11 May, 2025 08:01 AM IST | Mumbai | Raam Mori
ઇલસ્ટ્રેશન
અનિકા વર્ષો સુધી કેદમાં હતી, બસ કેદ તેને સમજાઈ નહોતી!
જાતને સંકોરવાની સજા તેણે વહોરી તો લીધી પણ ગુનો હજી સુધી સમજાયો નહોતો.
પણ આજે પાંખોમાં ફફડાટ રોપાણો, આંગળીએ કૂંપળ ફૂંટી અને આંખોમાં આંજ્યું તેણે મેઘધનુષ્ય...
‘હું જે કંઈ છું, મારી પસંદ જે કંઈ છે, મારું મન જે કંઈ છે, મારું સુખ જે કંઈ છે એ મારા શરીર પર ફરતે વીંટળાયેલી શાલ નથી કે ઉતારીને ફેંકી શકાય...એ તો હાડમાંસના શરીર પર શોભતી ચામડી છે. જીવીશ ત્યાં સુધી સાથે ને સાથે રહેશે!’
લગભગ પાછલી આખી રાત અનિકા એકલી-એકલી આ વાત બોલતી રહી, વારંવાર બોલતી રહી. તેને લાગ્યું કે આજ સુધી તે મૂંગી હતી. ના, ગૂંગળાતી હતી. આજે તે બોલી તો તેણે અનુભવ્યું કે ભીતરના ઓરડાની ગમતી બારી ખૂલી અને ગોરંભાયેલા ચિત્તમાં પ્રકાશનો પગપેસારો થયો.
અજવાળું પ્રવેશી રહ્યું છે!
અનિકાએ આકાશ તરફ જોયું, સવાર થવામાં છે. તેના ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં થોડી ભીનાશ. પોતાના બન્ને હાથે તેણે શરીર પર ઓઢેલી ઑરેન્જ કલરની પશ્મિના શાલને કસકસાવીને ભીંસી, જાણે તે પોતાની જાતને ભેટી રહી હતી. ભીની આંખે વૃક્ષોનાં પાંદડાંઓમાંથી નીતરતા આકાશ તરફ તે જોઈ રહી. એકલદોકલ તારાઓ શાંત થઈ રહ્યા હતા. પાછલી રાત તે સૂતી નહોતી તો પણ તેના શરીરમાં અત્યારે ક્યાંય થાક નહોતો વર્તાતો.
અનિકાને લાગ્યું કે જીવનના એ તમામ ઉજાગરા આજે પૂરા થયા છે.
આજની આ સવાર પછી હવે તે પોતાની જાત સાથે વધારે ગાઢ રીતે સૂઈ શકશે.
હજી હમણાં નવેસરથી, મૂળ ઓળખ સાથે, ફરી જન્મીને આળસ મરડતી
હોય એવી તાજગી તેને રોમેરોમ અનુભવાતી હતી.
lll
મુંબઈ યુનિવર્સિટીના પોતાના ક્વૉર્ટરની પાછળ બૅકયાર્ડમાં મેંદીના માંડવા નીચે નેતરની રેસ્ટિંગ ચૅર પર આખી રાત અનિકા ઝૂલતી રહી.
તે વિચારોમાં ખોવાયેલી હતી? ના, આજે ઘણાં વર્ષો પછી વિચારો શાંત હતા.
બૅકયાર્ડમાં ભારે જહેમતથી બનાવેલા બગીચાનાં ફૂલોની પાંદડીઓ જાતને ખોલી અજવાળું પી રહી હતી. પાછલી આખી રાત અનિકા રાતરાણી અને મધુકામિનીનાં ફૂલોની સુગંધમાં તરતી રહી હતી. તેની આંખો હાશકારો અનુભવી વરસતી હતી અને છાતીમાં ફફડાટના બદલે ક્યારેય ન અનુભવાઈ હોય એવી નિરાંત હતી. વાતાવરણમાં આછી ઠંડીનો અહેસાસ હતો. દરિયાના કારણે મુંબઈમાં શિયાળો અનુભવાતો નથી પણ યુનિવર્સિટી કૅમ્પસમાં ઘટાદાર ગીચ વૃક્ષોના કારણે રાતે થોડી ઠંડકનો અનુભવ રહે છે. આજકાલ કરતાં અનિકા મુંબઈમાં રહેવા આવી એ વાતને સાત વર્ષ થઈ ગયાં. સ્કૉલર સ્ટુડન્ટ તરીકે આવી હતી. આજે હિન્દી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર થઈ ગઈ. માત્ર ડિપાર્ટમેન્ટના સ્ટાફમાં નહીં પણ આખી યુનિવર્સિટીમાં સૌથી નાની ઉંમરની તે કાયમી પ્રોફેસર હતી.
