08 July, 2026 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CA રાજેશ છેડા જાણીતા લેખક, ફાઇનૅન્સ અને ટેક્નૉલૉજી એક્સપર્ટ તેમ જ ઉદ્યોગ-સાહસિક છે
મેં મારા વ્યાવસાયિક અને સામાજિક જીવનમાં સમયની સાથે બદલાતા આર્થિક પ્રવાહો અને જગતમાં આવેલાં મોટાં પરિવર્તનોને ખૂબ નજીકથી જોયાં છે. ભારતમાં કમ્પ્યુટરના આગમનથી લઈને ડિજિટલ ક્રાન્તિ સુધી ટેક્નૉલૉજીએ હંમેશાં આપણી કામ કરવાની શૈલી અને જીવનધોરણને એક નવી ઊંચાઈ આપી છે. આજે આપણે ફરી એક એવા ઐતિહાસિક વળાંક પર ઊભા છીએ જ્યાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આપણા ભવિષ્યનો એક નવો અધ્યાય લખી રહ્યું છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવા માટે AIને સમજવું અને એનો સ્વીકાર કરવો એ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે.
ઘણા લોકોના મનમાં અજાણ્યો ભય હોય છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવવાથી માણસોની નોકરીઓ છીનવાઈ જશે અને માનવશ્રમનું મૂલ્ય ઘટી જશે, પરંતુ જો ઇતિહાસ પર નજર કરીએ તો દેશમાં કમ્પ્યુટર અને ઑટોમેશન આવ્યાં ત્યારે પણ સમાજમાં આવો જ વિરોધ અને ડર હતો. પરિણામ શું આવ્યું? કમ્પ્યુટરે રોજગારી ઘટાડવાને બદલે લાખો નવી તકો અને આખી IT ઇન્ડસ્ટ્રીનું સર્જન કર્યું. AI પણ એક એવું જ સશક્ત માધ્યમ છે. એ માણસનો વિકલ્પ નથી પણ માણસની કાર્યક્ષમતા અને બુદ્ધિમત્તાને ગુણાકાર કરવા માટેનું એક પ્રકારનું ટૂલ છે.
AIને કારણે ડેટા ઍનૅલિસિસ, ફાઇનૅન્શિયલ પ્લાનિંગ, ટૅક્સેશન અને રોજિંદાં જટિલ કાર્યોમાં અદ્ભુત ચોકસાઈ અને ઝડપ આવી શકે છે. જે ગણતરીઓ અને વિશ્લેષણમાં પહેલાં કલાકો કે દિવસો જતા હતા એ હવે મિનિટોમાં સંભવ બન્યાં છે. આ ટેક્નૉલૉજી આપણો સમય બગાડતી નથી, પણ સ્ટ્રૅટેજિક ડિસિઝન્સ લેવા અને વધુ સર્જનાત્મક કાર્યો કરવા માટે આપણને મુક્ત કરે છે. વેપાર, ઉદ્યોગ, મેડિકલ અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં AIનો કુશળતાપૂર્વક ઉપયોગ આપણને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
ટેક્નૉલૉજી ગમે એટલી સર્વોપરી બને પણ એ ક્યારેય માણસની સંવેદના, નીતિમત્તા, વિવેકબુદ્ધિ અને સામાજિક મૂલ્યોનું સ્થાન લઈ શકતી નથી. AI પાસે પ્રોસેસિંગ પાવર હોઈ શકે, પણ નિર્ણયશક્તિ તો માણસ પાસે જ છે. તેથી આપણે ટેક્નૉલૉજીનો સ્વીકાર ચોક્કસ કરવાનો છે, પણ આપણા મૂળભૂત સંસ્કારોના ભોગે નહીં. AIનો ઉપયોગ માત્ર આર્થિક નફા માટે નહીં પણ સમાજના કલ્યાણ, પારદર્શિતા અને સામાન્ય માણસના જીવનને સરળ બનાવવા માટે થવો જોઈએ.
પરિવર્તન એ સંસારનો શાશ્વત નિયમ છે. જે સમયની ગતિને ઓળખીને પોતાની જાતને અપગ્રેડ નથી કરતું તે સમયના પ્રવાહમાં પાછળ છૂટી જાય છે. આજના યુવા ધન અને વ્યવસાયીઓએ AIથી ડરવાની કે એનાથી ભાગવાની બિલકુલ જરૂર નથી, પરંતુ એને આત્મસાત્ કરીને પોતાના વિકાસનું હથિયાર બનાવવાની જરૂર છે.