14 September, 2025 04:55 PM IST | Mumbai | Raam Mori
બારીમાં આખ્ખું આકાશ!
જીવનથી મોટું રહસ્ય બીજું કશું જ નથી. ઢળતી રાત જીવનનાં કંઈકેટલાંય સત્યો પર અંધકારની પછેડી ઓઢાડી દે છે. ઊઘડતી સવાર વર્ષોથી ઢબૂરાયેલી વાતો પર અજવાળું પાથરે છે. દરરોજ એક નવી શરૂઆત છે. સૌની અંદર પોતાની એક અંગત વાત છે જે તેણે જગતથી સંતાડી રાખી છે. છાતીમાં એક ફફડાટ છે કે જગતને જાણ થશે તો? આપણે ચૂપ છીએ એટલે સુખી છીએ એવું માનીને આખી જિંદગી તરફડતા લોકો આપણી આસપાસ આજે પણ સમય કાપી રહ્યા છે. અજાણી જગ્યા, જ્યાં આપણને ઓળખનાર કોઈ નથી, એ આપણને આપણી જાત પારેવાની પાંખ જેવી હળવી ફૂલ લાગે એનું કારણ જ કદાચ એ હશે કે અહીં કોઈની આંખ નથી, અહીં કોઈની ઉઝરડો પાડતી નજર નથી!
મેજર રણજિત હીંચકા પર બેઠા હતા. વરંડામાં એકધારું સતત ચાલ્યા પછી તેમને થાક લાગ્યો હતો. હિમાચલના પહાડોમાં કલાકો સુધીની ચડઊતરમાં જેવો થાક તેમને નહોતો અનુભવાતો એનાથી બમણો થાક અહીં મુંબઈમાં બેઠા-બેઠા હવે અનુભવાય છે. મેજરે ગઈ કાલે સાંજે જ અનિકાને કહેલું, ‘બેટા, હવે મને મુંબઈમાં થાક લાગે છે.’
‘હું સમજી નહીં બાબા.’
‘એટલે મને એવું લાગે છે કે હું ભાગી રહ્યો છું. મારે દોડવું નથી તો આ શહેર અને શહેરના લોકો મને ઊંચકીને દોડી રહ્યા છે. નિરાંતે રસ્તાઓ પરથી પસાર થતો હોઉં ત્યારે આસપાસ ઝાડની ડાળીઓ પર પાંગરેલી કૂંપળ શોધતી મારી આંખો હવે પાટિયા પર બોરીવલી, બાંદરા અને વિલે પાર્લેનાં બોર્ડ વાંચવા ટેવાઈ ગઈ છે. પર્વતોના ઢાળ પર ઘેટાંનું ટોળું ઊતરતું ત્યારે એમના ગળે બાંધેલી ઘંટડીઓ એકસાથે રણઝણતી તો સાંજ વધુ રૂપાળી લાગતી. હવે એ ઘંટડી સાંભળું તો મને લાલ રંગની બે માળની બેસ્ટની બસ દેખાય છે જેની આગળ હું નંબર શોધું કે આ બસ ઘાટકોપર જાય છે કે દહિસર? દરિયાને પણ જાણે ઉતાવળ છે કે ઝટ-ઝટ મને ભરતી-ઓટ બતાવી દે જેથી હું જલદી ઘરે પાછો વળું. ગઈ કાલે હું મારા પેલા હિમાચલી માણિક શર્મા સાથે વિડિયો-કૉલમાં વાત કરતો હતો તો તે મને કહે કે બાબા, તમે કેમ આટલું સ્પીડમાં બોલો છો? અનિકા, મેં મારો અવાજ મોબાઇલમાં રેકૉર્ડ કર્યો ત્યારે મને સમજાણું કે હું બહુ સ્પીડમાં બોલવા લાગ્યો છું. મારી નસો પર હું આંગળી મૂકું તો લોકલ ટ્રેન દોડતી હોય એવું મને લાગે છે. આંખ બંધ કરું તો મારા કાનમાં બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશનનાં અનાઉસમેન્ટ સંભળાય છે. મને અચાનક ACની ઠંડી ગમવા લાગી છે. હું તો એનો વિરોધી હતો, પણ હવે ૧૬ નંબર સુધીનું કૂલિંગ ન કરું તો મને ઊંઘ નથી આવતી. અનિકા, આજકાલ મને પહાડોનાં સપનાં નથી આવતાં!’
