15 January, 2026 08:53 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
થોડા વખત પહેલાં માનસિક-બૌદ્ધિક રીતે અક્ષમ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ સાથેના લોકોના જીવન પર આધારિત આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ અનેક લોકોના મન-હૃદય સુધી પહોંચવામાં સફળ થઈ ત્યારે સમાજમાં આ વિષય ચર્ચાનો બન્યો હતો અને ઘણા લોકોને એમાંથી પ્રેરણા, પ્રોત્સાહન અને બળ મળ્યાં. આ ફિલ્મના માધ્યમથી માનસિક રીતે અક્ષમ દેખાતા લોકોને જોવા કે મૂલવવા માટે, તેમના વિશે અભિપ્રાય બાંધવા માટે સમાજને નવો દૃષ્ટિકોણ પણ મળ્યો. જોકે કમનસીબે આવું બહુ ઓછા લોકો યાદ રાખે છે અને એનું જીવનમાં પાલન કરે છે. આ અસર સમય સાથે ભુલાવા માંડે છે, એમ છતાં સમાજને જગાડવાનું કામ તો કરે જ છે.
અહીં આજે વાત કરવી છે ફિઝિકલી હૅન્ડિકૅપ્ડના વિષયની; જેમના માટે અપંગ, દિવ્યાંગ, પંગુ, વગેરે શબ્દો આપણા સમાજમાં વપરાય છે. માનસિક રીતે કોઈ ને કોઈ ખામી ધરાવતા વર્ગ માટે સમાજ મેન્ટલી રિટાર્ડેડ શબ્દ વાપરે છે. ક્યાંક અને ક્યારેક સ્પેશ્યલ ચાઇલ્ડ અથવા સ્પેશ્યલ પર્સન પણ બોલાય છે. શું આવા લોકો માટે સ્પેશ્યલી એબલ્ડ શબ્દ ન વાપરી શકાય? આ વિચાર તાજેતરમાં બોરીવલીની સ્નેહજ્યોત નામની એક સંસ્થાની મુલાકાત દરમ્યાન મને પ્રાપ્ત થયો. આ સંસ્થા દિવ્યાંગોને પગભર કરવા, તેમને રોજગાર આપીને સ્વનિર્ભર-આત્મનિર્ભર બનાવવાની દિશામાં નક્કર કામ કરે છે. આ સંસ્થાના અગ્રણી કાર્યકર્તા વિજય કમલાકર પોતે બન્ને પગમાં પોલિયો ધરાવે છે, પરંતુ અસાધારણ રીતે સ્વસ્થ અને મજબૂત છે. તેમણે કહેલી વાત મને એટલી બધી સ્પર્શી ગઈ કે અહીં વાચકો સાથે ગમતાનો ગુલાલ કરવો મારા માટે જરૂરી બની ગયું. વિજય યુવાન એન્જિનિયર છે, ફિલ્મ-પ્રોફેશનમાં છે. તેણે આમિર ખાનના પાની ફાઉન્ડેશનમાં પણ કામ કર્યું છે. તેણે જે ધારદાર અને વિચારોત્તેજક-પ્રેરક વાત કહી એ મુજબ ડિસેબિલિટી લગભગ દરેક વ્યક્તિમાં હોય છે, પરંતુ બધામાં આપણને એ સ્પષ્ટ દેખાતી નથી. અર્થાત્ વિઝિબલ હોતી નથી. દિવ્યાંગો કે અપંગોમાં એ દેખાય છે. શું અન્ય સામાન્ય ગણાતા માણસોની વારંવાર ગુસ્સો કરવો, સતત નેગેટિવ વિચારો કર્યા કરવા, બીજાઓનું બૂરું કરવું, અન્ય લોકોને હેરાન કરવા-પજવવા, પોતાનામાં આત્મવિશ્વાસ ન ધરાવવો એ બધી બાબતો ડિસેબિલિટી ન ગણાય? આ બાબત કાયમ વિઝિબલ નથી હોતી, પરંતુ છે તો ખરી, અસ્તિત્વ તો ધરાવે જ છે. તો આવા લોકો ડિસેબલ્ડ ન કહેવાય? આ પછી તેણે કહ્યું, હું બન્ને પગથી ડિસેબલ્ડ દેખાઉં (વિઝિબલ) છું, જ્યારે અન્ય લોકો વિઝિબલ નથી, જેથી તેમને ઇનવિઝિબલી ડિસેબલ્ડ કહી શકાય. આ હકીકત સૌએ સ્વીકારવી જોઈએ. આ જ વાતને આ સંસ્થા-પ્રવૃત્તિને ૪૦ વર્ષથી સેવા આપતાં સુધા વાઘે ત્યાંના રિયલ લાઇફ કિસ્સાઓ બતાવીને-જણાવીને કહી ત્યારે આ સત્ય ઊંડે સુધી સ્પર્શી ગયું.
