22 November, 2026 12:38 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘રોજ ગીતાજીના પાઠ કરવાથી ફાયદો શું થાય?’ આવો સવાલ એક યુવકે સ્વાભાવિક રીતે મને પૂછ્યો ત્યારે મેં જવાબ આપ્યો હતો, ‘ગીતાજીના પાઠ કરવાથી નુકસાન થાય છે આટલું તું પહેલાં સાબિત કરી દે પછી ફાયદા કહે...’
પાંચ વર્ષ પહેલાંની સફળતાની વ્યાખ્યા અત્યારે આઉટડેટેડ છે. પાંચ મહિના પહેલાંની કાર, કપડાંની ફૅશન, વૉટ્સઍપ ઇમેજ કે બિઝનેસ ટિપ્સ અત્યારે સૌને ઓલ્ડ ફૅશન લાગે છે. તો સાડાપાંચ હજાર વર્ષ પહેલાંના એક સદ્ગ્રંથ આજના જીવનને રિલેટેબલ કઈ રીતે લાગે? આ પ્રશ્ન કોઈને થાય એ સ્વાભાવિક છે.
આજના અર્જુનનો વિષાદયોગ શું?
કરીઅરમાં ફૅકલ્ટી સિલેક્ટ કરવી? બિઝનેસ કરવો કે નોકરી કરવી? વ્યસનોના કાદવમાંથી કેમ બહાર નીકળવું? બ્રેકઅપ પછી જીવનને કેવી રીતે સંભાળવું? અરે, સોશિયલ મીડિયા પર કઈ પોસ્ટ મૂકવી અને કોને લાઇક આપવી? આજના અર્જુન (એટલે કે યુવક અને યુવતી બંને-નો જેન્ડર બાયસ પ્લીઝ)ની ભીતરમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રક્તપાત ભલે દેખાતો નથી, પરંતુ વલોપાત તો છે જ. પીડા તો કેટલાય દોસ્તો અનુભવી રહ્યા છે. પોતાના બેકાબૂ થયેલા મનનાં માથાં વાઢતાં કોઈને આવડતું જ નથી. મમ્મી-પપ્પા સાથે માત્ર પૉકેટમની કે પાર્ટીના રૂપિયા માગવાનો જ સંબંધ રહ્યો છે. મિત્રો ઍક્ચ્યુઅલમાં તો છે જ નહીં. વર્ચ્યુઅલમાં છે એ તમામ માત્ર લાઇક અને ડિસ્લાઇક આપે છે. કોઈ ખભે હાથ મૂકી સાચી સલાહ આપતા નથી. આખી એક પેઢી શ્રેષ્ઠ જીવન જીવવાની કલા ગીતાજીને બદલે ગૂગલ પાસે શોધી રહી છે. સાવ મફતમાં મળેલા ‘મહાભારત’ ગ્રંથમાંથી આપણે કશું શીખ્યા નથી. તેથી હવે આપણે મોટિવેશનલ ટ્રેઇનરોની તોતિંગ ફી ભરીને સેમિનારમાંથી શીખવાનું વધ્યું છે. મજાની વાત એ છે કે ત્યાં જરા જુદી રીતે પણ સિદ્ધાંત તો ગીતાજીના જ શીખવાના છે.
બસ, એ જ રીતે એક વાર શુદ્ધ હૃદયથી ગીતાજી સાથે જોડાઈ જાવ પછી જગતના જોડાણ કે ભંગાણની બહુ ચિંતા નહીં રહે. કારણ નારાયણ એકમાત્ર આ ગ્રંથમાં ગર્જના કરીને કહે છે કે ‘હું સ્વયં પરમાત્મા તને કહું છું કે તું ફળની ચિંતા છોડી કર્તવ્યબુદ્ધિથી કર્મ કર’ (ભ. ગી. ૨/૪૭) અહીં અવતારરૂપે અવતરેલા કૃષ્ણ એમ નથી કહેતા કે હું કોઈની કૃપાથી આ તને કહું છું કે હું પરમાત્માનો સંદેશવાહક છું કે ઈશ્વરનો દીકરો...! વગેરે... વગેરે...
સ્પ્રાઇટની પેલી જાહેરાતનું સ્લોગન યાદ છે ને ‘સીધી બાત નો બકવાસ.’ ગીતાજીમાં ભગવાને સ્વમુખે ઉચ્ચારેલા સાડાપાંચસો શ્લોકમાં નારાયણ પણ કંઈક આવું જ કહે છે. પરમાત્માની આ સ્ટ્રેટ ફૉર્વર્ડનેસ હૃદયને સ્પર્શે એવી છે. તમામ વચેટિયા એજન્ટોને V.R.S., આપી અહીં ભગવાન જ ભક્તની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. એટલું જ નહીં, ધાર્મિક ઉપદેશો માટે આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ભગવાનનું નામ લેવું કે ભક્તિ કરવી – આધ્યાત્મિક થવું એટલે બીજાં બધાં કામ છોડી અને મંદિરના કે ઘરના કોઈ ખૂણામાં માળા લઈને બેસી જવું. જવાબદારીમાંથી નિષ્ક્રિય થઈને હરિમાં સક્રિય થવાનું અહીં નારાયણ શીખવતા નથી. ઊલટાનું ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ કહીને નારાયણ અહીં પાર્થને ગાંડીવ પકડાવે છે. હિંમતભેર લડાવે છે અને આખી જંગ જિતાડે છે.
