આયા મૌસમ બિઝનેસ કા

25 October, 2021 11:28 AM IST  |  Mumbai | Bhavini Lodaya

કૉસ્મેટિક્સ, ગાર્મેન્ટ્સ અને ગિફ્ટ આર્ટિકલ્સ જેવા ધંધા જે ગયા વર્ષે સાવ મંદ રહ્યા હતા એ દુકાનદારોની આ વખતે દિવાળી પાસેથી શું અપેક્ષાઓ છે?

આયા મૌસમ બિઝનેસ કા

લગભગ ૧૮ મહિના પછી વેપારધંધા પાટે ચડ્યા છે, કોરોનાનાં રિસ્ટ્રિક્શન્સ દૂર થયાં છે અને ગયા વર્ષની સાવ ફિક્કી દિવાળી પછી લાંબા અંતરાલ બાદ દુકાનદારોમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. કૉસ્મેટિક્સ, ગાર્મેન્ટ્સ અને ગિફ્ટ આર્ટિકલ્સ જેવા ધંધા જે ગયા વર્ષે સાવ મંદ રહ્યા હતા એ દુકાનદારોની આ વખતે દિવાળી પાસેથી શું અપેક્ષાઓ છે?

આખા વર્ષમાં સૌથી વધુ ઉત્સાહ અને તૈયારીઓ દિવાળીના તહેવારમાં હોય છે એમ જણાવીને દાદર વિસ્તારમાં આવેલી મનીષ નૉવેલ્ટી નામની કૉસ્મેટિક અને ઇમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા ૩૪ વર્ષના વિપુલ ગડા કહે છે, ‘તહેવારોને અનુરૂપ દુકાનમાં સ્ટૉક ભરીએ. ગ્રાહક આવે એટલે નવી ચીજવસ્તુઓ જ બતાવીએ જેથી તેમની સાથે નાતો બને અને તેઓ કાયમી ગ્રાહક બને. જોકે કોરોનાને કારણે નાના વેપારીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો છે. દોઢ વર્ષમાં વચ્ચે-વચ્ચે માંડ-માંડ દુકાનો ખોલવા મળી છે એ સમયે પણ કૉસ્મેટિક્સનો વેપાર મંદીમાં જ હતો; કારણ કે કૉલેજો બંધ, ઑફિસો બંધ અને પ્રસંગોમાં પ્રતિબંધને કારણે કૉસ્મેટિક્સની આઇટમો ખરીદવા આવે કેટલા? વેપારીઓનું તો રોલિંગ બંધ થઈ ગયું હતું.’
વિપુલભાઈ આગળ ઉમેરતાં કહે છે, ‘જે ચીજવસ્તુઓ વેચાય એવી હતી એનું ઉત્પાદન બંધ હતું. જેમ કે બિંદીનાં કારખાનાં બંધ હતાં તો એ આવે જ ક્યાંથી? આમ પણ કપડાંની ખરીદી બાદ કૉસ્મેટિક્સનો નંબર આવે. જે ચીજવસ્તુઓ મળતી હતી એના ભાવ ડબલ થઈ ગયા હતા. નિરાશાજનક સમયમાં તહેવારો આવ્યા અને બસ જતા રહ્યા. કપરા સંજોગોમાં રોજિંદો ખર્ચ કાઢવા માટે માસ્ક વેચવાનો પર્યાય થોડો મદદરૂપ થયો હતો.’
દિવાળીમાં વેપાર સંતોષ આપશે
આ વર્ષે દિવાળીમાં વેપાર સંતોષ આપશે એવી આશા છે એમ જણાવીને વિપુલ ભાઈ કહે છે, ‘જેમ-જેમ બધું નૉર્મલ થતું ગયું એમ અમે રાહ જોતા હતા કે ક્યારે દિવાળી આવે. નવી-નવી વરાઇટીનો ભરપૂર સ્ટૉક ભર્યો છે. અવનવી લિપસ્ટિક્સના શેડ, બક્કલ, બોરિયા, લિપસ્ટિક અને ડિઝાઇનર ઇમિટેશન જ્વેલરી. આમ ગ્રાહકને બેસ્ટમાં બેસ્ટ આપીએ એવી સંપૂર્ણ તૈયારી કરી છે.’
તહેવાર માણવા મળ્યો છે તો લોકો ચોક્કસ નવી-નવી ખરીદી કરશે એવો ભરોસો છે એમ જણાવીને વિપુલ કહે છે, ‘તહેવારોમાં ધંધો જામશે તો બધાનાં પેમેન્ટ્સ ચૂકવાઈ જશે. આ વખતે ડર અને ફડકામાં નહીં પણ ખુશી-ખુશી ઘરે પણ સારા પૈસા આવશે અને સેલિબ્રેશન કરવા મળશે એવો વેપાર થશે એવું લાગે છે. નવા ગ્રાહકો આવશે. આખું વર્ષ ભલે લોકો ઑનલાઇન ખરીદી કરે, પરંતુ તહેવારોમાં તો બધા બહાર નીકળે જ છે એવા વિશ્વાસ સાથે દુકાનને ન્યુ કલેક્શન સાથે સજાવી દીધી છે. ખુશહાલ દિવાળી થશે એવી સંપૂર્ણ આશા છે.’
ગિફ્ટ ખરીદવાનો વારો છેલ્લો
