ગભરાટ નથી, નર્વસનેસ છે

29 January, 2023 01:34 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પૅન્ડેમિકને કારણે દસમા ધોરણમાં પ્રમોટ થયેલા અને હાલ બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઇમ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે

પ્રતીકાત્મક તસવીર

આ સાથે કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો હોવાથી તેઓ પ્રેશરનો સામનો ચોક્કસ કરી રહ્યા છે, પણ નાસીપાસ નથી થયા. અઘરી કસોટીમાંથી હેમખેમ પાર ઊતરવા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ એડી-ચોટીનું જોર લગાવ્યું હોવાનું જાણવા મળ્યું છે

બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પર વાલીઓની અપેક્ષાઓનો ભાર અને સોસાયટીનો હાઉ હોવો એ નવી વાત નથી. લોકો જાતજાતનાં સલાહ-સૂચનો આપે એમાં કેટલાક વિદ્યાર્થીઓ મોટિવેટ થાય તો ઘણા પીઅર પ્રેશરમાં આવી જાય. આવું દર વર્ષે થતું હોય છે, પરંતુ આ વખતે સિનારિયો જુદો છે. અત્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અગાઉના બૅચ કરતાં વધારે ટેન્શનમાં દેખાઈ રહ્યા છે, કારણ કે પેન્ડેમિકને કારણે તેઓ ટેન્થમાં પ્રમોટ થયા છે. દેખીતી રીતે તેમને બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ નથી. બે વર્ષ ઑનલાઇન પરીક્ષા આપી હોવાથી રાઇટિંગ સ્કિલ ઘટી ગઈ છે. બારમાના રિઝલ્ટના આધારે કરીઅર નક્કી થાય છે તેથી કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું પ્રેશર પણ છે. આમ બધી રીતે તેઓ મૂંઝાયેલા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તૈયારી કેવી ચાલે છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરતાં જે ચિત્ર સામે આવ્યું એ અહીં રજૂ કર્યું છે.

અપ્રોચ જુદો છે

ઐરોલીમાં આવેલી આર્યા ગુરુકુળ ઇન્ટિગ્રેટેડ કૉલેજની ટ્વેલ્થ સાયન્સની સ્ટુડન્ટ મોક્ષા શાહ કહે છે, ‘દર વર્ષે સાયન્સના સ્ટુડન્ટ્સ પર ઘણીબધી એક્ઝામનું પ્રેશર હોય જ છે. બોર્ડની પરીક્ષા ઉપરાંત હું નીટ અને સીઈટી પણ આપવાની છું. બોર્ડની પરીક્ષા અને કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામનો કન્સેપ્ટ અને સિલેબસ સેમ છે, પરંતુ અપ્રોચ જુદો હોવાથી અમારા બૅચના સ્ટુડન્ટ્સનું પ્રેશર અલગ જ લેવલનું છે. બોર્ડમાં થિયરી પેપરો હશે, જ્યારે કમ્પેટિટિવ એક્ઝામમાં એમસીક્યુ અટેમ્પ્ટ કરવાના છે. બે વર્ષથી અમારી લખવાની પ્રૅક્ટિસ છૂટી ગઈ હોવાથી ટફ તો પડશે. કન્સેપ્ટના બેઝ પર થોડું લખી શકીશ, પણ એને એક્સ્પાન્ડ કરીને લાંબું લખવાનું અઘરું થશે. જોકે ક્લાસિસમાં બોર્ડની પરીક્ષાનાં પેપરો લખવાની પ્રૅક્ટિસ આપવામાં આવી હોવાથી એટલો વાંધો નહીં આવે. ટેન્થમાં અમે એક્ઝામ ભલે નથી આપી, પણ તૈયારી તો ફુલ કરી હતી. બોર્ડની એક્ઝામ કેવી હશે એનો આઇડિયા છે. વાસ્તવમાં ટીચર્સ અને પેરન્ટ્સમાં વધારે ઍન્ગ્ઝાયટી જોવા મળી રહી છે. તેમને લાગે છે કે આ વર્ષના વિદ્યાર્થીઓ કઈ રીતે પેપરો પૂરાં કરશે.’

