વાત યુરોપના પહેલા સ્ટોન ટેમ્પલની

02 October, 2022 12:26 AM IST  |  Mumbai | Chandrakant Sompura

લંડનના નીસ્ડનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સર્જનની વાત આજે પણ યાદ કરું તો કેટલાક કિસ્સાઓ એવા યાદ આવે જે ચહેરા પર સ્માઇલ લાવી દે. બ્રિટિશ આર્કિટેક્ટની ટીમે પરમિશન આપતાં પહેલાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે આપણે પથ્થર સળગાવીને જોઈએ!

લંડનના નીસ્ડનમાં આવેલું સ્વામીનારાયણ મંદિર. આ મંદિર તૈયાર તો બે વર્ષમાં થઈ ગયું, પણ એનું કામ સાતેક વર્ષ પહેલાં શરૂ થઈ ગયું હતું. કોઈ કાળે પરમિશન જ મળે નહીં. એ આર્કિટેક્ટ માનવા તૈયાર જ નહીં કે સ્લૅબ વિના, માત્ર પથ્થર પર મંદિર ઊભું રહી શકે.

રામલલ્લા મંદિર વિશે વાત કરતાં-કરતાં કેટલાક વાચકમિત્રો અને આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સની ઈ-મેઇલ આવી કે તમને અત્યાર સુધીમાં સૌથી વધારે અઘરું લાગ્યું હોય એવું મંદિર કયું?
શું જવાબ આપવાનો આને તે? આજે પણ દરેકેદરેક મંદિરનું કામ અઘરું જ લાગતું હોય છે અને એ જ્યારે પૂરું થાય ત્યારે હજાર હાથવાળાની મહેરબાનીનો પણ અનુભવ થાય છે. રામલલ્લા મંદિર બનાવવાનું શરૂ કર્યું ત્યારે શ્રદ્ધા હતી કે મંદિર બનશે, પણ વાસ્તવિકતા સાવ જુદી જ વાત કરતી હતી તો સોમનાથ મહાદેવના મંદિરનાં દર્શન કરતી વખતે આજે પણ મનમાં થાય કે દાદાજીએ આ મહાન કાર્ય કેવી રીતે પૂરું કર્યું હશે? કહેવાનો ભાવાર્થ એ કે દરેક કામ આજે પણ હાથમાં આવે ત્યારે એ અઘરું જ લાગે અને પૂર્ણતા સમયે એ કામમાં ઈશ્વરીય શક્તિનો અનુભવ થાય.
આ વાત કહેતી વખતે અત્યાર સુધીમાં બનાવેલાં તમામ મંદિરો આંખ સામે છે અને આંખ સામે રહેલાં એ મંદિરોમાં ક્યાંક ને ક્યાંક આવેલી અડચણો પણ આંખ સામે છે. જોકે ખરું કહું તો એ અડચણ નહોતી, એ પરીક્ષા હતી. પરીક્ષા લેનારો પણ ઉપરવાળો હતો અને એમાંથી નિરાકરણ શોધી આપવાનું કામ પણ એણે જ કર્યું હતું.
નિરાકરણ માટે જો સૌથી વધારે હવાતિયાં મારવાં પડ્યાં હોય એવું કોઈ મંદિર હોય તો એ યુરોપનું પહેલું સ્ટોન મંદિર એટલે કે નીસ્ડનનું સ્વામીનારાયણ મંદિર. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલા આ મંદિર પહેલાં યુરોપમાં કોઈ સ્ટોન ટેમ્પલ બનાવવામાં નહોતું આવ્યું. આ પહેલું ટેમ્પલ. તમે માનશો નહીં કે આ મંદિર બે વર્ષમાં તૈયાર થઈ ગયું હતું, પણ એનું કામ છ-સાત વર્ષ પહેલાંથી શરૂ થયું હતું. કાયદાઓ એવા કે પરમિશન લેવામાં જ આટલો સમય ગયો. મંદિર બનતું હતું એ દરમ્યાન ત્યાં અમારે જવું પડ્યું એના કરતાં વધારે તો અમારે એ મંદિરની પરમિશન માટે જવું પડ્યું હતું.
