01 March, 2026 03:29 PM IST | New Delhi | Laxmi Vanita
આસિફ હિન્દુસ્તાની
આ હિન્દુસ્તાની દિલ્હીની ગંદી સડકોને કચરામુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છેઃ ક્લીનિંગ ફૉર અ બેટર ઇન્ડિયાના સ્લોગનવાળું ટી-શર્ટ પહેરીને કોઈ પણ સંસ્થાના સપોર્ટ વગર હાથમાં ઝાડુ લઈને નીકળી પડે છે આસિફ હિન્દુસ્તાની : પોતાના કામને રેકૉર્ડ કરવા મોબાઇલના કૅમેરાનો ઉપયોગ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સફર શૅર કરે છે
સ્વચ્છતા કોઈ એક દિવસનું અભિયાન નથી, એ સંસ્કૃતિનો આધારસ્તંભ છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાન રાષ્ટ્રોના નિર્માણમાં સ્વચ્છતા અને શિસ્તનું મહત્ત્વ વિશેષ રહ્યું છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, ‘સ્વચ્છતા સ્વતંત્રતા કરતાં વધારે મહત્ત્વની છે.’ તેમના માટે સ્વરાજ્ય માત્ર રાજકીય આઝાદી નહોતું પરંતુ માનસિક અને સામાજિક શુદ્ધતાનો પણ પ્રશ્ન હતો. તેઓ માનતા હતા કે ગંદકી સામેની લડત દરેક નાગરિકની વ્યક્તિગત જવાબદારી છે. સ્વચ્છતા કોઈ નાની બાબત નથી; એ નાગરિક સંસ્કાર, જવાબદારી અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. જ્યારે નેતાઓએ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ત્યારે સમાજે પણ એને જીવનમૂલ્ય તરીકે સ્વીકારી. આજના સમયમાં પણ સ્વચ્છતા વિશેની ચર્ચા માત્ર અભિયાન સુધી મર્યાદિત ન રહી, પરંતુ જીવનશૈલી બની રહે એ જરૂરી છે. કદાચ આવી જ કોઈ પ્રેરણા રહી હશે દિલ્હીના મોહમ્મદ આસિફની જેણે સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજીને ઝાડુ હાથમાં લઈને દિલ્હીની ગંદી સડકો સાફ કરવાનું શરૂ કરી દીધું. શા માટે ઇન્સ્ટાગ્રામ પર આસિફ હિન્દુસ્તાનીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે એ જાણીએ.
ઇન્સ્ટાગ્રામ પર આસિફ હિન્દુસ્તાની તરીકે જાણીતા આસિફનું સાચું નામ મોહમ્મદ આસિફ છે. દિલ્હી ઘણાબધા મુદ્દાઓને લઈને ચર્ચામાં હોય છે અને શહેરની ગંદકીનો મુદ્દો કદાચ અન્ય મુદ્દાઓમાં આંખ સામે ઊડીને ન પણ આવે. શહેરોમાં ઘણી વખત બસ-સ્ટૅન્ડ પાસે ઢગલાબંધ કચરો, ફુટપાથની બાજુમાં વહેતો કચરો અથવા ખૂણાઓમાં ભરાયેલી ગંદકી આપણને રોજ નજરે પડે છે; પરંતુ આપણે એને અવગણી દેવાની આદત પાડી લીધી છે. મોટા ભાગના લોકોને ક્યાંક ને ક્યાંક પહોંચવામાં મોડું થતું હોય છે એટલે ગંદકી આંખમાં ખૂંચતી હોવા છતાં એક સેકન્ડ માટે પણ રોકાતા નથી. ત્યારે આસિફ આ ગંદકીને અવગણતો નથી. હાથમાં ઝાડુ અને મનમાં જવાબદારીની ભાવના સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરે છે અને લોકોને સિવિક સેન્સ શું કહેવાય એની વ્યાખ્યા દેખાડે છે. આસિફ કોઈ સરકારી મદદ, કોઈ ટીમ કે પ્રશંસાની અપેક્ષા વગર એકલો જ રસ્તાઓ પર કચરો એકઠો કરે અને સાફ કરે છે. જે જગ્યાને તે સાફ કરે છે એનો વિડિયો બનાવવા માટે એક કૅમેરા સાથે હોય છે. આ જ વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શહેરના વિવિધ ભાગોની સફાઈના વિડિયો અને અપડેટ્સ શૅર કરે છે જેમાં ગંદકીથી ભરેલા બસ-સ્ટૅન્ડ, અટવાયેલાં નાળાં અને બેદરકારીનાં દૃશ્યો સ્પષ્ટ જોવા મળે છે. રોહિણી વિસ્તારના એક ગંદા બસ-સ્ટૅન્ડની સફાઈ કરતો તેનો વિડિયો ખૂબ જ વાઇરલ થયો હતો જેણે લોકોને થોડી ક્ષણ માટે વિચારવા મજબૂર કર્યા, ‘હું મારા શહેર માટે શું કરી રહ્યો છું?’
