બૅલૅન્સ જરૂરી છે બહુ જ

27 October, 2021 12:47 PM IST  |  Mumbai | Ruchita Shah

બૅલૅન્સિંગ પૉશ્ચરનું તમારી આવરદા સાથે પણ ડાયરેક્ટ કનેક્શન છે એવું પણ વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે ત્યારે યોગમાં આવતા વિવિધ બૅલૅન્સિંગ પોઝ શું કામ અને કઈ રીતે નિયમિતતા સાથે કરવા જોઈએ એ વિષય પર વાતો કરી લઈએ

બૅલૅન્સ જરૂરી છે બહુ જ

સર્વેક્ષણો કહે છે કે એક પગ પર સંતુલન સાથે ઊભા રહી શકનારા લોકોની બ્રેઇનની હેલ્થ સારી રહે છે. બૅલૅન્સિંગ પૉશ્ચરનું તમારી આવરદા સાથે પણ ડાયરેક્ટ કનેક્શન છે એવું પણ વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે ત્યારે યોગમાં આવતા વિવિધ બૅલૅન્સિંગ પોઝ શું કામ અને કઈ રીતે નિયમિતતા સાથે કરવા જોઈએ એ વિષય પર વાતો કરી લઈએ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)નો દાવો છે કે સંતુલન ગુમાવી દેવાને કારણે પડી જવું એ વિશ્વમાં ઍક્સિડન્ટ થવાનાં કારણોમાં બીજા નંબરે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયેલો એક જૅપનીઝ અભ્યાસ કહે છે કે એક પગ પર ઊભા રહેવાની તમારી એબિલિટીના આધારે તમારી બ્રેઇનની હેલ્થ નક્કી કરી શકાય. ઇન ફૅક્ટ બૅલૅન્સનું તમારી આવરદા સાથે પણ સીધું કનેક્શન છે એવું પણ રિસર્ચરો કહી ચૂક્યા છે. બૅલૅન્સ શરીરની અવેરનેસ સાથે 
સંકળાયેલું છે. તમારો રીઍક્શન ટાઇમ, વિવિધ મસલ્સનું 
કો-ઑર્ડિનેશન, સાંધાઓની સ્ટેબિલિટી સાથે પણ સંતુલનનું કનેક્શન છે. જીવન પણ સંતુલન હોય તો જ 
જીવવાની મજા આવે છે. યોગસાધનાનું ધ્યેય પણ ઇડા અને પીંગળા 
નાડી વચ્ચે સંતુલન લાવવાનું છે. યોગિક આસનોમાં સંતુલનનો ગજબ મહિમા છે ત્યારે તમારા ડેઇલી રૂટીનમાં સંતુલનનાં આસનો શું કામ ઉમેરવાં જોઈએ અને એમાં શું ધ્યાન રાખવું જોઈએ એ વિષય પર વાત કરીએ. 
દરેક આસનમાં છે સંતુલન
બૅલૅન્સ અને અલાઇનમેન્ટ માટે જેની તુલના ન થઈ શકે એવા બી.કે.એસ. ઐયંગર દ્વારા પ્રચલિત યોગાસનોની પદ્ધતિ સાથે છેલ્લાં ૫૨ વર્ષથી સંકળાયેલા અને હજારો સ્ટુડન્ટ્સને શીખવી ચૂકેલા અને છતાં આજે પણ પોતાને સ્ટુડન્ટ્સ જ ગણતા જવાહર બનગેરા સંતુલનનાં આસનો વિશે વાત કરતાં કહે છે, ‘દરેક જાતના આસનમાં બૅલૅન્સ જરૂરી છે. બન્ને પગ પર સરખું વજન આવે એ રીતે ઊભા રહેવું એ પણ બૅલૅન્સિંગ આસન જ છે. જોકે એક પગ પર ઊભા રહીને થતાં આસનોને કૅટેગરાઇઝ્ડ કરવા માટે બૅલૅન્સિંગ આસન નામ અપાયું છે. તમે એક પગ પર ઊભા હો અને બીજો પગ હવામાં હોય તો તે બૅલૅન્સિંગ આસન કહેવાય. એ જ રીતે ઇન્વર્ઝન આસન તરીકે ઓળખાતાં શિર્ષાસન અને સર્વાંગાસન પણ બૅલૅન્સિંગ આસન છે. જોકે મારી દૃષ્ટિએ દરેક આસન બૅલૅન્સ માગે છે. તમે કોઈ પણ ઍક્ટિવિટી ફિઝિકલી કરો છો ત્યારે બૅલૅન્સ મહત્ત્વનું છે. સંતુલન માગી લેતાં આસનો સાધકની માત્ર શારીરિક ક્ષમતા જ નહીં પણ સમજણ, એકાગ્રતા, વિલપાવર, સેલ્ફ કન્ટ્રોલ જેવાં ઘણાં ફૅક્ટર્સનું માપદંડ નક્કી કરે છે.’
ફાયદા અનેક
આસન તમારા શરીરથી મન સુધી કામ કરે છે એમ જણાવીને જવાહર બનગેરા કહે છે, ‘યોગનું વિજ્ઞાન પાંચ કોષ અને ત્રણ શરીરની વાત કરે છે. દરેક આસન એક પછી એક આ પાંચેય કોષ અને ત્રણ શરીર પર અસર કરે છે. પ્રત્યેક સ્તર પર આગળ તમે ત્યારે જ વધી શકો જો સંતુલન હોય. સંતુલન માગતા દરેક આસનથી તમારે બ્રેઇનના દરેક હિસ્સામાં સંતુલન ક્રીએટ કરે છે. એક વાત તો તમે જાણો છો કે તમારું લેફ્ટ બ્રેઇન શરીરના ડાબા ભાગને હૅન્ડલ કરે છે અને રાઇટ બ્રેઇન શરીરના જમણા ભાગને હૅન્ડલ કરે છે. સંતુલન સાથે થતાં આસનો બ્રેઇનની બન્ને બાજુએ ઇક્વલી કામ કરે છે, તમારી નર્વસ સિસ્ટમમાં સંતુલન ક્રીએટ કરે છે. એટલે જ તમે એ આસન કેવી રીતે કરો છો, કેટલું વજન ક્યાં આપો છો અને કયા ભાગને એન્ગેજ રાખો છો જેવી બાબતો મહત્ત્વની છે. પૉશ્ચર સાચું હશે તો એની અસર તેના મેન્ટલ સ્ટેટ પર પડશે. એમાં પણ આપોઆપ સંતુલન દેખાવાનું શરૂ થઈ જશે.’
કૉમન મિસ્ટેક
કોઈ પણ પૉશ્ચર કરતી વખતે કોઈ અનુભવી શિક્ષક સામે તમારી ઓવરઑલ હેલ્થ કન્ડિશન મૂકીને પછી જ આગળ વધવું જોઈએ. જવાહરજી કહે છે, ‘કોઈ પણ એક પગ પર થતાં આસનો માટે ફિઝિકલ હેલ્થ મહત્ત્વની છે. જોકે તમે મેન્ટલ સ્ટ્રેસ લઈને કે શ્વાસને અનનેસેસરી રોકીને આસનો કરશો તો આસનનું જે મુખ્ય ધ્યેય છે એ તો સાર્થક નહીં જ થાય, પરંતુ એને બદલે ઇન્જરીના ચાન્સ વધી જશે. શરૂઆત ધીમે અને અનુભવી ટીચરની દેખરેખ હેઠળ થાય એ જરૂરી છે. કોઈ પણ આસનમાં બન્ને પગ પર ઇન્ટેલિજન્સી સાથે ઊભા રહો અને વેઇટને ઇક્વલી ડિવાઇડ કરીને રાખો એ મહત્ત્વનું છે.’

