18 September, 2026 02:38 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
રસોડાના કચરાના ડબ્બામાંથી મળેલા સફેદ સિરૅમિક કપના તૂટેલા ટુકડાને સોમચંદે ચીપિયાથી પકડીને એક પારદર્શક પ્લાસ્ટિક ઝિપ-લૉક પાઉચમાં મૂક્યો અને પછી તેણે ઇન્સ્પેક્ટર સાવંત સામે જોયું.
‘આવો, બહાર બેસીએ...’ ડિટેક્ટિવ સોમચંદે બધાને ઇશારો કર્યો, ‘આ કેસમાં શું રંધાયું એની ચર્ચા બહાર કરીશું તો વધારે સરળતાથી સમજાશે.’
બધાએ ડ્રૉઇંગ-રૂમ તરફ જવા પગ ઉપાડ્યા.
બહાર જનારા છમાંથી ચારના પગમાં કદમ માંડવાની હવે તાકાત નહોતી રહી.
lll
૪ શંકાસ્પદો સોફા પર બેઠા હતા. ચારેયના ચહેરા પર અલગ-અલગ
રંગો હતા.
સુરેશ શાહના હાથ-પગ ધ્રૂજતા હતા. પરસેવે રેબઝેબ એવા સુરેશના ચહેરા પર અત્યારે ભારોભાર અફસોસ હતો કે જો તેણે આજની રાત ખેંચી કાઢી હોત તો તેનો છુટકારો ઉપરવાળાએ જ કરી નાખ્યો હોત, પણ અત્યારે તે ધીરજ ગુમાવવાનું પરિણામ ભોગવતો હતો. લાશનું મર્ડર કરીને તેણે પોતાની જાતને આરોપી બનાવી દીધી હતી.
માયા દોશી વારંવાર ચહેરો સાફ કરતી હતી. તિજોરીમાંથી વિલ ચોરવાના આરોપમાં ઘેરાયેલી માયા અજાણતાં જ મર્ડરકેસમાં ફસાઈ ગઈ હતી. થોડી વાર પહેલાં માયાને આંખ સામે જે સોનાનો સૂર્ય ઊગતો દેખાતો હતો એના સ્થાને હવે કાળમીંઢ અમાસ પથરાઈ ગઈ હતી.
ત્રીજો શકમંદ એવો દેવેન પારેખ સતત તેના વકીલને ફોન કરતો હતો, પણ અનાયાસ વકીલનો મોબાઇલ નેટવર્કની બહાર હતો. દેવેનની ગાડીમાંથી સાઇનાઇડની અડધી ખાલી બૉટલ મળી હતી અને અભય દોશીનું મર્ડર ઝેરથી થયું હતું એટલે સૌથી મોટો શકમંદ પોતે બનશે એ ડર દેવેનના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો.
ચોથી શકમંદ એવી સુમનબાઈના પર્સમાંથી અભય દોશીના ૨૦ વર્ષ જૂના હિટ-ઍન્ડ-રન કેસના કાગળો અને લાખોના બ્લૅન્ક ચેક નીકળ્યા હતા જેણે સાબિત કરી દીધું હતું કે તે કોઈ લાચાર હાઉસમેઇડ નહીં પણ ભારોભાર ઝેરીલી નાગણ છે. અલબત્ત, સુમનબાઈના ચહેરા પર ડર એ વાતનો હતો કે બધામાં પોતે સૌથી ઓછી વગદાર હતી એટલે કદાચ આખો કેસ તેના ગળામાં ભેરવી દેવામાં આવી શકે છે.
ઇન્સ્પેક્ટર વિલાસ સાવંત પોતાની સર્વિસ રિવૉલ્વર હૉલ્સ્ટરમાં ખોસતાં ટેબલ પાસે આવ્યા. તેના ચહેરા પર ગર્વ હતો.
