વૉટ્સઍપ કે યુટ્યુબ પરની અધકચરી હેલ્થ ટિપ્સથી દોરવાતાં પહેલાં....

04 April, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી બધી સામગ્રી વાંચનાર કે સાંભળનાર નિર્દોષ ભાવે ફૉર્વર્ડ કરતા રહે છે. આમ કોઈનું ભલું થાય એવા હેતુથી આવી ટિપ્સ વાઇરલ થતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

આંગળીનાં ટેરવાં આજે છે એટલાં તાકતવર ક્યારેય નહોતાં! ટેરવાંનો એક સ્પર્શ અને યુટ્યુબ પર માનસિક સ્વાસ્થ્ય વિશે વિખ્યાત લેખક અને વક્તાની મુલાકાત જોઈ શકાય, એક સ્પર્શ અને વૉટ્સઍપ પર આરોગ્યની અદ્ભુત ટિપ આપતો કોઈ વિખ્યાત તબીબ, એક સ્પર્શ અને ઇન્સ્ટા પર ક્યારેય બીમાર ન થાઓ એવો ઘરગથ્થુ ઇલાજ કે એક્સરસાઇઝ સૂચવતો કોઈ ફિટનેસ એક્સ્પર્ટ...! અખબારોમાં પૂર્તિઓ ભરીને આરોગ્યની ટિપ્સ પિરસાય છે અને સોશ્યલ મીડિયા પર તો ચોવીસે કલાક ફલાણા અને ઢીંકણા માસ્ટરો મિનિટોમાં જિંદગીભરની તકલીફોથી છુટકારા અપાવતા નુસખાઓ ચમકાવતા રહે છે :

‘સવારે નરણા કોઠે ચાર ગ્લાસ પાણી પીઓ,’ ‘ચા છોડી દો; એને બદલે ગરમાગરમ પાણીના બે ગ્લાસ ગટગટાવી જાઓ,’ ‘ચોવીસમાંથી અઢાર કલાક પેટમાં કંઈ જ ન નાખો,’ ‘દિવસમાં દર બે કલાકે થોડું-થોડું ખાતા રહો,’ આવી અગણિત સૂચનાઓ વૉટ્સઍપિયા યુનિવર્સિટીમાં ને યુટ્યુબ, ઍક્સ  કે ઇન્સ્ટા પર કેટલા બધા કહેવાતા જાણકારો આપતા રહે છે. આજે વૉટ્સઍપ પર એક ક્લિપ આવી છે એ વળી તદ્દન જુદો જ રાગ આલાપે છે. વજન ઘટાડવા માટેના કાર્યક્રમ ચલાવતા વકતા કહે છે કે તેઓ લોકોને પેટ ભરીને ખવડાવીને વજન ઓછું કરાવે છે. રોટી, દાળ, ભાત, શાક, આલૂ પરાઠાં, સફેદ બ્રેડ, પીત્ઝા, પાસ્તા... બધું જ પેટ ભરીને ખાવાની છૂટ આપે છે! તેઓ મલ્ટિગ્રેન કે રાગીની નહીં, ઘઉંની રોટલી ખાવા કહે છે! ઇન્ટમિટન્ટ ફાસ્ટિંગની તેઓ ઘસીને ના પાડે છે. અમેરિકન હાર્ટ અસોસિએશનના રિસર્ચનો ૨૦૨૪નો અહેવાલ ટાંકીને તેઓ કહે છે કે એમાં હૃદયરોગનું જોખમ છે!

આવી બધી સામગ્રી વાંચનાર કે સાંભળનાર નિર્દોષ ભાવે ફૉર્વર્ડ કરતા રહે છે. આમ કોઈનું ભલું થાય એવા હેતુથી આવી ટિપ્સ વાઇરલ થતી હોય છે. આ બધું વાંચીને ઘણા લોકો એને અજમાવે છે, અનુસરે છે. આ પ્રકારે લોકોએ અજાણતાં પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યાના કિસ્સા પણ નોંધાયા છે. કેમ કે એક નુસખો કે અખતરો કોઈને ફળ્યો એટલે સહુને ફળે એવું જરૂરી નથી. દા. ત. ગરમ પાણી પીવાની ટિપ ઍસિડિક પ્રકૃતિવાળી વ્યક્તિને જોખમમાં મૂકી શકે. તો જમતી વખતે થોડુંક પેટ ખાલી રાખવાના શાશ્વત નિયમનો અનાદર લાભદાયક કઈ રીતે હોઈ શકે? પરંતુ કેટલા લોકોને આવી ટિપ્સની ખરાઈ વિશે સવાલ થાય છે? આવા દાવા કરનાર વ્યક્તિની અધિકૃતતા કેટલી છે? એ વ્યક્તિના આરોગ્ય વિષયક, તબીબી જ્ઞાન વિષયક  કે ખાનપાનના ગુણ-દોષ સંબંધી જાણકારી વિશે કેટલા લોકોને સવાલ ઊઠે છે? સોમવારે વિશ્વ આરોગ્ય દિન છે તો થયું, ચાલો આ બાબતે થોડા સતર્ક બનીએ.

columnists social media gujarati mid-day