1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 9)

02 October, 2022 07:36 AM IST  |  Mumbai | Rashmin Shah

‘સો ક્યુટ...’ ઇન્દિરા ગાંધી આગળ કંઈ બોલે એ પહેલાં માણેકશૉએ કહ્યું, ‘મેં આ શોધ્યું હતું ત્યાં... બહુ ગમે છે, મને પણ ક્યાંય મળ્યું નહીં. ટ્રાઇડ લૉટ...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 9)

‘સો ક્યુટ...’ ઇન્દિરા ગાંધી આગળ કંઈ બોલે એ પહેલાં માણેકશૉએ કહ્યું, ‘મેં આ શોધ્યું હતું ત્યાં... બહુ ગમે છે, મને પણ ક્યાંય મળ્યું નહીં. ટ્રાઇડ લૉટ...’

‘આપકે ઝહન મેં અબ ક્યા હૈ?’ 
એક દિવસ શેખ મુજીબુર રહમાને પ્રાઇમ મિનિસ્ટરને પૂછ્યું હતું. પાકિસ્તાન ક્યાંય ઝૂકવાનું નામ નહોતું લેતું અને ભારત પણ એકધારું પૂર્વ પાકિસ્તાનમાં શાંતિ પ્રસરાવવા માટે પ્રયાસો કરતું જતું હતું. બેમાંથી કોઈની પણ પાછા પગ કરવાની માનસિકતા દેખાતી નહોતી એટલે સ્ટ્રૅટેજી જાણવાના ભાગરૂપે જ શેખ મુજીબુર રહમાને પ્રાઇમ મિનિસ્ટર ઑફ ઇન્ડિયાને પૂછ્યું હતું.
મુજીબુરની પૃચ્છામાં પૂર્વ પાકિસ્તાન પ્રત્યેની લાગણી સ્પષ્ટ હતી તો ઇન્દિરા ગાંધીએ જે જવાબ આપ્યો એમાં ભારત પ્રથમ હરોળમાં હતું.
‘યુદ્ધ...’ પ્રાઇમ મિનિસ્ટરે જવાબ આપ્યો હતો, ‘અબ મેરી એક હી મકસદ હૈ, પાકિસ્તાન સે યુદ્ધ... સેના કે સાથ કિયા ગયા બૂરે વર્તાવ કા જવાબ ઉસે મિલના ચાહિએ...’
‘પર ઐસે મેં તો...’
ઇન્દિરા ગાંધીએ વેધક નજર સાથે મુજીબુર રહમાન સામે જોયું અને શેખ મુજીબુર રહમાન મનમાં રહેલી શંકાને ગળી ગયા. 
અફસોસની વાત એ હતી કે જે સમયે ઇન્દિરા ગાંધીએ યુદ્ધની ઇચ્છા વ્યક્ત કરી હતી એ સમયે પાકિસ્તાન ઑલરેડી યુદ્ધની તૈયારી આદરી બેઠું હતું. અલબત્ત, ભારતીય સેના અને ભારતીય જાસૂસી તંત્ર પાસે એ સમાચાર મોડેથી પહોંચ્યા હતા. એ સમાચાર ભારત પહોંચ્યા એ પહેલાં ઇન્દિરા ગાંધીએ પણ યુદ્ધની બાબતમાં વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો હતો.
lll
ઇન્દિરા ગાંધીના મનમાં આવેલો યુદ્ધનો વિચાર ઇગો ઇશ્યુને કારણે પણ ભારતીય સેના સાથે કરવામાં આવતા દુર્વ્યવહારમાંથી જન્મ્યો હતો. ભારતીય સેના સાથે સીધી દુશ્મની હોય એ રીતે પાકિસ્તાની સેના વર્તી રહી હતી. 
પહેલાં પાકિસ્તાની સેના પૂર્વ પાકિસ્તાનમાં રહેલી મુક્તિવાહિની નામની અવામની આઝાદી માટે લડતી ક્રાંતિ સેના સામે લડતી હતી. એનું કહેવું હતું કે આ એક જેહાદ છે અને જેહાદ કોઈ કાળે પાકિસ્તાનમાં ચલાવવામાં નહીં આવે. મુક્તિવાહિનીની સાથે જોડાયેલી એકેએક વ્યક્તિને શોધી એનો ખાતમો બોલાવીને મુક્તિવાહિનીને ધરમૂળથી દૂર કરવાના પ્લાનિંગ સાથે પૂર્વ પાકિસ્તાનમાં દાખલ થયેલી પાકિસ્તાની સેનાની મકસદ છેલ્લા થોડા સમયથી બિલકુલ બદલાઈ ગઇ હતી.
