21 May, 2026 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાંત કારિયા
અત્યારનો સમય સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ કરતાં પણ સર્વાઇવલ ઑફ ધ સ્માર્ટેસ્ટનો છે. બદલાતા અર્થતંત્રમાં જો કોઈ ક્ષેત્ર ઝડપથી ઊભરી રહ્યું હોય તો એ આર્ટ છે. એક સમય હતો જ્યારે ડિઝાઇનને માત્ર સજાવટ પૂરતી મર્યાદિત માનવામાં આવતી, પણ આજે એ બિઝનેસની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. આજે બજારમાં ગ્રાહક સશક્ત બન્યો છે. તેની પાસે વિકલ્પોનો અંબાર છે અને તેની અપેક્ષાઓ આસમાને છે. જ્યારે દરેક બ્રૅન્ડ એકસરખી ટેક્નૉલૉજી અને મટીરિયલ વાપરતી હોય ત્યારે ગ્રાહક કઈ વસ્તુ ખરીદશે? જવાબ છે જેની ડિઝાઇન તેને આકર્ષશે અને તેના જીવનને સરળ બનાવશે. આ જ કારણ છે કે આજે ઇન્ડસ્ટ્રીમાં વ્યાવસાયિક ડિઝાઇનરોની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
ડિઝાઇન આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. સવારે ઊઠીને આપણે જે કપમાં ચા પીએ છીએ ત્યાંથી લઈને રસ્તા પર દોડતી કાર સુધી અને આપણે જે હૉસ્પિટલ કે ઑફિસમાં બેસીએ છીએ એ દરેક સ્પેસ પાછળ એક કલાત્મક મગજ કામ કરતું હોય છે. ભારતમાં વર્ષોથી ડિઝાઇનરોએ મૅન્યુફૅક્ચરિંગ, ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીઓ અને ડિઝાઇન સ્ટુડિયોમાં પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો છે. એટલું જ નહીં, અનેક યુવા ડિઝાઇનરોએ પોતાના સ્ટાર્ટઅપ્સ દ્વારા ઉદ્યોગોને નવી દિશા આપી છે.
આજે ટેક્નૉલૉજી દરેક માટે સુલભ છે. એવામાં કંપનીઓ વચ્ચેની સ્પર્ધા હવે માત્ર ડિઝાઇનના મેદાનમાં ખેલાઈ રહી છે. આવનારા સમયમાં દરેક કંપની માટે ડિઝાઇન એની સૌથી મોટી તાકાત બનવાની છે. ગ્લોબલ ટ્રેન્ડને પગલે જ ભારતમાં ડિઝાઇનિંગ એજ્યુકેશનનો વ્યાપ વધ્યો છે. મીડિયા હોય, હસ્તકલા હોય કે ખાનગી ક્ષેત્ર; દરેક જગ્યાએ હવે આ વ્યવસાયને ખૂબ સન્માન અને ઊંચું મૂલ્ય મળી રહ્યું છે.
છેલ્લા બે દાયકાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ક્ષેત્ર વિશે જાણતા તો થયા છે, પણ એની ઊંડાઈ અને એમાં રહેલી તકો વિશે હજી પણ સચોટ માહિતીનો અભાવ જોવા મળે છે. મારો ઉદ્દેશ એ જ છે કે દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રને માત્ર એક વૈકલ્પિક કરીઅર તરીકે નહીં પણ પહેલી પસંદગી તરીકે સ્વીકારે. વિદ્યાર્થીઓ માટે આર્કિટેક્ચર, ઇન્ટીરિયર, અપ્લાઇડ આર્ટ, ફૅશન અને ગ્રાફિક્સ-ઍનિમેશન જેવી મૉડર્ન ડિઝાઇન્સ જેવા આર્થિક રીતે સક્ષમ કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રવેશ-પરીક્ષાઓ કે ડિપ્લોમા દ્વારા આ ક્ષેત્રોમાં જોડાઈને મોટી એજન્સીઓમાં ઊંચા પગારની નોકરી અથવા સ્વનિર્ભર બિઝનેસ શરૂ કરી શકાય છે. જો તમારામાં ક્રીએટિવિટી છે તો માર્કેટમાં તમારા માટે રેડ કાર્પેટ બિછાયેલી છે. જે વસ્તુ દેખાય છે એ જ વેચાય છે અને જે શ્રેષ્ઠ રીતે ડિઝાઇન થયેલી હોય છે એ જ ટકે છે.
- વિક્રાંત કારિયા
આર્ટ ઍન્ડ ડિઝાઇન એજ્યુકેશન ક્ષેત્રે જાણીતા વિક્રાંત કારિયા કરીઅર કાઉન્સેલર અને મેન્ટર છે. આ ઉપરાંત આર્ટ કરીઅર ગાઇડન્સ સેન્ટર કલાપથના ફાઉન્ડર પણ છે.