24 July, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાત્ત્વિક 100 અને અહિંસા 500
સત્ત્વ, રજસ, તમસ કે સાત્ત્વિક, રાજસિક અને તામસિક અથવા અહિંસા જેવા શબ્દો સાંભળો તો તમને શું યાદ આવે? આ શબ્દો સાંભળતાં જ અધ્યાત્મ, ધર્મ, દર્શન, અભ્યાસ, આયુર્વેદ, પ્રાચીન શાસ્ત્રો કે એવું બધું યાદ આવે; બરાબરને! પરંતુ હવે એ શબ્દો બિઝનેસ ચૅનલ્સ પર સાંભળવા મળશે. હા, ખાસ કરીને શૅરબજારના સમાચારો આપતી ચૅનલો પર. જાણીને નવાઈ લાગીને? પરંતુ છેલ્લા બે મહિનામાં શૅરબજાર સાથે સંકળાયેલા બે રસપ્રદ સમાચાર આવ્યા છે. એમાં એક છે સાત્ત્વિક 100 અને બીજી છે અહિંસા 500. હવે સવાલ થાય કે શું છે આ બન્ને? સાત્ત્વિક 100 એ BSE એટલે કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ દ્વારા અને અહિંસા 500 એ NSE એટલે કે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ દ્વારા શરૂ કરાયેલો શૅરબજારનો ઇન્ડેક્સ છે. આ બન્ને ઇન્ડેક્સનો હેતુ એક પ્રકારે સિદ્ધાંત-આધારિત રોકાણ અર્થાત્ એથિકલ ઇન્વેસ્ટમેન્ટનો છે.
એથિકલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું એ સમજવા એક કિસ્સો જોઈએ. તાજેતરમાં વિશ્વમાં જે રીતે યુદ્ધનો માહોલ વ્યાપ્યો છે એ જોતાં એક મોટા રોકાણકારને એક નિષ્ણાતે યુદ્ધનાં શસ્ત્રો બનાવતી કંપનીઓ એટલે કે ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવાની સલાહ આપી. રોકાણકાર અહિંસામાં માનનારો હતો. તેણે કહ્યું કે હિંસક યુદ્ધોના પરિણામે થતા વિનાશ અને પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડતા વ્યવસાયોમાં રોકાણ કરીને મારે કમાણી નથી કરવી. આ જ રીતે કેટલાક રોકાણકારો તમાકુ કે દારૂની ઉત્પાદક કંપનીઓના શૅરમાં કદી રોકાણ નથી કરતા. આ વ્યસનોના દૂષણને પરિણામે હજારો જિંદગીઓ ખુવાર થાય છે અને આ લોકો એ પાપમાં હિસ્સો બનવા નથી માગતા.
મને યાદ આવે છે એક પ્રસંગ. ૨૭ વર્ષ પહેલાં ૧૯૯૯માં જૈના કન્વેન્શનમાં હાજરી આપવા જવાનું થયું ત્યારે એક સ્નેહીના ઘરે રહી હતી. તેમના બે ટીનેજર દીકરાઓ અમેરિકામાં જ જન્મ્યા હતા અને ત્યાં જ ઊછર્યા હતા, પરંતુ તે બન્ને ભાઈઓની લાઇફસ્ટાઇલ સંપૂર્ણ અહિંસક. પ્રાણીઓને નુકસાન પહોંચાડતા ઉદ્યોગ દ્વારા કે પ્રાણીજ પદાર્થથી બનેલી કોઈ પણ ચીજનો તેઓ ઉપયોગ ન કરે. ૧૨-૧૪ વર્ષના તે છોકરાઓ મૉલમાંથી કોઈ પણ ચીજ ખરીદતાં પહેલાં એ સંપૂર્ણપણે અહિંસક જ છે એની પૂરી ખાતરી કરી લે. માત્ર પ્રાણીઓ જ નહીં, કામદારોના હિતનું યોગ્ય ધ્યાન રાખતી કંપનીઓનાં ઉત્પાદનો જ વાપરે. એટલી નાની ઉંમરે પણ તેઓ આ માટે જરૂરી સંશોધન કરતા અને પછી એનો ઉપયોગ કરવા વિશે નિર્ણય લેતા. આ પ્રકારની મક્કમ માન્યતા ધરાવતા રોકાણકારો માટે આવો થિમેટિક ઇન્ડેક્સ ઉપયોગી બને છે. પશ્રિમના દેશોમાં એથિકલ ઇન્ડેક્સનો કન્સેપ્ટ વર્ષોથી પ્રચલિત છે.