હવે એની નજર માત્ર ને માત્ર ભારતીય સેના પર હતી અને ભારતીય સેનાને જ ટાર્ગેટ કરીને આગળ વધવામાં આવતું હતું. એનું કારણ પણ સહજ હતું. યુનાઇટેડ નેશન્સ ઑફ ઑર્ગેનાઇઝેશનમાં પાકિસ્તાને જ કહ્યું હતું કે પૂર્વ પાકિસ્તાનમાં અન્ય કોઈ દેશની સેના નથી, જેનો જવાબ ભારતે આપ્યો નહોતો. હવે જો તમે અમારા દેશમાં છો જ નહીં તો પછી તમારા જવાનો અમારા દેશમાં મરે કઈ રીતે? અમે તેમને મારીએ કઈ રીતે?
‘ઢૂંઢો... કોઈ ​મિલે મના મિલે, તિરંગેવાલે હમેં મિલને ચાહિએ...’ યાહ્યા ખાને ઢાકામાં જઈને પાકિસ્તાની સેનાને ચાનક ચડાવતાં કહ્યું હતું, ‘મિલને ભી ચાહિએ ઔર... મરને ભી ચાહિએ...’ 
lll

શેખ મુજીબુર રહમાન સાથે થયેલી મીટિંગના બીજા જ દિવસે પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસમાં સૅમ માણેકશૉને મીટિંગ માટે કહેણ મોકલવામાં આવ્યું.
માણેકશૉ જાણતા હતા કે પૂર્વ પાકિસ્તાનમાં રહેલી ભારતીય સેના વિશે ચર્ચા થઈ શકે છે અને શરૂઆત એ જ વાતોથી થઈ. પૂર્વ પાકિસ્તાનનો કેટલો હિસ્સો પાકિસ્તાની સેના પાસે ખાલી કરાવવામાં આવ્યો એની જાણકારી લેવામાં આવતી હતી એ દરમ્યાન જ ચા અને કુકીઝ મગાવવામાં આવ્યાં. 
માણેકશૉને બ્રિટિશ કુકીઝ પસંદ છે એ ઇન્દિરા ગાંધી પહેલેથી જાણતાં હતાં.
મીટિંગ ટેબલ પરથી ઊભા થઈને ઇન્દિરા ગાંધી માણેકશૉ સાથે રાઉન્ડ ટેબલ પર આવ્યાં અને માણેકશૉ સાથે બેઠાં.
‘ઇન્ટરેસ્ટિંગ કુકીઝ...’ માણેકશૉએ કુકીનો પહેલો ટુકડો મોંમાં ઓર્યો, ‘આઇ થિન્ક, આમાં કાશ્મીરની કાગઝી આમન્ડ વાપરી છે... તમે જોઈ છે એ આમન્ડ?’
ઇન્દિરા ગાંધી ચૂપ રહ્યાં એટલે માણેકશૉએ પોતાનું જ્ઞાન પીરસવાનું શરૂ કર્યું.
‘એ આમન્ડ કાગળ જેવી પાતળી હોય... ધૅટ્સ વાય ઇટ ઇઝ નોન ઍઝ કાગઝી આમન્ડ. મામરો કરતાં પણ વધારે હેલ્થી; પણ શું, કાશ્મીરમાં શાંતિ નથી એટલે આપણે એ આમન્ડનું માર્કેટિંગ કરી નથી શકતા...’ ફરી કુકીનો એક નાનો ટુકડો માણેકશૉએ મોઢામાં મૂક્યો, ‘આવશે, એ દિવસો પણ આવશે જ્યારે આપણે એ ડિકરાઓની બાદામ બધે પહોંચાડીશું... આવશે એ દિવસ. ધૅટ ડે વિલ કમ...’
‘મિસ્ટર સૅમ...’ ઇન્દિરા ગાંધીએ દૃઢતા સાથે કહ્યું, ‘એ દિવસ આવી ગયો છે...’
‘હં...’
ઇન્દિરા ગાંધીના સ્ટેટમેન્ટ પર કોઈ જાતની કમેન્ટ કર્યા વિના જ માણેકશૉએ પ્લેટમાં પડેલાં બન્ને કુકીઝ પૂરાં કર્યાં અને પછી ચાનો કપ લઈને ઊભા થયા. 
પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસ ખાસ્સી મોટી હતી. ઑફિસની ઉત્તર દિશામાં બનાવવામાં આવેલી રૅક પર અનેક શો-પીસ ગોઠવાયેલાં હતાં, જેમાંથી અમુક ખરીદવામાં આવ્યાં હતાં તો કેટલાંક અન્ય દેશના સરતાજ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ હતાં. દક્ષિણ દિશામાં બુકસેલ્ફ હતી, જેમાં ભારતીય સંવિધાન સરળતાથી સમજાવે એ પ્રકારનાં પુસ્તકો હતાં તો આ જ બુકસેલ્ફમાંથી એક સેલ્ફમાં મહાત્મા ગાંધીનાં પુસ્તકો હતાં તો સ્વામી વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી લિખિત પુસ્તકો પણ પડ્યાં હતાં. એ તમામ પુસ્તકોથી બિલકુલ વિપરીત દિશામાં એક પુસ્તક એમ જ ગોઠવવામાં આવ્યું હતું.
શ્રીમદ ભગવદ્ગીતા.
‘આપણે પાકિસ્તાન સામે વૉર કરીએ છીએ...’
માણેકશૉએ ગીતા હાથમાં લીધી અને એ જ સમયે ઇન્દિરા ગાંધીના શબ્દો તેમના કાને પડ્યા. માણેકશૉના કાન લાલ થઈ ગયા અને લાલ થયેલા એ કાનમાં ગીતાનો શ્લોક ગુંજવા લાગ્યો...
યદા યદા હી ધર્મસ્ય...
માણેકશૉની આંખો ભગવદ્ગીતામાંથી બહાર આવી નહીં એટલે ઇન્દિરા ગાંધીએ પોતાની વાત દોહરાવી. વાત, શબ્દો નહીં.
‘પાકિસ્તાન પર હુમલો કરવાનો છે...’
હજી પણ માણેકશૉના વર્તનમાં કોઈ ફરક આવ્યો નહીં. તેમણે સહજ રીતે જ ભગવદ્ગીતા ફરી એના સ્થાને મૂકી અને પછી આજુબાજુમાં નજર દોડાવી. શ્રીમદ ભગવદ્ગીતાની નીચેની રૅકમાં કાળા રંગની બિલાડી હતી, જેના ગળામાં બ્લુ રંગનું લૉકેટ હતું. બિલાડી ઇજિપ્શિયન માટીની બની હતી. માત્ર એના ગળામાં રહેલું પેલું લૉકેટ એક જ સ્ટોનનું હતું.
‘ઇજિપ્તથી આવીને આ...’
‘હા...’ સહેજ ખુન્નસ સાથે ઇન્દિરા ગાંધીએ જવાબ આપ્યો અને ફરી પોતાની વાત કહી, ‘હું તમને કહું છું, આપણે પાકિસ્તાન સામે વૉર અનાઉન્સ કરવી છે.’
જાણે કે પોતે કંઈ સાંભળ્યું જ ન હોય એમ માણેકશૉ ચાના કપમાંથી ચુસકી લેતા આગળ વધ્યા અને રૅક પર ડિસ્પ્લે થયેલું ત્રણ નીગ્રો બચ્ચાંઓવાળું સ્ટૅચ્યુ હાથમાં લીધું. એ સ્ટૅચ્યુ આખેઆખું એક જ માટીમાંથી બન્યું હતું, પણ એને કપડાં અને ઑર્નામેન્ટ્સ ઉપરથી પહેરાવવામાં આવ્યાં હતાં.
‘ઈસ્ટ આફ્રિકા?’ પ્રાઇમ મિનિસ્ટર સામે એ સ્ટૅચ્યુ ધરીને માણેકશૉએ પૂછ્યું, ‘ગિફ્ટ કે પછી પરચેઝ...’
‘આઇ ડોન્ટ રિમેમ્બર...’
‘સો ક્યુટ...’ ઇન્દિરા ગાંધી આગળ કંઈ બોલે એ પહેલાં માણેકશૉએ કહ્યું, ‘મેં આ શોધ્યું હતું ત્યાં... બહુ ગમે છે, મને પણ ક્યાંય મળ્યું નહીં. ટ્રાઇડ લૉટ...’