ઘર-પરિવાર, સગાંસંબંધીઓ અને ફ્રેન્ડસર્કલમાં ભેટસોગાદ આપવાનો તહેવાર આવી ગયો છે એટલે ગિફ્ટ આર્ટિકલ્સના ધંધાવાળાને થોડુંક બૂસ્ટ મળ્યું છે. મુલુંડ-ઈસ્ટમાં આવેલી ગણેશ ગિફ્ટ આ​ર્ટિકલ નામની શૉપ ધરાવતા ૩૯ વર્ષના કેકિન ગંગર હર્ષભેર દિવાળીને વેલકમ કરતાં કહે છે, ‘દોઢ વર્ષની મંદીમાં ગિફ્ટ આર્ટિકલ્સના ધંધાને ઘણો માર સહન કરવો પડ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશન જ ન હોય તો ગિફ્ટ કોણ ખરીદે અને કોને આપે? એમાં પાછું ચાઇનાનો માલ બંધ થવાને કારણે પ્રોડક્શન ઓછું થઈ ગયું. ઇન્ડિયન માલની કિંમતો વધી જવાને કારણે ભાવ ખૂબ જ વધી ગયા અને વરાઇટી પણ ઓછી થઈ ગઈ. સો રૂપિયાના બજેટમાં નજરે પણ ન આવે એવી ચીજ મળતી હોય ત્યારે એના બદલામાં સો રૂપિયાની કૅડબરી સેલિબ્રેશન લેવાનું ગ્રાહક પસંદ કરવા લાગે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે પણ ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું થઈ ગયું. આમ પણ લોકો જ્યારે સરપ્લસ અમાઉન્ટ હોય ત્યારે જ ગિફ્ટ આઇટમ ખરીદે છે.’ 
મંદીના માહોલમાં જ્યારે લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ માંડ-માંડ મેળવતા હોય ત્યારે ગિફ્ટ ખરીદવાનું વિચારનારાઓની સંખ્યા નહીંવત્ થઈ ગઈ હતી એમ જણાવીને કેકિન ગંગર કહે છે, ‘વચ્ચે અમુક દિવસો જ્યારે દુકાનો ખોલવાની પરમિશન મળી હતી ત્યારે પણ ઘણા દિવસો તો બોણી કર્યા વગરના પણ કાઢ્યા છે. નોટબંધીમાં પણ જેવી તકલીફ નથી જોઈ એવી તકલીફ કોરોનાકાળમાં જોવા મળી. આખા વર્ષની ઍવરેજ ૧૦૦ ટકામાંથી ૧૦ ટકા પર આવી ગઈ હતી.’
સારી કમાણીની ગિફ્ટ મળશે
લોકોનું ફરીથી હળવા-મળવાનું શરૂ થવાથી પ્રસંગો અને તહેવારના માહોલમાં મંદીના પડાવ પછી આ વખતની દિવાળી સારી કમાણીની ગિફ્ટ આપશે એમ જણાવીને કેકિનભાઈ કહે છે, ‘ગિફ્ટ શૉપમાં અઢળક વરાઇટીઓ જોઈએ અને અવારનવાર વેરિયેશન પ્રમાણે અદલાબદલી કરવી પડે, ડિસ્પ્લેમાં નવું-નવું ગોઠવતા જ રહેવું પડે. દસ દિવસમાં જો એ ન વેચાય તો આખો સ્ટૉક રિપ્લેસ કરીને નવો સ્ટૉક ગોઠવવો પડે. આમ વિવિધતાસભર સંપૂર્ણ તૈયારી કરી છે. પર્સનલાઇઝ્ડ, હોમ ડેકોરેશન, રમકડાં, ફેસ્ટિવલ કાર્ડ, બર્થ-ડે કાર્ડ, દિવાળી કાર્ડ જેવી વસ્તુઓમાં એકબીજા સાથે કૉમ્બો ઑફર મૂકી છે જેથી ગ્રાહકને બેસ્ટ આપી શકાય અને અમે સારી કમાણી કરી શકીએ. ગ્રાહક દુકાનોમાં આવે અને ખરીદી કરીને જાય એવા પ્રયત્નો છે . દોઢ વર્ષ પછીની આ દિવાળીમાં લોકો એકબીજાને મળવા જશે ત્યારે ટોકન ઑફ લવ તરીકે હવે ગિફ્ટ ખરીદશે એવો માહોલ છે. ખરેખર, હવે થોડોક હાશકારો થઈ રહ્યો છે. દિવાળીના છેલ્લા સાત દિવસમાં આખા વર્ષની કમાણી કરી શકાશે એવી સંપૂર્ણ આશા છે.’
રોકડા આપો, માલ લો
નવા વર્ષના દિવસે નવાં કપડાં પહેરીને સાલ મુબારક કરવા લોકો તૈયાર થશે અને દિવાળીની રંગોળી સાથે કલરફુલ આકર્ષક કપડાં પહેરીને કોરોના ગયાની ખુશી મનાવશે એમ જણાવીને
ડોમ્બિવલી-ઈસ્ટમાં પ્રતીક કલેક્શન નામે કિડ્સવેઅરની શૉપ ધરાવતા જિજ્ઞેશ લોડાયા કહે છે, ‘આખા વર્ષમાં દિવાળીની સીઝનમાં એક મહિનામાં બધું સરભર કરવાનું હોય જે તક ગયા દોઢ વર્ષમાં આવેલી દિવાળીમાં મળી નહોતી. ૬૦ ટકા દુકાનદારો ભાડાની દુકાન ચલાવે છે એટલે તહેવારમાં મળતી કમાણી જ આખા વર્ષમાં કંઈક દેખાય એવી કમાણી કહેવાય. ગયા વર્ષે એ સાવ જ અશક્ય હતું, કારણ કે નાની-નાની દુકાનોને સરખી રીતે ખોલવા દેવામાં આવી નહોતી. સરકાર એક તરફ સ્મૉલ સ્કેલ બિઝનેસ માટે લોન આપે અને બીજી તરફ નાના દુકાનદારોને ધંધો કરવા જ ન દે તો લોન ઘરે કઈ રીતે લાવવી? અંગત સમસ્યા વેપારીઓ ભોગવી 
રહ્યા હતા જેના કારણે બહારનાં પેમેન્ટ અટકી ગયાં. દુકાનદાર અને હોલસેલર વચ્ચે કૅશ ઍન્ડ કૅરીનું ચલણ ચાલુ થઈ ગયું. રોકડા આપો અને માલ લઈ જાવ. આમ નાના વેપારીઓની કમર તૂટી ગઈ હતી.’

