05 October, 2026 02:40 PM IST | Mumbai | Sairam Dave
સાંઈરામ દવે
વડલાની વડવાઈએ હીંચકતાં-હીંચકતાં આપણે વાઇ-ફાઇના હાઇ-ફાઇ યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. એક સમયે સૌરાષ્ટ્રમાંથી સુરત કે મુંબઈ જવું એ વિદેશ ગણાતું, જ્યારે હવે તો વિદેશ જવાનું પણ લોકલ થાતું જાય છે. તારના ટેલિગ્રામથી ઍપ્લિકેશન ટેલિગ્રામ સુધી આપણે સહિયારી યાત્રા કરી છે.
આઠ-આઠ સંતાનોનાં માતા-પિતાઓમાંથી આપણે ‘ડિન્સ કપલ’ (ડબલ ઇન્કમ, નો ચાઇલ્ડ) સુધી રિવર્સ પ્રગતિ કરી છે. આવા લિસ્ટમાં જ આર્ટિકલ પૂરો થઈ જાય એમ છે તેથી મુદ્દા પર આવીએ તો ‘શું પરંપરાગત જીવનશૈલીનો ત્યાગ કરીએ એનું નામ જ પ્રગતિ છે?’
એક સમયે ફાટેલાં કપડાં એ દારુણ્ય ગરીબાઈ અને શરમ હતી. અત્યારે એ ફૅશનનો પર્યાય થઈ ગઈ છે. ડિવૉર્સ થવાથી એક સમયે જીવનનો ધી એન્ડ થઈ જતો હતો. અત્યારે ડિવૉર્સ કે બ્રેકઅપ પછી નવી જિંદગી ડબલ જુસ્સાથી શરૂ થાય છે. સાલ્લું મને તો એ જ સમજાતું નથી કે આપણે પહેલાં સાચા હતા કે અત્યારે?
ફિનલૅન્ડની એજ્યુકેશન સિસ્ટમનાં બે મોઢે વખાણ કરનારાઓ ક્યારેક લોકભારતી સણોસરામાં ચક્કર તો લગાવજો. રાષ્ટ્રને અને પ્રકૃતિને વફાદાર રહીને ‘જીવનનું શિક્ષણ’ સણોસરા જેવી હજારો સંસ્થાઓ અને ગુરુકુળોમાં વર્ષોથી અપાઈ રહ્યું છે. કદાચ આપણા સૌની માનસિકતા પેપ્સીની જાહેરાત જેવી થઈ ગઈ છે કે ‘યે દિલ માંગે મોર!’
કર્દમઋષિનાં સૂત્રો કરતાં કોઈ ફૉરેનના કર્નલની વાત આપણને વધારે પ્રભાવિત કરી રહી છે. વડીલ અરુણ દવે કાયમ કહે છે કે ‘સૃષ્ટિની તમામ સમસ્યાનું પગેરું જીવનશૈલીમાં પડેલું છે.’
પશ્ચિમ જેવી જીવનશૈલીને જીવનના પ્રત્યેક વ્યવહારમાં ઉતારી લેવી એ સૌથી મોટું ગાંડપણ કહેવાય. ફૉરેનમાં અતિશય ઠંડીને લીધે ટાઇ-સૂટ કે ઓવરકોટ અસ્તિત્વમાં આવ્યાં અને આપણે આંધળા અનુકરણથી ઉનાળામાં વરરાજાને સૂટ પહેરાવીને પરણાવવા લાગ્યા. વિદેશીઓ જેને ‘ઇકો-ફ્રેન્ડ્લી લાઇફસ્ટાઇલ’ના રૂપકડા નામથી ઓળખાવે છે એ જ તો આપણી ઋષિપરંપરા હતી.
સંસ્કૃતિ શબ્દ આપણે સૌ વારેઘડીએ બોલી નાખીએ છીએ, પરંતુ ખરેખર સંસ્કૃતિનો યથાર્થ અર્થ આપણને અનુભવાતો નથી. તમે કોઈ સંપ્રદાયનો કપાળે ચાંદલો કરો, પૂજા-હવન કરો, સાત્ત્વિક જીવન જીવો એટલે તમે સંસ્કૃતિવાળા?
નો ડાઉટ આવી હજારો વસ્તુઓ સંસ્કૃતિનો જ એક ભાગ છે, પરંતુ માત્ર આમને જ સંસ્કૃતિ ગણી લેવી એ મૂર્ખામી છે. મારી દૃષ્ટિએ પ્રકૃતિનું જતન એ જ સાચી સંસ્કૃતિ. આપણા વેદોએ જે પાંચ તત્ત્વોનું મહિમાગાન કર્યું એ જ આપણી સંસ્કૃતિનું સાચું સ્વરૂપ.
તમે કદાચ કોઈ ધર્મમાં માનતા હો, પરંતુ તમે જો જળનો કરકસરયુક્ત ઉપયોગ કરતા હો તો સંસ્કૃતિવાન છો. કોઈ હવન તમે ન કર્યા હોય, પણ તમે જો પૃથ્વી પર પ્લાસ્ટિક કે કચરો ન ફેંકતા હો તો સંસ્કૃતિવાન છો. સંસ્કૃતિ એ કોઈ ચૂંટણીનો એજન્ડા કે નવાબી ખયાલ નથી. આ કંઈ રાતોરાત સેટ નથી થઈ. સંસ્કૃતિને આપણા સુધી પહોંચતાં હજારો વર્ષ લાગ્યાં છે. આપણી સંસ્કૃતિ એ પર્યાવરણની અને પ્રકૃતિની પોષક છે. સૌરાષ્ટ્રમાં સદીઓથી પાણીની ખેંચ, સુરત બાજુ પુષ્કળ પાણી અને કચ્છમાં ધૂળ અને ગરમીથી જે-તે વિસ્તારના લોકોનાં શરીર ટેવાયેલાં હતાં. પ્રત્યેક વિસ્તારને એનાં શાકભાજી, વનસ્પતિ, ફળ, ફૂલ અને પાઘડી શીખે વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલાં હતાં.