અનિકાએ જ્યારે પોતાના બાબાના હાથ પર પોતાનો હાથ મૂક્યો ત્યારે મેજર રણજિત બોલતા અટક્યા. તેણે અનિકા સામે નાના બાળકની જેમ જોયું અને બોલ્યા, ‘હું ક્યારનો એકધારું બોલતો હતોને અનિકા?’
જવાબમાં અનિકાએ પોતાના ગુલાબી દુપટ્ટાથી બાબાની આંખો લૂછી ત્યારે મેજરને સમજાણું કે પોતાની જાણ બહાર બોલતાં-બોલતાં તે ક્યારના રડી રહ્યા હતા.
‘બાબા, તમારી તબિયત તો ઠીક છેને?’
‘હા. પેલો મારો કૂતરો છેને શેરા, એ શેરાને જરા તાવ જેવું છે. માણિકનો ફોન આવેલો. બે દિવસથી ખાતો નથી. માણિક કહેતો હતો કે હવે તો શિઝુકા પણ સાંજ પડે ભસવા લાગી છે. પહેલાં તો એને ખબર હતી કે દરરોજ સાંજે હું જ આવું છું એટલે ભસતી નહીં, રાહ જોતી. મારી સાથે શેરા હોય એને જોઈને ગેલમાં આવીને પૂંછડી પટપટાવે, પણ હવે એને મારી રાહ નથી એટલે હવે કૅફેમાં કોઈ પણ વ્યક્તિ આવે તો શિઝુકા બહુ ભસે છે. સાંકળથી બાંધી રાખવી પડે છે. આ તારી કરેણને ફૂલો આવતાં કેમ બંધ થયાં અનિકા? જાસૂદમાં ગધેડા આવ્યા છે જો. ગધેડા એટલે સફેદ ફૂગ જેવી બીમારી હા. એનાથી જાસૂદ મૂરઝાઈ જાય. કાપવું પડે.’
અનિકાને સમજાઈ ગયું કે આ સફેદ ફૂગ માત્ર જાસૂદના ઝાડને નહીં, બાબાના સંવાદોમાં પણ લાગી છે. આજકાલ તે વધુ પડતા ડિસકનેક્ટ રહેવા લાગ્યા છે. તેના વર્તનની કરેણની ડાળોમાં ઉમંગનાં ફૂલો પાંગરતાં નથી.
એમાં અનિકાએ ડૉ. આદિત્ય કશ્યપ સાથે બાબાની મીટિંગો બંધ થઈ છે એના વિશે જાણ્યું.
ગઈ કાલે અનિકાએ જ્યારે બાબાને કહ્યું કે ‘બાબા, હું તમારા ડૉ. આદિત્ય કશ્યપને મળવા ગઈ હતી!’
બાબાએ એકદમ એવા નાના બચ્ચા જેવું બિહેવ કરેલું જાણે તેની મમ્મી તેને કહ્યા વગર સ્કૂલમાં ગઈ અને તેના બાળકના ફેવરિટ ટીચરને મળી આવી હોય.
‘હેં? સાચ્ચે? ક્યારે? તેં મને કેમ ન કહ્યું?’
‘જાણે તમે તો બધું મને કહીને કરતા હો બાબા.’
થોડી વાર બાબા ચૂપ રહ્યા, પણ તેમની વૃદ્ધ ફિક્કી આંખોમાં અજંપો હતો. નાના બાળક જેવી ચંચળતા એ આંખોમાં ઊગી નીકળી.
‘અનિકા, બોલને. શું વાત કરી ડૉ. આદિત્ય કશ્યપે?’
‘બાબા, આદિત્ય વૉઝ સો રાઇટ. તમે તો એકદમ ઑબ્સેસ થઈ ગયા છો તમારા ડૉક્ટરથી. પેશન્ટ તમે હતા કે હું?’
અને બાબાના ચહેરા પરથી સ્મિત એકદમ ઓલવાઈ ગયું.
‘તું? પેશન્ટ? ના એવી કોઈ વાત...’
‘ઓહ, કમ ઑન બાબા. ઍક્ટિંગ ન કરશો.’
‘એટલે અનિકા, હું તેમને સાવ આમ અચાનક પહેલી વાર મળ્યો...’
