`બચુભાઈ બમ્બાટ Again` ઍક્શન એક્સ્ટ્રા-ઑર્ડિનરી (પ્રકરણ ૧)

03 August, 2026 08:23 PM IST  |  Mumbai | Rashmin Shah

બૅન્ક લૂંટ બાદ ૧૭ કરોડ ગાયબ થતાં ભૂતપૂર્વ ઍક્શન-ડિરેક્ટર બચુભાઈ બમ્બાટ શંકાના ઘેરામાં આવે છે.

ઇલસ્ટ્રેશન

સૂર્યોદયે મુંબઈને પ્રકાશથી રંગવાનું શરૂ કર્યાના અડધા જ કલાકમાં બોરીવલી-ઈસ્ટની ગૌરવ વિહાર સોસાયટીના ફ્લૅટ-નંબર ૬૦૨ના કિચનમાંથી પિત્તળની તપેલીનો હળવો અવાજ આવવો શરૂ થઈ ગયો. બચુભાઈ બમ્બાટ ચાની આદું-એલચીવાળી ચૂસકી લેતાં લિવિંગરૂમમાં સોફા પર બેઠા હતા. તેમની આંખો પર બેતાળાં ચશ્માં હતાં અને હાથમાં ‘મિડ-ડે’. ૩ દશક સુધી સેટ પર ઍક્શન-ડિરેક્ટર તરીકે પરસેવો પાડનારા બચુભાઈ હવે શાંત, નિવૃત્ત મધ્યમવર્ગીય જીવન જીવતા હતા. દીકરા પાર્થનું થોડા સમય પહેલાં મોત થયું એટલે હવે ફૅમિલીમાં ૩ જ લોકો રહ્યા હતા : બચુભાઈ પોતે, જીવનસાથી એવાં જ્યોતિબહેન અને દીકરી પાયલ. 
‘બચુભાઈ... સાંભળો તો...’
જ્યોતિબહેન કિચનના દરવાજા પાસે આવ્યાં. 
‘કાન ખુલ્લા જ છે.’ બચુભાઈની આંખો હજી પણ પેપર પર હતી, ‘બોલો...’
‘જુઓ તો કહું...’
બચુભાઈએ ચશ્માંમાંથી બહાર જોયું. જ્યોતિબહેનના હાથમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ અને નાની ડાયરી હતી જેમાં રોજબરોજની ચીજવસ્તુઓનું લિસ્ટ બનતું જતું. 
‘અત્યારમાં ખૂન અને મર્ડરનું વાંચવા કરતાં જલદી ફ્રેશ થઈને આ ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરી આવોને...’ જ્યોતિબહેનના ફેસ પર સહેજ અણગમો હતો, ‘સામાન પણ લેવાનો છે. એ આવી જાય તો ડબ્બા ભરી લઉં.’
‘તમને ખબર છે કે હવે બધું ઑનલાઇન મળે છે તો જરાક એના પર હાથ બેસાડોને... તમારે કોઈની લાચારી નહીં.’
‘કેટલીક લાચારી દેખાડે કે તમે એકલાં નથી, તમારી સાથે કોઈ છે.’ જ્યોતિબહેનના ચહેરા પર સહેજ સ્માઇલ આવ્યું, ‘આને ભાષણ માનવાની જરૂર નથી. જલદી જાઓ અને જઈને બિલ ભરી આવો. આજે આમ પણ છેલ્લી તારીખ છે.’
‘જેવી આપની આજ્ઞા...’ 
પેપર બાજુ પર મૂકીને બચુભાઈ ઊભા થયા એટલે તરત જ્યોતિબહેન ફરી પોતાના કિચનના કામ પર લાગ્યાં.
‘એ સાંભળો...’ બચુભાઈનો અવાજ સહેજ મોટો થયો, ‘જો ટિકિટ મળે તો કાગવડનું ઉમિયાધામ જોતા આવીએ. આમ પણ ઘણા વખતથી બહાર નથી ગયા.’
‘મને નહીં...’ કિચનમાંથી અવાજ આવ્યો, ‘તમારી દીકરીને પૂછો કે તેની પાસે ટાઇમ છે કે નહીં?’
બચુભાઈના ચહેરા પર સ્માઇલ આવ્યું અને તેમણે પાયલની રૂમ તરફ જોયું. રૂમનો દરવાજો ખુલ્લો જોઈને બચુભાઈ સમજી ગયા કે પાયલ હજી નૅશનલ પાર્કથી આવી નથી. બચુભાઈએ પોતાની રૂમ તરફ પગ ઉપાડ્યા.
lll
‘બચુભાઈ, તમે બહાર જાઓ છો?’ 
તૈયાર થઈને રૂમની બહાર આવતી પાયલે બચુભાઈને મેઇન ડોર પર જોયા.