જોકે જીવનશૈલી સુધારવાના ઢઢડિયામાં આપણે ક્યાંક જીવન અને શૈલીનો સંધીવિચ્છેદ કરી નાખ્યો. સંસ્કૃતિ અને પર્યાવરણની પ્રકૃતિ સૃષ્ટિની ઘંટીનો એવો ખીલો છે કે જ્યાં સુધી એ ખીલાની નજીક રહીશું ત્યાં સુધી દળાશું નહીં. આ ખીલો જ આપણને સૌને તંદુરસ્ત અને સુરક્ષિત રાખશે. આસપાસની સહજ પ્રકૃતિનો સ્વીકાર કરીએ, એને સહયોગ આપીએ અને સમર્પિત થઈએ એ જ સાચી ભારતીય જીવનશૈલીની વ્યાખ્યા મને લાગે છે. આપણે દોઢા થયા એમાં દોઢે ચડી ગયા છીએ.
જ્યાં પ્રકૃતિને સહેજ પણ હાનિ પહોંચાડ્યા વગર પંચતત્ત્વને દૈવસ્વરૂપ માનીને ખુશહાલ જીવન વ્યતીત કરાતું હતું. આપણે સૌ પંચતત્ત્વનો રિસ્પેક્ટ ક્યાંક ચૂક્યા એટલે સૌ સહિયારો ભોગ બન્યા.
શિયાળામાં વરસાદ પડી રહ્યો છે, ચોમાસાં કોરાંધાકોર જઈ રહ્યાં છે, ઉનાળામાં ઠંડી લાગી રહી છે. બહુ ખરાબ રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, પરંતુ આપણું માઇન્ડસેટ કેમ ચેન્જ નથી થતું? આપણા વડીલો કહેતા કે તમે જ્યાં રહેતા હો એ વિસ્તારના ૧૦૦ કિલોમીટરમાં જે ધનધાન્ય પ્રાકૃતિક રીતે ઊગતું હોય એ જ તમે રૂટીન ખોરાકમાં લો એટલે ૧૦૦ વર્ષ જીવશો.
ફૉરેનની ફૂડ-પૅટર્ન કેટલાક ભારતીયોની જિંદગીમાં રોજિંદી દિનચર્યામાં ઘૂસી ગઈ છે. ડૉ. જગદીશ ત્રિવેદીનો જૂનો જોક યાદ કરાવું તો એક નેતા અમેરિકાના સાબુ-શૅમ્પૂથી સ્નાન કરી, લંડનનું સ્પ્રે વાપરી, ઑસ્ટ્રેલિયાનું શર્ટ પહેરી, જપાનની ગાડીમાં, સ્વિટઝરલૅન્ડની ઘડિયાળનો સમય જોઈ ભારતના ખાડા-ખરબચડા રસ્તાઓ અને સિસ્ટમને ભાંડી રહ્યા હતા કે દેશ આગળ નથી આવતો!
ભારતીય જીવનશૈલી શું હતી અને શું હોવી જોઈએ? ભારતના પિતાએ પુત્ર સાથે કઈ રીતે વર્તવું જોઈએ? પત્નીએ પુત્ર સાથે કે વેપારીએ ગ્રાહક સાથે કઈ રીતે આગળ વધવું જોઈએ? આ આત્મસંશોધન સતત ચાલતું રહે તો કદાચ હજી આપણે થોડાક જીવનને બચાવી શકીશું.
આજે કેટલાંક ઘરોમાં ટીનેજ સંતાનો પાસે પર્સનલ ફોન-ટૅબ્લેટ છે, જ્યારે આઇફોનનો સર્જક સ્ટીવ જૉબ્સ પોતાનાં સંતાનોને ફોન નહોતો આપતો. સંતાનોને સંપત્તિ અને ફૅસિલિટી આપવા માટે આપણે જેટલા ઉતાવળા છીએ એટલા જાગૃત તેને સંસ્કારો આપવા માટે છીએ ખરા? સંતાનોની તમામ જીદ પૂરી કરનારા કેટલા વાલીઓ ઘરમાં ગીતાજીનો કે હનુમાન ચાલીસાનો ફરજિયાત પાઠનો નિયમ સંતાનો પાસે લેવડાવી શક્યા?
મોંઘીદાટ વસ્તુઓ જ શ્રેષ્ઠ જીવનશૈલી કહેવાય એ વહેમમાંથી જેટલા ઝડપથી આપણે બહાર આવીશું એટલા ઝડપથી ભારતનું કલ્યાણ થશે. આધુનિકતા વિચારોમાં હોવી જોઈએ, માત્ર વસ્ત્રોથી પ્રગટ કરવામાં શો લાભ? જીન્સ પહેરેલી કેટલીયે દીકરીઓ આજે પોતાનું અને તેના પિતાનું ઘર પણ ચલાવે છે. તો એ દીકરીને ફૅશનનો હક છે. અહીં માત્ર BPL (બાપના ખર્ચે લહેર) કરનારાઓ સામે મારો અંગુલિનિર્દેશ છે.