કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ?

15 March, 2021 01:38 PM IST  |  Mumbai | Dr. Sanjay Chhajed

કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ?

કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ?

કોરોનાકાળ શરૂ થયો એના પછી મે મહિનાથી મેં અને મારા આખા પરિવારે કાઢો પીવાનું શરૂ કર્યું હતું. લાગલાગટ અમે છએક મહિના સુધી કાઢો પીધો. કાઢાથી અમને ઇમ્યુનિટી મળી હોવાને કારણે અને ખુદનું ધ્યાન રાખવાને લીધે અમે કોરોનાથી બચી શક્યા છીએ. વચ્ચે કેસ ઓછા થવા લાગ્યા હતા અને રસી પણ આવી હતી એટલેે અમે કાઢો પીવાનું બંધ કર્યું હતું. હાલમાં કોરોના કેસ મુંબઈમાં ખૂબ જ વધતા જાય છે. શું અમારે ફરીથી કાઢો શરૂ કરવો હોય તો અમે કરી શકીએ? એના માટેના નિયમો સમજાવશો.

જ્યારે કોરોના પૅન્ડેમિકની શરૂઆત થઈ ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલયે દરેક વ્યક્તિને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાઢો પીવાની સલાહ આપી હતી. એ મુજબ તુલસી, તજ, સૂંઠ અને મારી પાઉડરને એક પ્રમાણમાં ભેગા કરીને એનું ચૂર્ણ બનાવીને રાખવાનું હતું. એક ગ્લાસ પાણીમાં ૩ ગ્રામ જેટલું આ ચૂર્ણ નાખીને આ પાણીને અડધો ગ્લાસ બચે એટલું ઉકાળી, બનેલા કાઢાનું નિયમિત દરરોજ સેવન કરવાનું હતું. આ સિવાય તમે જેટલા આયુર્વેદ નિષ્ણાત પાસે જાઓ તો બધા પાસે કાઢાનો એક અલગ ફૉર્મ્યુલા મળશે, પરંતુ આયુષ મંત્રાલયે આપેલા કાઢા પર સ્ટડી થયેલો છે અને એની સાબિતી હાજર છે કે એનાથી ફાયદો થયો છે. આ ગાઇડલાઇન્સ મુજબ ઘણા લોકોએ આ વાતને અનુસરી અને નિયમિત રૂપે કાઢાનું સેવન કર્યું, જેનાં પરિણામ પણ ઘણાં સારાં આવ્યાં. લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી અને જેમ તમે કહો છો એમ કોરોનાથી બચાવમાં મદદ પણ મળી. કોરોનાની આ લહેર વધુ સ્ટ્રૉન્ગ ન હોવા છતાં એની સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ સારી હોવી તો જરૂરી જ છે અને કાઢો એના માટેનો સરળ ઉપાય છે. તમે ફરીથી કાઢો પીવાની શરૂઆત કરી શકો છો. ઋતુ પ્રમાણે એમાં થોડાંક પરિવર્તન કરવાથી વધુ ફાયદો થશે. હાલમાં વસંત ઋતુ ચાલી રહી છે અને ફાગણ આવવામાં છે ત્યારે ઉપરોક્ત સૂચિત કાઢામાં કડવા લીમડાનાં પાન અને
ગિલોય બન્નેને ૫-૫ ગ્રામ નાખીને લેવામાં આવે તો વધુ ઉપયુક્ત બનશે. આ કાઢો ૧૦ વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે.

લેખક ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા આયુર્વેદાચાર્ય અને નાડીનિષ્ણાત છે. તેમનું માર્ગદર્શન જોઈતું હોય તો સબ્જેક્ટમાં ઓ.પી.ડી. લખીને સવાલ અહીં મોકલવો. askgmd@mid-day.com

columnists