‘બસ, ખેલ ખતમ. સોમચંદ.’ સાવંતે ટેબલ પર હાથ પછાડ્યો, ‘હવે આમાં વધારાની કોઈ ડિટેક્ટિવગીરીની જરૂર નથી. આખી વાર્તા ક્રિસ્ટલ ક્લિયર છે. દેવેન પારેખને બંગલો વેચીને પૈસા કમાવા હતા અને દોસ્તની પત્ની સાથે ભાગવું હતું. તેણે સાઇનાઇડ મગાવ્યું. માયાએ તિજોરીમાંથી વિલ ગાયબ કર્યું. બન્નેએ મળીને આ સુમનબાઈને ફોડી. સુમનબાઈએ અભયને ઝેર આપી દીધું અને બન્નેનું કામ આસાન કરી દીધું...’
‘આ સુરેશનું શું?’
‘તે મૂરખ અણઘડ બનીને વચમાં કૂદી પડ્યો અને માથે રહીને ફસાયો.’ ઇન્સ્પેક્ટર સાવંતને કેસ પૂરો કરવાની ઉતાવળ હતી, ‘શિંદે, આ દેવેન અને માયાને વૅનમાં બેસાડો. સુમન અને સુરેશને લઈને હું આવું છું.’
કૉન્સ્ટેબલ શિંદે હાથકડી લઈને દેવેન તરફ આગળ વધ્યો કે તરત હૉલમાં ડિટેક્ટિવ સોમચંદનો અવાજ પ્રસરી ગયો.
‘ઊભા રહો શિંદે...’ સોમચંદે પોતાના પૅન્ટના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને મોઢામાં મૂકી, ‘સાવંત, તમારી થિયરી બૉલીવુડની ફિલ્મ માટે સ્ક્રિપ્ટ તરીકે સુપરહિટ છે, પણ કોર્ટમાં નહીં ઊભી રહે.’
‘કાય?!’ સાવંતનો પિત્તો ગયો, ‘સોમચંદ, તમે જુઓ... ઝેર મળ્યું, મોટિવ મળ્યો, ગાયબ થયેલું વિલ લેનારી મળે છે. આનાથી વધારે હવે કોર્ટને શું જોઈએ? કોર્ટ કોઈ વિરોધ કર્યા વિના આ બધું સ્વીકારી લે....’
‘નહીં સ્વીકારે... કારણ કે સાયન્સ અને સમય ક્યારેય ખોટું બોલતાં નથી...’
સોમચંદની વાત પૂરી થાય એ પહેલાં જ સાવંતના ફોન પર મેસેજ નોટિફિકેશનનો અવાજ આવ્યો. કૂપર હૉસ્પિટલના ફૉરેન્સિક હેડ ડૉ. કેળકરે પ્રાઇમરી ઑટૉપ્સી રિપોર્ટ મોકલ્યો હતો.
સાવંતે તરત રિપોર્ટ ઓપન કર્યો અને જેમ-જેમ તે રિપોર્ટ વાંચતા ગયા એમ-એમ તેમનો ચહેરો ફિક્કો પડતો ગયો. સોમચંદના ચહેરા પર ચમક આવી ગઈ.
‘ડેથનો ટાઇમ શું આપવામાં
આવ્યો છે?’
‘અભય દોશીનું હૃદય બંધ પડવાનો સમય... રાત્રે ૯.૧૨થી ૯.૧૫ની વચ્ચેનો છે.’ સાવંતે થૂંક માંડ ગળા નીચે ઉતાર્યું, ‘સાઇનાઇડ એટલું પાવરફુલ હતું કે પેટમાં ગયાની ત્રીજી મિનિટે માણસ ઢળી પડે.’
‘ઓકે...’ સોમચંદે કહ્યું, ‘હવે તમારો ફોન કાઢીને દોશી વિલાના ગેટના CCTV કૅમેરાના ફુટેજનો ટાઇમ-સ્ટૅમ્પ જુઓ, જે તમારા કૉન્સ્ટેબલે હમણાં જ વૉટ્સઍપ કર્યો છે.’
સાવંતે CCTV કૅમેરાનો સ્ક્રીનશૉટ ખોલ્યો અને જે દેખાયું એ નવો ટ્વિસ્ટ હતો.