lll
અનિકા, એક નખશિખ સ્ત્રી. સ્ત્રી તો સ્ત્રી હોય, એમાં નખશિખ શું ? પણ અનિકા જુદી હતી. ટોળામાં સૌથી અલગ તરી આવે એવી તેની પ્રકૃતિ. તે સતત વુમનહુડને સેલિબ્રેટ કરતી. મુંબઈ યુનિવર્સિટીમાં કોઈને પણ પૂછો કે ‘પ્રોફેસર અનિકા કોણ?’ એટલે સામાવાળો જણ જો પુરુષ હશે તો તેના ચહેરા પર મર્માળુ સ્મિત આવશે અને સ્ત્રી હશે તો તેના ચહેરા પર આછો અણગમો ઊગશે. યુનિવર્સિટી કે કૅમ્પસમાં અનિકા કોઈ સાથે ખાસ હળતી-ભળતી નહીં. એવી તો ઇન્ટ્રોવર્ટ કે લોકોને મિસ્ટીરિયસ લાગતી. તેનું ઓછું બોલવું અનેક શંકાઓ જન્માવતું, પણ અનિકા આવી જ હતી... વર્ષોથી એકાકી અને શાંત. માથું હકારમાં ધુણાવી કામ પતાવી શકાતું હોય તો તે ‘હા’ શબ્દ પણ ન બોલે એવી. તેણે જ્યારે હિન્દી વિષય સાથે માસ્ટર્સ અને PhD કરવાનું નક્કી કરેલું ત્યારે પણ નજીકના લોકોએ ભારોભાર આશ્ચર્ય વ્યક્ત કરેલું.
‘આ સમયમાં હિન્દી જેવા વિષયના પ્રોફેસર થવાની ઇચ્છા કોને હોય?’
તેણે PhD માટેનો વિષય પણ એવો જ પસંદ કરેલો જે કદાચ સામાન્ય લોકોના રસનો વિષય ન હોય - ‘હિન્દી સાહિત્યમાં અસ્તિત્વવાદ.’
હવે આજના સમયમાં કોણ અસ્તિત્વને લઈને, જાતને લઈને કે પોતાની ઇચ્છાઓને લઈને આટલું બધું વિચારે? પણ અનિકા તો વિચારતી, સતત વિચારતી.
આપણી ઇચ્છા એ આપણી પાંખો છે... પણ એ પાંખો જાતને ઢાંકવા માટે નહીં, આકાશમાં ઊડવા
માટે છે!
lll
ઘરેથી વહેલી સવારે જલદી-જલદી લોકલ ટ્રેન પકડી નોકરીએ પહોંચવાની પળોજળમાં પંજાબી ખુલ્લા કુરતા કે જીન્સ-ટી-શર્ટ પહેરીને આવતા સ્ટાફ મેમ્બર્સ જ્યારે અનિકાને જોતા તો મનોમન વિચારતા કે આ નોકરીએ આવે છે કે ફૅશન શોમાં કેટવૉક કરવા? અનિકાની ચામડીનો રંગ ભીનેવાન. સામાજિક દૃષ્ટિએ કદાચ લોકો તેને રૂપાળી ન ગણે, પણ સુડોળ શરીરવાળી અનિકા પોતાની બ્લૅક બ્યુટીને ભારોભાર ઠસ્સાથી પ્રેઝન્ટ કરે. તે અસ્તિત્વવાદ માત્ર ભણી નથી, જીવનમાં પણ નખશિખ ઉતાર્યો છે. તે પોતાના ચહેરા પર ક્યારેય એક્સ્ટ્રા ગ્લોવાળો મેકઅપ નહોતી લગાડતી. ટૅલ્કમ પાઉડર કે ફેર ક્રીમ તેને ‘અસ્તિત્વવાદ’નાં દુશ્મન લાગતાં!
