આજની પેઢીને ઍડ્જસ્ટમેન્ટ આવડતું નથી કે શીખવ્યું નથી?

15 June, 2026 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમાજની મૅટ્રિમોનિયલ સંસ્થામાં કામ કર્યું છે એટલે પણ કહીશ કે ઘણીબધી વાર સાવ નજીવા કારણસર પણ કપલ અલગ થવાનો નિર્ણય લઈ લે છે, જાણે કે લગ્ન કોઈ ખેલ ન હોય. આજની પેઢી લગ્ન માટે પ્રિપેર્ડ નથી હોતી

શ્રી હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની મહિલા ઉત્કર્ષ સમિતિનાં ચૅરપર્સન કુસુમ રૂપારેલિયા ૧૫ વર્ષથી જ્ઞાતિનાં કાર્યોમાં સક્રિય છે.

સમાજમાં લગ્ન એક ગંભીર નહીં પણ અતિ ગંભીર સમસ્યા બનતી જાય છે. આજની પેઢીને લગ્ન નથી કરવાં અને ધારો કે કોઈ લગ્ન કરે તો તેમનામાં લગ્ન નિભાવવાની તૈયારી નથી. તાત્કાલિક છૂટા પડી જવામાં તેમને છોછ નથી, ડર નથી અને કોઈ પરવા પણ નથી. એક વાત આજની પેઢીને સમજાવવી ખૂબ વધારે જરૂરી છે કે દુનિયામાં એક પણ સંબંધ બાંધછોડ વગર ચાલે એમ નથી. તમારે દરેક જગ્યાએ ઍડ્જસ્ટમેન્ટ કરવું જ પડે. તમે તમારી કામવાળી સાથે ઍડ્જસ્ટમેન્ટ કરો છો. તમારા ફ્રેન્ડ્સ, ભાઈ-બહેન, બૉસ, કલીગ એમ બધી જ જગ્યાએ ઍડ્જસ્ટમેન્ટ કરીને રિલેશનશિપને નિભાવવાની દિશામાં કામ કરી શકો છો, પરંતુ લગ્નના બંધનને તમે એકઝાટકે કૉમ્પેટિબિલિટી મૅચ નથી થઈ એમ કહીને તોડી નાખો છો. આ કેટલું યોગ્ય છે?

સમાજની મૅટ્રિમોનિયલ સંસ્થામાં કામ કર્યું છે એટલે પણ કહીશ કે ઘણીબધી વાર સાવ નજીવા કારણસર પણ કપલ અલગ થવાનો નિર્ણય લઈ લે છે, જાણે કે લગ્ન કોઈ ખેલ ન હોય. આજની પેઢી લગ્ન માટે પ્રિપેર્ડ નથી હોતી. સોશ્યલ મીડિયા પર આવતી રીલ્સમાં તૈયાર થવાનું, ડાન્સ કરવાનું એ બધું જોઈને લગ્ન માટે હા તો પાડી દે છે પરંતુ દેખાડાનો સમય પૂરો થયા પછી ગ્રાઉન્ડ રિયલિટીમાં જવાબદારી લેવાનું કે અકાઉન્ટિબિલિટી દેખાડવાનું કામ તેઓ નથી કરી શકતા. તેમને પોતાની જૂની લાઇફમાં આવતા બદલાવ સ્વીકારવા નથી હોતા અને સામે પેરન્ટ્સ પણ પોતાનાં સંતાનોને એટલો બધો સપોર્ટ આપી દે છે કે તેમનામાં ઘર તોડવાની વાત જ સામાન્ય બની જાય છે. દીકરી પર ત્રાસ ગુજારવામાં આવતો હોય અને પેરન્ટ્સ તેનો પક્ષ લઈને સામે ચાલીને છૂટાછેડા માટે તેને પ્રોત્સાહિત કરે એ બરાબર છે. એમાં દીકરીને જ સાથ આપવાનો હોય, પરંતુ હસબન્ડ મને રવિવારે ફરવા નથી લઈ જતો કે મેં તેને કહ્યું કે ફલાણી હોટેલમાં જમવા જઈએ અને તેણે ના પાડી દીધી એ વાત પર રિસાઈને ઘરે આવેલી દીકરીને ન સમજાવવી કે એવી વાતમાં પણ દીકરીનો પક્ષ લઈને ઊભા રહેવું યોગ્ય નથી.

અત્યારે પેરન્ટ્સની ફરિયાદ છે કે અમારાં સંતાનો અમારું માનતાં નથી, કારણ કે ક્યાંક સમજાવટની મર્યાદારેખા દોરવામાં આપણે જ પાછા પડ્યા છીએ. સંતાનો સાથે ઓવર ફ્રૅન્ક થવામાં સંતાનોના જીવનમાંથી તમે તમારી વાતની ગંભીરતાને ખતમ કરી નાખી. આજના સમયમાં જ્યારે ચારેય બાજુથી પારાવાર એક્સપોઝર મળી રહ્યું છે, લોકોની યાદશક્તિ ઓછી અને એકાગ્રતા અને ઊંડાણ ઘટતાં જાય છે ત્યારે તમે તમારાં બાળકોને બાળપણથી જ ઍડ્જસ્ટમેન્ટની આદત પાડી હશે અને જીવનમાં ક્યાં ઍડ્જસ્ટ કરવું જ પડે અને કયા સંજોગોમાં જરાય ઍડ્જસ્ટમેન્ટની જરૂર નથી એની ક્લિયર ટ્રેઇનિંગ આપશો તો એ તેના સંબંધો માટે અને તેમની પોતાની મેન્ટલ હેલ્થ માટે પણ જરૂરી છે, કારણ કે સંબંધો અને સમાજમાં બાંધછોડ નહીં કરવાની વૃત્તિ ક્યારેક વ્યક્તિને એકલતામાં પણ ધકેલી દે છે.

columnists exclusive gujarati mid day