બચપન બચાઓ

12 June, 2021 03:11 PM IST  |  Mumbai | Jigisha Jain

છેલ્લા‌ બે દાયકામાં સરકાર અને સમાજસેવી સંસ્થાઓના સતત પ્રયાસરૂપે મુંબઈમાં બાળમજૂરીનું પ્રમાણ ઘણું ઓછું થયું હતું, પરંતુ કોરોનાકાળ બાદ ફરીથી આ બાળમજૂરોનું પ્રમાણ વધશે એવી સંભાવના જતાવાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા‌ બે દાયકામાં સરકાર અને સમાજસેવી સંસ્થાઓના સતત પ્રયાસરૂપે મુંબઈમાં બાળમજૂરીનું પ્રમાણ ઘણું ઓછું થયું હતું, પરંતુ કોરોનાકાળ બાદ ફરીથી આ બાળમજૂરોનું પ્રમાણ વધશે એવી સંભાવના જતાવાઈ રહી છે.  વધતી જતી ગરીબીમાં બાળકોનું શિક્ષણ  ખોરવાયું છે ત્યારે બાળકો ફરજિયાતપણે આજીવિકા રળવા બાળમજૂરીના માર્ગે ધકેલાશે અને આટલાં વર્ષોની મહેનત પાણીમાં જશે

ચાની ટપરી પર ગ્લાસ ધોતું, જુહુના દરિયાકિનારે ફુગ્ગાથી રમવા જેવડી ઉંમરે ફુગ્ગા વેચીને પોતાનું પેટ ભરતું, મુંબઈના હાઈ ટાવર્સમાં પોતાની રમવા જેવડી ઉંમરે બીજાં નાનાં બાળકોને સાચવવાનું કામ કરતું, ધારાવીની ખોલીમાં ચામડાની બૅગ સીવતું, માલવણીની ગલીઓમાં આર્ટિફિશ્યલ દાગીના બનાવતું, સિગ્નલ પર પેન કે કચરાની થેલી વેચતું બાળપણ તમે જોયું હશે. એ જેટલું સામાન્ય છે એટલું સહજ નથી. ૧૯૮૫માં થયેલા એક સર્વે મુજબ મુંબઈમાં ૩૦,૦૦૦ બાળમજૂરો હતા. દર વર્ષે સેંકડોને બાળમજૂરીની બદીમાંથી રેસ્ક્યુ કરીને મુક્ત કરવામાં આવે છે અને બીજાં ઉમેરાય છે. સમાજસેવકોનું માનીએ તો છેલ્લાં ૧૦-૨૦ વર્ષથી બાળમજૂરીનું પ્રમાણ મુંબઈમાં ઘટ્યું છે. જોકે કોરોનાકાળમાં બાળકોની પરિસ્થિતિ વણસી છે અને હાલત કહે છે કે આવનારો સમય અત્યંત મુશ્કેલ આવશે. આજે મુંબઈમાં બાળમજૂરીની દશા અને એના ભવિષ્ય વિશે ઊંડાણથી સમજીએ.

શું કામ કરે?

૨૦૧૯માં ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુએ બહાર પાડેલા એક આંકડા મુજબ મહારાષ્ટ્રના કુલ બાળમજૂરોનાં ૬૦.૬૭ ટકા બાળકો ખેતીમાં કામ કરે છે. ભારતની વાત કરીએ તો ૪૦.૩૪ મિલ્યન બાળકો અહીં બાળમજૂર તરીકે કામ કરે છે અને એમાંથી ૨૫.૨૩ મિલ્યન બાળકો ખેતમજૂર છે. આ હાલત ફક્ત ભારતની નથી. ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશન મુજબ ખેતી બીજા નંબરનું ક્ષેત્ર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ૧૫૨ મિલ્યન બાળકો બાળમજૂર બનીને જીવે છે. એમાં દર ૧૦માંથી ૭ બાળકો ખેતમજૂર છે. એટલું જ નહીં, ૨૦૧૧ના વસ્તીગણતરીના આંકડાઓ પણ એ જ સૂચવે છે કે બાળમજૂરીનો પ્રૉબ્લેમ ત્યાં વધારે છે જ્યાં દુકાળની હાલત હોય. દુકાળને કારણે ખેતરો સુકાઈ જાય, પાણીનો અભાવ જન્મે ત્યારે બાળકો તેમનાં માતા-પિતા સાથે કામની તલાશમાં નજીકના ગામમાં કે શહેરમાં માઇગ્રેશન કરે છે. મુંબઈમાં ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી જેમ કે જરીકામ, ચામડાનું કામ, ગોલ્ડ પૉલિશિંગ સિવાય હોટેલ અને ખાવા-પીવાની જગ્યાઓએ બાળમજૂરો વધુ જોવા મળે છે. આ સિવાય કરિયાણાંની દુકાને અને મરઘાઘરમાં પણ બાળમજૂરો જોવા મળે છે.

