ગમા-અણગમા અને સુખદુખના બદલાતા તરાજુ

13 June, 2021 04:10 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ગમની આ ક્ષણ કેટલી લાંબી કે ટૂંકી ચાલશે એનીયે કોઈને કલ્પના નથી હોતી 

GMD Logo

આખી જિંદગી દરેક માણસ પ્રત્યેક ક્ષણે કંઈક ગમા-અણગમા વચ્ચે જ ફંગોળાતો રહે છે. પ્રત્યેક ક્ષણ તેના માટે સુખ કે દુઃખ હોય છે. ગમની આ ક્ષણ કેટલી લાંબી કે ટૂંકી ચાલશે એનીયે કોઈને કલ્પના નથી હોતી 

તમારી આસપાસ હજારો માઇલની પૃથ્વી પથરાઈને પડી છે. તમારા મસ્તક પર અફાટ આસમાન ઝળૂંબી રહ્યું છે. વૃક્ષો, પર્વતો, નદીઓ, સરોવરો આ બધુંય જોઈ શકાય છે. પરિવારજનો, સાથીઓ અને અન્ય સ્વજનોને રોજ કારણે કે અકારણ મળવાનું થાય છે. કેટલીક ઘટનાઓ રોજ બને છે. આ બધું તમને ગમે છે? છાતી ઠોકીને હા કહી શકાય એમ નથી. સંખ્યાબંધ વસ્તુઓ ગમે એવી હોય છે અને એટલી જ સંખ્યાબંધ ચીજો અણગમતી હોય છે. ગમતી સ્થિતિ કે વ્યક્તિને સ્વીકારીને જેમ પસાર થઈ જઈએ છીએ એમ જ અણગમતી પરિસ્થિતિમાંથી પણ પસાર થઈ જઈએ છીએ. આજે રાત્રે પથારીમાં આંખ મીંચાઈ જાય એ પહેલાં દિવસ દરમિયાન બનેલી ગમતી વાતો અને અણગમતી વાતોની એક યાદી ઘડીક તૈયાર કરી જોજો.
સ્ટેશને ગયા અને ગાડી સમયસર આવી ગઈ. તમે રાજી થઈ ગયા. ગાડી નિર્ધારિત સમયે જ આવી છે. કશું અસામાન્ય નથી બન્યું. જોકે એનું સમયસરનું આગમન પણ તમને રાજી કરે છે, કારણ કે બીજા ઘણા કાર્યક્રમોને આ ગાડીના સમયસર હોવાને કારણે તમે પહોંચી શકશો.
તમારો બીજો એક મિત્ર રોજ આ જ ગાડીમાં તમારી સાથે હોય છે. આજે તે મોડો પડ્યો છે. બે મિનિટ માટે ગાડી ચૂકી ગયો. હવે પછીની સ્લો ગાડીમાં જવાથી આગળના કાર્યક્રમોમાં મોડો પડશે. રોજની ગાડી સમયસર આવી ગઈ એ તેને નથી ગમ્યું. વાત એકની એક જ છે. જે વાત તમને ગમવા માટે ખાસ કારણ નહોતું અને છતાં તમને જે ગમ્યું એ જ વાત તમારા મિત્રને નથી ગમી. 
બનવાજોગ છે આવતી કાલે તમે જ સ્ટેશને બે મિનિટ મોડા પહોંચો છો અને હવે તમારી નજર સામે ગાડી ચાલી જાય છે. તમે કશું કરી શકતા નથી. તમને અણગમો થાય છે. વાત એની એ જ છે, પણ ગમા-અણગમાના તરાજુ બદલાઈ જાય છે.
ગમા-અણગમા છે શું?
આખી જિંદગી દરેક માણસ પ્રત્યેક ક્ષણે આવા કંઈક ગમા-અણગમા વચ્ચે જ ફંગોળાતો રહે છે. પ્રત્યેક ક્ષણ તેના માટે સુખ કે દુઃખ હોય છે. ગમની આ ક્ષણ કેટલી લાંબી કે ટૂંકી ચાલશે એનીયે કોઈને કલ્પના નથી હોતી. આમ છતાં માણસ આવી પરિસ્થિતિ વચ્ચેથી પસાર થતો સાંજ પડ્યે સુખી કે દુખી થઈ જાય છે. વ્યાવહારિક જીવનમાં માણસ એમ કહી શકે કે જે કોઈ કામ તે કરે છે એની કાયમી સફળતા કે નિષ્ફળતા તેને રાજી કે નારાજ કરે છે અને આ રાજીપો કે નારાજગી પેલી ગમા-અણગમાની ક્ષણ પર આધારિત છે. આવો ચબરાકિયો તર્ક ઉછીનો લેતી વખતે તે ભૂલી જાય છે કે ગમા-અણગમાની આવી ક્ષણો અત્યંત અલ્પજીવી અને તકલાદી હોય છે. એ અત્યંત ઝડપથી બદલાઈ જાય છે. ગઈ કાલે ગાડી સમયસર 
આવી અને અણગમો હોય છે અને એ જ ગાડી આજે મોડી પડી એનો ગમો થઈ જાય છે. ઘટના કે પરિસ્થિતિ સાથે સંકળાયેલા ગમા-અણગમા પદાર્થલક્ષી નથી હોતા.
આપણે કેટલા સ્વતંત્ર છીએ?
આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણા રોજબરોજના વહેવારમાં આપણે કામ કરવામાં સ્વતંત્ર છીએ. ખરેખર એમ નથી હોતું. આપણી પરતંત્રતાનું આપણને ભાન જ નથી રહેતું. આ વિષયમાં કુરાનમાં એક સરસ સંવાદ આપવામાં આવ્યો છે. ‍
અલીએ એક વાર મોહમ્મદસાહેબને પૂછ્યું, ‘મોહમ્મદસાહેબ! આપણાં કામો કરવામાં આપણે કેટલી હદે સ્વતંત્ર હોઈએ છીએ?’ 
આ સાંભળીને મોહમ્મદસાહેબે તેને કહ્યું, ‘અલી, તારો એક પગ ઊંચો કર.’ 
અલીને નવાઈ લાગી. પોતાના પ્રશ્ન સાથે આ પગ ઊંચો કરવાને શું સંબંધ? તેણે સહજ ભાવે પોતાનો જમણો પગ ઊંચો કર્યો.
‘હવે તારો બીજો પગ ઊંચો કર.’ મોહમ્મદસાહેબે અલીને કહ્યું. 
‘એ શી રીતે બને?’ ‍અલીને આશ્ચર્ય થયું. ‘હવે જો હું બીજો પગ ઊંચો કરું તો પહેલો પગ કાં તો પાછો ભોંય ઉપર મૂકી દેવો પડે કાં તો હું ગબડી પડું.’
‘આ જ તારા પ્રશ્નનો ઉત્તર છે.’ મોહમ્મદસાહેબે કહ્યું, ‘શરૂઆતમાં તેં ધાર્યું હોત તો જમણાને બદલે ડાબો પગ ઊંચો કરી શક્યો હોત! એક વાર તું પગ ઊંચો કરી લે છે ત્યાં તારી કામ કરવાની સ્વતંત્રતા સમાપ્ત થઈ જાય છે. હવે પછીનું તારું દરેક પગલું ગબડતા બચવા માટેનું હોય છે. એમાં તારે કશું કરવાનું હોતું નથી.’ 
મને હું બહુ ગમું
દુનિયાભરમાં આપણને જે કંઈ ગમે છે અથવા નથી ગમતું એના કેન્દ્રમાં આપણે પોતે જ હોઈએ છીએ. કવિ સુરેશ દલાલે આ વિચારને પોતાની એક કવિતામાં આ રીતે મૂક્યો છે. જેને આપણે ગમવું અથવા નથી ગમવું કહીએ છીએ એના સમર્થનમાં અનેક તર્કબદ્ધ દલીલો શોધી કાઢીએ છીએ. વાસ્તવમાં આ દલીલો જાત જોડેના વળગણની જ હોય છે! જાત જોડેના આ વળગણને રૂડા-રૂપાળા શબ્દોથી શણગારીને સિલ્વર પ્લેટમાં ધરી દેવાની આવડત સફળતામાં ખપે છે! તત્કાલીન અણગમાના નિર્માણ માટે કેટલીક વાર અવધારણાઓ ખાસ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે. કેટલાક સમય પહેલાં કોઈક જગ્યાએ, કોઈક માણસ સાથે કશો પ્રસંગ બન્યો. આ પ્રસંગને કારણે કેટલીક અણગમતી છાપ મનમાં બેસી ગઈ. આ માણસ આકાર પ્રકારે ચોક્કસ છાપ ઊભી કરે છે. પુષ્ટદેહી છે, લાંબો છે, ટૂંકો છે, કાળો છે, ઊજળો છે, તેણે સિલાઈનાં વસ્ત્રો પરિધાન કર્યાં છે, હાથ-પગમાં કડાં પહેરેલાં છે. આ બધી વિગતો તમે જોઈ છે. પરિણામે આ માણસ વિશે એક અણગમો તમારા મનમાં બેસી જાય છે.
હવે બને છે એવું કે લાંબા સમય પછી પણ જો તમારી ફરી વાર આવા ઘાટઘૂટવાળા માણસ સાથે મુલાકાત થાય છે તો તરત જ તમારા મનમાં પેલો વરસો પહેલાંનો અણગમતો માણસ ધસી આવે છે. આને કારણે આ બીજો માણસ પહેલાં જેવો ન પણ હોય છતાં તેને એવો ધારી લઈને તમે તેની સાથે વર્તન કરો છો. આ પૂર્વગ્રહ છે અને પૂર્વગ્રહના આધારે તમારું વર્તન ચોક્કસ પ્રકારના તત્કાલીન ગમા-અણગમાથી ઘડાઈ જાય છે.
ચોકસાઈ ખરી, પણ પૂર્વગ્રહ નહીં

જીવનમાં ડગલે ને પગલે ઘણુંબધું બનતું હોય છે, ઘણુંબધું સ્વીકારવું પડતું હોય છે, ઘણુંબધું માનસિક રીતે સ્વીકાર કરવા છતાં સ્વીકારનો આકાર આપવો પડે છે. આને વ્યાવહારિક સત્ય કહીએ તો પણ એમાં રહેલો દંભ આપણા અંતરમાં એક ડાઘ તો અવશ્ય પેદા કરે છે. આપણે બીજું કશું નથી કરવું. કેટલીક અવધારણાઓથી મુક્ત થઈએ, પૂર્વગ્રહોના ડાઘાડૂઘીઓથી દૂર ખસવા પ્રયત્નો કરીએ અને પછી જે કંઈ ગમા-અણગમા હાથવગા થાય એમાંથી પસાર થઈ જઈએ. મુસાફરી ભલે ટૂંકી હોય, પણ જંગલ ભારે બિહામણું છે. 

 

dinkar joshi columnists