ડાર્ક રંગની ઇન્ડિગો કૉટન સાડી. કાનમાં ચાંદીનાં ઝૂમખાં, ગળામાં ચાંદીના મોતીની લાંબી માળા અને મોટી રૂપાળી ડોડી. પગની આંગળીઓમાં ચાંદીની માછલીઓ. હાથની આંગળીઓમાં વિવિધ ભાતની ચાંદીની વીંટીઓ. બન્ને હાથનાં કાંડાંઓમાં ચાંદીની ઘૂઘરીવાળી ચૂડીઓ. પગમાં ઝાંઝર. હોઠ પર આછી ગુલાબી લિપસ્ટિક, લાંબી પાંપણો અને ઘાટ્ટા પાતળાં નેણ. આંખોમાં આત્મવિશ્વાસથી છલોછલ કાજળ, ગોઠણ સુધી આવતા ઘાટ્ટા વાળને તે લાંબા ચોટલામાં બાંધી રાખતી અને તો પણ એમાંથી છૂટી પડતી લાંબી લટો ચહેરા પર રમ્યા કરતી. હાથપગની આંગળીઓના નખ પર સાડીઓના રંગને શોભે એવા શેડ્સની નેઇલપૉલિશ કરતી અને કપાળ પર નાનકડી ઘાટ્ટી બિંદી તો તે અચૂક કરતી.
અનિકા ક્લાસરૂમમાં કે સ્ટાફરૂમમાં એન્ટર થાય એ પહેલાં તેના આગમનની વધામણી ખાતી તેની ઝાંઝરીની ઘૂઘરીઓ અને લાંબા ચોટલા પર શોભતી સુગંધિત ટગરફૂલોની વેણી.
કોઈ નવલકથાની નાયિકા જેવી અનિકા આખી યુનિવર્સિટી માટે ડિઝાયરેબલ, પણ આજ સુધી તેણે પોતાની ડિઝાયર વિશે ખૂલીને કોઈ સાથે વાત
નથી કરી.
lll
સ્ટાફરૂમમાં તેના મિત્રો નહીં હોવાનાં કારણો તો સમજી શકાય કે તેનો ઠસ્સો, નાની ઉંમરે પ્રોફેસર બની ગઈ એ અદેખાઈ, યુનિવર્સિટીમાં સતત ચર્ચાનો ટૉપિક, વિદ્યાર્થીઓની અતિપ્રિય અને ડિપાર્ટમેન્ટના પુરુષોની તેના પ્રત્યેની અતિવિનમ્રતા. પરંતુ અનિકાને તો યુનિવર્સિટી સિવાય પણ કોઈ ખાસ મિત્રો નહીં. ડિપાર્ટમેન્ટનાં લેક્ચર પૂરાં થાય કે તે પોતાના ક્વૉર્ટરમાં જતી રહે. જાણે જગતથી ભાગીને તરત પોતાના એ ગમતા ખૂણામાં સંકેલાઈ જતી. આજ સુધી કોઈએ યુનિવર્સિટીના કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી સાથે કારણ વગર હસીમજાક કરતી કે કૅન્ટીનમાં બેસીને ચા-કૉફી પીતી કે લંચનો ડબ્બો આપસમાં વહેંચીને ખાતી અનિકા જોઈ નથી.
lll
બ્લૅક કૉફીનો મગ ભરી ક્વૉર્ટરની પાછળ વરંડામાં ફૂલછોડની વચ્ચે મેંદીના મંડપ નીચે કલાકો સુધી બેસી રહે. ઘરમાં વર્ષો જૂનો ગ્રામોફોન વસાવેલો એમાં લતાજીનાં ગીતો વાગ્યા કરે. એ ગીતો વાગતાં ત્યાં સુધીમાં ક્વૉર્ટર ચેતનવંતું લાગે. ગીતો બંધ થાય કે વાતાવરણમાં એક વિચિત્ર અજંપો ગોરંભાતો. ઘણી વાર અનિકાને લાગતું કે આ સંગીત એક છળ છે. જાતને છેતરવાનું, પીડા ભૂલવાનું કે વાસ્તવથી આંખો મીંચી લેવાનું રૂપાળું બહાનું. પણ અનિકાને આ ગમતું. મોડી સાંજે ક્વૉર્ટરમાં ઘેરાતા અંધારામાં રેટ્રો ગીતોની ધૂન ગણગણતાં તેણે પોતાની મોબાઇલ ડાયરીમાં એક વાર લખ્યું હતું કે...
