✕

અમરતનું આ ટીપું

08 November, 2026 07:21 AM IST  |  Mumbai | Dinkar Jani

લક્ષ્મીપૂજન એક એવો શબ્દ છે કે આજના દિવસે તમે કેટલીયે વાર બોલ્યા હશો. કાં તો ઘરમાં પૂજાસ્થાનકે અથવા તો ઑફિસમાં એક ટેબલ પર આજે આ શબ્દ ભારે પૂજનીય બની જાય છે.

પ્રતીકાત્મક તસવીર

આ લેખ જ્યારે તમે વાંચી રહ્યા હશો ત્યારે કાં તો લક્ષ્મીપૂજન આજે કે ગઈ કાલે જ કરી ચૂક્યા હશો અથવા આજે કરશો. લક્ષ્મીપૂજન એક એવો શબ્દ છે કે આજના દિવસે તમે કેટલીયે વાર બોલ્યા હશો. કાં તો ઘરમાં પૂજાસ્થાનકે અથવા તો ઑફિસમાં એક ટેબલ પર આજે આ શબ્દ ભારે પૂજનીય બની જાય છે.

દેવ-દેવીઓનાં નામ, તેમની પ્રતિમા અથવા તેમનું સ્મરણ એક રીતે પૂજનીય તો છે જ; પણ લક્ષ્મીપૂજનની ભારે વિશેષતા છે. દુનિયાભરનાં દેવ-દેવીઓમાં લક્ષ્મીજીનું એક વિશેષ સ્થાન છે. આ લક્ષ્મીજી એટલે શું એના વિશે સ્પષ્ટતા કરવી ભારે છે. સ્થૂળ સંપત્તિને આપણે લક્ષ્મી ગણીએ છીએ. સોના, ચાંદી, હાથી, ઘોડા, બંગલા... આ બધું લક્ષ્મીજી તરીકે ઓળખાય છે. ખરેખર આ બધું લક્ષ્મીજી છે ?

ખરેખર તો લક્ષ્મીપૂજનનો ઉલ્લેખ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં થયો હોય એવું લાગે છે. એ પૂર્વે વેદમાં લક્ષ્મીજીના નામનો ઉલ્લેખ છે, પણ એમાં ક્યાંય પૂજનનું નામ નથી. લક્ષ્મીજીનું જે સ્વરૂપ આપણે મનોમન દોર્યું છે એ સ્વરૂપ વિષ્ણુનાં અર્ધાંગિની તરીકેનું છે. ભગવાન વિષ્ણુ ક્ષીરશય્યામાં પોઢેલા છે અને તેમનાં ચરણ પાસે અર્ધાંગિની લક્ષ્મીજી બિરાજેલાં છે. અહીં સવાલ એવો પણ થાય કે લક્ષ્મીજી વિષ્ણુનાં અર્ધાંગિની હોય તો વિષ્ણુને આદિ પુરુષ એટલે કે બ્રહ્માંડના સર્જક શી રીતે કહેવાય. લક્ષ્મીજી આપણાં વૈદિક કથાનકો પ્રમાણે સમુદ્રમંથનમાંથી પેદા થયાં છે. દેવો અને દાનવોએ સાથે મળીને અમૃત શોધવા માટે જે સમુદ્રમંથન કર્યું એમાંથી ૧૪ રત્નો પ્રગટ થયાં હતાં. એમાં લક્ષ્મીજી આ ૧૪ પૈકીનાં એક. સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં એટલે ભગવાન વિષ્ણુએ તેમનું વરણ કર્યું અને આમ લક્ષ્મીજીનું પૃથ્વી પર આગમન થયું. જો આમ હોય તો લક્ષ્મીજી વિષ્ણુનાં પત્ની તરીકે સૃષ્ટિના સર્જન પૂર્વે જ શી રીતે પૂજનીય ગણાયાં હોય; પણ વૈદિક કથાનકોમાં બુદ્ધિ, શ્રદ્ધા અને આસ્થા જ વધારે મહત્ત્વની વાત છે.

સાચું કહેજો હોં

જેને આપણે દિવાળીના દિવસો કહીએ છીએ એ દિવસો સાથે લક્ષ્મીજી તો સંકળાયેલાં છે જ, પણ સરસ્વતી અને કાલિકા સુધ્ધાં જોડાયેલાં છે એની તમને ખબર છે? લક્ષ્મીજીનો આગળનો દિવસ જેને આપણે વાઘબારસ કહીએ છીએ એ હકીકતે વાઘ નહીં પણ વાક્ થાય અને વાક્ એટલે વાણી અથવા વાચા. આ વાચાના આરંભથી જ માનવ-માનવ વચ્ચેનો વ્યવહાર શરૂ થયો છે એટલે ખરેખર તો પહેલું પૂજન વાચાનું, વાચાની દેવી સરસ્વતીનું. એટલે દિવાળીના આ ૪ દિવસોમાં પહેલું સરસ્વતી પૂજન છે; પણ વ્યવહારમાં આપણે આ સરસ્વતી દેવીને એક બાજુ કરીને લક્ષ્મીજીને આગળ કર્યાં છે, કારણ કે સરસ્વતીનો કક્કો-બારાખડી ખરીદવા માટે પણ વ્યવહારમાં લક્ષ્મીજી અનિવાર્ય છે.

