તમને અહીં ડર નથી લાગતો?

22 April, 2024 11:59 AM IST  |  Mumbai | Ruchita Shah

ભાંડુપનું સ્મશાન મૅનેજ કરતી વન ઍન્ડ ઓન્લી ગુજરાતી મહિલા રૂપા મોદીને લગભગ દરેક વ્યક્તિ પૂછી ચૂકી છે...

રૂપા મોદી પોતે જ્યારે કામ કરતાં હોય ત્યારે દીકરાને ભણાવવા તેને પણ સ્મશાનમાં લઈ આવે.

ભાંડુપમાં રહેતાં ૩૬ વર્ષનાં રૂપા હિરેન મોદી છેલ્લા દોઢ વર્ષથી દરરોજ સવારે પોણાદસ વાગ્યે ઘરેથી નીકળે અને દસ વાગ્યે ઑફિસ પહોંચે. તેમની ઑફિસ એટલે ભાંડુપનું સ્મશાનગૃહ. હા, આ સ્મશાનગૃહનું સંચાલન કરવાની જવાબદારી રૂપા મોદી પાસે છે અને એને તેઓ બખૂબી નિભાવી રહ્યાં છે. પહેલાં સોનાપુર સ્મશાન તરીકે ઓળખાતું અને અત્યારે શ્રી ભાંડુપ ગુજરાતી સેવા મંડળ અંતર્ગત સંચાલિત મુક્તિધામ એક રિસૉર્ટ હોય એટલું સરસ રીતે રિનોવેટ થયું છે, પણ છે તો આખરે સ્મશાન જ. હવે આ સ્મશાનમાં રૂપાએ કરવાનું શું એ પણ જાણી લો. દિવસ દરમ્યાન કેટલા મૃતદેહ અગ્નિસંસ્કાર માટે સ્મશાનગૃહમાં આવ્યા એનો હિસાબ રાખવાનો, મૃતદેહને સ્મશાનગૃહ લઈ આવેલા લોકો પાસેથી ડૉક્યુમેન્ટ લેવાના, જરૂરિયાતની વસ્તુઓ તેમને પૂરી પાડવાની. મુંબઈ મહાનગરપાલિકા, પોલીસ અથવા અન્ય કોઈ ઠેકાણેથી આવતાં ડેડ-બૉડીઝને સ્મશાનના કોલ્ડ સ્ટોરેજમાં પ્રિઝર્વ કરવાનાં, અગ્નિદાહ પછીની રાખ જ્યાં સુધી પરિવારજનો લઈ ન જાય ત્યાં સુધી સાચવવાની, સુધરાઈની ઑફિસ અને પોલીસ-સ્ટેશન સાથે સતત કો-ઑર્ડિનેશનમાં રહેવાનું, એ સિવાય સંસ્થા વતી ચાલતાં મેડિકલ અને શિક્ષણનાં કાર્યોમાં પણ અગ્રણી ભૂમિકામાં રહેવાનું. રૂપા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને એ પછીયે તેણે આ કામ કેમ પસંદ કર્યું? રૂપાનું સાત વર્ષનું બાળક છે, પરિવાર છે અને છતાં દરરોજ સ્મશાને જઈને મડદાંઓની દેખરેખ રાખવામાં આ બહેનને શું રસ પડ્યો એ જાણવા જેવું છે. 

અનાયાસ બની ગયું
અંધેરીમાં જન્મ, ઉછેર, ભણતર બધું જ થયું. ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની ડિગ્રી પણ મળી અને રૂપાનાં લગ્ન થયાં. લગ્ન પછી ભાંડુપ રહેવાનું બન્યું અને ત્યાં કંઈક કામ કરવાનું તેઓ વિચારી રહ્યાં હતાં. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહે રૂપા છે, ‘અકાઉન્ટિંગના ફીલ્ડમાં મારું નૉલેજ હતું. હું કોઈક કામ શોધી જ રહી હતી એ દરમ્યાન શ્રી ભાંડુપ ગુજરાતી સેવા મંડળમાં અકાઉન્ટ હૅન્ડલ કરે એવી વ્યક્તિની જરૂર છે એવી ખબર પડી. આ સંસ્થા મેડિકલ, એજ્યુકેશન અને સ્મશાનગૃહનું કામ કરતી હતી. શરૂઆત મેં બે કલાક સેવા આપવાથી કરી. દરરોજ બે કલાક સેવા આપવા જાઉં અને મને ધીમે-ધીમે કામ સમજાવા માંડ્યું એટલે મને વધુ કામ સોંપાતું ગયું. પછી તો અહીં જ નોકરીએ રહી ગઈ. સ્મશાનમાં જઈને જૉબ કરવાનું કામ થોડુંક દુનિયા માટે અજુગતું લાગી શકે પણ કોને ખબર મને કંઈ જ અજુગતું ન લાગ્યું કે ડર પણ ન લાગ્યો. આ પહેલાં હું ક્યારેય સ્મશાનમાં નહોતી ગઈ છતાં અહીં આવીને મારા માટે નૉર્મલ ઑફિસમાં કામ કરતી હોઉં એવો જ અનુભવ હતો.’

