30 April, 2026 01:45 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં લોકોના હાથમાં પુસ્તક વધુ સમય હોય છે કે મોબાઇલ એવી ગણતરી કે સર્વેક્ષણ કરવામાં આવે તો શું પરિણામ આવે? જેને જવાબ ખબર હોય તે હાથ ઊંચો કરે. અરે વાહ, બધાને જવાબ ખબર છે! યસ, સહી બાત. મોબાઇલવાળા જીતી ગયા. ઘેર-ઘેર, ઠેર-ઠેર, એકેક હાથમાં મોબાઇલ જ વધુ સમય હોય છે. વર્તમાન સમયના લોકોને પુસ્તક વિના ચોક્કસ ચાલશે, મોબાઇલ વિના નહીં ચાલે!
વિશ્વ પુસ્તક દિનની ઉજવણી ગયા સપ્તાહમાં થઈ. આ દિન ભલે એક દિવસ ઊજવાય, પરંતુ ખરેખર તો પુસ્તક સાથે દરેક દિવસ પસાર થવો જોઈએ. અન્યથા એમ ન કરનાર કદાચ ચોક્કસ આ બાબતે દીન રહી જાય એવું બની શકે. જોકે પહેલાં આપણે પુસ્તકની વ્યાખ્યા સમજી લઈએ. જાણીતા સાહિત્યકાર-વિચારક ડૉ. દિનકર જોષીના સચોટ શબ્દોથી સમજીએ. તેમના મતે પાંચ પ્રકારનાં પુસ્તકો હોય છે. એક પોથી, બીજું ગ્રંથ, એ પછી પુસ્તક, ત્યાર બાદ ચોપડી અને પછી હલિથો. પોથી કક્ષાએ આપણે આપણા વેદો તથા મહાભારત, રામાયણ, ભાગવત તથા ભગવદ્ગીતાને મૂકી શકીએ. એ પછી આવે ઉચ્ચ કક્ષાનું રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય જેવું સાહિત્ય જેને આપણે ગ્રંથ કહી શકીએ. ત્યાર બાદ આપણી નવલકથાઓ, નિબંધ તથા કવિતાનાં પુસ્તકો સ્થાન પામે. એ પછી ઠીક-ઠીક એટલે ચોપડી અને પછી સાવ કાઢી નાખવા જેવું જે આજે અઢળક છપાય છે અને જે પસ્તીમાં જાય છે એટલે હલિથો. સાચા વાચકે-ભાવકે આ બધામાંથી ઉત્તમ તારવીને વાંચવું જોઈએ.
વિશ્વ પુસ્તક દિનના આગલા દિવસે પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ આપણા દેશમાં લોકોએ એક વરસમાં એક લાખ કરોડ રૂપિયાનાં પુસ્તકો ખરીદ્યાં. જોકે સમાચારમાં એક્ઝૅક્ટ્લી એવું કહેવાયું હતું કે ભારતે એક વરસમાં એક લાખ કરોડનાં પુસ્તકો ખરીદ્યાં, જેમાં એવું અર્થઘટન થઈ શકે કે દેશે-સરકારે ખરીદ્યાં. ખેર, કોણે ખરીદ્યાં, કેટલાંનાં ખરીદ્યાં એ કરતાં વધુ મહત્ત્વનું એ છે કે કોણે કેટલાં પુસ્તકો વાંચ્યાં, કયાં પુસ્તકો વાંચ્યાં. અચ્છા, ખરીદ્યાં તો કયા કારણસર ખરીદ્યાં, કોના માટે ખરીદ્યાં? પોતે વાંચવા કે ભેટ આપવા? ઘરના
કબાટમાં-શોકેસમાં મૂકવા? લાઇબ્રેરી માટે? સ્કૂલો-કૉલેજો માટે? ચાલો, હજી થોડા આગળ જઈએ. કઈ ભાષાનાં પુસ્તકો વધુ ખરીદાયાં? કારણ કે એનાથી ખબર પડે કે કઈ ભાષાનાં પુસ્તકો વધુ વંચાય છે. આમ તો ખરીદવાને અને વાંચવાને બહુ ગહન કે નિકટનો સંબંધ નથી. ખરીદાયેલાં પુસ્તકો આલીશાન ઘરોમાં અને લાઇબ્રેરીઓમાં પણ એકલતા માણતાં યા ભોગવતાં હોય છે. ઘણાં ઘરોમાં મહેમાનોને એ પુસ્તકોનાં દર્શન (પ્રદર્શન) માટે હોય છે, પરંતુ એ પછી પુસ્તકો તો દૂરથી રળિયામણાં ભાઈ.
