ ગરિમાભરી વિદાય જેવું લાગે. પણ પછી એ કબ્રસ્તાન ગયું. પછી એ ફ્યુનરલ પ્રોસેશન પણ ગિરગામ રોડ પરથી નીકળતાં લગભગ બંધ થયાં. 
તો બીજી બાજુ આ જ ગોવન ખ્રિસ્તી સમાજમાં જળવાઈ રહેલા કેટલાક રિવાજો જોઈ આપણને સહેજ નવાઈ લાગે. લગ્ન વખતે નવવધૂ માટે હાથમાં ‘ચૂડો’ પહેરવાનું લગભગ ફરજિયાત. એનો રંગ અને એની ડિઝાઇન અમુક ચોક્કસ જાતનાં અને એને માટે વપરાતો શબ્દ પણ ‘ચૂડો.’ લગ્ન અગાઉ વિધિપૂર્વક મણિયાર (ચૂડા બનાવનાર) પાસેથી ખરીદવાનો. તેને એ લોકો ‘કંકણકાર’ કહે. બરાબર માપ લઈને પહેરાવવા માટે કંકણકારને નવવધૂના ઘરે તેડાવાય. એ વિધિ થાય કન્યાના મામાના ઘરે. અગાઉ તો પતિનું અવસાન થાય ત્યારે તેના કૉફિન સાથે હાથનાં કાંડાં પછાડીને એ કાચનો ચૂડો તોડીને એના ટુકડા પતિના કૉફીનમાં નાખવાનો રિવાજ હતો. 
લગ્ન પહેલાંની બીજી એક વિધિ એ ‘ભુઈમ જેવોણ’ અથવા ‘બિકારામચે જેવોણ’. પૂર્વજોની યાદમાં અપાતા આ જમણમાં મોટે ભાગે આસપાસના ભિખારીઓ અને ગરીબગુરબાંને જમાડવામાં આવે. સાથોસાથ અનાથાશ્રમનાં બાળકોને અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ જમાડવામાં આવે. આ રીતે તેમને જમાડવાથી તેમની ભલી દુઆઓ નવદંપતીને મળે એવી માન્યતા. 
લગ્ન વખતની બીજી એક વિધિ એ ‘હલદી કંકુ’ કે પીઠીને મળતી આવતી ‘રોસ’ની વિધિ. એમાં વર-વધૂ બન્નેને નારિયેળના દૂધથી નવડાવવામાં આવે. બન્ને પક્ષનાં સગાંઓ એમાં આનંદપૂર્વક ભાગ લે. નવડાવતી વખતે વરવધૂનાં માથાં પર ઈંડાં પણ ફોડવામાં આવે. તેમના શરીર પર ઢોળવામાં આવેલું દૂધ એક વાસણમાં એકઠું કરવામાં આવે. હાજર રહેલાં સગાંસંબંધી એમાં નાના-મોટા સિક્કા નાખે. વિધિ પૂરી થયા પછી એ સિક્કા કાં ગરીબોમાં વહેંચી દેવાય, કાં ઘરના નોકરોને આપી દેવાય. આ વિધિ પૂરી થયા પછી કન્યાને જે વસ્ત્રો પહેરાવવામાં આવે એના પર ઈસુ ખ્રિસ્તની નાનકડી છબી ચીતરેલી હોય જેથી બીજાની બૂરી નજર કન્યાને લાગે નહીં. 
ચર્ચમાં લગ્નવિધિ થઈ જાય એ પછી નવવધૂને ‘સાડો’ આપવાનો રિવાજ. પણ આ ‘સાડો’ એટલે સાડી નહીં, લાલ રંગનો પોશાક. વર પક્ષ તરફથી નવવધૂને આ ‘સાડો’ અપાય. એ આપ્યા પછી તેને આખા ઘરમાં ફેરવવામાં આવે. લગ્નના બીજા દિવસે નવવધૂ પાછી પિતાને ઘરે જાય ત્યારે ત્યાં પણ તેને આવો ‘સાડો’ આપવામાં આવે. લગ્ન પછી કન્યાનાં માતાપિતા વર પક્ષના લોકોને જમવા બોલાવે ત્યારે (અથવા હવે રિસેપ્શનમાં) નવવધૂ આ ‘સાડો’ પહેરે.
આજે વાતની શરૂઆત એક ફિલ્મી ગીતથી કરેલી. તો છેવટે સાંભળીએ રાજ કપૂરની ધૂમ મચાવનારી અને ગોવન ખ્રિસ્તી નાયિકા ધરાવતી ફિલ્મ ‘બૉબી’ના ગીતની એક કડી. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર ફરી એ જ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ અને ગાયકો મન્ના ડે અને શૈલેન્દ્ર સિંહ.
ना जानू मुल्ला काज़ी,
ना जानू काबा काशी,
मैं तो हूँ प्रेम प्यासा रे.
मेरे सपनों की रानी,
होगी तुमको हैरानी,
मैं तो तेरा दीवाना रे.
હવે આવતા શનિવારે મુંબઈના કયા દીવાનાની વાત? રાહ જુઓ. 

‘સપનાંઓમાં જાગતું શહેર’ પુસ્તકનો પ્રકાશન સમારંભ
આ કૉલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી પસંદ કરેલા ૮૦ જેટલા લેખોનું પુસ્તક ‘સપનાંઓમાં જાગતું શહેર’ આવતી કાલે (રવિવાર, ૨૯ માર્ચ) પ્રગટ થઈ રહ્યું છે. અમદાવાદના નવજીવન સાંપ્રત દ્વારા પ્રકાશિત આ પુસ્તકનો લોકાર્પણ સમારંભ સાંજે છ વાગ્યે જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ, નવજીવન ટ્રસ્ટ કૅમ્પસ, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાંજના ૬ વાગ્યે યોજાયો છે. આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક દીપક મહેતા, જાણીતા સમાજશાસ્ત્રી, અધ્યાપક અને સંશોધક ડૉ. ખેવના દેસાઈ તથા સાહિત્ય, નાટક, ફિલ્મ, સંગીત અને બીજી કલાઓ સાથે સંકળાયેલા રામ મોરી તથા અન્યો ભાગ લેશે. આ કાર્યક્રમમાં સૌ સાહિત્યપ્રેમીઓ સહભાગી થઈ શકે છે. 

columnists mumbai news deepak mehta whats on mumbai things to do in mumbai