‘ઓહ એમ? સીધા તેમના ક્લિનિક પર પહેલી વાર મળ્યા? એ પણ અચાનક?’
અનિકા અદબ વાળીને બાબા સામે જોઈ રહી હતી. તેની આંખોમાં એક રમત હતી. બાબા જે રીતે ગૂંચવાઈ રહ્યા હતા એ પરિસ્થિતિની જાણે તે મજા લઈ રહી હતી.
‘હા, એટલે મળ્યા હતા તેમના ક્લિનિક પર જ, પણ એવું છેને અનિકા મારો પેલો ફ્રેન્ડ છેને? અરે, તું ક્યાંથી ઓળખે તે ફ્રેન્ડને બેટા. વર્ષો જૂનો દોસ્ત. તેની દીકરી માટે હું ડૉક્ટરને મળ્યો હતો.’
‘આ તમારો એ જ ડૉક્ટરને જેની વાત એ દિવસે મા ફોનમાં તમારી સાથે કરતી હતી અને પછી આપણો ઝઘડો થયો.’
‘ના... ના, એ તો આખી વાત જ જુદી છે અનિકા. એ તો ડૉક્ટર કોઠારી.’
‘તમારા ડૉ. કોઠારી પાસે તમે કરન્ટ અપાવવાના હતા મને? તે ચારસો ચાલીસનો ઝટકો આપે અને મને અચાનક છોકરાઓ ગમવા લાગે હેંને બાબા?’
‘અરે ના... ના, કેવી વાત કરે છે તું. ડૉ. કોઠારી બહુ મોટું નામ છે. પદમશ્રી અવૉર્ડવિજેતા છે. તે કોઈને કરન્ટ નથી આપતા. ઇન ફૅક્ટ, તે તો આ બધા ઉપાયોને ફાલતુ ગણે છે. તે આને બીમારી ગણતા જ નથી તો પછી ઉપચાર ક્યાંથી હોય?’
‘શશશશશશ... બાબા. લિસન ટુ મી કૅરફુલી, ડૉ. પ્રકાશ કોઠારી, ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ, ડૉ. પારસ શાહ અને ડૉ. અર્ચના શાહ. તમારી બધી અપૉઇન્ટમેન્ટ્સ અને બધી નોટ્સ વિશે મને ખબર છે. તમે ઑનલાઇન જેટલાં પણ સેશન અટેન્ડ કર્યાં એ બધાની રિસીટ છે મારી પાસે. જેટલા ટેડ ટૉક્સ અને પૉડકાસ્ટ સાંભળ્યા એ બધાની લિન્ક છે મારી પાસે. તમે વાંચેલી એક-એક બુકનો હિસાબ છે મારી પાસે.’
મેજર રણજિત એકદમ ચૂપ. શબ્દો ગોઠવવાનો પ્રયત્ન કર્યો, પણ જીભ પર કશું આવ્યું જ નહીં. સજળ આંખોને માંડ-માંડ કાબૂમાં રાખી. તેમને લાગ્યું કે પોતાના હાથ-પગ ઠંડા થઈ ગયા. એક ક્ષણે તો એવું અનુભવ્યું જાણે પહેરેલાં કપડાં કોઈએ જાહેરમાં ઉતારી લીધાં. અનિકાએ બાબાની હથેળીને પ્રેમથી દબાવી. તેના ચહેરા પર જે નિર્મળ સ્મિત હતું એનાથી મેજર રણજિતને થોડી હળવાશ અનુભવાઈ.
‘બાબા, એક કામ કરો. હું આપણા બન્ને માટે મસ્ત આદુંવાળી ચા બનાવીને લાવું. ત્યાં સુધીમાં તમે હીંચકે બેસો અને નિરાંતે આખી વાર્તા બનાવો કે તમે ડૉ. આદિત્ય કશ્યપને પહેલી વાર કેવી રીતે મળ્યા? શું કામ મળ્યા? કોણ હતો તમારો એ દોસ્ત જેની દીકરીની મદદ કરવા તમે છેક હિમાચલથી મુંબઈ આવ્યા? ઓકે?’