દેવેન પારેખની મર્સિડીઝ ગેટમાં રાત્રે બરાબર ૯.૨૮ વાગ્યે એન્ટર થઈ હતી. એ પછી પણ દેવેન ગાડીમાં જ બેઠો હતો, જેમાંથી તે એક્ઝૅક્ટ ૯.૩૦ વાગ્યે બહાર નીકળ્યો હતો.
‘સમજાયું?’ સોમચંદે ઇન્સ્પેક્ટર સાવંતના ખભા પર હાથ મૂક્યો, ‘અભયનો જીવ ૯.૧૫ વાગ્યે નીકળી ગયો હતો. મતલબ કે દેવેન બંગલામાં એન્ટર થયો ત્યારે અભય દોશીને મર્યાને આખી ૧૫ મિનિટ થઈ ગઈ હતી. જો માણસ ઘટનાસ્થળે હાજર જ ન હોય તો તેણે અભયને ઝેર કઈ રીતે આપ્યું?’
‘રાઇટ...’
‘હવે ક્લિયર કરીને કહું...’ સોમચંદે દેવેન સામે જોયું, ‘દેવેને ઝેર આપ્યું હોવાની તમારી આખી થિયરી ખોટી છે.’
સોમચંદના આ શબ્દો દેવેન પારેખના સાતેય કોઠે દીવા કરી ગયા. તેના ચહેરા પર જાણે નવજીવન મળ્યું હોય એવી રાહત આવી ગઈ.
‘મેં કહ્યું હતુંને સાહેબ, હું તો માયાને લેવા આવ્યો હતો. મેં કોઈ ખૂન નથી કર્યું.’
‘શાંતિ... શાંતિ...’ સોમચંદે આંખો મોટી કરી, ‘દેવેન, તારી ગાડીમાંથી સાઇનાઇડની બૉટલ મળી એનો સીધો અર્થ એ છે કે તમે આ આખી ગેમના પાર્ટનર હોઈ શકો છો; પણ હા, તમે કિલર નથી એટલે જરાક શાંતિ રાખો અને એ વિચારો કે માયા દોશીએ શું કર્યું?’
‘હું તો... હું તો...’
‘તમે નહીં, હું કહીશ...’ ડિટેક્ટિવ સોમચંદ માયા તરફ ફર્યો. ‘તમે ૮ વાગ્યે બંગલા પર આવ્યાં, તિજોરી તમે જ ખોલી કારણ કે તમારા નખનો ટુકડો હૅન્ડલ પર મળ્યો છે. હવે માત્ર વાત એટલી છે કે એ સમયે જ શું તમે અભયને ઝેર આપ્યું?’
માયાએ માથું ધુણાવ્યું. તે હવે સાવ તૂટી ચૂકી હતી.
‘ભગવાનના સોગંદ, મેં અભયને ઝેર નથી આપ્યું.’ માયા રડતી હતી, ‘હું આઠ વાગ્યે આવી એ સાચું અને એ પણ છુપાઈને આવી એ પણ સાચું. હું પાછળના ગેટથી આવી હતી. મારે અભયનું નવું વિલ માત્ર ફાડવું હતું જેમાં અભય આ બંગલો અને બધી પ્રૉપર્ટી ટ્રસ્ટને આપી દેવાનો હતો. હું બેડરૂમમાં ગઈ, અંદર જઈને તિજોરી ખોલી, મેં વિલ કાઢ્યું... પણ જેવી હું ટર્ન થઈ કે મેં જોયું તો મારી સામે અભય ઊભો હતો.’
‘એ સમયે અભય જીવતો હતો?’
સવાલ ઇન્સ્પેક્ટર સાવંતે પૂછ્યું હતો.
‘હા! એકદમ સાજો-સારો.’ માયાએ જવાબ આપીને સોમચંદની સામે જોયું, ‘તેણે મારા હાથમાંથી પેપર્સ જોયા. તેને બધી ખબર પડી ગઈ હતી કે હું અને દેવેન તેની પીઠ પાછળ શું રમીએ છીએ. મને હતું કે તે બૂમાબૂમ કરશે; પણ ના, તે જસ્ટ હસ્યો અને પછી ધીમેકથી મારી નજીક આવ્યો.’
lll
અભયે ધીમેકથી માયાના ગાલ પર હાથ ફેરવ્યો.