અનુભવ છે

કૉમ્પિટિશનનો માહોલ અને ઘણીબધી એક્ઝામ અટેમ્પ્ટ કરવાની હોય ત્યારે સાયન્સના સ્ટુડન્ટ્સ વધારે પ્રેશર અનુભવે એ વાત સાચી છે, પરંતુ બોર્ડ એક્ઝામનો મને ખાસ ભય નથી લાગતો એવું ઉત્સાહ સાથે જણાવતાં વિલે પાર્લેની દીિક્ષત રોડ જુનિયર કૉલેજ ઑફ સાયન્સ ઇન્ટિગ્રેટેડની સ્ટુડન્ટ મુક્તિ ભાવસાર કહે છે, ‘દરેક વિદ્યાર્થીની જેમ મેં પણ ટેન્થની બોર્ડ એક્ઝામ માટેની ફુલ તૈયારી કરી હતી. કોરોનાને લીધે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું તેથી આ વખતે ટેન્શન જોવા મળે છે. જોકે મારો કેસ થોડો જુદો છે. એક્ઝામિનેશન સેન્ટરના એન્વાયર્નમેન્ટનો એક્સ્પીરિયન્સ લીધો છે. નવમા ધોરણમાં હતી ત્યારે ટેન્થના એક વિદ્યાર્થી માટે રાઇટર બનીને ગઈ હતી. પોતાના માટે પેપર ભલે ન લખ્યાં હોય, પરંતુ બીજા માટે અટેમ્પ્ટ કરવાનો અનુભવ હોવાથી કૉન્ફિડન્ટ છું. હાલની વાત કરું તો બોર્ડનાં પેપર લખવાની પ્રૅક્ટિસ થઈ ગઈ છે. કમ્પેટિટિવ એક્ઝામની તૈયારી માટે અમને પૂરતો સમય મળ્યો નહોતો. સામાન્ય રીતે જેઈઈની એક્ઝામની તારીખ ચારેક મહિના પહેલાં જાહેર કરવામાં આવે છે. આ વખતે વેરી શૉર્ટ નોટિસ પિરિયડ એટલે કે ૪૦ દિવસ જ મળ્યા હતા. એમાં સ્ટુડન્ટ્સે ફરજિયાત બોર્ડના પ્રેપરેશનમાંથી બ્રેક લઈને કમ્પેટિટિવ એક્ઝામ પર ફોકસ કરવું પડ્યું હતું. થોડા સમય પહેલાં પ્રૅક્ટિકલ્સ થઈ ગયા છે. ટીચર્સ અને પેરન્ટ્સના સપોર્ટથી હવે ટોટલી બોર્ડ એક્ઝામની તૈયારી ચાલે છે.’

રિલૅક્સ્ડ છું

મારી તૈયારી સારી ચાલે છે. થોડા દિવસ પહેલાં જ પ્રિલિમ્સની એક્ઝામ ખતમ થઈ છે. ફાઇનલ પ્રેપરેશન માટે પૂરતો સમય છે એવી વાત કરતાં વિદ્યાવિહારની કે. જે. સોમૈયા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજનો ટ્વેલ્થનો સ્ટુડન્ટ નિહાલ મોમાયા કહે છે, ‘કમ્પેટિટિવ એક્ઝામનું બર્ડન નથી એ કૉમર્સ સ્ટુડન્ટ્સ માટે પ્લસ પૉઇન્ટ કહેવાય. રાઇટિંગની સ્પીડ ઘટી ગઈ હોવાથી થિયરેટિકલ પેપર લખવામાં થોડી ડિફિકલ્ટી આવશે, પણ ઓવરઑલ અમે રિલૅક્સ છીએ. જોકે આપણી આસપાસના લોકો દ્વારા બોર્ડ એક્ઝામનો જે હાઉ ઊભો કરવામાં આવે છે એને કારણે ઘણી વાર સ્ટુડન્ટ્સનો કૉન્ફિડન્સ ડાઉન થઈ જતો હોય છે. તેઓ સપોર્ટ કરવાની જગ્યાએ પ્રેશર આપી દે છે. ટ્યુશન અને ક્લાસિસના ટીચરને જોઈએ છે કે તેમનો સ્ટુડન્ટ બેસ્ટ પર્ફોર્મન્સ આપે જેથી તેમનું નામ થાય. મોટા ભાગના પેરન્ટ્સની પણ આવી જ અપેક્ષા હોય છે. આ કારણસર પીઅર પ્રેશરનું લેવલ હાઈ થઈ જાય છે. બોર્ડ એક્ઝામનું ટેન્શન લઈ રહેલા મિત્રોને હું કહીશ કે ટેન્થમાં એક્ઝામ નથી આપી તો શું થયું? આપણે બધાએ છેલ્લી ઘડી સુધી તનતોડ મહેનતી કરી હતી. બોર્ડની એક્ઝામ નથી થવાની એવું મોડું-મોડું જાહેર થયું. ત્યાં સુધી પ્રેશર હૅન્ડલ કરવાનો એક્સ્પીરિયન્સ કામ લાગશે. આટલાં વર્ષોથી દર વર્ષે પરીક્ષા આપીએ જ છીએ તો સ્ટ્રેસ લેવાની જરૂર નથી.’

