✕

જો તમે ખાઈ-પીને જલસામાં જ રચ્યાપચ્યા રહ્યા તો મજાની લાઇફ સજાની લાઇફ બની જશે

06 October, 2026 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજના સમયમાં જ્યારે ઘણી જ્ઞાતિઓ પોતાનાથી બનતા શ્રેષ્ઠતમ પ્રયાસો સાથે સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલી રહી છે ત્યારે ઘણા ગુજરાતીઓ કહેવાતા પૉશ કલ્ચરમાં ફિટ બેસવા માટે પોતાનું બધું જ નેવે મૂકી રહ્યા છે

પોતાની રીટેલ શોપ ધરાવતા હરેશ ગોસ્વામી દશનામ ગોસ્વામી સમાજ, મુલુંડના મંત્રી તરીકે સક્રિય રહીને સમાજનાં કાર્યો કરે છે

ગુજરાતીઓ બુદ્ધિમત્તા અને સાહસ માટે મુઠ્ઠીઊંચેરા છે એમાં કોઈ શક નહીં, પરંતુ પૈસા કમાયા પછી જીવનમાં કોઈ શિસ્ત જ ન હોય એ કેટલું યોગ્ય છે? છતી બુદ્ધિએ છકી જઈએ એ કેમ ચાલે? છતી સમજણે ભાન ભૂલીએ એ કેમ ચાલે? આજે ખરેખર મારે ગુજરાતીઓને, મારાં ભાઈ-બહેન ગુજરાતીઓને કંઈક કહેવું છે કે તમારો સમય અત્યારે સારો છે અને તમારી મહેનતને સલામ છે, પરંતુ તમે તમારી સફળતાના કેફમાં ખરેખર જે કરવા જેવું હતું એ ભૂલ્યા છો. બહુ જ મોટી કમનસીબી છે આપણી કે આપણે શ્રેષ્ઠ એજ્યુકેશન અને શ્રેષ્ઠ દેખાડાબાજીમાં આપણા મૂળથી દિવસે ને દિવસે વધુ દૂર થતા જઈએ છીએ.

જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એવું કહેવાય છે, પરંતુ આજે જે ગુજરાત હમણાંના ગુજરાતીઓ જ્યાં ત્યાં સર્જી રહ્યા છે એ ભેળસેળિયું છે. એમાં ગુજરાતની માટીની મહેક નથી પરંતુ ગુજરાતીઓની દેખાદેખીની બદબૂ છે. ગુજરાતી ભાષામાં બાળક સાથે વાત કરવાને બદલે ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલીને પોતે કેવા ફાસ્ટ ફૉર્વર્ડ છે એ સાબિત કરવાના પ્રયાસ કરતી ગુજરાતી મમ્મીઓ શું સંસ્કૃતિ અને શું ભાષા બચાવશે. આજના સમયમાં જ્યારે ઘણી જ્ઞાતિઓ પોતાનાથી બનતા શ્રેષ્ઠતમ પ્રયાસો સાથે સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલી રહી છે ત્યારે ઘણા ગુજરાતીઓ કહેવાતા પૉશ કલ્ચરમાં ફિટ બેસવા માટે પોતાનું બધું જ નેવે મૂકી રહ્યા છે. અમે તો ભાઈ બહુ મળતાવડા, અમે તો બહુ જ સારા એવું કહીને મીઠડા બનવાના ચક્કરમાં પોતાના મૂળ સાથે બાંધછોડ કરવી સારી બાબત નથી.

માન્યું કે તમે જવા દો એ વાત કે ભાઈ ગુજરાતમાં છો તો ગુજરાતી તો બોલવી જ પડે, પરંતુ ગુજરાતી ગરબામાં દારૂ લાવો કે નૉન-વેજ ખાતા મિત્રોના રવાડે ચડીને તમે પણ એ પ્રકારનો આહાર લઈ લેતા થઈ જાઓ જે તમારી પાછળની ૭ પેઢીએ નથી ખાધો કે વેશભૂષામાં તમે બધું જ ભૂલીને પરંપરાગત પોશાકને પણ શરમજનક સ્થિતિમાં મૂકતા જાઓ એ યોગ્ય નથી.

એક બાબત છે દેખાડો અને બીજી બાબત છે ખાવાનો શોખ. ગુજરાતીઓ અતિશય સ્તર પર અનહેલ્ધી ખાવાનું ખાઈ રહ્યા છે અને માત્ર ખાઈ રહ્યા છે એ સમસ્યા નથી. પોતાની એ ઍક્શન માટે પાછા ગર્વ પણ અનુભવી રહ્યા છે. સમસ્યા આ ગર્વની માનસિકતામાં છે કે તમે તળેલા ફાફડા કે જલેબી ખાઓ છો એ બહુ પોરસાવા જેવું નથી. એકાદ દિવસ ખાઓ એ ચાલે, પણ તમારો કાયમી નાસ્તો જો ઑઇલી હોય અને તમે કસરતના નામે મીંડું હો તો એ પોરસાવા જેવું નથી. તમારા ભોજનમાં સત્ત્વ નહીં હોય તો તમારામાંથી પણ સત્ત્વ નીકળતું જશે. આ હકીકત આજે જોવાઈ પણ રહી છે. સૂવાનું મોડું, ઊઠવાનું મોડું, ખાવા-પીવાના કોઈ ઢંગ નહીં, દેખાડો દુનિયાભરનો અને જીવનમાં ઊંડાણ કોઈ નહીં.

તમે જ મને કહો કે આ બધું ક્યાં સુધી ચાલશે? ડાયાબિટીઝ, હૃદયરોગ, સ્થૂળતા વગેરેથી કેટલા ગુજરાતી પરિવારો બાકાત રહી શક્યા છે એનો ડેટા બનાવજો એટલે બધો જ અંદાજ આવી જશે. હેલ્ધી ખાઓ, હેલ્ધી જીવો અને પોતાના મૂળને મૂળ સ્વરૂપે જાળવવાના પ્રયાસ કરો. અન્યથા આવનારી પેઢી તમને માફ નહીં કરે. 

gujaratis of mumbai columnists exclusive gujarati mid day