05 May, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વ્રજ પટેલ મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન IAS ઍકૅડેમીના ડિરેક્ટર છે અને પચીસથી વધુ વર્ષનો કરીઅર કાઉન્સેલિંગનો અનુભવ ધરાવે છે
અત્યારે બારમા ધોરણ અને દસમા ધોરણનાં પરિણામોનો સમય ચાલી રહ્યો છે. બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે અત્યારે કૉલેજ અને સ્પેશ્યલાઇઝ્ડ કોર્સ પસંદ કરવાનો નિર્ણાયક સમય છે; જ્યારે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સાયન્સ, કૉમર્સ કે આર્ટ્સ જેવી સ્ટ્રીમ પસંદ કરવાનો આ પાયાનો સમય છે. કરીઅર કાઉન્સેલિંગના ટેબલ પર જ્યારે હું બેસું છું ત્યારે મને એક અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળે છે જે આજના શૈક્ષણિક માળખાની કડવી વાસ્તવિકતા છે. અત્યારે કરીઅરની પસંદગી વ્યક્તિગત નિર્ણય રહેવાને બદલે એક સામાજિક સ્પર્ધા બની ગઈ છે.
ટેબલની એક તરફ એવો વિદ્યાર્થી હોય છે જે તેના મિત્રોને જોઈને પોતાનો રસ્તો નક્કી કરવા માગે છે, કારણ કે તેના મનમાં બીજા કરતાં પાછળ રહી જવાનો ડર છે. તેને લાગે છે કે જો તે તેના ગ્રુપના મિત્રો જેવો કૂલ કે ટ્રેન્ડિંગ કોર્સ નહીં કરે તો એકલો પડી જશે. આ પીઅર-પ્રેશર તેને પોતાની ક્ષમતાઓ તપાસ્યા વગર જ અંધારી ગલીમાં દોડવા મજબૂર કરે છે. આ સમસ્યા અહીં અટકતી નથી, કારણ કે ટેબલની બીજી તરફ પેરન્ટ્સ બેઠા હોય છે જેમના મનમાં સંબંધીઓનાં સંતાનો સાથેની અઘોષિત સ્પર્ધા ચાલતી હોય છે. ફલાણા ભાઈના દીકરાએ અમેરિકા જઈને IT કર્યું તો મારે પણ મારા દીકરાને ત્યાં જ મોકલવો છે. આ વિચાર પાછળ સંતાનનું હિત ઓછું અને પરિવારની સામાજિક પ્રતિષ્ઠા વધુ હોય છે. આ બેવડા દબાણ વચ્ચે સંતાનની પોતાની ઓળખ, મૌલિકતા અને સાચી રુચિ ક્યાંક ગૂંગળાઈ જાય છે. માતા-પિતા ઘણી વાર ભૂલી જાય છે કે તેમનું સંતાન એક જીવંત વ્યક્તિ છે, કોઈ સ્ટેટસ સિમ્બૉલ નથી જેને સમાજમાં બતાવીને ગર્વ કરી શકાય.
કરીઅરની સફળતાના બે જ મુખ્ય આધારસ્તંભ છે : તમારી ક્ષમતા અને તમારી રુચિ. જ્યારે કોઈ બાળકની બુદ્ધિ સર્જનાત્મક હોય અને તેને દેખાદેખીમાં આવીને ટેક્નિકલ ફીલ્ડમાં ધકેલવામાં આવે ત્યારે તે કદાચ ડિગ્રી તો મેળવી લેશે, પણ એક સંતુષ્ટ કે સફળ પ્રોફેશનલ ક્યારેય નહીં બની શકે. આ ઝેરી ચક્રને તોડવા માટે વિદ્યાર્થી અને વાલી બન્નેએ જાગૃત થવું અનિવાર્ય છે. વાલીઓએ સમજવું પડશે કે બીજાનાં સંતાનો તમારી સ્પર્ધા નથી અને વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે મિત્રોની પાછળ દોડવું એ સફળતાની ગૅરન્ટી નથી. કરીઅરનો સાચો નિર્ણય એ જ છે જે લોકો શું કહેશે એને બદલે મને શું આવડે છે અને મને શું ગમે છે એના પર આધારિત હોય. જે દિવસે આપણે પોતાની કૅપેસિટી અને રસના સંગમ પર ઊભા રહીને નિર્ણય લઈશું એ દિવસે કોઈ પણ કામ ભાર નહીં લાગે. સમાજની અપેક્ષાઓ સંતોષવા કરતાં તમારા સંતાનને તેની પોતાની ક્ષમતા મુજબ સક્ષમ બનાવવું એ જ શ્રેષ્ઠ પેરન્ટિંગ અને શ્રેષ્ઠ કરીઅર-પ્લાનિંગ છે.