‘કુછ ગાને સિર્ફ ગાને નહીં, બાતચીત કે બહાને હોતે હૈં!’
lll
...અને આખરે અનિકાએ નક્કી કરી લીધું કે ઇચ્છાના આકાશને ઓળખીશ અને શંકાના પાંજરાને ઓગાળીશ. તેને સમજાઈ ગયું હતું કે આગળ વધવાની પહેલી શરત જ એ છે કે એક ડગલું તો ભરો!
lll
જીવનનાં ઓગણત્રીસ વર્ષો તો આ જ રીતે કાઢ્યાં. ત્રીસમા વર્ષની પૂર્વસંધ્યાએ તેણે નક્કી કર્યું કે બસ, હવે આ રીતે ઢંકાઈને સંકેલાઈને જીવવાની વાત વધારે જિરવાશે નહીં. તેણે મોબાઇલ હાથમાં લીધો ત્યારે રાતના બે વાગી ચૂક્યા હતા. વૉટ્સઍપ ચૅટ ઓપન કરી તેણે ચેક કર્યું કે છેલ્લે ક્યારે તેણે પોતાનાં મા અને બાબા સાથે વાત કરી હતી. ‘હૅપી બર્થ ડે’ અને ‘થૅન્ક્સ’થી આગળ કોઈ સંવાદ આપસમાં ક્યારેય બહુ થયા નથી. સંબંધો મોબાઇલ કૅલેન્ડરમાં બર્થ-ડે નોટ્સ અને ઓકેઝનલ રિમાઇન્ડર બનીને રહી ગયા.
lll
ઊંડો શ્વાસ લઈને જરાક પાછું વળીને અનિકા બાળપણને યાદ કરે છે તો તેને માત્ર અંધારું દેખાય છે. હાથ ઝાટકીને સ્મૃતિઓની આસપાસ થર બની પથરાયેલા અંધારાને તે ખંખેરે તો તેને દેખાય છે નાનપણનાં સ્મરણોમાં ગોઠવાયેલું પોતાનું ડલહાઉઝી શહેર. આ શહેરની એક-એક શેરી, પહાડી રસ્તાઓ, ઢોળાવ પર છૂટાંછવાયાં પલાંઠી વાળીને બેસેલાં રંગબેરંગી દીવાલો અને બારણાવાળાં લાકડાનાં નાનાં મકાનો, ભેજ ઓઢીને ઊભેલાં વૃક્ષો, ઘાસનાં મેદાન, સૂરજનો તડકો ઝીલતા ભીના વેલાઓ, ઠંડી કાળી સડક, હવામાં તોળાતાં વાદળોના સફેદ ગુચ્છાઓ, ચીડનાં વૃક્ષોમાંથી સુકાઈને રસ્તાઓ પર ખરી પડતાં શંકુ આકારનાં બીજ બધું તેણે પોતાના બાળમાનસમાં સાચવીને મૂકી રાખ્યું હતું. ડલહાઉઝી વિશે વિચારતાં તે ફરી સાત વર્ષની બની જતી.
પથ્થર અને લાકડાનું બનેલું મોટું ચર્ચ દેખાતું જેમાં મીણબત્તીઓમાંથી પીગળતા મીણને ધારી-ધારીને કલાકો સુધી જોયા કરતી. ચીડ અને દેવદારનાં ઊંચાં વૃક્ષોવાળું ગીચ જંગલ જેની સૌથી ઊંચી ડાળી પર ચડીને શહેર કેવું દેખાતું હશે એનું તેને કાયમ કૌતુક થતું, ખીણમાંથી ઊઠતા ધુમ્મસના ઓળાને જોઈ ગ્રિલ પકડેલી અનિકા વિચારતી કે આ ધુમ્મસને લંચબૉક્સમાં પૅક કરીને ઘરે કેવી રીતે લઈ જઈ શકાય? પહાડોના ઢાળમાં ઊગેલાં જાંબલી રંગનાં ઝીણાં ફૂલોને તોડી તે પોતાની નોટબુકમાં મૂકી રાખતી કેમ કે સુકાયેલાં ફૂલોમાંથી પતંગિયાં બને એવી વાત કોઈ પહાડી ડોશીએ તેને કહેલી. ફળિયામાં ઘાસનાં મેદાનો પર શિયાળામાં ધીમો-ધીમો વરસતો બરફનો વરસાદ, એ વરસતા બરફને હથેળીમાં લઈ તે ગાલે ઘસતી!
આ બધાં સ્મરણોની સુગંધ અને સ્પર્શ અનિકા આટલાં વર્ષેય અનુભવી શકતી.