‘હં...’ ઇન્દિરા ગાંધીએ મનમાં ને મનમાં દાંત કચકચાવ્યા, ‘આપણે કામની વાત કરીએ...’
‘શ્યૉર...’ માણેકશૉએ તેમની સામે જોવાની તસ્દી લીધા વિના જ કહી દીધું, ‘યુ પ્રોસિડ...’
ઝાળ લાગી જાય એવી સ્ટાઇલથી માણેકશૉ બોલ્યા હતા. પ્રાઇમ મિનિસ્ટર સાથે આ રીતે વાત કરવાની કે પછી તેમની વાતનો આ રીતે અનાદર કરવાની હિંમત અગાઉ કોઈએ કરી નહોતી એ ઈન્દિરા ગાંધી જાણતાં હતાં અને આજે, આ સમયે આટલી અગત્યની વાત પોતે કહેતાં હતાં અને એ પછી પણ માણેકશૉ તેમના શબ્દો કાને નહોતા ધરતા.
એક સૅન્ડ ક્લૉક હાથમાં લઈને માણેકશૉએ પૂછ્યું...
‘આઇ થિન્ક મેક્સિકો. રાઇટ?’
‘આઇ ડોન્ટ નો...’
માણેકશૉએ પણ આ જવાબનો કોઈ પ્રત્યાઘાત આપ્યો નહીં અને તે બીજાં શોપીસ જોવામાં ફરીથી વ્યસ્ત થયા એટલે ઇન્દિરા ગાંધીએ પોતાની વાત ત્રીજી વાર દોહરાવી...
‘આપણે પાકિસ્તાન સામે યુદ્ધ 
કરવું છે...’
નો રિપ્લાય.
માણેકશૉ ઑફિસ જોવામાં વ્યસ્ત રહ્યા અને એક પછી એક આઇટમ હાથમાં લઈને જોતા રહ્યા. આ આખી પ્રક્રિયા દરમ્યાન તેમની ચા પણ પૂરી થઈ ગઈ એટલે તેઓ ચાનો કપ લઈને ફરી રાઉન્ડ ટેબલ પાસે આવ્યા.
‘તમારા અટર્લીએ વધારે ચા મોકલી હશે... આઇ ઍમ ડેમ શ્યૉર...’ જગ જરા હલાવીને અંદર ચા છે એની ખાતરી કરીને માણેકશૉએ પોતાની જ પીઠ થાબડી લીધી, ‘યુ નો, આઇ ઍમ ઑલવેઇઝ રાઇટ...’ 
ફરીથી ચાનો કપ ભરીને માણેકશૉએ ઇન્દિરા ગાંધી સામે જોયું. ઇન્દિરા ગાંધીનો ચહેરો તગતગવા માંડ્યો હતો.
‘મિસ્ટર માણેકશૉ, આઇ ઍમ ટૉકિંગ ટુ યુ...’ દાંત કચકચાવવાનું મહામહેનતે ટાળ્યું હોય એ માણેકશૉને પણ દેખાયું હતું, ‘ઍન્ડ ઇટ્સ સમથિંગ સિરિયસ...’
‘યુ શુડ...’ માણેકશૉએ કપમાંથી ચાની ચૂસકી લીધી, ‘પ્રોસિડ...’
કહ્યા પછી માણેકશૉ તરત અવળા ફરીને ફરી એ જ બધાં સુવેનિયર જોવામાં લાગી ગયા જે તેઓ છેલ્લા અડધા કલાકથી જોતાં હતાં.
ઇન્દિરા ગાંધીને ભારોભાર ગુસ્સો આવતો હતો અને એની પણ જાણે કે પોતાને કોઈ અસર ન થતી હોય એ રીતે માણેકશૉ અલગ-અલગ દેશનાં સુવેનિયરો હાથમાં લઈને એની પૃચ્છા કરતા રહ્યા.
‘ઇઝ ઇટ રિયલ ડાયમન્ડ?’
‘આઇ ડોન્ટ નો...’
‘હં...’ માણેકશૉએ અચાનક જ રાઉન્ડ ટેબલ પાસે આવીને એના માર્બલના ટૉપ વિશે પૂછ્યું, ‘ઇઝ ઇટ પિન્ક-લેઝર માર્બલ...’
