15 December, 2025 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજુભાઈ
ઉંમર થાય એમ વ્યક્તિ ધીમી પડતી જાય, પણ બોરીવલીમાં રહેતા ૬૩ વર્ષના રાજુભાઈ મજીઠિયાના કેસમાં ઊલટું છે. વધતી ઉંમર સાથે તેમની સક્રિયતા વધી રહી છે. આ ઉંમરે તેઓ પોતાનો બિઝનેસ તો સંભાળે જ છે અને એની સાથે પોતાની હેલ્થ, ફિટનેસ પર ધ્યાન આપવાથી લઈને પોતાના મોજશોખ પૂરા કરવા સુધીનાં બધાં કામ કરે છે. તેમને જોઈને આપણને સહજ રીતે એવો સવાલ થાય કે ૬૩ વર્ષની ઉંમરે આટલુંબધું કરી લેવું શક્ય છે? તેમને જોઈને આપણને ખરેખર ખાતરી થઈ જાય કે ‘એજ ઇઝ જસ્ટ અ નંબર’.
જિમ
આ ઉંમરે પણ રાજુભાઈ દરરોજ જિમમાં જાય છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું દરરોજ સવારે છ વાગ્યે જિમમાં જવા માટે નીકળી જાઉં. બૅક, ચેસ્ટ, શોલ્ડર, બાઇસેપ્સ, ટ્રાઇસેપ્સ અને લેગ્સ એમ દરરોજ એક મસલ-ગ્રુપ ટ્રેઇન કરું છું. રવિવારે હું સંજય ગાંધી નૅશનલ પાર્કમાં વૉક કરવા માટે જાઉ છું. એ સિવાય વચ્ચે-વચ્ચે મસાજ, સ્વિમિંગ ચાલુ હોય. એ સિવાય દરરોજ હું સાતથી આઠની વચ્ચે મૌન પાળું છું. આનાથી મારું મન શાંત રહે છે, એકાગ્રતા વધે છે અને નિર્ણયો લેવામાં સ્પષ્ટતા મળે છે. જિમ અને મૌન આ બન્ને વસ્તુ મને તન અને મનથી સ્વસ્થ રાખવાનું કામ કરે છે.’
ડાયટ
રાજુભાઈ ખાવાપીવા બાબતે પણ ઘણા ચુસ્ત છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારું ખાવાની વસ્તુ કરતાં ન ખાવાની વસ્તુનું લિસ્ટ મોટું છે. હું વધારે પડતું તળેલું જેમ કે સમોસા, બટાટાવડા એવું જરાય નથી ખાતો. જન્ક ફૂડ, કોલ્ડ ડ્રિન્ક્સથી પણ દૂર રહું છું. દારૂ, સિગારેટ, તમાકુ કે સોપારી જેવી કોઈ વસ્તુનું મને વ્યસન નથી. હું એકદમ સાત્ત્વિક ભોજન લઉં છું. કાંદા-લસણ પણ નથી ખાતો. હું દર ગુરુવારે ફળ અને દૂધ ખાઈને ઉપવાસ કરું છું. તમે ૬ દિવસ કામ કરીને એક દિવસ રવિવારે આરામ કરો છો એમ તમારે અઠવાડિયામાં એક વાર પેટને આરામ આપવો જોઈએ. જમ્યા પછી પેટમાં એટલી જગ્યા હોવી જોઈએ કે તમે ફરી જમી શકો. પેટમાં તમે થોડી જગ્યા રાખો તો પાચન સારું થાય. એ સિવાય ખાધા પહેલાં અડધો કલાક અને ખાધા પછી અડધો કલાક પાણી ન પીવું જોઈએ.’
મૉડલિંગ
રાજુભાઈ છેલ્લાં પાંચ વર્ષથી મૉડલિંગ પણ કરી રહ્યા છે. આ વિશે તેઓ કહે છે, ‘હું ફૅશન-શો, બિઅર્ડ મૉડલિંગ શો કરું છું. મારો ટેક્સટાઇલનો બિઝનેસ છે એટલે ડ્રેસિંગ સેન્સ તો મને છે જ. ઉપરથી મારું ફિઝિક પણ સારું છે. ભગવાનની મારા પર કૃપા છે કે હું કોઈ પણ આઉટફિટ પહેરું એ મારા પર સૂટ જ થાય. આ કામ હું પૈસા માટે નથી કરતો, મને શોખ છે એટલે કરું છું. હું તો માનું છું કે વ્યક્તિએ મરતાં પહેલાં બધા શોખ પૂરા કરી લેવા જોઈએ. તમારામાં એક બોલ્ડનેસ હોવી જોઈએ. તમારે એ ભૂલી જવાનું કે લોકો શું કહેશે. તમે આખી દુનિયાને તો ખુશ રાખી શકવાના નથી. એટલે બેટર છે કે તમે તમારી જાતને જ ખુશ રાખો.’