...ને પછી આ બધી સ્મૃતિઓને તે જેમ-જેમ વાગોળતી અને રાજી થતી કે અચાનક આ બધી સ્મૃતિઓ પર અંધારું ચડવા લાગતું. અનિકા ગભરાઈ જતી. આ અંધારાથી પોતાનાં સ્મરણો બચાવવા મથતી, પણ ચોમેર કાળી દીવાલો ઊગી નીકળતી.
અનિકા જીવ પર આવીને બળપૂર્વક અંધારી દીવાલોને ધક્કો મારીને દૂર હડસેલતી ત્યારે બંધ આંખે મહામહેનતે તેને પોતાનું ડલહાઉઝીવાળું ઘર દેખાતું...
lll
ડલહાઉઝી શહેરની ટેકરી પર લાકડાનો બનેલો નાનકડો રૂપકડો બંગલો. અનિકાને આ ઘર ખૂબ ગમતું. અનિકાનાં રૂમમાં લાકડાની એક સુંદર બારી હતી. તે આ બારી પાસે કલાકો સુધી બેસી રહેતી. દેવદાર અને ચીડનાં વૃક્ષોની ડાળીઓમાં વહેંચાયેલા આકાશને જોયા કરતી. રૂની પૂણી જેવાં સફેદ વાદળોના ગુચ્છાવાળું આકાશ. ક્યારેક આસમાની રંગનો કોરો પટ્ટો ઓઢેલું આકાશ તો ક્યારેક શ્યામ મેઘલ વાદળોથી છલકાતું અષાઢી આકાશ. વાદળોના સમૂહમાં ક્યારેક તેને હણહણતા હાથી દેખાય, ક્યારેક દોડતા ઘોડા, ક્યારેક બકરી ચરાવતી ડોશી, ક્યારેક ઈસુ ભગવાન, ક્યારેક હનુમાનજી તો ક્યારેક હિમાલય પહાડ. સાત વર્ષની અનિકા પોતાની બારીએથી જગતમાં જે કંઈ જોતી તે બધું પોતાની સ્કેચ બુકમાં દોરતી. દેખાતા બધા આકારનાં અજવાળાં તે પોતાની સ્કેચ બુકમાં ફરી ફરી સજીવન કરતી. એક વાર મા કલ્યાણીનું ધ્યાન ગયું. તેણે અનિકાની સ્કેચ બુક તપાસી. તેણે હરખ કર્યો પણ બેત્રણ ચિત્રો જોઈને તેણે એવું ધરાર સમજી લીધું કે પોતાની દીકરીને રંગોની ઓળખ નથી. તેણે રોકી અને ટોકી.
‘અનિકા, પહાડો ગુલાબી ન હોય, આકાશ લીલું ન હોય, વૃક્ષો આસમાની ન હોય અને પાણીનો રંગ જાંબલી ન હોય!’
સાત વર્ષની અનિકાની મોટી-મોટી આંખોમાં આંસુ આવી જતાં.
તે પોતાની માને કહી નહોતી શકતી કે ‘આ તો મારી બારીમાંથી દેખાતું જગત છે. તમારું અને મારું આકાશ અલગ છે.’
ને પછી તેણે ચિત્રો દોરવાનું બંધ કરી દીધું હતું. ક્યારેય રંગોને હાથ નહીં અડાડ્યો.
બધા રંગોને છાતીમાં સંકેલી લીધા અને આટલાં વર્ષો સુધી તેણે પોતાના સાતેસાત રંગ જગતથી સંતાડીને રાખ્યા.
હવે તે દિવસો સુધી ગુમસૂમ પોતાના રૂમની બારી પાસે બેસી રહેતી.
સિયાચીનના પહાડોમાં આર્મીની ડ્યુટીએ ગયેલા બાબાની રાહ જોતી.
lll
અનિકા આ જૂનાં સ્મરણોને વધુ વાગોળે એ પહેલાં આ દરેક દૃશ્ય પર કાળા રંગનો ઢોળ ચડવા લાગ્યો. અનિકા આંખો ભીંસી સ્મૃતિને બરાબર પકડવા મથે છે તો ડલહાઉઝીના એ ઘરના પોતાના ઓરડામાં તેને માત્ર અંધારું જ દેખાય છે.
એ અંધારાનાં છલકાતા દરિયા વચ્ચે સાત વર્ષની અનિકા રૂમમાં એકલી છે, ભોંય પર બેઠી છે.
