✕

આજની નારી માય લાઇફ માય રૂલના નામે ભૂલી રહી છે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ

25 November, 2026 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા પૌરાણિક ગ્રંથો અને ભવ્ય ઇતિહાસ એ વાતના સાક્ષી છે કે સ્ત્રીઓએ પોતાના સ્વતંત્ર, દૃઢ અને વિવેકપૂર્ણ નિર્ણયો થકી સમાજને નવી દિશા આપી છે.

રીટા જરીવાલા

આજના આધુનિક યુગમાં ચારે તરફ સ્ત્રીસશક્તીકરણની વાતો જોરશોરથી થાય છે. છોકરીઓ ભણીગણીને આર્થિક રીતે પગભર થાય, સમાજમાં પુરુષ જેવા અધિકારો મેળવે અને પોતાના નિર્ણયો જાતે લેવા સક્ષમ બને એ જરૂરી છે. તેને સ્વતંત્રતા મળવી જ જોઈએ એમાં કોઈ બેમત નથી, પરંતુ સ્ત્રીઓએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો અત્યંત અનિવાર્ય બની ગયો છે. આમ તો વ્યક્તિના વિચારો, આચરણ અને સમજણ જે-તે પરિસ્થિતિ અને સામાજિક મર્યાદાઓને આધારિત હોય છે. હાથી જોવામાં વિશાળકાય લાગે છે, પરંતુ એના પર અંકુશ રાખવામાં આવે તો એ નિયંત્રિત બિહેવિયર કરે છે. બસ, કંઈક આવી જ સ્થિતિ આપણા સમાજની દેખાઈ રહી છે. સ્ત્રીઓએ સમજવું પડશે કે આઝાદી વિચારોમાં હોવી જોઈએ, વર્તનમાં નહીં. 

આપણા પૌરાણિક ગ્રંથો અને ભવ્ય ઇતિહાસ એ વાતના સાક્ષી છે કે સ્ત્રીઓએ પોતાના સ્વતંત્ર, દૃઢ અને વિવેકપૂર્ણ નિર્ણયો થકી સમાજને નવી દિશા આપી છે. આજે સિનારિયો કંઈક જુદો જ છે. આધુનિક બનવાની લાહ્યમાં સ્ત્રીઓ સ્વતંત્રતાનો ઊંધો અર્થ કાઢીને એને સ્વચ્છંદતામાં ફેરવી રહી છે. સ્વચ્છંદતા એટલે કોઈ પણ પ્રકારના સામાજિક નિયમો કે બંધન વગર મનફાવે એમ વર્તવું. ‘માય લાઇફ, માય રૂલ’ માનસિકતા હેઠળ તે માત્ર પોતાની ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને જ સર્વોપરી ગણે છે. આ સ્વાર્થી વલણને કારણે સમાજને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે એનો વિચાર સુધ્ધાં કરવામાં આવતો નથી. આધુનિકતા અને સ્વતંત્રતાના નામે પરિવારમાં સાથે બેસીને દારૂ અને સિગારેટની પાર્ટીઓ થતી જોવા મળે છે. આ દૃશ્યો જોઈને સહજ પ્રશ્ન થાય છે કે આપણો સમાજ પ્રગતિ કરી રહ્યો છે કે પછી અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે? આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ત્રી પોતાના સેવાભાવી સ્વભાવથી પરિવાર અને સમાજને પ્રગતિના પંથે લઈ જાય છે; જ્યારે સ્વચ્છંદતામાં રાચતી સ્ત્રીઓ અસંતોષ, વિખવાદ અને સામાજિક અસ્થિરતા નોતરે છે. સ્વચ્છંદતાની આ આંધળી દોટ હવે અટકે તો સારું. કુદરતે સ્ત્રીને માતૃત્વની અમૂલ્ય ભેટ આપી છે. એક માતા ધારે તો પોતાનાં સંતાનોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરીને સશક્ત, ચારિત્ર્યવાન અને સંસ્કારી નવી પેઢીનું નિર્માણ કરી શકે છે. જો સ્ત્રી પોતે જ સંસ્કારોની મર્યાદા ઓળંગી જશે તો આવનારી પેઢી પાસેથી શું અપેક્ષા રાખશો? સ્વતંત્રતા સાથે લીધેલા યોગ્ય નિર્ણયો સ્ત્રીને પૂજનીય બનાવે છે, જ્યારે સ્વચ્છંદતા તેને નીંદનીય બનાવે છે. આપણે કયો માર્ગ પસંદ કરવો છે — વિકાસ તરફ લઈ જતી સ્વતંત્રતાનો કે પછી વિનાશ તરફ દોરી જતી સ્વચ્છંદતાનો? 

- રીટા જરીવાલા

રીટા જરીવાલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને માધવબાગ ચૅરિટીઝનાં ટ્રસ્ટી છે. તેઓ ભગિની સમાજ, મુંબઈનાં ખજાનચી, બાબુલનાથ મંદિર મહિલા સ્વયંસેવક વિભાગનાં હેડ, ગામદેવીની શારદામંદિર હાઈ સ્કૂલમાં ફૂડ ઍન્ડ ડિસિપ્લિન કમિટીનાં સભ્ય તેમ જ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નાં ભૂતપૂર્વ કમિટી-મેમ્બર છે. 

columnists gujaratis of mumbai gujarati community news life and style lifestyle news gujarati mid day