કૅન્સરને માત આપ્યા પછી આ વડીલ એવરેસ્ટ બેઝ કૅમ્પ જઈ આવ્યા

18 May, 2026 01:33 PM IST  |  Mumbai | Kajal Rampariya

જીવનના જે તબક્કામાં વ્યક્તિ નિવૃત્તિ લઈને આરામ કરવાનું પસંદ કરે છે એ તબક્કે ૬૧ વર્ષના કિરણ ગડાએ કૅન્સર જેવી બીમારીને હરાવીને ફિટનેસની નવી યાત્રા શરૂ કરી છે. હાફ મૅરથૉનથી શરૂ થયેલી આ વડીલની ફિટનેસ-જર્ની અનસ્ટૉપેબલ છે

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચીને તિરંગો લહેરાવતા કિરણ ગડા

કૅન્સરનું નામ સાંભળતાં જ મોટા ભાગના લોકો હિંમત હારી જતા હોય છે, પરંતુ ખરો વિજેતા તે છે જે મુશ્કેલીઓને માર્ગનો પથ્થર નહીં પણ પ્રગતિનું સોપાન બનાવી દે. વડાલામાં રહેતા ૬૧ વર્ષના રિટાયર્ડ બિઝનેસમૅન કિરણ ગડા આવા જ જાંબાઝ છે. કૅન્સરની બીમારી સામે લડ્યા બાદ તેમણે પોતાનાં સપનાંઓને જીવંત રાખ્યાં અને સાબિત કરી દીધું કે ઇચ્છાશક્તિ કરતાં ઉંમર કે બીમારી ક્યારેય મોટી હોઈ શકતી નથી.

કૅન્સરની એન્ટ્રી
૨૦૧૫ના માર્ચમાં માઉથ કૅન્સર ડિટેક્ટ થયું હતું એ સમયને યાદ કરતાં જૈન કચ્છી કિરણભાઈ કહે છે, ‘૨૦૧૪ના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં મને મોઢામાં થોડું પેઇન થતું. હું પાણી પીઉં તો મોઢામાં બળતરા થતી. શરૂઆતમાં એમ લાગતું કે ફોલ્લી હશે અને એને કારણે આવું થતું હશે, પરંતુ દુખાવો વધ્યો ત્યારે ૨૦૧૫ના માર્ચમાં મેં ડૉક્ટરને બતાવ્યું. તેમણે તાત્કાલિક બાયોપ્સી કરાવવાની સલાહ આપી. દાદરની શુશ્રૂષા હૉસ્પિટલમાં બાયોપ્સી કરાવી અને રિપોર્ટમાં સેકન્ડ સ્ટેજ માઉથ કૅન્સર ડિટેક્ટ થયું. આ બીમારી આવવાનું મુખ્ય કારણ વર્ષોથી ગુટકા અને માવો ખાવાની મારી ટેવ હતી.’

સ્ટેજ બહુ આગળ વધ્યું ન હોવાથી મને કીમોથેરપીને બદલે સર્જરીથી ઠીક થઈ જશે એવું જણાવતાં મેં સાયનની સોમૈયા હૉસ્પિટલમાં સર્જરી કરાવી. કૅન્સર ડાબી બાજુ ફેલાયેલું હોવાથી સર્જરી દરમ્યાન મારા લેફ્ટ સાઇડના ઉપરના અને નીચેના ભાગના દાંત કાઢી નાખવા પડ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે જો દાંત કાઢ્યા પછી ત્યાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં ન આવે તો ગાલની અંદર મોટો ખાડો પડી જાય અને ચહેરો બેડોળ થઈ જાય. માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી. મારું આ ઑપરેશન ૭ કલાક જેટલું લાંબું ચાલ્યું. બીમારી દરમ્યાન મેં ક્યારેય રોદણાં નહોતાં રોયાં. મેં વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. જે થઈ ગયું છે અને જે પરિસ્થિતિ અત્યારે છે એ તો રહેવાની જ છે, એને બદલી શકાવાની નથી; પણ હવે મારી પાસે જેટલી જિંદગી બચી છે એને સારી રીતે કેવી રીતે જીવવી એના પર મારું ફોકસ હતું.’