પહેલાંના દિવસો જાણે ફરી પાછા આવી ગયા સરકારની ૧૦૦ ટકા વૅક્સિનેશનની જાહેરાત પછી હવે ફરી લૉકડાઉન નહીં થાય એવા વિશ્વાસ સાથે માલ ભર્યો છે એમ જણાવીને જિજ્ઞેશ લોડાયા કહે છે, 
‘લોકો લૉકડાઉનમાં બહાર હરવા-ફરવા જવા માટે પહેરાતાં કપડાંની પણ ખરીદી કરતા નહોતાં. હવે જ્યારે બધું જ નૉર્મલ થવા જઈ રહ્યું છે ત્યારે લોકો બહાર ફરવા નીકળવા લાગ્યા છે અને ફરીથી નવું પહેરવા-ઓઢવાનું ઉત્સાહભેર શરૂ કરી દીધું છે જેને કારણે ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. ધીરે-ધીરે પરિસ્થિતિ નૉર્મલ થવા લાગી છે એટલે બધા જ વેપારીઓ આપસમાં પૂછે છે કે આજ કિતને કા વેપાર કિયા? પહેલાંના દિવસો જાણે ફરી પાછા આવી ગયા હોય એવો ખરેખર અનુભવ થઈ રહ્યો છે. આ બધાં કારણોને લીધે દિવાળીની તૈયારીમાં કોઈ કચાશ બાકી રાખી નથી. દુકાનમાં ડિસ્પ્લે ભરપૂર કર્યું છે. ડિસ્પ્લે સ્ટૅચ્યુથી દુકાનને શણગારી દીધી છે. બાળકોની જેટલી વરાઇટીઓ હોય એ તમામનો સ્ટૉક ભર્યો છે. ડિઝાઇનર, કમ્ફર્ટેબલ, લેટેસ્ટ વરાઇટી અને એથ્નિકવેઅરનું કલેક્શન ભર્યું છે. દુકાનમાં ભરેલો બધો જ માલ વેચાઈ જશે એવી ભરપૂર આશા આ દિવાળીમાં છે.’

columnists