આરોહી પટેલ સારા ગરબા તો કરે જ છે, પણ વેસ્ટર્નમાંય એટલી જ સરસ છે

02 October, 2022 12:08 AM IST  |  Mumbai | Sameer, Arsh Tanna

ઓજસ રાવલે એક જ રાતમાં જે તૈયારી કરી એ ખરેખર કાબિલે તારીફ હતી અને એનો બધો જશ જો કોઈને મળે તો તેની ભરતનાટ્યમની તાલીમને મળે

આરોહી પટેલ

આપણે વાત કરતા હતા આવનારી ગુજરાતી ફિલ્મ ‘હું તારી હીર’ની. એ વાતમાં જરા સુધારો કરવાનો. અમે કર્યો એ ગરબામાં ફિલ્મની હિરોઇન પૂજા જોષી અને બેમાંનો એક હીરો એવા ઓજસ રાવલે ભાગ લીધો હતો. ઓજસનું બીજું કોઈ શૂટ ચાલતું હતું એટલે ઓજસ અમને સીધો જ શૂટ વખતે જૉઇન થવાનો હતો. ઓજસમાં અમારું ટેન્શન ત્યારે હળવું થઈ ગયું જ્યારે અમને ખબર પડી કે તે ભરતનાટ્યમ શીખ્યો છે. ક્લાસિકલ ડાન્સ જે શીખ્યું હોય તેને કંઈ પણ શીખવવામાં ટેન્શન નથી હોતું. તે બહુ ઝડપથી ગ્રાસ્પ કરી શકે અને એટલી જ ઝડપથી તમારી સામે પણ મૂકી શકે. હા, અમે એક વાતનું ધ્યાન રાખ્યું કે સમય અમારી પાસે ઓછો હોવાથી ઓજસ ઓછામાં ઓછી તૈયારી સાથે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે અને એ ગરબો જોનારાને મજા આવી જાય.
આ ફિલ્મનું ‘ઢોલ વાગે...’ સૉન્ગ અમે એક જ રાતના શૂટિંગમાં આખો ગરબો શૂટ કર્યો. એક જ રાતમાં ઓજસે આ સૉન્ગ કેવું સરસ રીતે તૈયાર કર્યું. ગુજરાતી કલાકારોમાં બહુ ઓછા એવા છે જેઓ ક્લાસિકલ ડાન્સ શીખ્યા હોય. ક્લાસિકલ ડાન્સરો પાસે ઓછામાં ઓછાં રિહર્સલ્સ સાથે તમે અદ્ભુત રિઝલ્ટ લઈ શકો.  
રિહર્સલ્સ કર્યાં હોય તો સ્ટેપ્સ તમારી બૉડી-લૅન્ગ્વેજ બની જાય. રિહર્સલ્સથી તમારી મૂવ્સ અને તમારાં ફીચર્સ તમારી સાથે મર્જ થઈ જાય અને એવું બને ત્યારે જ જોનારાને મજા આવે. તમે જોતા હશો કે આપણે ત્યાં ઘણા લોકો ગરબા કરે ત્યારે એવું લાગે કે એ પરાણે કરે છે અને અનેક એવા લોકો પણ જોવા મળે જેમને જોઈને એવું જ લાગે કે ગરબા, ડાન્સ તેમના શરીરના એકેએક અંગ સાથે વણાઈ ગયા છે. જાણે કે તેઓ ડાન્સ માટે જ તૈયાર થયા છે, જન્મ્યા છે.
જો આપણી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ઍક્ટ્રેસનું નામ આપવાનું હોય તો પહેલું નામ મનમાં આરોહી પટેલનું આવે. એક મૂવી આવવાની છે જેમાં અમે તેની સાથે કામ પણ કર્યું છે. થોડા સમય પહેલાં અમને પૂછવામાં આવ્યું કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ ગરબા-ક્વીન કોણ? તો અમે એક જ સૂરમાં અને એક જ ઝાટકે જવાબ આપ્યો હતો - આરોહી પટેલ. હા, તે ગરબા પણ એટલા જ સરસ કરે છે અને એ સિવાયના ડાન્સ-ફૉર્મમાં પણ તેની ફાવટ ખૂબ સરસ છે. આરોહી સાથેની એ ફિલ્મમાં અમે આરોહી સાથે બે સૉન્ગ કર્યાં છે. એ બન્ને સૉન્ગ વેસ્ટર્ન છે. એક સૉન્ગ જે છે એ કપલ પર છે અને એ સાલ્સા બેઝ પર આધારિત છે તો બીજું ધમાલ સૉન્ગ છે. આપણે કહીએ કે બૉલીવુડ ફીલ સાથેનું મસ્તી-ધમાલ સાથેનું ગીત. 
બીજી પણ એક વાત કહીએ. અમે કોઈની પણ સાથે કામ શરૂ કરતાં પહેલાં તેનું કામ જોઈ લઈએ. જો તે એસ્ટૅબ્લિશ્ડ આર્ટિસ્ટ હોય તો-તો તેણે શું-શું કર્યું છે એની અમને ખબર જ હોય, પણ ધારો કે એવું ન હોય કે પછી ઓછું કામ જોવા મળ્યું હોય તો અમે મળીએ ત્યારે તેને પણ કહીએ કે તું આ કર, આ કર... 
તેની પાસે કરાવવાથી શું બને કે આપણને ખબર પડી જાય કે તે વ્યક્તિને કેવું અને કેટલું આવડે છે. એનાથી ખબર પડે તેની પાછળ શું અને કેટલી મહેનત કરવી જેથી ઑડિયન્સમાં તે બહુ સરસ દેખાય એનું પ્લાનિંગ થઈ શકે તો બીજું તેની બૉડી-લૅન્ગ્વેજના આધારે આપણે સ્ટેપ્સ ડિઝાઇન કરી શકીએ. 
એ વ્યક્તિને એવાં સ્ટેપ્સ આપી શકીએ જે કરતી વખતે તે એકદમ નૅચરલ રહે અને ઑડિયન્સને પણ ગમે. આવું કરવાથી બન્નેનું કામ આસાન થઈ જાય અને એક્સપ્રેશન પણ સરસ રીતે બહાર આવે. અમે અહીં કહીશું કે જો સની દેઓલને સીધાં જ ‘ઢોલી તારો ઢોલ બાજે...’નાં સ્ટેપ્સ આપી દો તો કામ થાય જ નહીં અને પહેલા જ દિવસે બધા ડિપ્રેસ થઈ જાય, પણ જો તેની ડાન્સ-સ્કિલ પહેલેથી જોઈ લીધી હોય તો ઘણી રાહત થઈ જાય અને એવાં સ્ટેપ્સ ડિઝાઇન થઈ શકે જેમાં જે-તે વ્યક્તિ પોતે પણ વધારે સારી રીતે દીપી ઊઠે. 
ઍનીવે, આરોહી પટેલ ગુજરાતી ફિલ્મોની બહુ સારી ડાન્સર છે એ વાત તેને નજીકથી ઓળખનારા સૌકોઈએ સ્વીકારવી જ રહી. આરોહી ઉપરાંત બીજું કોણ એવું છે જે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સારા ડાન્સર તરીકે નામના મેળવી શકે એની વાત અને બીજી વાતો કરીશું આપણે હવે આવતા રવિવારે.

columnists