અને બાબાના માથા પર હૂંફાળો હાથ ફેરવીને હસતી-હસતી અનિકા કિચનમાં ગઈ. મેજર રણજિત આંખ બંધ કરીને હીંચકતા રહ્યા ક્યાંય સુધી. સાંજનો પવન ધીમે-ધીમે હીંચકાની છત પરથી મધુમાલતીનાં ફૂલ રણજિતના પગ પાસે ઢોળી રહ્યો હતો. એક કોયલ કોઈ ઝાડની ડાળીએ ઝૂલીને ટહુકા કરતી હતી. આજે પહેલી વાર મેજર રણજિતનું ધ્યાન ગયું કે સામે ઘેઘૂર લીમડાના ઝાડની દરેક ડાળી પર ગોઠવાયેલાં લેલા પક્ષીઓનું ટોળું જાણે રણજિતને ચીડવી રહ્યું છે કે...
‘લે... લે... લે... લે... લે... લે!!!!’
અનિકા ચા લઈને આવી. બાબાના હાથમાં કપ પકડાવ્યો. રણજિતે અનિકાના ચહેરા પર નારાજગી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ અનિકાના ચહેરા પર ગુલાબી સ્મિત હતું. ઘેરાતી સાંજની લાલિમા તેના ગાલો પર છલકાતી હતી. તેની આંખોમાં નિરાંત હતી. ખુલ્લા વાળ ધીમા-ધીમા વાયરા સાથે ગેલ કરી રહ્યા હતા. કચ્છી ભરત અને આભલાંવાળા કોરી ખાદીના સફેદ ડ્રેસમાં ગજી સિલ્કની ગુલાબી ઓઢણી બહુ શોભી રહી હતી.
‘અનિકા, હું તારી માફી ચાહું છું.’
‘માગી-માગીને માફી માગી? માફીને બદલે થોડો સમય માગી લેત બાબા!’
અનિકાના હૂંફાળા હોંકારાથી મેજરની આંખો ભીની થઈ.
બાપ-દીકરી ચૂપચાપ ચાની ચૂસકીઓ લેતાં રહ્યાં. વાતાવરણમાં ડૉલર ફૂલોની આછી સુગંધ ભળી. હવા શાંત પડી તો ડ્રૉઇંગરૂમમાં ગ્રામોફોનમાં લતાજી અને મુકેશના અવાજમાં રેકૉર્ડ વાગી રહી હતી એ ગીત સંભળાયું...
કિસી રાહ મેં કિસી મોડ પર
કહીં ચલ ન દેના તૂ છોડ કર
મેરે હમસફર મેરે હમસફર
તેરા સાથ હૈ તો હૈ ઝિંદગી
તેરા પ્યાર હૈ તો હૈ રોશની
કહાં દિન યે ઢલ જાએ ક્યા પતા
કહાં રાત હો જાએ ક્યા ખબર
મેરે હમસફર મેરે હમસફર
‘બાબા, કાલે તમને ડૉ. આદિત્ય કશ્યપનો કૉલ આવશે, શાંતિથી વાત કરજો તેમની સાથે. કોઈ ફરિયાદ ન કરતા. તેમના પ્રોફેશનના કેટલાક નિયમો હોય છે, મર્યાદા હોય છે. માત્ર તમારા પૂરતું નથી, પણ તેમનેય એવું લાગ્યું કે તે તમારી સાથે વધુ પડતા અટૅચ થઈ રહ્યા છે એટલે તેમણે તમને મળવાનું ટાળ્યું.’
બાબાએ માત્ર હકારમાં માથું ધુણાવ્યું અને પછી અચાનક અનિકા સામે જોઈને બોલ્યા, ‘અનિકા, મેં ડૉ. આદિત્ય કશ્યપની પહેલી અપૉઇન્ટમેન્ટ લીધી ત્યારથી લઈને આજ સુધી તેમની આગળ તારું નામ નથી લીધું. મેં તેમને એવું કહેલું કે મારા મિત્રની દીકરી છે કનિકા. તે લેસ્બિયન છે અને મિત્ર પરેશાન છે તો હું કેવી રીતે તેમની મદદ કરી શકું એ સમજવા તમારી પાસે આવું છું.’
અનિકાના ચહેરા પર હજી પણ સહજ સ્મિત હતું, ‘તો ફાઇનલી તમારા તે મિત્રને અને તેની દીકરી કનિકાને મદદ મળી ખરી?’
જવાબમાં ભીની આંખો લૂછ્યા વિના મેજર રણજિતે માથું હકારમાં ધુણાવ્યું.