કો-અપ થઈ જશે

વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાં ટ્વેલ્થ આર્ટ્સમાં અભ્યાસ કરતી રિયા ઠક્કર બોર્ડની એક્ઝામની તૈયારી વિશે વાત કરતાં કહે છે, ‘ટેન્થમાં ચૂકી ગયા હતા તેથી નર્વસનેસ તો છે, પરંતુ ગભરાટ જેવો માહોલ નથી. આર્ટ્સમાં મોટા ભાગનાં પેપર થિયરેટિકલ હોવાથી લખવાનું ઘણું હશે. પેન્ડેમિકમાં ઑનલાઇન સ્ટડીઝને લીધે લખવાની સ્પીડ ઘટી ગઈ હોવાથી ઘણા સ્ટુડન્ટ્સને પેપર પૂરું થશે કે નહીં એવી ચિંતા છે. જોકે મેં લાસ્ટ યરથી જ ક્લાસિસ જૉઇન કરી લીધા હતા. ટીચર્સના માર્ગદર્શનમાં રાઇટિંગ સ્કિલને ટ્રૅક પર લાવવામાં સક્સેસ રહી છું. મને ખાતરી છે કે બધા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરીને ઑનટાઇમ પેપર પૂરું થઈ જશે. આગળ માસ મીડિયામાં કારકિર્દી બનાવવાની હોવાથી કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે, પણ એને હજી વાર હોવાથી અત્યારે બોર્ડને જ ફોકસમાં રાખ્યું છે. મને લાગે છે કે ટ્વેલ્થ પછી લૉ કૉલેજમાં ઍડ્મિશન લેવાનું છે એવા સ્ટુડન્ટ્સ પર વધારે પ્રેશર છે. મારા ઘણા ફ્રેન્ડ્સ થોડા સમય પહેલાં સુધી કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત હતા. તેમને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે સમય ઓછો મળ્યો છે, પણ કો-અપ કરી લેશે.’