પહેલી હાફ મૅરથૉનથી થઈ શરૂઆત
હિન્દમાતામાં જીન્સ, બર્મુડા અને કેપ્રીનું મેકિંગ-ટ્રેડિંગનું મોટું કામકાજ ધરાવતા કિરણભાઈ કહે છે, ‘ધંધાની દોડધામમાં મને મૅરથૉનમાં ભાગ લેવાનો અને ટ્રેકિંગ પર જવાનો સમય મળતો નહોતો. સર્જરી બાદ મેં નક્કી કર્યું કે મારે મારી બધી અધૂરી ઇચ્છાઓ પૂરી કરવી છે. ૨૦૧૫ના અંતમાં દાદરની એક દુકાનમાંથી માહિતી મળી કે કચ્છીઓ માટે રીઝનેબલ રેટમાં ફાઇવ ગાર્ડન્સમાં મૅરથૉનની ટ્રેઇનિંગ ચાલુ છે. હું ૨૦૧૬માં જોડાઈ ગયો. ત્યાં પ્રૅક્ટિસ કરીને મેં ૨૦૧૭ની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મૅરથૉન જે અત્યારે તાતા મુંબઈ મૅરથૉનના નામથી જાણીતી છે એમાં ભાગ લીધો અને ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન પૂરી કરી. આ સફળતા પાછળ મારું ઑપરેશન કરનાર ડૉ. સતીશ રાવનો બહુ મોટો ફાળો છે. તેઓ પણ મૅરથૉન રનર હતા. તેમણે જ મને સર્જરી પછી પણ આવી ઍક્ટિવિટીમાં સક્રિય રહેવા ઇન્સ્પાયર કર્યો. તેમણે લદ્દાખની સૌથી મુશ્કેલ ગણાતી ૭૨ કિલોમીટરની ખારદુંગ લા મૅરથૉન કરી છે. મને પણ આવવા કહ્યું હતું, પરંતુ એ વખતે લિગામેન્ટ ઇન્જરીને કારણે શક્ય થયું નહીં. મારે ફુલ મૅરથૉન દોડવાનું હોવાથી મેં ટ્રેઇનિંગ ચાલુ રાખી. મારું વિઝન ગોવામાં યોજાતી ટ્રાયથ્લોન હતું. એમાં ૧૮૦ કિલોમીટર સાઇક્લિંગ, ૪૨ કિલોમીટર રનિંગ અને બે કિલોમીટર સ્વિમિંગ હોય છે. હજી એ મારા વિશ-લિસ્ટમાં છે. ૨૦૧૯ના જુલાઈ મહિનામાં મેં પહેલી વાર હિમાચલ પ્રદેશનો હમ્પ્ટા પાસ ટ્રેક કર્યો. પાંચ દિવસના આ ટ્રેકમાં બરફ પર ચાલવાનું હતું અને રાત્રે ટેન્ટમાં રોકાવાનું હતું. લિગામેન્ટ ઈન્જરીને કારણે મને પગમાં દુખાવો હતો છતાં મેં ટ્રેક પૂરો કર્યો. ફર્સ્ટ ટ્રેકિંગ એક્સ્પીરિયન્સ અફલાતૂન અને યાદગાર રહ્યો.’ 

