બન્ને ઍક્ટ્રેસ એવી જેમનાં કદ-કાઠી એકસરખાં હોય

18 October, 2021 10:58 AM IST  |  Mumbai | Sanjay Goradia

હા, ‘લાલી લીલા’ની આ તો કઠણાઈ હતી, પણ સાથોસાથ સિયામીઝ સિસ્ટર્સના રોલ કરતી બન્ને ઍક્ટ્રેસે મોટા ભાગનો સમય જોડાઈને રહેવાનું હતું એટલે એ બન્ને વચ્ચે ટ્યુનિંગ રહે એનું પણ અમારે ધ્યાન રાખવાનું હતું

‘લાલી લીલા’માં દિશા વાકાણી અને મોસમ. આ બન્નેને જોડવાની કરામત કેવી રીતે કરી હતી એની વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે, જે હવે પછી કરીશું.

આપણે વાત કરતા હતા દિશા વાકાણીની અને તેણે કરેલી સ્ટ્રગલની. કલ્પના પણ ન કરી શકાય એવો સંઘર્ષ દિશાએ મુંબઈમાં કર્યો અને એ પછી તેને સંઘર્ષના પરિણામ સ્વરૂપે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાનો રોલ મળ્યો અને દયાના આ પાત્રે દિશાને અકલ્પનીય સફળતા અપાવી. ગયા સોમવારે મેં તમને કહ્યું એમ નાટક ‘લાલી લીલા’ની એક બહેનના રોલ માટે મને પહેલું નામ દિશાનું સૂઝ્યું અને મેં દિશાને ફોન કરીને કહ્યું કે નાટકમાં બહુ સરસ રોલ છે, હું ઇચ્છું કે તું એ કરે. જોકે દિશા પોતાના વિચારોમાં ક્લિયર હતી.
‘સંજયભાઈ, હું ઑડિશન આપું છું એટલે અત્યારે મને નાટક કરવાની બહુ ઇચ્છા નથી...’
દિશાના જવાબ પછી પણ મેં આગ્રહ ચાલુ રાખ્યો અને તેને કહ્યું, ‘તારે નાટક કરવું કે નહીં એ આપણે પછી નક્કી કરીશું. તું એક વાર મરાઠી નાટક જોઈ આવ. નાટક જોવું તારા માટે બહુ જરૂરી છે. જોયા બાદ તું મને ના પાડશે તો ચાલશે.’
મેં તમને અગાઉ કહ્યું હતું એમ મરાઠી નાટક ‘લાલી લીલા’ ફ્લૉપ થઈ ગયું હતું એટલે એના બહુ શો થતા નહોતા. ડોમ્બિવલીમાં શો હતો એની મને ખબર. દિશા નાટક જોવા તૈયાર થઈ એટલે મેં દિશાને ડોમ્બિવલીના શોની અરેન્જમેન્ટ કરી આપી અને તેને નાટક જોવા મોકલી. મેં જે ધાર્યું હતું એવું જ બન્યું. દિશાને રોલ બહુ ગમ્યો અને તેણે નાટક માટે હા પાડી દીધી. પહેલો જંગ જીત્યા અને દિશાના કાસ્ટિંગ સાથે અમારા ગુજરાતી ‘લાલી લીલા’ના શ્રીગણેશ થયા.
હવે અમારે દિશાની જ હાઇટ અને બૉડી મુજબની જ બીજી છોકરી ફાઇનલ કરવાની હતી, જે સિયામીઝ સિસ્ટરની બીજી બહેન બની શકે. મેં તમને કહ્યું હતું એમ અમે નક્કી કર્યું હતું કે નવા કલાકારો જ લેવા. ઇકૉનૉમી સેટ કરવાની હતી એ વાત જેટલી સાચી એટલું જ સાચું એ કે નવા કલાકારોનું ટૉલરન્સ લેવલ વધારે હોય. તેઓ કોઈ જાતના