માયાને ડર હતો કે અભય હમણાં થપ્પડ મારશે; પણ ના, તેના હાથમાં વહાલ હતું.
‘માયા, તું મોડી પડી. આ પેપર્સ હવે રદ્દી છે. તું અને તારો આશિક બન્નેને હું ભીખ માગતાં કરી દઈશ...’
માયા કંઈ કહે કે બોલે એ પહેલાં અભયે તેનો હાથ મરડ્યો અને પછી માયાને ધક્કા મારીને રૂમમાંથી બહાર કાઢી.
‘અભય...’
ધડામ...
અભયે બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.
lll
‘હું ગભરાઈને ત્યાંથી ભાગી નીકળી.’ માયાએ વાત કન્ટિન્યુ કરી, ‘ગાડીમાં બેસીને મેં પહેલું કામ દેવેનને ફોન કરવાનું કર્યું અને કહ્યું કે આપણો પ્લાન ફેલ થઈ ગયો છે. તું જલદી સ્ટેશન પર આવ, આપણે વાત કરવી પડશે.’
‘મૉરલ ઑફ ધ સ્ટોરી, માયા સવાઆઠ વાગ્યે અહીંથી નીકળી ત્યારે અભય જીવતો હતો... તેણે જ માયાને રૂમમાંથી બહાર કાઢી.’ સોમચંદે માયાની સામે જોયું, ‘રાઇટ માયા?’
માયાએ હકારમાં મસ્તક નમાવ્યું અને હૉલમાં ફરીથી સોપો પડી ગયો.
‘જો દેવેન ૯ પછી આવ્યો હતો, માયા સવાઆઠે જતી રહી હતી અને સુરેશે માત્ર લાશ પર ખંજર માર્યું હતું... તો પછી ૯.૧૫ વાગ્યે અભયના ટેબલ પર ઝેરવાળી ચા લઈને કોણ ગયું હતું?’ સન્નાટો સોમચંદે જ તોડ્યો, ‘હવે ઘરમાં બીજું કોણ બાકી રહ્યું?’
બધાની આંખો સુમનબાઈ પર
ચોંટી ગઈ.
કશું જ કહ્યા વિના સુમને પોતાનું મોઢું ખોલ્યું.
‘સાહેબ, માઝ્યાવર શંકા ઘેતાય?’ સુમનબાઈના ચહેરા પર સહેજ પણ પસ્તાવો નહોતો, ‘હા, મારે બદલો લેવો હતો, પણ હું રોજ તે માણસને ખાવામાં થોડું-થોડું ધીમું ઝેર આપતી હતી જેથી તે તડપી-તડપીને મરે. એકઝાટકે, આવું ઝેર આપીને મારે તેને તરત છુટકારો નહોતો આપવો. મારો દીકરો તેની ગાડી નીચે ચગદાઈને મર્યો હતો. મારે એ બધી પીડા તેને આપવી હતી. હજી પણ કહું છું; હું ઝેર આપતી હતી, પણ આ વખતે મેં... ઓ’લું સાઇડનાઇડ કહેવાય એ નથી આપ્યું.’
સાવંતે પોતાના વાળ ખેંચ્યા.
‘અરે દેવા, જો તમારામાંથી કોઈએ અભયને નથી માર્યો તો આ અભય દોશીને માર્યો કોણે? ભૂત આવીને ઝેર આપી ગયું?’
‘ના સાવંત... એક બહુ જ ચાલાક, મિસ્ટર ઇન્ડિયા જેવો મહેમાન...’
સોમચંદે પ્લાસ્ટિકના પાઉચમાં રાખેલો સફેદ સિરૅમિક કપનો ટુકડો બહાર કાઢ્યો અને ટેબલ પર મૂક્યો. તેણે એ ટુકડો ટેબલ પર મૂક્યો.