‘હા, તારી મમ્મીએ અત્યારમાં બિલ ભરવાનું કામ સોંપી દીધું...’ બચુભાઈએ ડાઇનિંગ ટેબલ પર શાક સુધારતી જ્યોતિ સામે જોયું, ‘બૅન્કમાં જાઉં છું, તારે આવવાનું છે?’
‘બૅન્કમાં તો નથી જવાનું, પણ વેસ્ટમાં કામ છે તો ચાલો સાથે નીકળી જઈએ.’ પાયલે ઍક્ટિવાની ચાવી લીધી, ‘તમને ડ્રૉપ કરી દઉં. તમારે મહારાષ્ટ્ર બૅન્ક જવું છેને?’
‘હા...’
બાપ-દીકરી બન્ને લિફ્ટ પાસે આવ્યાં એટલે જ્યોતિબહેન પાછળ આવ્યાં...
‘તમે કાગવડનું કહેતા હતા તો એનું શું થયું?’
‘અમે રસ્તામાં નક્કી કરીશું...’ પાયલે મજાક કરતાં કહ્યું, ‘કાં બચુભાઈ મને આવવા માટે કન્વિન્સ કરી લેશે અને કાં તો હું તેમને કૅન્સલ કરવા માટે કન્વિન્સ કરી લઈશ.’
૩ ચહેરાઓ પર સ્માઇલ આવ્યું, પણ એ સમયે બમ્બાટ ફૅમિલીમાં ક્યાં કોઈને ખબર હતી કે આવનારી ક્ષણો પોતાના ગર્ભમાં એવી ઘટનાઓ લઈને આવે છે કે કાગવડ અને ખોડલધામ દૂર-દૂર સુધી કોઈને યાદ સુધ્ધાં નહીં રહે.
lll
પોણાદસ વાગ્યા હતા. કાર્ટર રોડ પર અવરજવર વધી ગઈ હતી. બૅન્ક ઑફ મહારાષ્ટ્રની બ્રાન્ચના બિલ-કાઉન્ટર પર લાઇન લાંબી થઈ ગઈ હતી. આ લાઇનમાં મોટા ભાગે સિનિયર સિટિઝનો હતા. બચુભાઈ પણ એ લાઇનમાં ઊભા રહી ગયા હતા. આ એ પ્રજા હતી જેને આજે પણ જૂની સિસ્ટમ મુજબ લાઇનમાં ઊભા રહીને બિલ ભરવાની આદત હતી. આ એ પ્રજા હતી જે આજે પણ સહજ રીતે, સરળતા સાથે બિલ ભરાયાની રિસીટ હાથમાં લઈને પોતાની ફરજ બજાવી એવું માનતી હતી.
બૅન્કનું વાતાવરણ બિલકુલ નૉર્મલ હતું. ACનો હળવો અવાજ અને કમ્પ્યુટરના કીબોર્ડના ટાઇપિંગના અવાજ વચ્ચે મોટું બિલ ભરવા આવનારાની નોટની ગણતરી માટે રાખવામાં આવેલા કાઉન્ટિંગ મશીનનો અવાજ વચ્ચે-વચ્ચે ભળતો જતો હતો.
ખડડડ...
અચાનક બૅન્કના મેઇન ડોરની લોખંડની જાળી બંધ થઈ. ઝાટકા સાથે બંધ થતી લોખંડની જાળીના અવાજે બધાનું ધ્યાન એ દિશામાં ખેંચ્યું અને દરેક ચહેરા પર સ્તબ્ધતા આવી ગઈ. બૅન્કની બહાર આવીને ઊભી રહી ગયેલી બ્લૅક કલરની મારુતિ ઇકો વૅનમાંથી ૩ લોકો ઊતરીને સીધા જ બૅન્કમાં ઘૂસી ગયા હતા. આવનારા આ ત્રણેત્રણ લોકોએ કાળા કલરનાં કપડાં પહેર્યાં હતાં તો તેમના ચહેરા પર પણ કાળા રંગનો રૂમાલ બાંધેલો હતો. ત્રણમાંથી એકના હાથમાં દેશી પિસ્ટલ હતી અને બાકીના બેના હાથમાં મોટાં ચપ્પુ અને બ્લૅક કલરના થેલા હતા.
‘કોઈ હોશિયારી નહીં!’ આગળ આવેલા લીડરે અંદર દાખલ થતાં કહ્યું, ‘જ્યાં છો ત્યાં જ બેસી જાઓ! સહેજ પણ ચૂં કે ચાં કરી છે તો સીધી ગોળી...’