‘કેમ બાબા? તમે ડૉક્ટર આગળ આપણું નામ કેમ છુપાવ્યું? તમને કોના પર ભરોસો નહોતો?’
‘મારા પર બેટા! મને મારા પર ભરોસો નહોતો કે તારું ને મારું સાચું નામ બોલીને હું કોઈ મદદ મેળવી શકીશ કે નહીં?’
હીંચકો સ્થિર થયો. વેલ પર પાંગરેલા એક ફૂલને તોડ્યા વગર એને પંપાળીને અનિકા બોલી, ‘ને તમને એવું ખરેખર લાગે છે કે ડૉ. આદિત્ય કશ્યપને ક્યારેય એવી ખબર નહીં પડી હોય કે કનિકા જેવું કોઈ છે જ નહીં. એવો કોઈ મિત્ર છે જ નહીં જેની મદદ માટે તમે ક્લિનિક પહોંચ્યા છો.’
‘વેલ, આઇ ઍમ નૉટ શ્યૉર, પણ કદાચ રહી-રહીને હમણાં તેમને શંકા ગઈ હોય તો ખબર નહીં અનિકા. બાકી મેં તો બહુ જ સાવચેતીપૂર્વક...’
‘વેક-અપ બાબા. તમારા માટે ડૉ. આદિત્ય કશ્યપ પહેલા ડૉક્ટર હતા. તેમને તો આવા અનેક મેજર રણજિત આજ સુધી મળી ચૂક્યા છે. તે પહેલા દિવસથી જાણતા હતા કે તમે તમારી સગ્ગી દીકરી માટે આ બધું કરી રહ્યા છો.’
‘ઓહ!!’
‘અને પાછા કાલે તમે તેમની સાથે ફોનમાં વાત કરો ત્યારે આ બધી વાતો ક્લિયર નહીં કરતા કે તમને ખબર પડી ગઈ છે કે ડૉ. આદિત્ય કશ્યપને પહેલેથી જ બધી ખબર હતી. કેટલીક વસ્તુઓ ખુલ્લી પડી જાય પછી પણ એને ઢાંકી રાખ્યાનો ભ્રમ બહુ સુખદ છે. સુખને અને દુ:ખને આપણે પ્રસંગો સાથે જોડીએ છીએ, પણ આંગળી મૂકીને સ્પષ્ટ રીતે ચીંધી શકાય કે આ સુખ અને આ દુ:ખ એવું હોય નહીં!’
મેજર રણજિત વિચારોના વંટોળે ચડ્યા કે આ તો ખરેખર હું બહુ લાંબો સમય ભ્રમમાં જીવ્યો કે બધું ઢાંકી શક્યો છું.
‘આજ સુધી મોટા-મોટા ઝાડનો ભાર માથે લઈને ફર્યા, હવે વાદળ જેવું જીવો બાબા.’
અનિકા ખાલી કપ લઈને જતી રહી, પણ મેજર રણજિત ક્યાંય સુધી તેની વાતને મનમાં ઘૂંટતા રહ્યા કે ‘હવે વાદળ જેવું જીવો બાબા!’
lll
અને આખરે ડૉ. આદિત્ય કશ્યપનો કૉલ આવ્યો. વરંડામાં ઊભેલા મેજર રણજિતે ડ્રૉઇંગરૂમમાં બેસેલી અનિકા અને સંજના તરફ એક અછડતી નજર કરી અને બહાર હીંચકા પર બેસીને નિરાંતે કૉલ રિસીવ કર્યો, ‘હેલો!’
‘હેલો મેજર, કેમ છો?’
ડૉ. આદિત્ય કશ્યપનો ઉષ્માસભર અવાજ સાંભળીને મેજર રણજિતને લાગ્યું કે જાણે અંતરમનની બૅટરી ફરી રીચાર્જ થઈ ગઈ.
‘ડૉક્ટર, તમે તો મને તમારી બરાબરની ટેવ પાડી અને પછી મા ગર્ભનાળ કાપે એમ સંબંધ જ કાપી નાખ્યો.’
સામા છેડે આદિત્યના ખડખડાટ હાસ્યનો અવાજ સંભળાયો.
‘સી, હું આ જ વસ્તુ મિસ કરું છું મેજર રણજિત. મારે ત્યાં આવતા બહુ ઓછા પેશન્ટ્સ એવા છે જેમની પાસે આવાં સુપર્બ એક્ઝામ્પલ્સ હોય છે. ગર્ભનાળ અને સંબંધ વાહ.’