સરખામણીમાં ઓછી સંખ્યા

દેશમાં બીજી જગ્યાઓની સરખામણીમાં મુંબઈમાં બાળમજૂરોની સંખ્યા ઓછી છે. ૨૦૧૮માં ૩૬૬ બાળકોને મુંબઈમાંથી બાળમજૂર તરીકે રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. પ્રથમ કાઉન્સિલ ફૉર વલ્નરેબલ ચિલ્ડ્રનના એક સર્વે મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, તેલંગણ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની કુલ ૬,૧૦,૨૦૮ દુકાનોમાંથી ૨,૬૪૮ બાળમજૂરો મળી આવ્યા હતા જે ૧૪ વર્ષ કે એથી નીચેના હતા. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે મુંબઈની ૩,૧૬,૬૯૩ દુકાનોમાંથી ૭૦૦ બાળમજૂરો મળી આવ્યા હતા જેમાંથી અડધોઅડધ ૧૫ વર્ષ કે એથી ઉપરની ઉંમરના હતા. નવી મુંબઈમાં ૪૧ ટકા બાળમજૂરો ૧૪ વર્ષથી નીચેની ઉંમરના છે, જ્યારે ૫૯ ટકા ૧૫ વર્ષથી ઉપરના છે. થાણેમાં આ રેશિયો લગભગ સરખો હતો. સબર્બ્સમાં બાળમજૂરોની સંખ્યા વધુ જણાઈ હતી. દેશના બીજા પ્રદેશો કરતાં મુંબઈમાં બાળમજૂરોની સંખ્યા ઘણી ઓછી છે એ વિશે વાત કરતાં પ્રથમ કાઉન્સિલ ફૉર વલ્નરેબલ ચિલ્ડ્રનના ડિરેક્ટર કિશોર ભામરે કહે છે, ‘એક સમય હતો જ્યારે મુંબઈમાં ઘણા બાળમજૂરો કામ કરતા હતા, કારણ કે દેશના જુદા-જુદા ભાગોમાંથી ભાગીને આવેલાં, માઇગ્રેટ થયેલાં અને ગરીબ બાળકો હંમેશાં બાળમજૂરી તરફ ઝૂકતાં હોય છે. મુંબઈમાં ૨૦૦૮થી ઘણી સમાજસેવી સંસ્થાઓ ઘણું સારું કામ કરી રહી છે અને કાયદો એકદમ કડક થઈને કામ કરી રહ્યો છે જેને લીધે પહેલાં કરતાં બાળમજૂરોની સંખ્યા ઘણી કાબૂમાં કરી શકાઈ છે.’ 

બદલાવ

મુંબઈમાં ગોવંડી, ધારાવી, મદનપુરા, જોગેશ્વરી, માલવણી, તુલસીવાડી જેવા વિસ્તારો છે જ્યાં બાળમજૂરો કારખાનાંમાં કામ કરતા હોય છે. ૨૦૦૪થી ‘એમ’ વૉર્ડ એટલે કે મંડાલા, સાઠેનગર, શિવાજીનગર, ગોવંડી, ચીકુવાડી વિસ્તારના લોકો માટે કામ કરતા ‘ઘર બચાવો, ઘર બનાવો’ આંદોલનનાં પ્રણેતા જમીલા બેગમ પઠાન ઇટાકુલા કહે છે, ‘અમે કામ શરૂ કર્યું ત્યારે જોયું કે બાળકો ભીખ માગવાનું કામ કરતાં હતાં. તેઓ નશાના બંધાણી બની જતાં. સ્કૂલમાં નામ નોંધાવેલું, પણ ભણતાં નહોતાં. શિક્ષકોને પણ તેમની ખાસ પડી નહોતી. એટલે અમે તેમનાં ટ્યુશન શરૂ કર્યાં. અમે તેમનાં માતા-પિતાને સમજાવ્યાં કે બાળકોને અમારી પાસે મોકલો. તેમની પાસે કામ ન કરાવવા માટે પણ અમે તેમણે સમજાવ્યાં. આજે ૫૦૦થી વધુ બાળકો છે જેમને અમે ભણાવી રહ્યા છીએ. સારા ભણતરને કારણે તેમનું ભીખ માગવાનું, બહાર કામ કરવાનું અને નશો કરવાનું છૂટી ગયું છે.’