ટેન્ટ્રમ્સ દેખાડતા નથી હોતા. ‘લાલી લીલા’માં તો અમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું, કારણ કે બન્ને ઍક્ટ્રેસોએ રિહર્સલ્સથી માંડીને નાટક રેડી થઈ જાય ત્યાં સુધી જ નહીં, પરંતુ શો દરમ્યાન પણ સતત બંધાયેલા રહેવાનું હતું. એવી અવસ્થામાં જો બેમાંથી એક પણ ઍક્ટ્રેસ એવી આવી ગઈ કે તે બીજા પર હાવી થઈ જાય તો એની સીધી અસર નાટકને પડે. દિશા સ્વભાવે શાંત અને મૃદુભાષી, કોઈ જ ટેન્ટ્રમ્સ નહીં. ઍક્ટ્રેસ ખૂબ સરસ, પણ એમ છતાં તેના મનમાં એ વાતનો લેશમાત્ર અહંકાર નહીં. કહો કે તે ડિરેક્ટર-પ્રોડ્યુસરની ઍક્ટ્રેસ હતી અને એના માટે પૂરતી મહેનત પણ કરે. ‘લાલી લીલા’ને આજે લગભગ અઢાર વર્ષ થઈ ગયાં. એમ છતાં હું કહીશ કે દિશા વાકાણી જેવી સિન્સિયર આર્ટિસ્ટ ભાગ્યે જ મળતી હોય છે. દિશા કરતાં વધારે સિન્સિયર આર્ટિસ્ટ મને આજ સુધી મળી નથી. સિન્સિયર અને કામ પ્રત્યે એટલી જ ડેડિકેટેડ. સહનશીલ પણ એટલી અને નરમ પણ. મારે આ બધી વાત ધ્યાનમાં રાખીને એવી ઍક્ટ્રેસ શોધવાની હતી જે રોલમાં પણ વન-અપ લઈ આવે અને દિશાની સાથે પણ જેલ-અપ થઈ જાય.
બહુબધી વિચારણા પછી અમારી પાસે લીલાના રોલ માટે બે ચૉઇસ આવી. મોસમ નામની એક છોકરી અને બીજી હતી આરતી ધ્રુવ. આરતીએ અમારા ‘જલસા કરો જયંતીલાલ’ અને ‘છાનું ને છપનું કંઈ થાય નહીં’માં કામ કર્યું હતું. વિપુલ મહેતાની તે સ્ટુડન્ટ. 
મોસમ અને આરતીને અમે મળવા બોલાવી અને સાથે દિશાને પણ બોલાવી. કદ-કાઠીની દૃષ્ટિએ સરખામણી થઈ શકે તો ફેશ્યલ ફીચર્સ પણ ફૅમિલીયર રહે એવા હેતુથી અમે બધાને સાથે જ બોલાવ્યા. હવે આરતી અને મોસમમાંથી કોને લેવી એનો નિર્ણય વિપુલે લેવાનો હતો. વિપુલે મોસમને ફાઇનલ કરી અને આમ ‘લાલી લીલા’માં લાલી એટલે દિશા અને લીલા એટલે મોસમ એમ બે લીડ કૅરૅક્ટર ફાઇનલ થયાં.
‘લાલી લીલા’માં અમારે બજેટ કોઈ હિસાબે ભૂલવાનું નહોતું; કારણ કે અમે અધધધ કહેવાય એવું બજેટ રાઇટરને ચૂકવી દીધું હતું. એને લીધે હવે અમારે કાતર લઈને જ ઊભા રહેવાનું હતું અને એક પણ એસ્ટૅબ્લિશ કલાકાર લેવાનો નહોતો. જે લઈએ એ ન્યુકમર લેવાના. નાટકમાં એક રોલ હતો સૂત્રધારનો. આ સૂત્રધાર ડબલ રોલમાં હતો. ફર્સ્ટ હાફમાં તે સૂત્રધાર તો સેકન્ડ હાફમાં લાલીની સાથે મૅરેજ કરવા માગતો છોકરો. અમારી શોધ એ કલાકાર માટે શરૂ થઈ અને પછી ફાઇનલી અમારું ધ્યાન અટક્યું જગેશ મુકાતી પર. જગેશ મુકાતી આજે આપણી વચ્ચે હયાત નથી. કોવિડની સેકન્ડ વેવ દરમ્યાન તેનું અવસાન થયું.