મેજરના ચહેરા પર સ્મિત રમતું હતું.
‘બાકી નવું સંભળાવો મેજર. શું કરે છે હિમાચલ?’
‘છાપામાં વાંચું છું તો અખબારનાં પાનાંઓમાં તો હિમાચલની પહાડીઓ ધીમે-ધીમે નીચે ધસી રહી છે.’
‘તમે તો ગ્લોબલ વૉર્મિંગની વાત કરવા લાગ્યા.’
‘ના, હું માણસને મળતી નેચર વૉર્નિંગની વાત કરું છું ડૉક્ટર.’
‘વાહ, યે હુઈ ના બાત. મેજર, એકાદું ક્લિનિક તમે પણ ખોલી નાખો, બહુ ચાલશે.’
‘પણ હું તમારા જેટલો સ્માર્ટ નથી કે સામાવાળા માણસને પોતાની તકલીફ વિશે ખબર પણ ન પડે અને એનું નિદાન થઈ જાય.’
જવાબમાં ફરી ડૉ. આદિત્ય કશ્યપના હસવાનો રૂપાળો અવાજ પડઘાયો.
‘ડૉક્ટર, તમને કોઈએ ક્યારેય એવું કહ્યું છે કે તમને હસતાં બહુ સરસ આવડે છે. સ્મિત, હાસ્ય અને અટ્ટહાસ્ય ત્રણેય તમારા અવાજમાં પારખી શકું હું એટલો સ્પષ્ટ નૅચરલ ભેદ છે તમારામાં. તમારા અવાજમાં મોહિની છે એવું તો બધા કહેતા હશે, પણ તમારા હાસ્યમાં પણ એક થેરપી છે.’
‘વેલ, થૅન્ક યુ સો મચ, પણ એમાં એવું છે કે મારો એક હિમાચલી મિત્ર છે મેજર રણજિત. આ તેની અસર છે.’
આ વાત પર બન્ને જણ આપસમાં ફરી ખડખડાટ હસ્યા. મેજર રણજિત અનુભવી શકતા હતા કે અનિકા કહેતી હતી કે વાદળ જેવું જીવો એ કદાચ આ જ અવસ્થા છે.
‘ડૉક્ટર, એક વાત પૂછું?’
‘હમમમ... જેનો ડર હતો હવે એ જ મોમેન્ટ આવીને ઊભી રહી છે મેજર રણજિત. વેલ, પૂછો.’ ડૉ. આદિત્ય કશ્યપે બની શકે એટલી હળવાશ અવાજમાં રાખવાનો પ્રયત્ન કર્યો.
‘તમે મને એવું કહેલું કે તમારા પરિવારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખ્યો. એનું કારણ મને સમજાણું નથી. તમારી આંખમાં આંસુ જોયાં એ દિવસથી મુંબઈ મને મનમાં ફાંસ બનીને ખટકવા લાગ્યું છે.’
‘મેજર, હું મારાં માતા-પિતાનો વાંક કાઢી શકું એમ નથી.’
‘તો પછી એનો અર્થ એવો થયો કે તમે ગુનેગાર છો આખી વાતમાં?’
ફોનના સામા છેડે મૌન તોળાતું રહ્યું. રણજિતને લાગ્યું કે આ સવાલ ન કર્યો હોત તો સારું થાત. મેજરને નિસાસો સંભળાયો અને ડૉ. આદિત્ય કશ્યપ થાકેલા અવાજે બોલ્યા, ‘દરેક વખતે બેમાંથી કોઈ એક વ્યક્તિનો વાંક હોવો કેમ જરૂરી છે? એવું ન બની શકે કે અમુક સંબંધોમાં વ્યક્તિનો નહીં, પરિસ્થિતિનો વાંક હોય.’
‘તો આપણે સાથે મળીને પરિસ્થિતિને ઉકેલી નાખીએ. તમારી પાસેથી જ શીખ્યો છું કે મદદ માગીને કોઈ નાનું નથી બની જતું. મારી પોતાની દીકરી સાથે મારે વર્ષો સુધી અબોલા રહ્યા. આટલાં વર્ષે પ્રયત્ન કર્યો તો તમારા જેવા મિત્રોની મદદથી સંબંધોના રણમાં લીલી નાગરવેલ જેવા સંવાદો પાંગર્યા. આપણે પ્રયત્ન તો કરીએ ડૉક્ટર.’