અહિંસા 500 ઇન્ડેક્સમાં NSEની એવી ૫૦૦ કંપનીઓનો સમાવેશ થાય છે જેમની કામગીરી અહિંસાના સિદ્ધાંત પર આધારિત છે. આવી કંપનીઓ પ્રાણીઓ પર કોઈ પ્રકારના અખતરા નથી કરતી કે એમનાં ઉત્પાદનો કે એની પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ પ્રાણી પર હિંસા નથી આચરાતી. આવી હરિત બૅન્ડમાં આવતી કંપનીઓનો જ આ અહિંસા 500 ઇન્ડેક્સમાં સમાવેશ થાય છે. અહિંસા પરમો ધર્મમાં માનતા વેપારીઓ, દલાલો કે રોકાણકારો માટે અહિંસા 500 એક અનુકૂળ પ્લૅટફૉર્મ બની શકે છે. જેમ કે પોતે જે કંપનીમાં નાણાં રોકે છે એ કોઈ હિંસાત્મક કે ક્રૂરતાભર્યા કારોબાર સાથે જોડાયેલી નથી એની ખાતરી કરવા હવે તેમને સ્ટૉક એક્સચેન્જની બધી લિસ્ટેડ કંપનીઓ વિશે અભ્યાસ કે સંશોધન કરવાની જરૂર નથી રહેતી. અહિંસા 500માં સમાવિષ્ટ કોઈ પણ કંપનીમાં તેમને રોકાણ કરવું હોય તો તેઓ તરત એનો નિર્ણય લઈ શકે છે, કેમ એ અહિંસા 500માં સમાવિષ્ટ કરાયેલી કોઈ પણ કંપની માંસ-મચ્છી કે ચામડાની વસ્તુઓ કે તમાકુનું ઉત્પાદન કે લે-વેચ કરતી નથી. આ કંપનીઓના અહિંસા પ્રત્યેના કમિટમેન્ટ વિશે સંપૂર્ણ ખાતરી કર્યા બાદ અહિંસાગેઇન ફાઉન્ડેશન તેમને ગ્રીન બૅન્ડ કંપની તરીકે વર્ગીકૃત કરે છે. કોઈ પણ પ્રકારની જીવહિંસા સાથે સંકળાયેલા વ્યવસાયો કે ઉદ્યોગો ધરાવતી કંપનીઓને ગ્રીન બૅન્ડમાં સ્થાન નથી મળતું. એવી કંપનીઓને યલો કે રેડ બૅન્ડની કક્ષામાં મૂકવામાં આવે છે અને એમને અહિંસા 500 યાદીમાં સ્થાન નથી ફાળવાતું. આપણને પ્રશ્ન થાય કે શૅરબજારમાં રોકાણ કરનારનું મુખ્ય લક્ષ તો નફા તરફ જ હોય, તો કોણ આવું બધું જોવા બેસે કે કઈ કંપની અહિંસામાં માને છે અને કઈ નથી માનતી? પરંતુ હકીકતમાં નૈતિક રોકાણકારો નફા કરતાં વધારે મહત્ત્વ આવી સૈદ્ધાંતિક બાબતોને આપે છે અને આ કંપનીઓ નફો કરે છે એટલે રોકાણકારોને સારું વળતર પણ મળે છે. આમ પોતાના આદર્શને વફાદાર રહીને નફો રળી શકાતો હોય તો એનાથી બહેતર બીજું શું?
એ જ રીતે સાત્ત્વિક ઇન્ડેક્સમાં BSEની એવી ૧૦૦ કંપનીઓનો સમાવેશ થાય છે જેઓ સાત્ત્વિક જીવનના આદર્શોને અનુસરે છે. દારૂ, તમાકુ, માંસ, ચામડું જેવી ચીજોના ઉત્પાદનમાં રોકાયેલા ઉદ્યોગો કે જુગાર, નશાખોરી જેવા વ્યવસાયોને પ્રોત્સાહન આપતા ઉદ્યોગો ધરાવતી કંપનીઓને સાત્ત્વિક 100 ઇન્ડેક્સમાં સ્થાન નથી મળતું. બીજા શબ્દોમાં કહીએ તો નીતિમત્તા સાથે કામ કરતી કંપનીઓમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે સાત્ત્વિક 100 સહી સરનામું છે.
શૅરબજારમાં આવી નીતિમત્તાલક્ષી ઇન્ડેક્સનું આગમન એક વિચારને ભેટ આપી જાય છે : આવી કોઈ શરૂઆત રાજકારણ, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, ધર્મ ઇત્યાદિ ક્ષેત્રોમાં પણ ન કરી શકાય?!