અંધારું વધી રહ્યું છે અને ધીમે-ધીમે તેના શ્વાસમાં કાળો રંગ ઊતરવા લાગ્યો. અંધારું તેના ગળામાં અટવાયું. નાનકડી અનિકાની આંખોમાં આંસુ છલકાયાં, તેના ધબકારા ધીમા પડ્યા. હથેળીઓમાં પરસેવો બાઝી ગયો. તેણે મદદ માટે બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેના મોઢામાંથી અવાજના બદલે અંધારું નીકળ્યું.
બંધ ઓરડામાં ચારે તરફ નજર કરી તેને પોતાની ગમતી બારી દેખાઈ. બારીની પેલે પાર આકાશ. અનિકાને થયું કે આ બારી પાસે જઈ બારણાને ધક્કો મારું તો આકાશને તેના ઓરડામાં બોલાવી શકાય. તે બારી સુધી પહોંચી તો તેણે અનુભવ્યું કે બારી અને આકાશ થોડું ઊંચે ગયું છે. તેણે સ્ટૂલ ઢસડ્યું અને એના પર ચડી, પણ બારી સુધી પહોંચી ન શકાયું. તેની આંગળીઓ બારીની સ્ટૉપર સુધી પહોંચવા ધ્રૂજી રહી હતી.
આકાશ માત્ર એક વેંત છેટું હતું પણ અનિકાના પ્રયત્નો ઓછા પડ્યા!
તે હાંફવા લાગી અને બહાર લડવાના મોટા અવાજો સંભળાઈ રહ્યા છે. અનિકા સ્ટૂલ પર બેસી ગઈ. ઓરડાનું અંધારું અનિકાને વીંટળાઈ ગયું. નાનકડી અનિકાએ પોતાના બન્ને હાથથી જાતને બાથમાં લીધી અને પોતાને સધિયારો આપવા લાગી. બહાર હૉલમાંથી લડવાના અવાજો વધવા લાગ્યા. અનિકાએ કાન પાસે આવેલા અંધારાને બન્ને હાથે ખંખેરી ધક્કો માર્યો. પેલા અવાજો સ્પષ્ટ થયા. બાબા અને મા લડી રહ્યાં હતાં. મા રડી રહી હતી અને બાબાના તીખા અવાજમાં પણ અસહાય પીડા હતી. અનિકા હિમ્મત કરી દરવાજા સુધી પહોંચી. દરવાજાને ધક્કો મારતાં તેને ડર લાગ્યો કે કદાચ મારા રૂમમાં છે એ અંધારું બાબા અને મા પાસે પહોંચી ગયું તો? બહારથી કાચની વસ્તુઓ તૂટવાના અવાજો સંભળાયા. થપ્પડનો અવાજ, શર્ટ ફાટવાનો અવાજ, એકબીજાને બ્લેમ કરતી ચીસો અને અનિકાએ દરવાજાને હળવેથી ધક્કો દીધો.
તિરાડમાંથી દઝાડતું અજવાળું અંદર ઓરડામાં પ્રવેશ્યું!
અનિકા એવી તો દાઝી કે તેને સમજાયું જ નહીં - અંધારું તેના પક્ષમાં છે કે અજવાળું? કદાચ એટલે જ આટલાં વર્ષો પછીયે તે અંધારામાં રહેવા ટેવાઈ ગઈ છે. નાનકડી અનિકાએ તિરાડમાંથી જોયું તો ગુસ્સામાં બાબા રાતાચોળ હતા, તેમના નાકનાં ફોયણાં ફૂલેલાં હતાં. આંખોમાંથી પાણી નીતરતું હતું. બાબાના ગાલ પર નખ વાગ્યાનાં નિશાન, પીંખાયેલા વાળ અને ફાટેલું શર્ટ. તે ગુસ્સામાં વ્હિસ્કી પી રહ્યા હતા અને તેના પગ પાસે તૂટેલાં ફ્લાવર વાઝ હતાં. પોતાનો અજંપો રોકવા તેમણે કસકસાવીને પોતાની બન્ને મુઠ્ઠીઓ બંધ રાખી હતી. તેમના હાવભાવમાં ભારોભાર અસહાય પીડા દેખાતી હતી. આર્મી ઑફિસરના યુનિફૉર્મમાં સજ્જ બાબાને આટલા થાકેલા અનિકાએ ક્યારેય જોયા નહોતા. અનિકાએ તિરાડ સહેજ મોટી કરી. તેને મા દેખાઈ. ગાલ પર તમાચાનું નિશાન હતું. વાળ પીંખાયેલા હતા અને આંગળીઓના લાંબા નખ તૂટી ચૂક્યા હતા. તમારા લોકોના કારણે આજ સુધી મેં કેટલી તકો ગુમાવી અને કરીઅર સાથે કેવું કૉમ્પ્રોમાઇઝ કર્યું છે એનો હિસાબ આપતી મા ગુસ્સામાં રડી રહી હતી. આંસુ લૂછતી કૅન્વસ પર ઝનૂનથી તૂટી પડેલી. મા જેમ જેમ જોર-જોરથી બોલી રહી હતી એમ-એમ બાબા પોતાનું માથું પકડી પોતાના ખોળામાં જાતને વધુ ને વધુ સંતાડી રહ્યા હતા. જાણે બન્ને થાક્યાં હતાં. બન્નેનાં વર્તનમાં એકબીજા માટેનો કંટાળો હતો. અનિકા માટે આ નવું હતું. અચાનક તેણે પાછું વળીને પોતાના ઓરડામાં નજર કરી તો અંદરનું બધું અંધારું તિરાડને માર્ગે હૉલમાં પ્રવેશી ચૂક્યું હતું. તેણે હિમ્મત એકઠી કરી ચીસ પાડી,
‘બાબા, મા. તમારી પાસે અંધારું આવે છે!’