‘રણજિત. તમને ખરેખર એવું લાગે છે કે મેં પૂરતા પ્રયત્નો નહીં કર્યા હોય?’
‘ના ડૉક્ટર, મારો કહેવાનો અર્થ એવો નહોતો.’
‘જુઓ રણજિત, મારા કેસમાં વાંક ભગવાનનો હતો.’
‘સૉરી? હું સમજ્યો નહીં તમારી વાત.’
‘હું પણ નહોતો સમજી શકતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. એક સંયુક્ત પરિવારનું સૌથી મોટું સંતાન હતો હું. આખા ઘરની આબરૂ અને અપેક્ષાનો ભાર મારા ખભા પર હતો. સૌનું માનવું હતું કે મને જોઈને કુટુંબનાં બીજાં બધાં બાળકો બગડી જશે, હાથમાંથી છટકી જશે. હું મારી જાતને, મારી ઇચ્છાઓને અને મારી અંદરના અવાજને બરાબર દબાવીને જીવનનાં વીસ વર્ષ અંધારામાં જીવ્યો. ખૂબ ઓછું બોલું, ક્યાંય જતો નહીં, કોઈનામાં ભળતો નહીં. એટલો બધો અંતર્મુખી કે જાત સાથે સંવાદ કરવામાંય ડરતો. આત્મવિશ્વાસના નામે એટલો ડરપોક કે સામાવાળી વ્યક્તિ લાલ આંખ કરે અને હું રડી પડું. એ વર્ષોમાં મારો સંબંધ પુસ્તકો સાથે બંધાયો. પુસ્તકો, જે પોતે ચૂપ રહીને પણ ઘણું બધું કહે. તમને નિરાંતે પાને-પાને ઊઘડવાની સ્પેસ આપે, તમારા મનની વાત જાણીને એ રહસ્યને સાચવી લે, તમને હૂંફ આપે, હોંકારો આપે અને તમે જેવા છો એવા સ્વીકારી લે. આ પુસ્તકોની દુનિયાએ મને તેજસ્વી બનાવ્યો અને હું બહુ સારા માર્ક્સ સાથે ડૉક્ટર બનવાની હિંમત કેળવી શક્યો. હિંમત મળી. મને સમજાણું કે જો આટલો હોશિયાર હોવા છતાં, આટલા સારા માર્ક્સ સાથે તેજસ્વી વિદ્યાર્થી તરીકે ગોલ્ડ મેડલિસ્ટ છું તો પણ હું મારા મનની ઇચ્છાને વ્યક્ત નથી કરી શકતો, જે અનુભવું છું એ ખૂલીને જીવી નથી શકતો તો આ ધરતી પર મારા જેવા ઘણા હશે જેમને ટેકાની જરૂર છે. એ લોકો પણ હશે જેઓ આત્મવિશ્વાસના અભાવે જીવનના એક પણ ક્ષેત્રમાં આગળ નહીં વધી શક્યા હોય. એ ક્ષણે મેં નક્કી કર્યું કે મને મળ્યું એટલું દુ:ખ મારા પછીની પેઢીને ન મળવું જોઈએ. જે સુખથી હું આજ સુધી વંચિત હતો એ સુખ મારે બીજા અનેકોને અચૂક વહેંચવું.’
ડૉ. આદિત્ય કશ્યપ બોલતા અટક્યા. મેજર રણજિતને સમજાતું નહોતું કે ડૉ. આદિત્ય કશ્યપની વાત કઈ દિશામાં આગળ વધી રહી છે.
‘મેજર રણજિત, મેડિકલ ફીલ્ડમાં એન્ટર થયો અને મને લાગ્યું કે મારી આસપાસની બારીઓ ખૂલવા લાગી. મારી જાત આસપાસ ચણાયેલી વર્ષો જૂની શંકાની દીવાલોમાં ગાબડાં પડ્યાં. મેડિકલ સાયન્સ મારી મદદે આવ્યું. વીસ વર્ષ સુધી મેં જે ઇચ્છાઓને મનના ભંડકિયામાં ગોંધી રાખેલી એ ઇચ્છાઓ ફેણ માંડીને ઊભી થઈ. વર્ષોના ડંખ અને કડવાશ તો હતાં જ. ઘણી મથામણો પછી અંતે મેં મને આ શરીર ભેટમાં આપ્યું છે. યસ મેજર, ડૉ. આદિત્ય કશ્યપ એ મેં મારી જાતને આપેલી બેસ્ટ ગિફ્ટ છે.’