ક્યારેક દુખી પણ થવાય
સ્મશાનમાં કોઈ સુખના પ્રસંગે તો વ્યક્તિ જાય નહીં. પોતાના પ્રિયજનને અંતિમ વિદાય આપવા માટે આ છેલ્લું ડેસ્ટિનેશન છે ત્યારે લોકોના દુઃખને જોઈને દુખી ન થવાય એ પ્રશ્નના જવાબમાં રૂપા કહે છે, ‘બાળકના શબ સાથે પેરન્ટ્સ આવે ત્યારે એ દૃશ્ય જોવાતું નથી હોતું. મને યાદ છે કે એક પાંચ-છ વર્ષના બાળકની અંતિમ ક્રિયા માટે પરિવાર આવેલો ત્યારે તેમનું આક્રંદ જોઈને હું ખૂબ જ ઢીલી પડી ગઈ હતી. લગભગ ત્રણેક દિવસ સુધી હું શોકમાં હતી અને રડવાનું રોકી નહોતી શકી. ક્યાંક એ બાળકમાં મને મારા બાળકનો ભાસ થઈ રહ્યો હતો અને એ કલ્પનાથી હું ધ્રૂજી ગઈ હતી. ઘણી વાર યંગ ફાધર હોય અને તેમનાં સાત-આઠ વર્ષનાં બાળકો અગ્નિદાહ માટે આવ્યાં હોય અને પરિવારને જોઈને તેઓ પણ રડતાં હોય પણ તેમને સમજાતું ન હોય કે શું કામ બધા રડે છે. એ દૃશ્ય પણ ખૂબ હૃદયદ્રાવક હોય છે. મને યાદ છે કે એવો જ ઘેરો આઘાત મને પાંચેક મહિના પહેલાં અમારા સ્ટાફના અજયભાઈ ગુજરી ગયા ત્યારે લાગ્યો હતો જ્યારે તેમને કમળો થયો અને પછી તેઓ પાછા રિકવર ન થઈ શક્યા. અજયભાઈ જે પોતે મૃતદેહ સળગાવવા માટે લાકડાં ગોઠવવાનું કામ કરતા, તેમનું શરીર એ શૈયા પર સળગી રહ્યું હતું એ દૃશ્ય મારાથી નહોતું જોવાયું. હું ઘણા દિવસો સુધી રડી હતી. ઘણી વાર ઇલેક્ટ્રિક ક્રિમેટરીમાં ગૅસ ઓછો થઈ જાય ત્યારે ટ્રૉલી ખેંચવી પડે અને અડધાં બળેલાં ડેડ-બૉડીઝ પણ જોયાં છે. હા, લોકોની પીડા જોઈને પીડા થાય, પણ સાથે જીવનનું સત્ય પણ સમજાય કે છેલ્લે બધાએ જ અહીં આવવાનું છે.’

પહેલાં ડરતી હતી
રૂપા મોદી પોતાના સાત વર્ષના દીકરાને પણ તેની એક્ઝામ હોય ત્યારે પોતાની પાસે બેસાડીને ભણાવવા માટે પોતાની સાથે તેમની ઑફિસમાં એટલે કે સ્મશાને લઈ આવતાં હોય છે. તેઓ પોતે પણ આખા સ્મશાનમાં ફરતાં હોય છે. તેમના જ સ્મશાનમાં કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહો પડ્યા હોય છે. આ બધાની વચ્ચે તમને ડર નથી લાગતો એ પ્રશ્ન અત્યાર સુધીમાં લગભગ દરેક વ્યક્તિ પૂછી ચૂકી છે. રૂપા કહે છે, ‘નાનપણમાં મને ખૂબ ડર લાગતો. મને યાદ છે કે હું ગામડે હતી અને મારા મોટા પપ્પા ગુજરી ગયા હતા. સાંજના સમયે તેમનું મૃત્યુ થયું હોવાથી આખી રાત તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. એનો મને એટલો ડર હતો કે હું એ રૂમમાં ન ગઈ. આખી રાત હું પાડોશીના ઘરે બેસી રહી. અંતિમ દર્શન માટે પણ જવાનો મને ડર હતો. અહીં મને કેમ સહેજ પણ ભય નથી લાગ્યો એનો જવાબ મને પણ મળ્યો નથી. કદાચ અહીં જે મહાદેવજીનું મંદિર છે એ મને સત પૂરું પાડે છે. આ કાર્ય અઘરું છે અને એના માટે હિંમત જોઈએ, પણ જેની સાથે મહાદેવજી હોય તેની પાસે હિંમતની શું કમી હોય? હું માનું છું કે મહાદેવજીએ મને આ કામ માટે પસંદ કરી છે.’