સફાઈ માટે સાવરણી ઊઠાવતો આસિફ હિન્દુસ્તાની લોકોમાં સિવિક સેન્સ કેળવાય એ માટે સફાઈના વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શૅર કરે છે.
માઇન્ડસેટ બદલવું છે
આસિફને જીવનમાં ભારતીયોની એક આદત બદલવાનો અવસર મળે તો તે લોકોને એક ક્ષણ થોભીને કચરો ક્યાં ફેંકવો એના વિશે વિચારતા કરવા ઇચ્છે છે. જ્યાં સુધી કચરાપેટી ન દેખાય ત્યાં સુધી લોકો કચરો પોતાની પાસે રાખે તો જાહેર સ્થળોનો દેખાવ બદલાઈ શકે છે. તેનું આ સપનું માત્ર તેના વ્યક્તિગત અભિયાન પૂરતું મર્યાદિત ન રહેતાં ઘણાબધા સ્વયંસેવકોને પોતાની સાથે જોડવા ઇચ્છે છે. ખાસ કરીને નવી પેઢીમાં જાગૃતિ લાવવા પર તે ભાર મૂકે છે જેથી સ્વચ્છતા એક આદત બને, માત્ર ગંદકી સામેની પ્રતિક્રિયા નહીં. આસિફ હિન્દુસ્તાની પોતાની આગવી ઓળખ માટે માત્ર ઝાડુ ચલાવવા નથી માગતો, લોકોમાં જવાબદારી અને સંવેદનશીલતા જગાડવાની ઇચ્છાથી કાર્ય કરે છે.
ટ્રેનમાં, રસ્તા પર, બગીચામાં કચરો જોઈને ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ જતા હોય છે. જોકે આસિફ માટે કચરો ગુસ્સાનો વિષય નથી, એ જવાબદારીનો મુદ્દો છે. તે વારંવાર કહે છે કે સ્વચ્છતા માત્ર સરકારની ફરજ નથી, પરંતુ વ્યક્તિગત જવાબદારી છે. રસ્તા પર ફેંકાયેલું ચિપ્સનું પૅકેટ, ચૉકલેટનાં રૅપર, પાણીની કે કોલાની ખાલી બૉટલો કે બેદરકારીથી નાખવામાં આવેલા કૉફી કપ જેવી નાની બાબતો મળીને મોટા સ્તરે ગંદકીનું સ્વરૂપ લે છે. તે કહે છે કે લોકોમાં ‘આ મારી જવાબદારી નથી’ એવી માનસિકતા જ સૌથી મોટો પ્રશ્ન છે. જાહેર સ્થળો ‘કોઈનાં નથી’ એમ માનવાની આ વૃત્તિ શહેરને ગંદું બનાવે છે. તેની દૃષ્ટિએ શહેર સ્વચ્છ રાખવું માત્ર સફાઈ-કામદારોનું કામ નથી, એ સહભાગી જવાબદારી છે. તેમણે મ્યુનિસિપલ તંત્ર સાથેના અનુભવો વિશે પણ ખુલ્લેઆમ વાત કરી છે. તે સ્વીકારે છે કે ઘણા સફાઈ-કામદારો પોતાની શ્રેષ્ઠ કોશિશ કરે છે, પરંતુ પૂરતાં સંસાધનોના અભાવે તેઓ સફળ થવામાં મુશ્કેલી અનુભવે છે. પશ્ચિમ દિલ્હીમાં એક સફાઈ-કામદારે તેને જણાવ્યું કે લગભગ ૬૨ બગીચાઓ માટે માત્ર ચાર જ કામદારો નિયુક્ત છે. આવી પરિસ્થિતિમાં તમામ સ્થળોને સ્વચ્છ રાખવાં ભૌતિક રીતે અશક્ય બને છે.