‘સૉરી, મને કંઈ જ નથી સમજાયું ડૉક્ટર કે તમે શું કહેવા માગો છો.’ કદાચ મેજર સમજી ગયા હતા, પણ આદિત્યના અવાજમાં આખી વાત વધુ સ્પષ્ટ રીતે સાંભળવા માગતા હતા.
જીવનનાં ૨૧ વર્ષ હું અનાહિતા કશ્યપ તરીકે જીવ્યો છું. મારો જન્મ એક છોકરી તરીકે થયો હતો. મારી અંદર ધબકતા પુરુષે બળવો કર્યો અને બાવીસમા વર્ષથી સેક્સ-ચેન્જનું મિશન સ્ટાર્ટ થયું. બેથી અઢી વર્ષમાં હું અનાહિતા કશ્યપમાંથી આદિત્ય કશ્યપ બન્યો. આ પ્રોસેસ લાંબી હતી, પીડાદાયક અને ખર્ચાળ હતી; પણ હવે જ્યારે હું અરીસા સામે ઊભો રહું છું ત્યારે એવું લાગે છે કે હું મારા મૂળ રૂપમાં છું, અજાણ્યા શરીરમાંથી મુક્તિ મેળવીને મારા પોતીકા શરીર સાથે જીવું છું. ખૂલીને શ્વાસ લેવા મૂળ ઓળખ સાથે જીવવું એટલે શું? એ મેં પહેલી વાર અનુભવ્યું.’
મેજર રણજિતની આંખો ભીની હતી. ગળે બાઝેલો ડૂમો ખંખેરીને તે બોલ્યા, ‘તમને ડર ન લાગ્યો ડૉક્ટર? લોકો શું કહેશે?’
જવાબમાં ડૉ. આદિત્ય કશ્યપ થોડું હસ્યા. તેમના હાસ્યમાં પીડા અને આછો કટાક્ષ હતાં.
‘એ સમાજ જે કોઈનો નથી થયો એનો ડર શું કામ રાખવાનો? સમાજનો કોઈ ચહેરો નથી પણ શરમની આંખ છે. સમાજની પોતાની કોઈ નૈતિક જવાબદારી નથી પણ વેંત લાંબી જીભ તો છે જ. સમાજ થકી તમે નથી, તમારા થકી સમાજ છે એ સમજતાં લોકોનું જીવન ખર્ચાઈ જાય છે. આ જ સમાજનું માન સાચવવા આપણે બધા પોતપોતાની રીતે કિંમત ચૂકવતા રહીએ છીએ, ઇચ્છાઓનું બલિદાન આપતા આવ્યા છીએ. જોકે સૌથી રસપ્રદ વાત કરું તમને. સમાજની યાદશક્તિ બહુ ટૂંકી છે મેજર. એની પાસે ગૉસિપના બહુબધા મુદ્દાઓ છે. હું એના માટે મુદ્દો હતો. હાયકારો, અરરર, ‘ભારે કરી બાપા’ અને ‘આવું તે કંઈ હોતું હશે?’ પણ પછી ધીરે-ધીરે મારા સેક્સ-ચેન્જથી પણ મોટો મુદ્દો સમાજને મળી ગયો કે હું જૂનો ટૉપિક બની ગયો. લોકો મૂવ-ઑન થઈ ગયા, પણ મારા ઘરના લોકો ત્યાં જ અટકી ગયા. હવે સમજાય છે કે ઘણી વાર આપણે જ આપણી કેદ નક્કી કરીએ છીએ. એ સમજતાં જીવન ખૂટી જાય છે કે આપણું સુખ માત્ર આપણી જવાબદારી છે. આપણે જાતે ઊભી કરેલી બંધ જેલની ચાવી પણ આપણી પાસે જ હોય છે. બસ, હિંમત નથી થતી કે તાળું ખોલીને જોઈએ કે બારીની બહાર આખ્ખું આકાશ મારું પોત્તાનું છે!’
(ક્રમશ:)