એક સારી બાબત એ છે કે પુસ્તકોનું ડિજિટાઇઝેશન થવા લાગ્યું છે. એનાથી એની ઇમ્યુનિટી વધશે, આવરદા વધશે. હવે લોકો પુસ્તકો પણ મોબાઇલ યા કિન્ડલમાં વાંચે છે. પુસ્તકોનાં ઑડિયો વર્ઝન પણ આવવા લાગ્યાં છે. પુસ્તકો લોકો સુધી પહોંચે, લોકો વાંચનમાં વધુ ને વધુ રસ લે એ માટે અઢળક પ્રયાસ થાય છે, પરંતુ હવેના સમયમાં લોકો માટે પાયાનો પ્રશ્ન જ સમયનો અભાવ છે અથવા તેમના હવેના સમયનો સ્વભાવ છે. અગેઇન, કારણ મોબાઇલ છે. મોબાઇલ એક સાધન માત્ર રહ્યો નથી, બલ્કે શરીરના અંગ સમાન બની ગયો છે. એ એકલો જ માણસોને એટલી અસંખ્ય વરાઇટી આપે છે જે પુસ્તકો આપી શકતાં નથી. જોકે મોબાઇલમાં માણસો ભટકી જાય છે; જ્યારે પુસ્તક માણસોનું પથદર્શક બને છે, મિત્ર બને છે અને ફિલોસૉફર પણ બની શકે. મોબાઇલ ઍડિક્શન બને છે એટલે જ હવે ડીટૉક્સ થવાનો ટ્રેન્ડ નાના પાયે શરૂ થઈ રહ્યો છે જેમાં વ્યક્તિ ડીટૉક્સ (ડિજિટલ સાધનોથી દૂર રહેવું)ના માર્ગે આગળ નહીં જાય એના મનોરોગ પાક્કા અને ગૅરન્ટેડ છે. મોબાઇલમાંથી રાહત મેળવવાનો કે ટીવીસિરિયલો-OTTમાંથી રાહત યા મુક્તિ મેળવવાનો ઉત્તમ માર્ગ કે ઉપાય પુસ્તકો પાસે છે.
આપણે પુસ્તકો માત્ર વાંચ્યાં જ હોય એ પર્યાપ્ત નથી. એને વાંચીને પચાવ્યાં હોય તો પરિવર્તન સંભવ બની શકે. વાંચવું એક વાત છે અને વાંચેલાને જીવનમાં ઉતારવું બીજી વાત છે. સુવિખ્યાત કથાકાર મોરારીબાપુ કહેતા હોય છે કે તમે કથામાં બેસો એટલું પૂરતું નથી, કથા તમારામાં બેસવી જોઈએ. ખેર, પુસ્તકો વાંચીને જીવનમાં પરિવર્તન લાવી શકાય છે એ વાત સાચી. જોકે જીવન પણ એક પુસ્તક સમાન છે, આપણે એને પણ વાંચવું જોઈએ એવું નથી લાગતું? જે કોઈ વ્યક્તિએ જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેના જીવનમાં પુસ્તકોનો ફાળો અવશ્ય ને અવશ્ય મળશે જ. પુસ્તક નિર્જીવ છે છતાં આપણને જીવન આપવાની શક્તિ ધરાવે છે. એની સામે આપણને અહંકાર કે ઈર્ષ્યા નથી નડતાં.
પુસ્તકાલયો લોકોને સારાં પુસ્તકો ઉપલબ્ધ બનાવવાની ભૂમિકા ભજવી શકે છે અને ભજવતાં પણ હોય છે. જોકે સવાલ વાચકોનો મોટો થતો જાય છે. આપણે ત્યાં લોકો પાસે પુસ્તકો માટે સમય નથી, જગ્યા નથી અને લગાવ પણ ઘટતો જાય છે. લાઇબ્રેરીઓમાં હજારો પુસ્તકો એના વાચકોની રાહ જોયા કરતાં હોય છે. ઘણાને તો વાચકો વરસો સુધી સ્પર્શ પણ કરતા નથી. એમાં ક્યારેક પુસ્તકનાં પોતાનાં લક્ષણો એટલે કે એમાંનું લખાણ જવાબદાર હોય છે તો ક્વચિત વાચકોની માનસિકતા કારણભૂત બને છે. કોનું અને કોણે શું વાંચવું એ એના પર આધાર રહે છે.
અનુભવીઓ કહી ગયા છે કે જે ઘરમાં પાંચ સારાં પુસ્તકો ન હોય એ ઘરમાં તમારી દીકરીને પરણાવતા નહીં. હવે (મજાકમાં) કહેવાય છે કે જે ઘરમાં દરેક સભ્ય પાસે સ્માર્ટફોન ન હોય એ ઘરમાં દીકરી મોકલતા નહીં. હવે પછી પુસ્તકોની સાર્થકતા ત્યારે બનશે જ્યારે યુવકો કે યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડશે ત્યારે યા લગ્નજીવનમાં બંધાવા જતાં પહેલાં એકબીજાને પૂછશે કે તું કયાં અને કેટલાં પુસ્તકો વાંચે છે? તેઓ એકબીજાના ઘરે જઈને પરિવારના સભ્યો કેવા છે એની સાથે-સાથે ઘરમાં પુસ્તકો કેવાં છે એ જોવાનું પણ પસંદ કરશે. આવા સાચા વાચકો એકબીજાના મન અને હૃદયને પણ વાંચી શકશે. તેમની વચ્ચે વિવાદ નહીં, સદા સંવાદ બની રહેશે. આનું એક્સ્ટેન્શન પરિવાર અને સમાજ સુધી થઈ શકે.