શેની નેગેટિવિટી? 
હું તૈયાર થઈને પરફ્યુમ લગાડીને અહીં આવું છું, મારાં મમ્મી મને પૂછે કે તને ડર નથી લાગતો? એમ જણાવીને રૂપા કહે છે, ‘સાચું કહું તો મને ક્યારેય ડર નથી લાગતો. હું તો કહીશ કે સ્મશાન સરસ જગ્યા છે, સુકૂન છે અહીં. લોકો ગમે તે કહે, મને અહીં ક્યારેય નેગેટિવિટી ફીલ નથી થઈ. મારી દૃષ્ટિએ આ ભોલેનાથનું ધામ છે. આજ સુધી હું ડરી ગઈ કે સપનું ખરાબ આવ્યું કે એવું કંઈ જ બન્યું નથી. કોઈક વાર હું ઑફિસમાં બેઠી હોઉં ત્યારે કોઈક બીજું પણ અંદર છે એવો ભાસ થાય. આજુબાજુ ફરતું હોય એવું પણ લાગે. જોકે એ શું છે અને ત્યાં શું કામ છે એની પંચાતમાં હું પડતી નથી. બની શકે કે કોઈ અતૃપ્ત આત્મા ભટકતો હોય અને કંઈક કહેવા માગતો હોય પણ મારી પાસે એ પાવર નથી. આવા સમયે હું હનુમાન ચાલીસાનું રટણ કરવા માંડું. ઑફિસમાં ભીમસેન કપૂર રાખ્યું છે. ઘણા લોકો કહે છે કે સ્મશાનમાંથી ઘરે જાઓ તો નહાવું જોઈએ. એવું પણ હું કરતી નથી. સ્મશાનમાંથી આવ્યા પછી ભગવાનને દીવો કરવાની મનાઈ છે, પણ હું દરરોજ સાંજે ઘરે જઈને દીવાબત્તી કરું છું. દોઢ વર્ષના મારા આ રૂટીનમાં મને કે મારા પરિવારજનોને કોઈ નુકસાન નથી થયું. ભોલેનાથ અમારી રક્ષા કરે છે અને મને કોઈ ચિંતા નથી.’
અહીં ઉલ્લેખનીય છે કે રૂપા મોદીએ જ્યારથી જૉઇન કર્યું છે ત્યારથી તેમણે સ્માશનમાં જ દિવાળી, હોળી જેવા તહેવારો ઊજવવાનું શરૂ કર્યું છે. તે કહે છે, ‘સ્મશાનને લઈને આપણે બહુ જ ખોટી માન્યતા મનમાં ભરી દીધી છે. આ એ જગ્યા છે જે જીવનની વાસ્તવિકતા સાથે તમને પરિચિત રાખે છે. ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જવાના એનો અહીં હું દરરોજ સાક્ષાત્કાર કરું છું. મેં એ દૃશ્ય પણ જોયું છે કે લોકો ડેડ-બૉડીના હાથમાં ભૂલથી વીંટી રહી ગઈ હોય તો સળગાવતાં પહેલાં એને પણ ખેંચી-ખેંચીને કાઢી લેતા હોય છે. છેલ્લે મારે પણ અહીં જ આવવાનું છે એ વાતનું મને દરરોજ રિમાઇન્ડર મળે છે. એટલું જ કહીશ કે મરવાનું નક્કી છે એટલે જેટલું જીવન છે એ સુંદર છે એમ સ્વીકારીને સરસ રીતે જીવી લેવું એ જ સંદેશ મારે લોકોને આપવો છે. અહીં નોકરીએ લાગ્યા પછી મારી ઘણી મોહમાયા છૂટી ગઈ છે.’ 

columnists life and style ruchita shah bhandup