એવું કહેવાય છે કે દશેરાના દિવસે રામે રાવણ પર વિજય મેળવ્યો એને વિજયાદશમી કહેવાય છે; પણ રાવણવિજય પછી રામનું અયોધ્યામાં પુનરાગમન થયું, રાજ્યાભિષેક થયો એ દિવસ પ્રજાએ દીવાઓની હારમાળાઓ પેટાવીને આનંદ-ઉત્સવ તરીકે ઊજવ્યો. દીવાઓથી અજવાળું ઊપજાવી શકાય છે, પ્રકાશ નહીં એ વાત આપણે ભૂલી ગયા છીએ. અજવાળું તેલનું, ઘીનું કે એવા કોઈ ને કોઈ પ્રવાહી પદાર્થોથી બહારથી લાવી શકાય છે. પ્રકાશ બહારથી લાવી શકાતો નથી. પ્રકાશ અંદરથી પ્રગટે છે અને અંદરથી પ્રગટતા આ પદાર્થને વચ્ચોવચ રાખવો હોય તો માત્ર કોડિયું નહીં ચાલે. સાથે જ ઇલેક્ટ્રિકના બલ્બથી પ્રકાશ લાવી શકાતો નથી, માત્ર અજવાળું લાવી શકાય છે. આપણે જો પ્રકાશ લાવવો હોય તો સૌપહેલાં અંદર ઊતરવું પડશે.

વાક્બારસના દિવસે સરસ્વતી પૂજન થઈ જાય અને સરસ્વતીના આગમન સાથે જ મહાદેવી લક્ષ્મીજીનો જયજયકાર થાય એ કોને ન ગમે? જોકે સરસ્વતી અને લક્ષ્મી સુધ્ધાં એકલ સ્વરૂપે સજીવ રહી શકતાં નથી. તેમનું પૂજન કરવા માટે પણ સામર્થ્યની જરૂર છે. આ સામર્થ્ય એટલે સ્થૂળ બળ. દેવોમાં ખજાનાના આદિપતિ કુબેર કહેવાય છે. દેવોએ પણ પોતાની તમામ સમૃદ્ધિ કુબેરના હાથમાં મૂકી છે અને આ કુબેરે આ સમૃદ્ધિ દ્વારા લંકાનું નિર્માણ કર્યું છે. લક્ષ્મીજી નિર્માણ પામે છે ત્યારે સ્થૂળ મનના માણસોના હૈયામાં કશુંક અપ્રાગટ્ય સ્વરૂપ પેદા કરે છે. આ અપ્રાગટ્ય સ્વરૂપ એટલે ઈર્ષા. પરમાત્માએ માણસના સર્જનની સાથે જ ઈર્ષા એક સહજ ભાવ તરીકે તેના અસ્તિત્વમાં મૂકી છે. આ ઈર્ષા માણસના સમગ્ર ઇતિહાસને ઊલટાવી નાખે છે. ઈર્ષાની ઉત્પત્તિ સાથે જ લક્ષ્મીજીનું જ્યાં ક્યાંય પણ પ્રાગટ્ય થયું હોય ત્યાં ભારે પ્રશ્ન પેદા કરે છે. કુબેરની લંકાને રાવણે આંચકી લીધો, પણ એનાથી રાવણની શ્રીલંકાની સમૃદ્ધિ કંઈ અયોધ્યા પહોંચી નથી. લંકા સમૃદ્ધ છે, લક્ષ્મીથી ભરપૂર છે; પણ અયોધ્યામાં શ્રી રામ હોવા છતાં એ પૂજનીય થઈ શકી નથી.

તમે સરસ્વતીના પૂજક છો એવો દાવો કરવો તમને ગમે છે. કહેવા ખાતર કહેવું હોય તો લક્ષ્મીજી કરતાં સરસ્વતીને પૂજનીય કહો છો, પણ કોઈક સાંજે તમે પાંચસો-હજારનાં પુસ્તકો ખરીદો છો કે પછી કોઈ સરસ મજાની હોટેલમાં જઈને પાંચ-પચાસ રૂપિયાનાં મૂલ્યોની ખાદ્ય સામગ્રી પાંચસો-હજાર ખર્ચીને તૃપ્ત થાઓ છો. સાચું કહેજો હોં? આ પ્રશ્ન તમારા એકનો નથી, આપણા સૌનો છે. રવિવારની સાંજે ફુટપાથ પરના બાંકડા પર ધર્માદાના ભોજન જેવી લાઇન લાગી જાય છે ત્યારે પુસ્તકોની કોઈ દુકાનમાં આવી ભીડ જોઈ? માત્ર મનને જ પૂછવા જેવો આ એક સવાલ. એમાં કોઈ સરખામણી નથી.

દિવાળી ભલે આવે. આપણને ગમે છે. થોડીક વાર આપણે એકબીજાથી જુદા પડીને પણ નવાનક્કોર થઈએ છીએ. માણસ નવોનક્કોર થાય એવાં અમૃતનાં ટીપાં ક્યાંથી મળે? એને દિવાળી કહો કે બીજું કંઈ પણ નામ આપો - આપણને અબળખા છે અમૃતનાં ટીપાંની અને આ અમૃતનું ટીપું માણસ-માણસ વચ્ચે પ્રકાશનો ધોધ બની જાય એથી વધારે બીજું શું જોઈએ.

columnists diwali festivals gujarati mid day exclusive lifestyle news life and style