બાબા અને મા અનિકાને જોઈ રહ્યાં છે. અનિકા તેમના સુધી પહોંચવા દોડી રહી છે.
નાનકડી અનિકાએ નક્કી કર્યું કે અંધારું તેમના સુધી પહોંચે એ પહેલાં હું જઈને અંધારાને પકડી ફરી પેલા એકલવાયા ઓરડામાં પૂરી દઈશ.
પણ અનિકા બાબા અને મા સુધી પહોંચી નથી શકતી.
તે હાંફી રહી છે.
તેની મોટી આંખોમાંથી આંસુ નીતરે છે.
મા અને બાબાના ચહેરા પર કોઈ ભાવ નથી. તે સ્થિર નજરે અનિકાને જોઈ રહ્યાં છે. અંધારું હવે એ લોકોની આંખોમાંથી નીતરી રહ્યું છે.
...અને અચાનક પેલા બંધ ઓરડાની
બારી ખૂલી.
બારીની પેલે પાર ઊભેલું આકાશ. આકાશે આ ઘરમાં શું થઈ રહ્યું છે એ જોઈ લીધું.
બધા સામે બધું ખુલ્લું પડી ગયું.
અને એ દિવસે ડલહાઉઝી શહેરની ટેકરી પર બનેલા ઘરની ત્રણ ભીંત નોખી પડી. ત્રણ લોકોના સામાન નોખો-નોખો સંકેલાયો. કપડાં, પુસ્તકો, યુનિફૉર્મ, પેઇન્ટિંગ બ્રશ, કૅન્વસ સ્ટૅન્ડ, રમકડાં, શૂઝ, મેકઅપ કિટ્સ, અવૉર્ડ્સ, મેડલ્સ અને સ્કૂલ બૅગ સહિતનો સામાન પૅક થયો. બધું એકઠું થયું પણ કોઈએ સામાનમાં ઘર ન ભર્યું, ઘર પાછળ રહી ગયું.
lll
આર્મી ઑફિસર બાબા મેજર રણજિત સિયાચીનના પહાડોમાં ડ્યુટીમાં હાજર થયા. મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. સાત વર્ષની અનિકાને દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવાઈ. જીપમાં બેસેલી અનિકાએ પાછળ ફરી દૂર ખસતા જતા ડલહાઉઝીના ઘરને જોયું તો તેને સમજાયું કે ઘર અંધારામાં ઓગળી ગયું. નાનકડી અનિકાએ બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા આવેલાં મા-બાબાને કહેવાનો પ્રયત્ન કર્યો કે ‘તમે લોકોએ સામાનમાં ઘર નહીં, અંધારું બાંધ્યું છે!’ પણ તે બોલી ન શકી.