કોઈ કાળે બ્રિટનના અધિકારીઓ માને જ નહીં કે આ પ્રકારે પથ્થરનું મંદિર બની શકે અને એ આમ અડીખમ ઊભું રહી શકે! એક જ વાત કે સ્લૅબ વિના ઉપરનો માળ ઊભો થાય નહીં. કેટલાંય પ્રેઝન્ટેશન કર્યાં, શિલ્પશાસ્ત્રથી માંડીને ઇન્ડિયન આર્કિયોલૉજી સુધ્ધાં સમજાવી, પણ વાત માને જ નહીં. છેલ્લે અમે રસ્તો કાઢ્યો અને એ અધિકારીઓને અને આર્કિટેક્ટ્સને અમારે કહેવું પડ્યું કે એક કામ કરો, તમે અમારી સાથે ઇન્ડિયા આવો અને અમે બનાવેલા સ્ટોન ટેમ્પલની વિઝિટ કરો. મહામુશ્કેલીએ તેઓ માન્યા અને ઇન્ડિયા આવ્યા. અહીં અમે તેમને મંદિરો દેખાડ્યાં, શિલ્પશાસ્ત્રની સમજણ આપી અને તેમને દેખાડ્યું કે સ્ટોન આધારિત આર્કિટેક્ચર સરળ છે અને ઇન્ડિયા માટે એ સાવ સહજ છે.
બધું જોઈને પણ વાત તેમને માનવામાં આવી નહીં. કહે કે આ જે સ્ટોન છે એ શેના બનેલા છે? એ બધાં પેપર્સ દેખાડ્યાં તો તેમની પાસે નવી દલીલ આવી. સ્ટોન આ રીતે ઊભા રહી શકે છે, પણ ધારો કે આગ લાગે તો એનું શું થાય? 
જવાબ આપીએ એ પહેલાં તો તેમણે ફરમાન કર્યું કે લંબાઈ-પહોળાઈ અને ઊંચાઈ (કે જાડાઈ)થી એક મીટર થતો હોય એવા એક પથ્થરને આગ લગાડીને આપણે જોઈએ કે એનું શું થાય છે? કંઈ કહીએ કે સમજાવીએ એ પહેલાં તેમણે કહ્યું કે આપણે આગ લગાડીને એક વીક એ પથ્થર ઑબ્ઝર્વ કરીએ અને એ પછી નિર્ણય લઈએ કે શું કરવું.
તમે જ કહો કે પથ્થર કેવી રીતે 
બળવાનો હતો?
અમારા માટે આ આખી સિચુએશન થોડી હાસ્યાસ્પદ પણ હતી તો ઇન્ડિયન શિલ્પકલા પર પ્રાઉડ ફીલ કરવાની પણ હતી. અમે તેમને હાથ જોડ્યા અને કહ્યું કે અમે પથ્થર તો બાળી નથી શકતા, તમારાથી બળે તો તમે બાળીને એ દેખાડો. તમે માનશો નહીં પણ એ લોકોએ ખરેખર એ પ્રયોગ કરી જોયો અને કોઈ રિઝલ્ટ ન આવ્યું એટલે પછી ફાઇનલી સ્ટોન ટેમ્પલ માટે પરમિશન આપી. આ પરમિશન સાથે જ વાત પૂરી નહોતી થતી, કારણ કે અનેક પ્રકારના નવા પ્રશ્નો તો હજી ક્યુમાં હતા અને એનું અમારે નિરાકરણ કરવાનું હતું; પણ નિરાકરણની એ સફર દરમ્યાન ક્યારેય નાસીપાસ થયા નથી કે કોઈએ થવું પણ ન જોઈએ. પ્રશ્નનો એક સીધો નિયમ છે - કાં તો જવાબ શોધીને આગળ વધો અને કાં તો એના શરણે જઈને પાછા વળી જાઓ.
પ્રશ્નથી નાસીપાસ થતાં તો આવડ્યું નથી એટલે એની સામે ઝઝૂમવાનું બનતું જ રહે છે. યુરોપના સૌપ્રથમ સ્ટોન ટેમ્પલ એવા નીસ્ડન ટેમ્પલની અનેક વાતો એવી છે જે આજ સુધી દુનિયાની સામે આવી નથી. એ વાતો આપણે કરીશું હવે આવતા રવિવારે.

columnists