મેં મારી ભીતર ડોકિયું કર્યું તો મને મારી કેટલીક ઇનવિઝિબલ ડિસેબિલિટી જોવા મળી. જે-જે લોકો પોતાની ભીતર જોશે તો દરેકને એક યા બીજી ઇનવિઝિબલ ડિસેબિલિટી દેખાશે જ, તેઓ સ્વીકારે કે ન સ્વીકારે. સંપૂર્ણ કોઈ હોતું નથી. માત્ર ફરક દેખાવા-ન દેખાવાનો જ રહે છે. ખરેખર તો અનેક વિઝિબલી ડિસેબલ્ડ વ્યક્તિઓ અન્ય
સામાન્ય માનવીઓ કરતાં વધુ સમજદાર, હોશિયાર-ટૅલન્ટેડ, શક્તિશાળી, કૉન્ફિડન્ટ હોય છે જેથી આપણે સમાજમાં ફિઝિકલી ડિસેબલ્ડને બદલે વિઝિબલી ડિસેબલ્ડ કહેવું વધુ યોગ્ય ગણાય. અર્થાત્, તે લોકો માત્ર ડિસેબલ્ડ દેખાય છે, પણ ખરેખર હોય નહીં એવું બની શકે. આપણે વિઝિબલી ડિસેબલ્ડ અને વિઝ્યુઅલી ડિસેબલ્ડ એમ બે શબ્દો વચ્ચેનો ફરક સમજવો જોઈશે.
તેમને દયાભાવ નહીં, રિસ્પેક્ટ જોઈએ
ક્યારેક થાય કે આપણા સમાજના માપદંડ કેવા વિચિત્ર છે, આપણે કેટલા પણ બુદ્ધિશાળી કે શિક્ષિત હોઈએ, અમુક બાબતોમાં આપણે એવા રિજિડ અને જક્કી બની જઈએ છીએ કે સત્યને સમજવાની શક્તિ જ ગુમાવી દઈએ છીએ, માત્ર ટોળાનો ભાગ બનીને રહીએ છીએ. આપણા દેશમાં દિવ્યાંગ (હવે વિઝિબલી ડિસેબલ્ડ કહીએ) લોકો પ્રત્યે દયાભાવ રહે, પરંતુ સન્માનભાવ બહુ ઓછો રહે છે; તેમને ખરેખર દયા કરતાં રિસ્પેક્ટની જરૂર વધુ હોય છે. જોકે દયાભાવ પણ બધામાં હોતો નથી, ઘણા તો તેમના પ્રત્યે માનવતાનો ભાવ પણ રાખતા નથી. સમાજ તો શું સરકારી કચેરીઓમાં પણ દિવ્યાંગોને જે વિશેષ રાહત મળવી જોઈએ એ પણ મળતી નથી. આજે લોકલ ટ્રેનોમાં દિવ્યાંગ માટે એક ખાસ કમ્પાર્ટમેન્ટ કે નાનો ડબ્બો હોય છે જે પર્યાપ્ત કહેવાય નહીં; એમાં પણ વળી બોગસ લોકો ખોટા પાટાપિંડી બાંધીને ઘૂસી જાય છે, જેને લીધે સાચા દિવ્યાંગે સહન કરવું પડે છે. આપણે ત્યાં દિવ્યાંગ માટે રોજબરોજની લાઇફ બહાર નીકળીને જીવવામાં કપરી છે, તેમની સરળતા માટે કોઈ નક્કર સુવિધા જ નથી.
દિવ્યાંગો સાથેનો સમાજનો વ્યવહાર
આ જ બાબતો પરદેશમાં જોઈએ તો દિવ્યાંગોને જે
સુવિધા-સહજતા અને સન્માન અપાય છે એ કાબિલે તારીફ હોય છે. સંસ્કૃતિનાં ગુણગાન ગાતા આપણા કહેવાતા ધાર્મિક દેશમાં દિવ્યાંગોની બાબતમાં કોઈ ધર્મ કે સંસ્કૃતિ કામ આવતાં નથી, સમાજનો બહુ મોટો વર્ગ આજે પણ તેમની ઉપેક્ષા કરતો રહે છે. હજી આપણે જાતિવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ વગેરેમાંથી પણ મુક્ત થયા નથી. આપણે દરેક બાબતને રાજકરણ સાથે જોડીને એમાંથી શું રાજકીય લાભ મળે છે એવા સમાજમાં જીવી રહ્યા છીએ. ક્યારેક લાગે સાલો મોટા ભાગનો સમાજ ભયંકર માનસિક પંગુતા ધરાવે છે, એનો ઇલાજ કોઈ પાસે છે ખરો?
વાસ્તવમાં આ વિષયમાં ફરી ‘સિતારે ઝમીન પર’ના ચોટદાર, વિચારપ્રેરક સંવાદને યાદ કરવો પડે જેમાં બૌદ્ધિક રીતે અક્ષમ લોકો માટે કહેવાયું છે કે સબકા અપના નૉર્મલ હોતા હૈ.
યાદ રહે
આજે આપણા સમાજમાં વાંરવાર પોતાની વિશેષ ક્ષમતાને પુરવાર કરવામાં કે ઊંચી સફળતા-સિદ્ધિ મેળવવામાં દિવ્યાંગ વર્ગના લોકોની સંખ્યા વધતી રહી છે, પછી તે નૅશનલ હોય કે ગ્લોબલ લેવલે હોય. શૂટિંગ હોય કે ક્રિકેટ હોય, રમતગમતમાં દિવ્યાંગો ભાગ લેતા જાય છે અને કુશળતા સાબિત કરતા જાય છે. જો આ વર્ગને સમાજનો વધુ મજબૂત સપોર્ટ મળતો રહે તો શું થઈ શકે એ સમજી શકાય છે.
- જયેશ ચીતલિયા