ઝઘડો (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

22 October, 2021 03:33 PM IST  |  Mumbai | Rashmin Shah

સનીએ સવાલ કર્યો એટલે પપ્પાએ ત્યાં આવી પહોંચેલાં બચ્ચાંઓ ગણવાનું શરૂ કર્યું

પ્રતીકાત્મક તસવીર

સામે વૉચમૅન ઢબ્બુને લઈને ઊભો હતો. ઢબ્બુએ ખભા પર સ્ટાઇલથી હથોડી રાખી હતી. ‘મેમસા’બ, યે આપકા બેટા...’ ‘થૅન્ક યુ, બતાને કે લિએ....

‘હા, પણ એટલે કંઈ થોડી હળદર લઈ જવાની હોય?!’ મમ્મીને હજી પણ નવાઈ લાગતી હતી, ‘એ લોકો ક્રિકેટ રમે નહીં એટલે હળદર પાથરી દેવાની?! એવું થોડું હોય...’

‘હોય, એવું જ હોય.’ ઢબ્બુએ હાથ ધોતાં-ધોતાં જ કહ્યું, ‘એ અમારી વિકેટ છે. અમે ત્યાં રમીએ છીએ તો પછી એ લોકો શું કામ ત્યાં આવ્યા રમવા?’

વાત ક્રિકેટ રમવા બાબતની હતી. છેલ્લા થોડા સમયથી સોસાયટીના યંગસ્ટર્સ પણ ફ્રી થઈને સાંજના સમયે ક્રિકેટ રમવા માટે નીચે ઊતરતા. તેમના આવવાથી ફ્લૅટહોલ્ડર્સને કોઈ એવી હેરાનગતિ નહોતી થતી અને એ લોકો પણ આ વાતનું ધ્યાન રાખતા, પણ આ યંગસ્ટર્સ રમવા આવવા માંડ્યા એમાં બચ્ચાપાર્ટીને પ્રૉબ્લેમ થઈ ગયો. બાળકો જ્યાં ક્રિકેટ રમતા ત્યાં જ એ લોકોએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, જેને લીધે બચ્ચાંઓને પ્રૉબ્લેમ થયો.

lll

‘આ અમારી જગ્યા છે...’ યંગસ્ટર્સ અને ટીનેજર્સની પાસે જઈને ઢબ્બુએ કહ્યું હતું, ‘તમે બીજે જઈને રમો.’

‘પણ ક્રિકેટ રમવા માટે આ જ જગ્યા સોસાયટીમાં છે...’ એકે જવાબ આપ્યો કે તરત જ બીજો એક ટીનેજર આગળ આવ્યો, ‘સોસાયટીએ ક્યાંય એવું કહ્યું નથી કે આ જગ્યા પર કોઈ એક રમતું હોય તો બીજાએ ત્યાં જવું નહીં.’

‘પણ તો અમે ક્યાં જઈએ રમવા?’ સની આગળ આવીને ઢબ્બુની બાજુમાં ઊભો રહ્યો, ‘તમે તો બીજે જઈ શકો રમવા, જાવને...’

‘ના, અમારે અહીં રમવું છે.’

થોડી રકઝક પછી એવું નક્કી થયું કે સાથે રમવું અને ટીનેજર્સ-યંગસ્ટર્સે બચ્ચાંઓને પણ તેમની ટીમમાં સમાવી લેવા. ઢબ્બુ તો તૈયાર થઈ ગયો, પણ એમાં વાંધો સનીને પડ્યો.

‘ના, અમારે એમ નથી રમવું.’

‘કેમ?’ ઢબ્બુ સનીની પાસે ગયો અને ધીમા અવાજે કહ્યું, ‘અરે, મજા આવશે. શીખવા મળશે આપણને...’

‘ના રે, તોય નહીં...’ સનીએ ઢબ્બુના કાન પાસે જઈને દબાયેલા અવાજે કહ્યું, ‘આ કોઈ દાવ પણ નહીં દે અને ફીલ્ડિંગ ભરાવશે.’

‘આપશે બૅટિંગ...’ સની કંઈ કહે એ પહેલાં તો ઢબ્બુ સીધો યંગસ્ટર્સ સામે ફર્યો, ‘અમને બૅટિંગ મળશેને?’

પેલાએ હા પાડી એટલે ઢબ્બુ ખુશ થઈ ગયો, પણ સની તેને ખેંચીને સાઇડ પર લઈ ગયો.