ગરીબી

૨૦૧૮માં થયેલા એક રિસર્ચ અનુસાર ભારતમાં ૫૬ મિલ્યન બાળકો સ્કૂલમાં જતાં નથી. આ આંકડો બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, થાઇલૅન્ડ અને વિયેટનામનાં સ્કૂલમાં ન જતાં બાળકોનો સરવાળો કરીએ એના કરતાં બમણો છે. આંતરરાષ્ટ્રીય લેબર ઑર્ગેનાઇઝેશન અનુસાર છેલ્લાં ૨૦ વર્ષમાં જાગૃતિ આવવાને કારણે ધીમે-ધીમે બાળમજૂરીનું પ્રમાણ દુનિયામાંથી ઘટતું જઈ રહ્યું છે, પરંતુ કોવિડને કારણે બાળમજૂરીનું પ્રમાણ વધશે અને ૬૦ મિલ્યન લોકો આ વર્ષે ગરીબીરેખા સુધી પહોંચી જશે. ગરીબી જ છે જે બાળમજૂરીની જનની છે. ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફન્ડનો રિપોર્ટ કહે છે કે જો એક ટકો ગરીબી વધે તો એની સામે ૦.૭ ટકા બાળમજૂરીનું પ્રમાણ વધે છે.

ભણતર અટક્યું

કોરોનાને કારણે સ્કૂલો બંધ થઈ ગઈ અને બાળકોનું ઑનલાઇન લર્નિંગ શરૂ થયું. આ પરિસ્થિતિ વિશે વાત કરતાં જમીલા બેગમ કહે છે, ‘સરકારી સ્કૂલોનાં ગરીબ બાળકો પાસે ફોન, લૅપટૉપ કે ટૅબ ક્યાંથી હોય? જો હોય તો ઘરમાં ૪-૫ બાળકો વચ્ચે એક જ હોય. માતા-પિતાનું કામ છૂટી ગયું હોય તો એને રીચાર્જ કરવાના પણ પૈસા ન હોય. આ પરિસ્થિતિમાં બાળકો ભણતરથી વિમુખ થઈ ગયાં છે.’

જે બાળકોને આટલાં વર્ષોની મહેનતે સ્કૂલોમાં લાવ્યાં હતાં એ બાળકો કોરોનાને કારણે સ્કૂલથી વિમુખ બન્યાં છે ત્યારે હવે જ્યારે બધું નૉર્મલ થશે ત્યારે કેટલાં બાળકો ફરી સ્કૂલમાં આવશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એ વિશે વાત કરતાં કિશોર ભામરે કહે છે, ‘સરકારે અને સમાજસેવકોએ ખૂબ મહેનત કરીને બાળકોને સ્કૂલ ભેગાં કર્યાં હતાં અને હવે આ બે વર્ષ પછી ફરીથી એ જહેમત પાછી કરવી પડશે. પરિસ્થિતિ કહે છે કે એ નક્કી છે કે ડ્રૉપ-આઉટ્સ થશે જ. જે બાળકો સ્કૂલ છોડી દેશે તેઓ નક્કી પોતાની ગરીબી દૂર કરવા બાળમજૂરી કરવા દોરાશે.’ 

ભવિષ્યમાં બાળમજૂરી વધશે

નોબેલ પારિતોષિક જીતનાર કૈલાશ સત્યાર્થીની સંસ્થા બચપન બચાઓ આંદોલન દ્વારા પ્રથમ લૉકડાઉન દરમ્યાન ભારતના જુદા-જુદા વિસ્તારોમાંથી ૫૯૧ બાળમજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા. એક અખબારી અહેવાલમાં આ સંસ્થાએ જણાવ્યું હતું કે એક વખત લૉકડાઉન ઊઠશે અને ઘણી મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ કામગીરી શરૂ થશે એ વખતે ફૅક્ટરીના માલિકો પોતાનું આર્થિક નુકસાન ભરપાઈ કરવા માટે સસ્તું લેબર શોધશે અને ત્યારે બાળમજૂરોને કામ પર રાખવામાં આવશે. આ બાબતે એનજીઓ કોરોની પ્રોજેક્ટ મૅનેજર સુપ્રિયા જાન કહે છે, ‘ભવિષ્યમાં બાળમજૂરીમાં મોટો વધારો નોંધાશે જ્યારે કામ ફરી શરૂ થશે અને ઘણા માઇગ્રન્ટ્સ કામની શોધમાં પોતાનાં બાળકો સાથે શહેરોમાં આવશે. ખાસ કરીને ૧૪-૧૫ વર્ષનાં બાળકો એમાં વધુ પીસાશે, કારણ કે ગરીબીને કારણે ભણવાનું છોડીને કામ અપનાવશે. આ પરિસ્થિતિ માટે સમાજ, સરકાર અને સમાજસેવી સંસ્થાઓ બધાએ સાથે મળીને કામ કરવું પડશે. ત્યારે જ આપણે આપણાં બાળકોને બચાવી શકીશું.’

0.7% - ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફન્ડના રિપોર્ટ મુજબ ૧ ટકો ગરીબી વધે તો એની સામે આટલું બાળમજૂરીનું પ્રમાણ વધે છે.

columnists Jigisha Jain