‘મને નથી ખબર...’ હવે મિસિસ ગાંધીએ કન્ટ્રોલ ગુમાવ્યો, ‘આઇ ઍમ ટૉકિંગ ટુ યુ મિસ્ટર સૅમ. મેં તમને પાકિસ્તાન સાથે વૉર કરવાની વાત કરી.’
માણેકશૉ ઇન્દિરા ગાંધી સામે ફર્યા. તેમના ફેસ પર આછું સ્માઇલ હતું. ચાનો આખો કપ એકઝાટકે તેમણે ગળામાં ઠાલવ્યો અને પછી ધીમેકથી કહ્યું...
‘જેમ તમને પિન્ક-લેઝર માર્બલની ખબર નથી અને આ... રિયલ ડાયમન્ડની ખબર નથી એવી જ રીતે સ્વીકારી લો કે વૉરની પણ તમને ખબર ન પડે.’
‘વૉટ ડૂ યુ મીન ટુ સે...’
‘એ જ કે એમ વૉર ન થાય...’
પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી રીતસર કાળઝાળ થઈ ગયાં...
‘મિસ્ટર સૅમ, ડૂ યુ નો વુ ઍમ આઇ?’
સૅમ માણેકશૉએ સિનેમાસ્કોપ સાઇઝનું કૃત્રિમ સ્મિત ચહેરા પર પાથર્યું...
‘અનફૉર્ચ્યુનેટલી યસ...’ માણેકશૉએ ખાલી કપ ટેબલ પર મૂક્યો, ‘રાઇટ નાઓ આઇ ઍમ સ્ટૅન્ડિંગ વિથ પ્રાઇમ મિનિસ્ટર ઑફ ઇન્ડિયા... જે ઇમોશનલ થઈને નિર્ણય લેવા માટે મને ફરજ પાડે છે.’
‘વૉટ ડૂ યુ મીન?’
‘એ જ, એ વૉર છે. બચ્ચાંઓ ખેલે એ ચોર-પોલીસનો ખેલ નહીં કે મન પડે ત્યારે ચાલુ થાય અને મન પડે એટલે અટકાવી દઈ શકીએ.’ માણેકશૉ હવે સિરિયસ હતા, ‘સમજાયું કે હજી વધારે સમજાવું?’
ઇન્દિરા ગાંધી ચૂપ રહ્યાં એટલે માણેકશૉએ પોતાના મનની વાત કહી...
‘મિસિસ ગાંધી, વૉરના પોતાના નિયમો છે અને એ નિયમોની ઉપર પણ એક નિયમ છે. મન પડે ત્યારે નહીં, જરૂર પડે ત્યારે વૉર માટે આગળ આવવાનું હોય. નંબર ટૂ, મૉરલ ડાઉન હોય એવા સમયે વૉર શરૂ કરવાથી સેનાનું મનોબળ વધારે ખરાબ રીતે તૂટે અને એવું કરવું એટલે સામે ચાલીને આપણે ૧૯૬પનું રિપીટેશન કરવું એવું થાય. ડોન્ટ ડૂ સચ મિસ્ટેક ઍન્ડ આઇ વિલ નૉટ પરમિટ ફૉર ધૅટ...’
હવે ઇન્દિરા ગાંધી શાંત હતાં. માણેકશૉની વાતમાં રહેલું વજૂદ તેમને સ્પર્શતું હતું.
‘વૉર ડઝન્ટ મીન કે તમે આજે મન કરો અને કાલથી ચાલુ કરી દો... આવું જ્યારે પણ થયું છે ત્યારે હેરાનગતિ વૉર ભોગવનારા દેશને નહીં, વૉર શરૂ કરનારા દેશને રહી છે. જુઓ તમે કોરિયન હિસ્ટરી, જુઓ તમે જૅપનીઝ હિસ્ટરી... ઉતાવળમાં શરૂ કરેલી વૉર ક્યારેય જોઈએ એવું રિઝલ્ટ નથી આપતી. જસ્ટ ચેક પ્રૉપર્લી. આપણી પાસે અત્યારે વેપન્સ નથી, ડિફેન્સની પણ આપણી કોઈ તૈયારી નથી. આ રીતે વૉર કરીશું તો પાકિસ્તાન કાશ્મીરની જેમ વધારે એક વખત આપણો હિસ્સો પડાવી જશે અને આપણે LOCના નામે ઊભા રહી જઈશું... ’
સૅમ માણેકશૉએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની ચેર પરથી ઊભા થયા.