ને આજે આટલાં વર્ષે તે બોલી!
lll
મેજર રણજિત ફોજમાંથી નિવૃત્ત થયા પછી હિમાચલ પ્રદેશના પહાડોમાં વસ્યા. તેમણે સરનામું આપ્યું નહીં અને અનિકાએ ક્યારેય માગ્યું નહીં. મા તો અકળાઈને, ટોકીને કે રોકીને વ્યક્ત થઈ જતી પણ બાબા ક્યારેય ખૂલીને વ્યક્ત નથી થયા. બાબા બહુ અકળાય ત્યારે એક વાર ચિલ્લાઈને ચૂપ થઈ જાય. બસ, આટલી વાત અનિકાના સ્મરણમાં છે.
lll
દિલ્હીમાં ઍક્ટિવ કલ્યાણી શ્રોફ હવે સેલિબ્રેટેડ પેઇન્ટર છે. દેશદુનિયામાં કલ્યાણી શ્રોફે દોરેલાં ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ્સનાં નિયમિત એક્ઝિબિશન્સ યોજાતાં રહે છે. મેજર રણજિત સોશ્યલ મીડિયાથી જોજનો દૂર છે. અનિકા પ્રાઇવસીમાં માને છે તો સોશ્યલ મીડિયાથી જાણી જોઈને દૂર રહી છે. કલ્યાણી ઓવરઍક્ટિવ છે અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેના કામની બોલબાલા છે. કલ્યાણીના કામ વિશે, તેની તસવીરો અને દિલ્હીના રહેણાક વિશે હજારો લાખો લોકો લાઇક્સ, કમેન્ટ અને શૅર કરે છે પણ એ ટોળામાં ક્યાંય રણજિત કે અનિકા નહીં હોય એ વાત કલ્યાણી બરાબર જાણે છે.
અનિકાનું સરનામું હવે મુંબઈ બન્યું છે.
ત્રણેયનાં સરનામાં બદલાયાં છે પણ ઘર
કોઈ પાસે નથી.
અને ડલહાઉઝીની ટેકરી પર હવે ‘ઘર’ નહીં, માત્ર ‘મકાન’ હતું!
lll
અનિકાએ મોબાઇલની સ્ક્રીનની અંદર બેસેલા અજવાળાને એકીટશે જોયું. ઉપર આકાશ તરફ જોયું. બસ, હવે સવાર થશે. ઊગતા સૂરજનો કૂણો તડકો જ્યારે અનિકાને સ્પર્શ કરશે ત્યારે હવે તે ત્રીસ વર્ષની થઈ ચૂકી ગણાશે. અનિકાએ ઊંડા શ્વાસ લીધા અને તેની આંગળીઓનાં ટેરવાં અજવાળું ફંફોસવા લાગ્યાં. તેણે મેસેજ લખ્યો,
lll
‘ડિયર બાબા અને મા, જીવનના ત્રીજા દાયકામાં પ્રવેશી રહી છું. આ મેસેજ સવારે તમે વાંચશો ત્યારે હું ત્રીસ વર્ષની થઈ ચૂકી હોઈશ. મારે એક કન્ફેશન કરવું છે. તમારા માટે નહીં, મારા પોતાના માટે. ખબર નહીં આ સજા આટલાં વર્ષો સુધી હું મને કેમ આપી રહી હતી, પણ હવે નહીં. હું પ્રેમમાં છું, પણ હું જેને પ્રેમ કરું છું એ કોઈ છોકરો નહીં, એક છોકરી છે. મને છોકરાઓ નથી ગમતા! તમને ગમે કે ન ગમે, પણ આ હું છું. આ ક્ષણે આપણી વચ્ચેથી શું બદલાઈ ગયું કે બદલાઈ જશે એની મને ખબર નથી. પાછું વળીને જોઉં છું તો સમજાય છે કે આપણાં ત્રણ વચ્ચે તૂટવા માટેય હોવો જોઈએ એવો સંબંધ પણ ક્યાં છે?’
બાબા અને માને મેસેજ મોકલી તેણે મોબાઇલને ટેબલ પર ઊલટો મૂકી દીધો. આંખો ક્યાંય સુધી બંધ રાખી.
આ મેસેજનું પરિણામ તે બરાબર જાણતી હતી. જાતને આવનારા વંટોળ કે સન્નાટાના ખુલ્લા રણ માટે તે તૈયાર કરી રહી હતી. ખબર નહીં કેમ પણ આજે તેને ડર નહોતો લાગતો.
આજે તે પીંછા જેવી હળવાશ અનુભવતી હતી. અજવાળું તેના પોપચામાં ઊગ્યું. રાતરાણીની વેલ પર ઝૂલતી કોયલ બોલી. પગ પાસે મધુમાલતીનું એક ફૂલ ખર્યું.
આ હવે અનિકાની સવાર છે.
આ એ અજવાળું છે જેની તેણે આજ સુધી રાહ જોઈ હતી!
(ક્રમશ:)