યુદ્ધના મેદાનમાં યુદ્ધનીતિ સિવાયની આટલી લાંબી ચર્ચા ચાલી હશે એવો પણ કદાચ આ પ્રથમ અને અંતિમ કિસ્સો હશે.
અર્જુન આપણા સૌનું પ્રતિનિધિત્વ કરે છે. અર્જુનના જીવનમાં બની હતી એવી તો અઢળક ઘટનાઓ આપણા જીવનમાં પણ બને જ છે. કોઈ અંગત સગા કે મિત્ર વિશ્વાસઘાત કરી જાય છે, કોઈનું પોતાનું કે સ્વજનનું જાહેરમાં ભયંકર અપમાન કરી જાય છે, કોઈનો પોતાનો હક અને અધિકાર છીનવાઈ જાય છે, સક્ષમ સામર્થ્ય હોવા છતાં કોઈ હતાશ અને નિરાશ થઈ જાય. ઊલટાનું ટેક્નૉલૉજી વધતાં ‘ટેક્નૉ-દુખ વધ્યાં છે.
દોસ્તો, આપણે વિચારવાનું એ કે એવા સમયે અર્જુન પર મોહની પકડ કેટલી મજબૂત હશે? સ્વયં નારાયણ સ્વદેહે જેના સારથિ બની અને ત્રણથી ચાર ફૂટના અંતરે ઊભા છે. તેમ છતાં અર્જુનને મોહ ઘેરી વળે છે. અર્જુન વિષાદયોગનો અભ્યાસ કરજો, અર્જુનના પ્રશ્નો સાંભળી પ્રભુ મંદમંદ મલકતાં વચનો કહે છે. (ભ. ગી. ૨/૧૦)
વિચારજો સજ્જનો! આપણી પાસે તો નારાયણની માત્ર મૂર્તિ છે. તેના વાઙ્મય સ્વરૂપે શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોક છે. આપણે મોહથી છૂટવા કેટલી મથામણ કરવી પડશે? નારાયણે કહ્યું કે, ‘હે અર્જુન, તું યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો!’ (ભ. ગી. ૨/૨પ) અને અર્જુને કૌરવોને બદલે પોતાનાં સગાં-સ્નેહીઓને જોયાં!
સાડાપાંચ હજાર વર્ષ પછી પણ આ લોચો તો યથાવત્ છે. યુવાન દીકરા-દીકરીને માતાપિતા કહે છે કંઈ અને તે સમજે છે કંઈ! શિક્ષક કે સદ્ગુરુ કહે છે કંઈ અને શિષ્ય સમજે છે કંઈ! નારાયણે કહ્યું ત્યારે અર્જુને કંઈ હાથી ઘોડા કે આકાશમાં વિહરતા ચકલાં નથી જોયાં. કૌરવોને જ જોયા, પરંતુ નારાયણની નજરથી નથી જોયાં, પોતાની અલ્પમતિની એમાં પ્રોબ્લેમ થયો. ગીતાજીની બિટ્વીન ધ લાઇન્સ જો સમજાય તો બનવારીને ભજી શકાય. જેના માટે કોઈ સદ્ગુરુ, વિદ્વાન કે ગીતાપાઠીની આવશ્યકતા રહે છે.
બાકી, જેની સમગ્ર આર્યાવર્તમાં આણ વર્તાતી હોય, એવા શ્રેષ્ઠ ક્ષત્રિયનું યુદ્ધ ટાણે ગળું સુકાય? એ વ્યક્તિ યુદ્ધ કરતાં પહેલાં જ મનથી યુદ્ધ હારી જાય? આ સાવ અશક્ય લાગતી વાત વેદવ્યાસજી આપણને નાનકડી કથા દ્વારા સમજાવે છે કે જીવનમાં જ્યારે પણ સત્ય કે ધર્મ માટેનું કોઈ મહાયુદ્ધ આદરશો એટલે કન્ફ્યુઝન તો આવશે જ! કન્ફ્યુઝનને ફ્યુઝન બનાવે એ જ કૃષ્ણ!
ગૅજેટ્સ ગેરઉપયોગ કે અતિરેકને લીધે કેટલાય જિગરિયાવનાં જીવન ઝેર બની ગયાં છે. વિષાદયોગ કરતાં આપણે વિનાશયોગ તરફ ઝડપભેર ધસી રહ્યા છીએ. સવલતોએ મુસીબતોની હારમાળા ખડકી દીધી છે. ગૅજેટથી ગોવિંદ તરફની યાત્રા શરૂ કરીએ. ટેક્નૉલૉજી ખૂબ સારી છે. જરૂરી પણ છે, પરંતુ તેનો વિવેકસભરનો ઉપયોગ ત્રિકમરાયની કૃપા વગર શક્ય નથી.
આવો, ગીતાજીને જીવનમાં ડાઉનલોડ કરીશું તો જીવન અપલિફ્ટ થઈ જશે. ગીતાજીના શ્લોકની બારી ખખડાવવા માટે હાથ તો લંબાવો. શામળિયો આપણી રાહ જોઈને બેઠો છે. શામળિયાને સબસ્ક્રાઇબ કરીશું તો ફાયદામાં રહીશું.
વિચારજો શાંતિથી...
લેખક જાણીતા હાસ્યકલાકાર અને મૂલ્યનિષ્ઠ શિક્ષણપદ્ધતિ સાથે સંકળાયેલા છે