બૅન્કમાં સન્નાટો પ્રસરી ગયો. સિનિયર સિટિઝિનો જમીન પર બેસી ગયા. બચુભાઈ પણ કોઈ ઉતાવળ કર્યા વિના, શાંતિથી ખૂણામાં જઈને બેસી ગયા. અલબત્ત, તેમનું ઍક્શન-ડિરેક્ટર માઇન્ડ પરિસ્થિતિને રિયલિસ્ટિકલી ઍનૅલાઇઝ કરવામાં લાગી ગયું હતું. તેમનો અત્યાર સુધીનો અનુભવ કહેતો હતો કે બૅન્ક લૂંટવા આવેલા આ ગુંડાઓ પ્રોફેશનલ નહોતા. તેમના વર્તનમાં દેખાતી ઉતાવળ અને કન્ફ્યુઝ્ન કહેતી હતી કે તેઓ ભૂલ કરવામાં ક્યાંય થાપ નહીં ખાય. બચુભાઈનો અનુભવ કહેતો હતો કે પ્રોફેશનલ કરતાં પણ વધારે ખતરનાક તે જે અણઘડ હોય. આવી વ્યક્તિ ગભરાટમાં ગોળી ચલાવતાં પણ ખચકાતી નથી, કારણ કે તેને પરિણામ વિશે ગંભીરતા હોતી નથી.
‘એય ચાલ, લૉકર ખોલ...’ 
એક ગુંડો સીધો મૅનેજરની ચેમ્બરમાં ઘૂસ્યો અને મૅનેજર કંઈ સમજે કે કરે એ પહેલાં તેના હાથ પર ગોળી મારી દીધી. આ અનાયાસ નહોતું બન્યું, આ તે લોકોનો પ્લાન હતો. તેમને ખાતરી હતી કે એકાદ આવો ઇન્સિડન્ટ બને તો પ્રતિકાર કરવાને બદલે હાજર રહેલા સૌકોઈ ફટાફટ સાથ આપવા માંડે અને પોતાનું કામ સરળ થઈ જાય.
એવું જ બન્યું. 
માત્ર ૭ મિનિટમાં ગુંડાઓએ કૅશ ભરી લીધી, જે ૧૭ કરોડ રૂપિયાની હતી.
‘નિકલો અબ...’
થેલા હાથમાં લઈને બહારની તરફ ભાગતા લીડરે પોતાના સાથીઓને કહ્યું, પણ એ જ વખતે તેની નજર બચુભાઈ પર પડી. તમામની આંખો ભોંયતળિયું જોતી હતી, બચુભાઈ એક એવા હતા જેમની આંખો ગુંડાઓ પર હતી. મનમાં ચાલતી ગણતરી બચુભાઈના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.
‘એય બુઢ્ઢા, ક્યા દેખતા હૈ?’ લીડરે બચુભાઈના શર્ટનો કૉલર પકડ્યો, ‘બોલ, ક્યા દેખતા હૈ...’
‘પિન્ટો... છોડ ઉસકો...’ લીડરને બચુભાઈ પાસે અટકેલો જોઈને સાથીએ દબાયેલા અવાજે કહ્યું, ‘આ જા... ચલતે હૈ...’
‘યે જ્યાસ્તી ચાલાક દિખતા હૈ...’
‘ઉસે સાથ મેં લે-લે.’ સાથીના શબ્દોમાં ડર હતો, ‘પર જલ્દી આ...’
‘ચાલ બહાર....’ લીડરે બચુભાઈને ગરદનથી પકડ્યા, ‘પોલીસ આવી તો સમજી લે સૌથી પહેલો તું ગયો.’
લીડર બચુભાઈને ધક્કા મારતો બહાર લઈ ગયો અને ઇકો વૅનની પાછલી સીટ પર ધકેલી દીધા. બચુભાઈ કંઈ કહે કે કરે એ પહેલાં તેમના ચહેરા પર કાળો કોથળો નાખી દેવામાં આવ્યો અને ગાડી કાર્ટર રોડ પર આગળ વધી ગઈ.
lll
‘હં... ગાડી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે છોડતી નથી.’
ગાડીમાં રહેલા બચુભાઈ હલનચલન કર્યા વિના પડ્યા રહ્યા. આંખે અંધારું હતું, પણ તેમના કાન અને મગજ ઍક્ટિવ થઈ ગયાં હતાં. ગાડી ક્યાં વળે, કઈ તરફ આગળ વધી, કેટલી વાર ઊભી રહી, રસ્તાના સ્પીડબ્રેકરથી માંડીને બાકીની બધી ગણતરી બચુભાઈ મનોમન કરતા હતા.
‘કાર્ટર રોડ મેઇન રોડ પરથી ગાડીએ લેફ્ટ લીધી અને પછી તરત જ એણે યુ ટર્ન લીધો... મતલબ, નૅશનલ પાર્કથી એણે મલાડ સાઇડનો રસ્તો લીધો.’
બચુભાઈની ગણતરી સાચી હતી.
lll
અડધા કલાક પછી ગાડી બોરીવલી અને મલાડની બૉર્ડર પર આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડ પાસે ઊભી રહી.