‘ડોન્ટ બી ઇડિયટ...’ સનીએ કહ્યું, ‘એ પહેલા બૉલે આઉટ કરી દેશે આપણને. આપણે નથી રમવું એ લોકો સાથે.’

‘તો શું કરવું છે?’

‘આપણી પિચ ખાલી કરે. આ આપણી જગ્યા છે.’

ઢબ્બુએ ફરી ઓરિજિનલ વાતનો એકડો ઘૂંટ્યો.

‘ના, અમારે નથી રમવું. તમે જાઓ...’

એમ કોઈ થોડા માને અને એ પણ પાંચ-છ વર્ષનાં બચ્ચાંઓની વાત. પેલા યંગસ્ટર્સ અને ટીનેજર્સે તો ગેમની તૈયારી પણ ચાલુ કરી દીધી.

સની, ઢબ્બુ અને બીજા ફ્રેન્ડ્સ તેમને જોતા રહી ગયા.

‘ઢબ્બુ, કંઈક કરવું પડે. આ લોકો એમ નહીં માને...’

‘હં...’ ઢબ્બુને પણ એવું તો લાગ્યું જ હતું, પણ કરવું શું એની ગતાગમ તેને નહોતી પડતી, ‘કરીશું શું આપણે?’

‘આપણે વિકેટ ખોદી નાખીએ...’

ઢબ્બુએ આઇડિયા લડાવ્યો અને પછી એ આઇડિયા અમલમાં પણ મૂક્યો.

lll

ઠક... ઠક...

દરવાજે ટકોરા પડ્યા એટલે મમ્મીએ દરવાજો ખોલ્યો.

સામે વૉચમૅન ઢબ્બુને લઈને ઊભો હતો. ઢબ્બુએ ખભા પર સ્ટાઇલથી હથોડી રાખી હતી.

‘મેમસા’બ, યે આપકા બેટા...’

‘થૅન્ક યુ, બતાને કે લિએ....’

મમ્મીએ ઢબ્બુને અંદર લીધો અને વૉચમૅન ઝંખવાણો પડી ગયો.

‘અરે, મૈં યે બોલતા હૂં કિ આપ ઇસકો ઘર મેં રખો.’

‘આપ જાઓના...’

ઢબ્બુએ ડોર બંધ કરવાનું ચાલુ કર્યું એટલે મમ્મી સમજી ગઈ કે માસ્ટર શાહ તોફાન કરીને આવ્યા છે.

‘શું કર્યું તેં?’

‘અરે કંઈ નહીં, બંધ કરને...’ ઢબ્બુએ વૉચમૅન સામે જોયું, ‘આપ જાઓ...’

મમ્મીએ વૉચમૅનને પૂછ્યું, ‘ક્યા શરારત કી ઇસને?’

‘વો ક્રિકેટ જો સિમેન્ટ વિકેટ હૈના, વો તોડ રહા થા...’ વૉચમૅને કહ્યું, ‘યે ભી થા ઔર વો સની, ઇવાન ઔર બાકી બચ્ચે ભી થે.’

‘સબ તોડ રહે થે?’ વૉચમૅને હા પાડી એટલે મમ્મીએ ઢબ્બુ સામે જોયું, ‘કેમ, શું કામ?’

‘મોટા છોકરાઓ અમને ત્યાં રમવા નથી દેતા...’ વૉચમૅન સામે જોઈને ઢબ્બુએ કહ્યું, ‘આજ નહીં તોડને દી તો અબ કલ તોડેંગે... દેખના.’

‘એય ગુંડા... બસ હોં...’

lll

એ દિવસે તો વાત શાંતિથી પૂરી થઈ, પણ પછી તો દરરોજની આ રામાયણ શરૂ થઈ. એક દિવસ સિમેન્ટની વિકેટ પર બચ્ચાપાર્ટી જઈને કચરો નાખી આવે તો એક દિવસ જઈને એના પર પથ્થરો મૂકી આવે. મમ્મી બિચારી દેકારા કર્યા કરે, પણ કોઈ તેનું સાંભળે નહીં. આજે તો હદ થઈ ગઈ.

ઢબ્બુએ બધા ફ્રેન્ડ્સને તૈયાર કર્યા કે આપણે પિચ પર મસાલા છાંટી દઈએ.

‘એ ઊડશે એટલે બધાની આંખ બળશે, કોઈ રમી નહીં શકે.’