શિક્ષકોનો પૂરેપૂરો સપોર્ટ

ટીચર્સના એફર્ટ વિશે માહિતી આપતાં નાલાસોપારાની આર. કે. કૉલેજના કેમિસ્ટ્રીના લેક્ચરર તેમ જ બોર્ડનાં પેપર તપાસવાનો અનુભવ ધરાવતાં રાજેશ્રી પ્રજાપતિ કહે છે, ‘હાલમાં મોટા ભાગની કૉલેજમાં પ્રિલિમ્સ ચાલે છે. વિદ્યાર્થીઓને પ્રૅક્ટિસ મળે એ માટે બોર્ડ એક્ઝામ જેવી સેમ ટુ સેમ સપ્લિમેન્ટ આપવામાં આવે છે. એમાં સબ્જેક્ટ કોડ અને સીટ-નંબર ક્યાં લખવાના, નવો પ્રશ્ન નવા પેજ પર સ્ટાર્ટ કરવાનો વગેરે તમામ ઇન્સ્ટ્રક્શન લખેલી છે. એમ સમજો કે બોર્ડની આન્સરશીટની ઝેરોક્સ કૉપી છે. આ વર્ષના બૅચના સરેરાશ વિદ્યાર્થીઓ ભણવામાં થોડા આળસુ દેખાઈ રહ્યા છે. પ્રૅક્ટિકલમાં માર્ક્સ મળી જવાના છે તેથી તેમને પાસઆઉટનો ભય નથી. હા, જેમને સારી કૉલેજમાં જવું છે તેઓ ચોક્કસ પ્રેશરમાં છે. ઉપરથી કમ્પેટિટિવ એક્ઝામનો ભાર પણ છે. જોકે કૉન્ફિડન્ટ રહેવાનું છે. પેન્ડેમિક આવ્યું ત્યારથી પેપરની પૅટર્ન ચેન્જ થઈ ગઈ છે. વિદ્યાર્થી સમક્ષ દરેક ચૅપ્ટરનું વેઇટેજ છે. સિત્તેર માર્ક્સની પરીક્ષા માટે નેવું માર્ક્સની પ્રશ્નોત્તરી હશે તેથી હાર્ડ ક્વેશ્ચન ઑપ્શનમાં નીકળી જશે. અગાઉ સાત માર્ક્સના ઑબ્જેક્ટિવ હતા. હવે દસ માર્ક્સના ઑબ્જેક્ટિવ અને આઠ માર્ક્સના વન લાઇન આન્સરને કારણે સ્કોર વધી જશે. વિદ્યાર્થીઓને અમે સલાહ આપી છે કે લાંબું-લાંબું લખવાની જરૂર નથી. પૉઇન્ટ ટુ પૉઇન્ટ જવાબ લખો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી જેવા વિષયોમાં ન્યુમેરિકલ ક્વેશ્ચન વધારે અટેમ્પ્ટ કરો, કારણ કે એમાં માર્ક્સ કટ થવાના ચાન્સિસ ખૂબ ઓછા હોય છે. ફૉર્મ્યુલા લખીને વૅલ્યુ નાખો. ત્રણમાંથી બે માર્ક લઈ જાઓ. કૅલ્ક્યુલેશન કર્યા પછી જવાબ ખોટો હશે તો પણ અઢી માર્ક મળી જશે. ઘણી વાર એવું થાય છે કે પેપર સેટ કરતી વખતે સિલેબસની બહારનો સવાલ પ્રિન્ટ થઈ જાય છે. એ વખતે નાસીપાસ થયા વિના ક્વેશ્ચન લખીને આવશો તો એ પણ અટેમ્પ્ટ કર્યો ગણાશે અને ફુલ માર્ક્સ આપવામાં આવશે.’