આ ટ્રાય કરી શકો ઘરે

 રિસર્ચરો કહે છે કે કોઈ પણ ઉંમરે વ્યક્તિ પોતાના સંતુલન પર કામ કરી શકે છે. શરૂઆતમાં પડો નહીં એ રીતે દીવાલનો સપોર્ટ લઈને જો બૅલૅન્સનો અભ્યાસ કરો તો ધીમે-ધીમે બ્રેઇન પોતાની રીતે નવાં કનેક્શનો ડેવલપ કરીને તમારા સંતુલનને સ્થિર કરી શકે છે.
 ધારો કે ખુરશી પર તમે બેઠા હો તો કોઈ પણ જાતનો સપોર્ટ લીધા વિના સંતુલન સાથે ચેર પરથી ઊભા થવાનું અને ફરી બેસવાનું, ફરી ઊભા થવાનું અને બેસવાનું આ અભ્યાસ પંદરથી વીસ વાર કરો. ધ્યાન રહે કે ઊઠતાં કે બેસતાં ચેરને કે બીજી કોઈ વસ્તુને પકડવાની નહીં. 
 ઉપરનો અભ્યાસ કર્યા પછી બરાબર ઊભા રહો અને આંખો ખુલ્લી રાખીને એક પગને જમીન પરથી ઉપરથી ઉઠાવીને અધ્ધર રાખો. 
 ત્રીજા અભ્યાસમાં વૈજ્ઞાનિકો સજેસ્ટ કરે છે કે એક પગ પર ઊભા રહો અને આંખો બંધ રાખો. આ અઘરો અને ઍડ્વાન્સ અભ્યાસ છે. દસ સેકન્ડ પણ તમે આ રીતે ઊભા રહી શકો એ સારી મેન્ટલ હેલ્થની નિશાની છે. જોકે આ અભ્યાસ તમે પડો નહીં એનાં પૂરતાં પ્રિકૉશન્સ અને તમારી હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને કોઈકની નિગરાનીમાં જ કરવો સલાહભર્યું છે.

મસ્ટ નોટ
કોઈ પણ આસન કરો એમાં તમે રિલૅક્સ થઈને રહી શકો એ મહત્ત્વનું છે. સ્થિરમ્ સુખમ્ આસનમ્ એ વ્યાખ્યા દરેક આસનમાં લાગુ પડે છે.

 જૅપનીઝ અભ્યાસ કહે છે કે એક પગ પર વીસ સેકન્ડ પણ ઊભા નહીં રહી શકવાની બાબત સ્ટ્રોકનું રિસ્ક વધારે છે. 

columnists ruchita shah