એવરેસ્ટ બેઝ કૅમ્પનું વિઝન
એવરેસ્ટ બેઝ કૅમ્પનો ખ્યાલ કેવી રીતે આવ્યો એ વિશે કિરણભાઈ કહે છે, ‘કોરોનાકાળને કારણે જિમની પ્રૅક્ટિસ, રનિંગ બધું જ છૂટી ગયું હતું. બે વર્ષ પછી મેં ફરીથી મહેનત શરૂ કરી. મારો નિયમ છે કે હું સવારે એક દિવસ જિમમાં જઉં અને બીજા દિવસે સ્વિમિંગ કરું. જિમમાં કાર્ડિયો એક્સરસાઇઝ કરવાની હોય. એના બદલામાં હું સ્વિમિંગ-સાઇક્લિંગ કરતો. આ દરમ્યાન મારા મનમાં એવરેસ્ટના બેઝ કૅમ્પ સર કરવાની ઇચ્છા જાગી. આ ઈઝી ટ્રેક નથી. એમાં પ્રોફેશનલ ટ્રેઇનિંગ જરૂરી છે. મારો એક મિત્ર ઘાટકોપરમાં આર્મી કૅપ્ટન સ્વામીનાથન હેઠળ ટ્રેઇનિંગ લેતો હતો અને એ ટ્રેઇનિંગમાં હું પણ જોડાયો. મારે ૨૦૨૪માં જવાનું હતું, પણ એ સમયે મારા ફાધર એક્સ્પાયર થયા એટલે જવાયું નહીં. પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જવાનું નક્કી થયું તો નેપાલમાં રમખાણો અને અશાંતિ ફેલાતાં પ્રવાસ મુલતવી રાખ્યો. પછી આ વર્ષે ૧૭ માર્ચે જવાનું નક્કી કર્યું ત્યારે મને હર્પીસની તકલીફ થઈ એટલે જવાનું કૅન્સલ કરવું પડ્યું. આખરે બાવીસમી એપ્રિલની તારીખ ફાઇનલ થઈ. અમારું કુલ ૧૮ જણનું ગ્રુપ હતું. અમારી ટ્રેઇનિંગ કપરી હતી, જેમાં ગારોડિયા ગાર્ડનમાં આકરી કસરતો થતી અને દર ગુરુવારે વિક્રોલીની હિલ પર હેલિપૅડ પર સ્પેશ્યલ ટ્રેઇનિંગ અપાતી. પગમાં એક-એક કિલોનું વજન બાંધીને એક્સરસાઇઝ થતી. ચડવાની અને સ્ટૅમિનાની પ્રૅક્ટિસ મળે એ માટે અમને મુંબ્રાદેવીની ટેકરી ચડાવતા.’

શરૂ થઈ રોમાંચક સફર
પોતાની સફર વિશે આગળ જણાવતાં કિરણભાઈ કહે છે, ‘બાવીસમી એપ્રિલે મુંબઈથી કાઠમાંડુની ફ્લાઇટ પકડી. બીજા દિવસે બાય રોડ લુકલા જવા નીકળ્યા. ત્યાંથી વહેલી સવારે ફ્લાઇટ પકડીને ટ્રેકિંગના બેઝ પૉઇન્ટ પહોંચ્યા અને ત્યાંથી અમારું ટ્રેકિંગ શરૂ થયું. અમારું બુકિંગ ઍડ્વાન્સમાં હોવાથી અમને રાત રોકાવામાં પ્રૉબ્લેમ આવ્યો નહીં. ત્યાં એક ગાઇડની સાથે ૪ માણસો રહેતા. અમારી સાથે સામાન ઊંચકવા માટે યાક હતા. રાતે જમીને હોટેલ સુધી પહોંચીએ ત્યાં અમારો સામાન હોટેલ પહોંચી જતો. માઇનસ આઠથી માઇનસ ૧૦ ડિગ્રી જેટલી હાડ થિજાવી દેતી ઠંડીમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે મુંબઈમાં ટ્રેઇનિંગ કરતી વખતે બધું ઈઝી લાગતું હતું, પણ એવરેસ્ટ સર કરવો ખાવાના ખેલ નથી. અમે સમુદ્રની સપાટીથી ૨૮૦૦ મીટરની ઊંચાઈ પરથી ટ્રેકિંગ શરૂ કર્યું. ઉપર જતી વખતે ૬૫ કિલોમીટર જેટલું અત્યંત કપરું અને સીધું ચડાણ હતું, જ્યારે પાછા ફરતી વખતે ૩ દિવસમાં ૬૦ કિલોમીટર ઊતરવાનું હતું. શરૂઆતમાં રસ્તાઓ અનઈવન હતા. ઘણી જગ્યાએ તો પગથિયાં જ નહોતાં. એવામાં પથ્થરો પર સંતુલન જાળવીને આગળ વધવું પડતું. ૧૦૦૦ ફીટની ઊંચાઈ સુધી ગ્રીનરી જોવા મળી, પણ પછી હવા અને બરફથી આચ્છાદિત સફેદ પહાડીઓ જ હતી. પહાડો પર ગરમ પાણી ખૂબ જ મોંઘું મળતું હતું. મેં એક થર્મસ પાણી ૨૨૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું. ઠંડી હવાને કારણે મને ભારે શરદી પણ થઈ ગઈ હતી, છતાં હું અટક્યો નહીં. અમે આખરે એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચ્યા ત્યારે ત્યાંની ફીલિંગ શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. જે વસ્તુ મેળવવા પાછળ દિવસ-રાત સતત સખત મહેનત કરી હોય એ લક્ષ્ય પૂરું થતું દેખાય ત્યારે કંઈક મહાન અચીવ કર્યાની જે ફીલિંગ આવે અને આંતરિક તૃપ્તિનો અનુભવ કરાવે છે. મને પણ એવું જ ફીલ થયું. અડધોથી પોણો કલાક ત્યાં રોકાયા. આસપાસનો નયનરમ્ય અને ભવ્ય નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. ત્યાં અઢળક ફોટો પાડી, યાદોને કૅમેરામાં કૅપ્ચર કરીને અમે નીચે ઊતરીને છઠ્ઠી મેએ મુંબઈ પાછા ફર્યા.’