જગેશ મારો બહુ સારો મિત્ર. તેનું ડેથ થયું એ સમયે મેં આપણા જ ‘મિડ-ડે’માં અમારી દોસ્તી પર આર્ટિકલ પણ લખ્યો હતો. જગેશને ગજબનાક પ્રૉબ્લેમ હતો. તેનું વજન અકારણ વધતું, જેને લીધે તે એક તબક્કે તો ૧૪૦ કિલો સુધી પહોંચી ગયો હતો. તે પોતે પોતાનું ભારેખમ શરીર ઊંચકી નહોતો શકતો. તે બહુ પ્રયત્નો કરતો કે વજન ન વધે, પણ પ્રયત્નો કારગત નહોતા નીવડ્યા અને વજનગત કૉમ્પ્લિકેશન્સ વચ્ચે તેનું અકારણ મૃત્યુ થયું. બહુ નાની ઉંમર. ચાળીસ પણ તેને માંડ પૂરાં થયાં હતાં અને ત્યાં જ સાથ છૂટી ગયો. ઍનીવે, શો મસ્ટ ગો ઑન.
સૂત્રધાર અને સેકન્ડ હાફમાં મૅરેજ માટે તૈયાર થતા છોકરાના રોલમાં અમે જગેશ મુકાતીને લીધો. જગેશે અદ્ભુત કામ કર્યું હતું. રોલમાં જીવ રેડી દીધો હતો. જગેશ ઉપરાંત અમે અંબિકા રંજનકરને ફાઇનલ કરી. અંબિકાને તમે લોકો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ હાથી તરીકે જુઓ જ છો. 
નાટકમાં અમે અમુક કૅરૅક્ટર ઉમેર્યાં હતાં. જર્મનીથી એક ડૉક્ટર ઇન્ડિયા આવે છે, જે કૅરૅક્ટર ઓરિજિનલ ‘લાલી લીલા’માં નહોતું. આ ડૉક્ટરના રોલમાં સંદીપ મહેતાને કાસ્ટ કર્યો તો લીલાના બૉયફ્રેન્ડના રોલમાં મીતિન જૈનને કાસ્ટ કર્યો અને લાલી-લીલાના ભાઈની ભૂમિકામાં સૌનિલ દરુને. કાસ્ટિંગમાં એક પણ જાણીતું નામ નહીં, પણ એકથી એક ચડિયાતા કલાકારો. નાટકનું ગુજરાતીકરણ કરવાની જવાબદારી મેં હરીન ઠાકરને સોંપી. હરીન ઠાકરે મારાં ઘણાં નાટકો કર્યાં છે અને એ વિશે તમને વાત પણ કરી છે. હરીનભાઈને લેવાનું એક કારણ. નાટક ફટાફટ લખી આપે અને બીજું કારણ, બજેટ. તે અમારા બજેટમાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. ડિરેક્ટર તો ઑલરેડી ફાઇનલ હતો જ, વિપુલ મહેતા. ફ્રેન્ડ્સ, હું એક વાત કહીશ. ‘જલસા કરો જયંતીલાલ’ પછી વિપુલે સૌથી વધારે મન દઈને, એન્જૉય કરીને કામ કર્યું હોય તો એ નાટક ‘લાલી લીલા’માં.

‘લાલી લીલા’ની બીજી ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું આપણે આવતા સોમવારે.

‘લાલી લીલા’માં અમારે બજેટ કોઈ હિસાબે ભૂલવાનું નહોતું, કારણ કે અમે અધધધ કહેવાય એવું બજેટ રાઇટ્સનું ચૂકવી દીધું હતું. એને લીધે હવે અમારે કાતર લઈને ઊભા રહેવાનું હતું અને એક પણ એસ્ટૅબ્લિશ કલાકાર લેવાનો નહોતો. જે લઈએ એ ન્યુકમર લેવાના.

columnists Sanjay Goradia