આઇડિયા અમલમાં મુકાયો અને બધા પોતપોતાના ઘરેથી અલગ-અલગ મસાલા લઈને પહોંચ્યા. મમ્મી બપોરે રૂમમાં ફોન પર વાત કરતી હતી ત્યારે ઢબ્બુએ હળદરની આખી બૉટલ પ્લાસ્ટિકની બૅગમાં ખાલી કરી નાખી અને એ હળદર લઈને તે પણ નીચે પહોંચી ગયો.

પંદર મિનિટ, ત્રીસ મિનિટ...

ઢબ્બુનો અવાજ આવતો નહોતો એટલે મમ્મીને નવાઈ લાગી. તેણે બહાર જઈને જોયું તો કિચનમાં હળદર ઢોળાયેલી હતી અને હળદર ભરેલી આખી બૉટલ ખાલી હતી. મમ્મીને સમજાયું નહીં એટલે તેણે ઢબ્બુના નામની રાડો પાડી, પણ કોઈ જવાબ મળ્યો નહીં એટલે તે ગૅલરીમાં જોવા આવી અને નીચેનું દૃશ્ય જોઈને તે હેબતાઈ ગઈ.

બચ્ચાપાર્ટી સિમેન્ટની વિકેટ પર મસાલા ઢોળીને શૂઝથી એને સ્પ્રેડ કરતી હતી.

મમ્મી દોડતી નીચે ગઈ. નીચે જતાં પહેલાં બીજાં બચ્ચાંઓની મમ્મીઓને પણ સાથે લઈ ગઈ. બધાં બાળકોને મમ્મીઓ પોતપોતાના ઘરે લઈ ગઈ અને મમ્મી ઢબ્બુને લઈને ઘરમાં આવી.

lll

‘હા, પણ એટલે કંઈ થોડી હળદર લઈ જવાની હોય?!’ મમ્મીને હજી પણ નવાઈ લાગતી હતી, ‘એ લોકો ક્રિકેટ રમે નહીં એટલે હળદર પાથરી દેવાની?! એવું થોડું હોય...’

‘કરવું પડે એવું અમારે...’

‘અમારેવાળી, ચૂપ રહે અને આજ સુધી પપ્પાને કંઈ કીધું નથી પણ હવે બધું કહીશ...’

‘પણ ભરી દઉં છુંને હું...’ પપ્પાનું નામ પડતાં ઢબ્બુ સોફા પરથી ઊભો થયો અને સાવરણી લેવા માટે ડોરની પાછળના એરિયામાં ગયો, ‘બધું ભરાઈ જશે.’

ઢબ્બુ કિચનમાં આવ્યો અને તેણે સાવરણીથી હળદર ભરવાની શરૂ કરી.

‘મૂકી દે, એ હવે કામ નહીં લાગે.’

‘તું ના કહે છે, જોઈ લેજે. પછી મારો વાંક નહીં કાઢવાનો.’

‘નીચે વન kg હળદર ઢોળી નાખી એનું શું?!’

ઢબ્બુની આંખો સહેજ મોટી થઈ.

‘વન kg હતી એ હળદર?’ ઢબ્બુ ખુશ થયો હતો, ‘મીન્સ, હું સ્ટ્રૉન્ગ છું, વન kg ઊંચકી શકું...’

‘હા અને તારા પપ્પા તારાથી સ્ટ્રૉન્ગ...’ મમ્મીએ મોઢું બગાડ્યું, ‘એ ટ્વેન્ટી વન kgના તને ઊંચકીને ફેંકશે, બહાર...’

‘વાત પૂરીને...’ પપ્પાની ધમકી ફરી કારગત નીવડી, ‘નીચે જઈને લઈ આવું હળદર પાછી?’

‘ના, મને નહીં પૂછ... એ હવે પપ્પાને પૂછજે.’

એ આખી સાંજ ઢબ્બુ કહ્યાગરો થઈને મમ્મીની આગળ-પાછળ ફરતો રહ્યો.

‘પપ્પાને નહીં કહેને?’ મમ્મી જવાબ આપતી નહીં એટલે ઢબ્બુ મમ્મીનો ડ્રેસ ખેંચતો, ‘કહેને, નહીં કહેને.’

‘ના, નહીં કહું...’ એક વાર મમ્મીએ ઢબ્બુને ખુશ કરી દીધો, ‘તે આવશે ત્યારે નહીં કહું, ફ્રેશ થઈ જશે પછી કહી...’

lll

‘હં...’ આખી વાત સાંભળીને પપ્પાએ ઢબ્બુની સામે જોયું, ‘તો કરવાનું છે શું આપણે? એ લોકોને રમવા નથી દેવાના?’