માર્ગદર્શન આપ્યું છે

વિદ્યાર્થીઓની તૈયારી અને શિક્ષકોના સપોર્ટ વિશે વાત કરતાં બોરીવલીની જી. એચ. હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજનાં વાઇસ પ્રિન્સિપાલ મિત્તલ જોશી કહે છે, ‘બોર્ડની પરીક્ષાનો ભય હોવો એ કોઈ નવી વાત નથી. સ્ટુડન્ટ્સ પર પીઅર પ્રેશર અને પેરન્ટ્સની અપેક્ષાઓ હંમેશાં રહી છે. આ વખતે કોરોનાને કારણે ટેન્થમાં પ્રમોટ થયેલો બૅચ હોવાથી વિદ્યાર્થીઓમાં સેલ્ફ-કૉન્ફિડન્સ બીલ્ટ કરવા માટે અમે કોઈ કસર છોડી નથી. અમારી જુનિયર કૉલેજની ટીમે વિદ્યાર્થીઓને બોર્ડ માટે બહુ સરસ રીતે પ્રિપેર કર્યા છે. શિક્ષકોએ ઘણાંબધાં ગાઇડન્સ લેક્ચર લીધાં છે. એમાં કઈ રીતે પરીક્ષા આપવી, કેવી રીતે આન્સર લખવા, કયા ચૅપ્ટર પર વધારે ફોકસ રાખવું તેમ જ ઑપ્શનમાં શું કાઢી નાખવું એની સમજ આપી છે જેથી તેમનો સ્કોર વધી જાય. ગયા વર્ષથી જ વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સનું કાઉન્સેલિંગ ચાલે છે. વિદ્યાર્થીઓને અમે સમજાવ્યું છે કે આગળની કરીઅરને ફોકસમાં ચોક્કસ રાખો. દાખલા તરીકે એમબીબીએસ કરવું છે તો કમ્પેટિટિવ એક્ઝામ માટે ખૂબ મહેનત કરો, પરંતુ પેપર સારાં ન જાય તો હતાશ નથી થવાનું. પૅરામેડિકલ, ફાર્માસ્યુટિકલ જેવા બીજા અઢળક ઑપ્શન્સ છે. ઘણી વાર પેરન્ટ્સ પોતાનાં સપનાંઓ સંતાનોના માથે થોપી બેસાડતા હોય છે. તેમની ઇચ્છા સંતાનને ડૉક્ટર, એન્જિનિયર અને સીએ બનાવવાની હોય છે. પેરન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરીને જુદી-જુદી ફૅકલ્ટી વિશે માહિતી આપી છે. સેકન્ડરી થૉટ પ્રોસેસ ડેવલપ થવાથી તેમની માનસિકતા બદલાઈ છે. બોર્ડ એક્ઝામના પ્રેશરમાં સંતાનોની તબિયત ન બગડે અને રિઝલ્ટ બાદ તેઓ ડિપ્રેશનમાં ન જાય એનું ધ્યાન રાખવાનું છે. માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેશનથી નેવું ટકા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવવામાં અમે સફળ રહ્યા છીએ.’

કોરી પાટી જેવા

મહારાષ્ટ્રના ટીચર્સ ડેમોક્રૅટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યા કહે છે, ‘આપણી શિક્ષણપ્રણાલીમાં બે વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સધ્ધર વાલીઓનાં સંતાનોએ પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ જૉઇન કરીને પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. બીજી તરફ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ જેઓ સ્વાવલંબી બનીને સખત મહેનત કરી રહ્યા છે છતાં તેમની આગળની કારકિર્દી બારમા ધોરણનાં પરિણામોના આધારે નક્કી થશે. અમારી હંમેશાંથી સરકારને વિનંતી રહી છે કે ફીડબૅક અને પ્રૅક્ટિસથી વંચિત વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળે એવું પ્રાવધાન હોવું જોઈએ. સરકાર તરફથી પેપરની પૅટર્ન અને પ્રશ્નોત્તરીને કઈ રીતે વિભાજિત કરવામાં આવશે એની માહિતી આપવામાં ઘણું મોડું થતું હોય છે. આ કામ બીજું સત્ર આરંભ થાય ત્યારે થવું જોઈએ. બોર્ડની પરીક્ષા અને કમ્પેટિટિવ પરીક્ષા વચ્ચેનો સમયગાળો વહેલો જાહેર કરો. હાલના બારમાના વિદ્યાર્થીઓ બ્લૅન્ક સ્લેટ જેવા છે. તેમને અનુભવ નથી અને રાઇટિંગ સ્કિલ પણ ઘટી જવાથી વાલીઓ અતિશય ચિંતામાં છે. આ વર્ષે સરકારે પ્રશ્નપેપરો એવાં કાઢવાં જોઈએ જેમને દરેક વર્ગનો વિદ્યાર્થી અટેમ્પ્ટ કરી શકે અને પોતાની યોગ્યતા પ્રમાણે ગુણાંક મેળવીને પાસ થઈ જાય. કોરી પાટી જેવા વિદ્યાર્થીઓના માથા પર ફેલ્યરનું લેબલ ન લાગવું જોઈએ એવી અમારી ડિમાન્ડ છે. રેગ્યુલર સ્ટુડન્ટ્સની સાથે રિપીટ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરાય તો ટીચર્સ પર પેપર કરેક્શનનો વર્કલોડ પણ વધી જાય. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રશ્નોત્તરી તૈયાર થવી જોઈએ. જોકે ઇન્ટરનલ અસેસમેન્ટના માર્ક્સ કાઉન્ટ થવાના છે તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગભરાવાની જરૂર નથી.’ 

columnists Varsha Chitaliya