મેન્ટલ સ્ટ્રેન્થનું ફ્યુઅલ
સર્જરી પછી મારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પરિવારે ધંધો કરવાની ના પાડતાં બિઝનેસ બંધ કરી નાખ્યો. ફૅમિલીના સપોર્ટ વિશે કિરણભાઈ કહે છે, ‘જ્યારે તેમને ખબર પડી કે મને ટ્રેકિંગનો શોખ જાગ્યો છે તો ફૅમિલી રાજી થઈ. મારી મેન્ટલ સ્ટ્રેન્થમાં ફ્યુઅલ પૂરવાનું કામ મારા પરિવારવાળાઓએ કર્યું છે. મને જીવનમાં પડકારો સ્વીકારવા પસંદ છે. હું મારી લાઇફસ્ટાઇલ પ્રત્યે સજાગ છું. ઑપરેશન પછી મારા ખોરાકમાં તેલ અને મરચું તદ્દન બંધ છે. ૬૧ વર્ષની ઉંમરે પણ શારીરિક અને માનસિક રીતે ફિટ ઍન્ડ ફાઇન છું અને જિંદગીની દરેક ક્ષણને ભરપૂર માણી રહ્યો છું. ઘરમાં અત્યારે હું, મારી વાઇફ કુસુમ અને મારી માતા છીએ. અમારે બે દીકરી છે. મોટી દીકરી નિકિતા રોહન શાહ પરેલમાં રહે છે. નિકિતાને અત્યારે ટ્વિન્સ દીકરીઓ છે એટલે તે ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત રહે છે. બીજી દીકરી હેરિના પરિન શેઠિયા થાણે રહે છે. બન્ને બહુ સપોર્ટિવ છે. હેરિના પણ રેગ્યુલર ટ્રેક કરે છે. તેના સસરા પણ ટ્રેકિંગના શોખીન છે. તેમણે તો અન્નપૂર્ણા બેઝ કૅમ્પ અને એવરેસ્ટ બેઝ કૅમ્પ બન્ને સર કર્યા છે. અમારા જમાઈ પરિનને પણ ટ્રેકિંગનો બહુ શોખ છે. હું હમ્પ્ટા પાસ ટ્રેક પર ગયો હતો ત્યારે હેરિના, પરિન અને તેના પપ્પા એમ અમે ચારેય જણ સાથે જ ગયાં હતાં. આ વખતે એવરેસ્ટ બેઝ કૅમ્પના ટ્રેકમાં હેરિનાને આવવાની બહુ જ ઇચ્છા હતી, પરંતુ અત્યારે તેનો દીકરો ખૂબ નાનો છે. તે થોડા સમય પછી જશે.’

columnists everest cancer healthy living health tips lifestyle news life and style