‘નીચે ઊતર...’ 
ગુંડાએ બચુભાઈને કચરાના ઢગલા પર ફેંક્યા, પણ ગુંડો જ્યારે બચુભાઈને ગાડીમાંથી બહાર કાઢતો હતો ત્યારે બચુભાઈએ બૅલૅન્સ જાળવીને પડેલા હોવાનું નાટક કર્યું અને બહાર નીકળતી વખતે સ્માર્ટલી ગુંડાના જૅકેટનો ખૂણો પકડી લીધો. ગુંડાએ આંચકો મારીને પોતાનું જૅકેટ છોડાવ્યું. એ આંચકામાં ગુંડાના જૅકેટ પર લાગેલો મેટલનો બૅજ બચુભાઈના હાથમાં આવી ગયો. ગુંડાઓને એની ખબર ન પડી અને ગાડી આગળ વધી ગઈ.
કપડાં સાફ કરતા બચુભાઈ ઊભા થયા અને તેમણે હથેળી ખોલી.
રૉયલ કૅફે, બોરીવલી.
lll
‘એય ગાડી પીછે લે...’
કાર હજી તો ૫૦૦ મીટર આગળ ગઈ હશે ત્યાં પેલા ગુંડાને ખબર પડી કે તેના જૅકેટ પરથી ID બૅજ ગાયબ છે. જો એ બૅજ સ્થળ પર પોલીસના હાથમાં આવે તો તેમને શોધવાનું કામ સરળ થઈ જાય... 
‘ગાડી પીછે લે...’ ગુંડાએ ફરીથી રાડ પાડી, ‘ID બૅજ પેલા બુઢ્ઢાના હાથમાં છે, એ લેવો પડશે... જલ્દી કર...’
ગાડી ટર્ન થઈ અને બચુભાઈની દિશામાં આગળ વધી.
lll
બચુભાઈ રોડના કિનારે આવીને વાહનની રાહ જોતા હતા ત્યાં પેલી ગાડી સ્પીડમાં એવી રીતે આવી જાણે કે તેને ઉડાવી દેવા હોય.
ગાડી બચુભાઈથી પચાસેક ફુટ દૂર હતી ત્યાં સામેના બ્લાઇન્ડ ટર્ન પરથી કૉર્પોરેશનની કચરાની મોટી ડમ્પર ટ્રક આવી. ડમ્પરના ડ્રાઇવરે બ્રેક મારવાની કોશિશ કરી પણ ડમ્પરનાં ટાયર સ્લિપ થયાં અને...
ધડામ... 
ધડાકાભેર ઇકો વૅન ડમ્પર સાથે અથડાઈ અને પાંચ જ સેકન્ડમાં એમાંથી ધુમાડા સાથે આગ નીકળવા લાગી. ગાડીમાં બેઠેલા ત્રણેય લૂંટારાઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા.
બચુભાઈ હેબતાઈ ગયા. આંખના પલકારામાં ૩ મોત તેમની નજર સામે થયાં.
lll
‘મને લાગે છે કે તે ગુંડાઓ આ બૅજ લેવા જ પાછા આવ્યા હશે.’ 
બચુભાઈએ ઇન્સ્પેક્ટર રાણેના હાથમાં બૅજ મૂક્યો અને પછી તરત જ અર્ધસળગેલી ગાડીનો કાટમાળ 
દૂર કરવામાં આવ્યો. કાટમાળ દૂર થતાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં સન્નાટો પ્રસરી ગયો.
ગાડીમાંથી લૂંટનો એક રૂપિયો પણ હાથમાં આવ્યો નહીં.
ગાડી સંપૂર્ણપણે ખાલી હતી.
lll
‘બચુભાઈ, લૂંટારાઓ બૅન્કમાંથી નીકળ્યા ત્યારથી લઈને ઍક્સિડન્ટ થયો ત્યાં સુધી ગાડીમાં તમે એક જ બહારની વ્યક્તિ હતા.’ ઇન્સ્પેક્ટર રાણેએ બચુભાઈની સામે જોયું, ‘ગાડીમાંથી પૈસા ગયા ક્યાં?’
‘મારી આંખે કોથળો હતો જે એ લોકોએ બાંધી દીધો હતો.’ બચુભાઈએ ચોખવટ કરી, ‘મને કઈ રીતે ખબર હોય કે પૈસા ગયા ક્યાં?’
lll
બોરીવલી લૂંટકેસ : ૧૭ કરોડ ગાયબ, ભૂતપૂર્વ ઍક્શન-ડિરેક્ટર બચુભાઈ બમ્બાટ પર શંકા.
બીજા દિવસનાં તમામ ન્યુઝપેપરોની આ હેડલાઇન હતી.

(ક્રમશ:)

columnists exclusive Rashmin Shah gujarati mid day