‘આઇ ગેસ, તમને હવે સમજાયું હશે કે આ સાચો સમય નથી અને આ વૉર કરવાની સાચી રીત પણ નથી... જો સમજવામાં તકલીફ પડી હોય તો ધૅટ્સ માય ફૉલ્ટ અને સમજાઈ ગયું હોય તો...’ માણેકશૉએ હાથ લંબાવ્યો, ‘માય પ્લેઝર...’
માણેકશૉ ઑફિસમાંથી નીકળવા માટે અવળા ફર્યા. હજી તે માંડ ચારેક સ્ટેપ ચાલ્યા હશે ત્યાં તેમની પીઠ પાછળ ઇન્દિરા ગાંધીનો અવાજ અથડાયો...
‘જસ્ટ એ સેકન્ડ મિસ્ટર સૅમ...’
જનરલ માણેકશૉ ઊભા રહ્યા એટલે ઇન્દિરા ગાંધીએ કહ્યું...
‘સૉરી ટુ કરેક્ટ યુ પણ... તમે કડવી દવા પીવડાવો એનો વાંધો નહીં, પણ દવાને કડવી કરીને પીવડાવો એ ખોટી વાત છે...’
સૅમ માણેકશૉ ધીમે રહીને ઇન્દિરા ગાંધી સામે ફર્યા.
‘હું ડૉક્ટર છું, યુદ્ધનો ડૉક્ટર... મારું કામ મેડિસિન આપવાનું છે. એ હું આપી દઉં, પણ એ મેડિસિન પિવડાવવાનું કામ મારું નથી. એ કામ મધરનું છે, પણ મેં આપેલી મેડિસિન જો મારા હાથે જ પીવી હોય તો હું એમાં શું કરી લઉં સ્વીટી...’
સૅમ માણેકશૉ પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસની બહાર નીકળી ગયા અને ઇન્દિરા ગાંધી તેમને બહાર જતા જોઈ રહ્યાં.
lll
એ દિવસ પછી ઇન્દિરા ગાંધીએ વૉરની વાત પડતી મૂકી દીધી, પણ પાકિસ્તાને એ વાત પકડી લીધી અને એ પણ જરા જુદી રીતે.  
પૂર્વ પાકિસ્તાનમાં ચાલતી મુક્તિવાહિનીની ચળવળ ક્યાંય અટકવાનું કે પછી ધીમી પડવાનું નામ નહોતી લેતી, જેને કારણે પાકિસ્તાની સેના પણ સહેજે મચક આપવા રાજી નહોતી થતી. પરિણામે ભારતીય સેનાએ પણ સતત પોતાના મોરચા પર અડગ રહેવું પડતું હતું. આમ ત્રણ-ત્રણ દિશામાં સૌકોઈ પોતપોતાની લડત માંડીને બેઠું હતું. એક તબક્કો એવો આવ્યો કે ભારતીય સેનાને પાછી લાવવાનો વિચાર પણ થયો, પણ એવું કરવાથી પાકિસ્તાન સામે ઝૂકવાનું બનતું હતું અને જો એવું થાય તો બબ્બે રીતે પાકિસ્તાનનું જોર વધે એ પણ સૌને દેખાતું હતું એટલે ભારતે પોતાનો એ વિચાર માંડી વાળ્યો. એટલું જ નહીં, જોર વધારવાના હેતુથી પાંચ હજાર વધારે સૈનિકો પૂર્વ પાકિસ્તાનમાં દાખલ કર્યા. એ સૈનિકોનો એકમાત્ર ઉદ્દેશ હતો કે કોઈ પણ ભોગે સ્થાનિક લોકોનો જીવ બચાવવો અને તેમની રક્ષા કાજે જરૂર પડે તો જીવ આપવો.
તમને જાણીને નવાઈ લાગશે કે પૂર્વ પાકિસ્તાનમાં જનારી ભારતીય સેના પાસે આ મુજબના શપથ પણ લેવડાવવામાં આવતા હતા અને ભારતીય સેના એ શપથ લઈ એક જ મકસદ સાથે પૂર્વ પાકિસ્તાનમાં દાખલ થતી.
‘સર્વજન સુખાય, સર્વજન હિતાય...’ આદેશ આવતાં જ ભારતીય સૈનિકોએ પાણીમાં ઝંપલાવી દીધું.
‘ફતેહ કરો...’

વધુ આવતા રવિવારે

columnists Rashmin Shah