શૉર્ટ ફિલ્મ
રાજુભાઈ શૉર્ટ ફિલ્મ્સ બનાવવાનું પણ કામ કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મેં હેલ્મેટ, તુલસી વિવાહ, કૉફી ટેબલ જેવી નાની-નાની શૉર્ટ ફિલ્મ બનાવી છે. સમાજના વિવિધ મુદ્દે મને મારા વિચારો રજૂ કરવા અને અભિનય કરવો ગમે એટલે હું આ કામ કરું છું.’
મૅરેજ બ્યુરો
છેલ્લાં ૧૦ વર્ષથી રાજુભાઈ મૅરેજ બ્યુરો પણ ચલાવે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘જે રીતે ઇવેન્ટ મૅનેજમેન્ટ હોય એમ હું મૅરેજમેન્ટ કરું છું. જૂના જમાનામાં વડીલો જે રીતે સગપણ કરાવી આપતા એ રીતે હું પણ દીકરા-દીકરીનું સગપણ કરાવું છું, પણ આ કામ હું મૉડર્ન જમાના પ્રમાણે કરું છું. દીકરા-દીકરીની મીટિંગ ફિક્સ કરવાથી લઈને વેવાઈ-વેવાણનો સંબંધ બંધાય ત્યાં સુધી હું સાથ આપું છું. આ કામ માટે હું નૉમિનલ ફી લઉ છું, કારણ કે લોકો મફતની વસ્તુની વૅલ્યુ નથી કરતા. બાકી કોઈ સાધારણ ઘરની દીકરી હોય અને ફી ચૂકવી શકે એમ ન હોય તો હું તેમની પાસેથી એક રૂપિયો લેતો નથી. તમે કોઈના સંતાનને યોગ્ય પાત્ર મેળવવામાં મદદ કરો ત્યારે તેમના જે અંતરના આશીર્વાદ હોય એ અમૂલ્ય હોય છે. બાકી આજના જમાનામાં સારો જીવનસાથી શોધવાનું કામ અઘરું બનતું જઈ રહ્યું છે.’
બિઝનેસ
રાજુભાઈનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પ્રભાદેવીમાં મારી ઑફિસ છે. મારા પપ્પા ૧૯૮૨માં ગુજરી ગયેલા. એ સમયે હું ૧૯ વર્ષનો હતો. મીઠીબાઈ કૉલેજમાં ભણતો હતો. જેવું BComનું ભણવાનું પત્યું એટલે ૧૯૮૩માં ધંધો સંભાળી લીધો. મારે કાકા, ભાઈ, ભત્રીજો, દીકરો કોઈ નથી એટલે અત્યારે પણ હું જ આખો બિઝનેસ સંભાળું છું. મારા પપ્પા ગુજરી ગયેલા એ સમયે પણ ત્રણ મહિના માટે મારા એક મિત્રએ ધંધો સભાળેલો, જેથી હું મારું ભણતર પૂરું કરી શકું.’
પરિવાર
પરિવારના સભ્યો વિશે વાત કરતાં રાજુભાઈ કહે છે, ‘મારાં પત્ની પન્ના બિઝનેસનું જે પણ અકાઉન્ટિંગનું કામ છે એ સંભાળે છે. તેમનો સાથ છે એટલે તો હું મુક્ત રહીને મારાં જે બીજાં કામ અને શોખ છે એ પૂરાં કરી શકું છું. સંતાનમાં બે દીકરીઓ છે. મોટી દીકરી નિયતિ પરણીને તેના સાસરે સેટલ્ડ છે, જ્યારે મારી નાની દીકરીનું નામ ફ્રેની છે. મારે એક દોહિત્રી પણ છે.’