‘એક્ઝૅક્ટ્લી, એ તેમની જગ્યા નથી.’

‘તો કોની જગ્યા છે એ?’

‘અમારી.’

‘કોણે કહ્યું, સોસાયટીએ?’

‘ના, એ તો અમે રમીએ તો અમારી જ જગ્યા થઈને...’ ઢબ્બુએ આર્ગ્યુમેન્ટ કરી, ‘અમે છ મહિનાથી રમીએ છીએ પપ્પા.’

‘અને કાઢવાની ટ્રાય કેટલા વખતથી કરો છો?’

‘ફાઇવ... ના...’ ઢબ્બુએ આંગળીના વેઢાં પર ગણતરી કરીને કહ્યું, ‘સેવન, સેવન ડેઝથી... પણ જતા જ નથી એ લોકો.’

‘હં... કાઢવા છે એ બધાને?’ ઢબ્બુએ એકઝાટકે હા પાડી એટલે પપ્પાએ કહ્યું, ‘તો જા, તારા બધા ફ્રેન્ડ્સને બોલાવી લાવ. બધા આવે પછી વાત કરું.’

‘ઓકે...’

ઢબ્બુ બહાર ભાગ્યો. તે જેવો દેખાતો બંધ થયો કે મમ્મી પપ્પા પર ગુસ્સે થઈ.

‘શું તમે પણ એ લોકો જેવડા થાઓ છો. એમ કંઈ થોડી સોસાયટીમાં કોઈને ના પાડી શકાય રમવાની?’

‘તું શાંતિ રાખીશ થોડી વાર...’

મમ્મીએ મોઢું બગાડતાં હોઠ ડાબી બાજુએ ખેંચ્યો. પપ્પાને સહેજ હસવું આવી ગયું. ઑલમોસ્ટ દસ વર્ષથી તે મમ્મીની આ સ્ટાઇલ જોતા હતા. જ્યારે કહેવું ઘણું હોય પણ શબ્દો વાપરવાની મનાઈ થઈ જાય ત્યારે તે આ જ રીતે પોતાનો ગુસ્સો કાઢતી.

બે-ચાર મિનિટની ચુપકીદી પથરાઈ અને પછી ડ્રૉઇંગરૂમમાં ઢબ્બુની પલટન આવી ગઈ. બધાએ દેકારો મચાવી દીધો.

‘અંકલ, કાઢો એ લોકોને...’

‘ફાસ્ટ અંકલ, અમે રોજ રમતા ત્યાં...’

‘એ લોકો આડાઈ કરે છે... તેમને ના પાડી દો રમવાની.’

‘એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ...’ પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો, ‘આપણે પહેલાં સ્ટોરી સાંભળીએ. સ્ટોરી સાંભળીને તમારે નક્કી કરવાનું કે હવે તમે લોકો એ મોટા છોકરાઓને કેવી રીતે અહીંથી ભગાડશો. રાઇટ?’

‘રાઇટ...’

બધાએ એકસાથે કહ્યું અને પપ્પાએ સ્ટોરી શરૂ કરી.

‘એક મોટું જંગલ હતું. જંગલમાં એક મસ્ત મજાનો પર્વત અને પર્વતમાં એક ગુફા... ગુફામાં કોઈ રહે નહીં અને ત્યાં રહેતા બધા મન્કી કોઈને ત્યાં રહેવા આવવા પણ ન દે.’

‘હં, પછી...’

ઢબ્બુને આજે સ્ટોરી કરતાં એની ક્લાઇમૅક્સમાં વધારે રસ હતો.

‘મન્કીઓનું ત્યાં રાજ ચાલે. બધા પોતાની મસ્તીમાં મસ્ત રીતે જીવે. કોઈ એમને ટોકે નહીં, રોકે નહીં અને મન્કીઓ જલસા કરે.’

‘કેટલા મન્કી હતા?’

સનીએ સવાલ કર્યો એટલે પપ્પાએ ત્યાં આવી પહોંચેલાં બચ્ચાંઓ ગણવાનું શરૂ કર્યું.

પાંચ, છ, સાત, આઠ...

મમ્મીએ હસતાં-હસતાં કહ્યું.

‘આ આઠ અને તમારા ખોળામાં છે એ નવ...’

‘કુલ નવ મન્કી હતા...’

હસવાનું દબાવીને પપ્પાએ જવાબ આપ્યો.

 

(વધુ આવતા શુક્રવારે)

Rashmin Shah columnists