‘આ કપ જુઓ...’ સોમચંદે મૅગ્નિફાઇંગ ગ્લાસ આગળ ધર્યો, ‘સુમનબાઈએ સૌથી પહેલાં સ્ટેટમેન્ટમાં જ એવું કહ્યું કે રાતે ૮ વાગ્યે તેણે ઘરમાં માત્ર બે લોકો માટે ચા બનાવી - એક પોતાના માટે અને એક અભય માટે. એ બન્ને કપ તો કિચનની સિન્કમાં ધોવા માટે પડ્યા છે. તો પછી આ ત્રીજો કપ ક્યાંથી આવ્યો જે કચરાપેટીમાં ફેંકવામાં આવ્યો?’
‘ત્રીજો કપ?’
‘હા, ત્રીજો કપ...’ સોમચંદે કહ્યું, ‘આ કપમાં ગ્રીન-ટી બનાવવામાં આવી હતી અને એ ગ્રીન-ટીમાં સાઇનાઇડ ઓગાળેલું હતું; પણ સૌથી મોટી વાત, આ કપની કિનારી ધ્યાનથી જુઓ. એના પર લાલ રંગની લિપસ્ટિકનો આછો ડાઘ છે.’
માયા દોશીએ તરત જ પોતાનો હોઠ પકડી લીધો.
‘મેં ન્યુડ પિન્ક લિપસ્ટિક લગાવી છે, રેડ નથી લગાવી!’
‘મને ખબર છે માયા...’ સોમચંદે શાંતિથી કહ્યું, ‘તારી લિપસ્ટિક પિન્ક છે. સુમનબાઈ લિપસ્ટિક લગાવતી નથી. દેવેન અને સુરેશ પુરુષ છે તો પછી રાત્રે ૯ વાગ્યે, ધોધમાર વરસાદમાં, અભયના સ્ટડી-રૂમમાં લાલ લિપસ્ટિક લગાવીને ચા પીનારી આ લેડી કોણ; જેને અભયે પોતે પોતાની મરજીથી રૂમમાં બોલાવી, જેની સાથે તેણે ચા પીધી અને જેણે અભયની આંખોમાં આંખ પરોવીને તેને મોતનું ઝેર પીવડાવ્યું હતું?’
સાવંતની આંખો ફાટી ગઈ.
‘કોઈ બહારની સ્ત્રી? મ્હણજે... અભયનું કોઈ બીજું અફેર હતું?’
‘ના.’ સોમચંદે ટેબલ પર હાથ પછાડ્યો, ‘તે કોઈ ગર્લફ્રેન્ડ નહોતી અને કપ પર જે લાલ કલર છે એ લિપસ્ટિક નથી. એ આયુર્વેદિક લેપ છે જે સ્કિનના અમુક પ્રૉબ્લેમમાં વપરાય છે. આ કપ જે કચરાપેટીમાંથી મળ્યો એ કચરાપેટી પાછળના સર્વન્ટ ક્વૉર્ટરની નજીક હતી...’
સોમચંદની તીક્ષ્ણ આંખો ધીમેથી લિવિંગરૂમના દરવાજા તરફ ગઈ.
‘સાવંત, કિલર ક્યારેય બહાર ગયો જ નહોતો. કિલરે આ આખા નાટકનું ડિરેક્શન એટલી સિફતપૂર્વક કર્યું કે સુરેશ, માયા, દેવેન અને તમે... બધા તેના બનાવેલા રસ્તા પર દોડવા માંડ્યા...’
સોમચંદે બહાર જોયું. વરસાદ હવે સાવ બંધ થઈ ગયો હતો.
‘સમય આવી ગયો છે....’ સોમચંદે ધીમા અવાજે કહ્યું, ‘આ કાર્ટર રોડના છેલ્લા બંગલાના ઓરિજિનલ કિલરનો મુખવટો ઉતારવાનો...’
મંગળવારે અંક બંધ હતો એટલે વાર્તાનું છેલ્લું પ્રકરણ પણ આજે જ પ્રગટ કર્યું છે. વાંચો આગળનું પાનું