06 April, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નંદા એન. ઠક્કર ઘાટકોપરમાં આવેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાનાં એક્સ-સ્ટુડન્ટ અને વર્તમાન પ્રિન્સિપાલ છે
આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ગૂગલ પાસે બધી જ માહિતી છે પણ વિવેક ક્યાં છે? વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીઓનાં થોથાં છે પણ માનસિક શાંતિ ક્યાં છે? આપણે બાળકોના મગજને માહિતીથી ભરી તો દીધાં પણ તેમના હૃદય સુધી પહોંચવાનું ચૂકી ગયા છીએ.
શિક્ષણ આપણને નોકરી અપાવી શકે પણ કેળવણી આપણને જીવન જીવતાં શીખવે છે. નવી શિક્ષણનીતિ જ્યારે સર્વાંગી વિકાસની વાત કરે છે ત્યારે મારો પક્ષ બહુ સ્પષ્ટ છે. આ વિકાસ ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી એમાં આપણાં સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો પ્રાણ ન રેડાય. આપણે માત્ર રોબો નથી બનાવવા, આપણે માણસ બનાવવા છે. ઘણાને પ્રશ્ન થાય કે આજના ડિજિટલ યુગમાં ગીતાજીની શું જરૂર? મારા મતે ગીતાજી માત્ર પૂજાના પાઠ નથી, એ તો સેલ્ફ-મૅનેજમેન્ટનું વિજ્ઞાન છે. બાળક જ્યારે પરીક્ષાના ટેન્શનમાં હોય ત્યારે નિષ્કામ કર્મ તેને તનાવમુક્ત કરે છે, જ્યારે તે સોશ્યલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જાય ત્યારે સ્થિર બુદ્ધિનાં લક્ષણો તેને સ્થિરતા આપે છે. આ કોઈ ધાર્મિક પ્રચાર નથી, આ જીવનના સંઘર્ષ સામે લડવા માટેનું માનસિક ભાથું છે.
ગુજરાત સરકારે ગીતાજીનો અભ્યાસક્રમમાં સમાવેશ કરીને એક ક્રાન્તિકારી ડગલું ભર્યું છે. મુંબઈ જેવા દોડતા શહેર માટે તો આ સંજીવની સમાન છે. ટેક્નૉલૉજી જેટલી ઝડપી હશે, મન એટલું જ અશાંત હશે. એટલે જ મારો આગ્રહ છે કે બાળકોની ઉંમર મુજબનાં રસપ્રદ મૉડ્યુલ્સ બને, શ્લોકો ગોખવાને બદલે એના વ્યવહારુ ઉકેલો પર ચર્ચા થાય, શિક્ષકો પોતે આ મૂલ્યોના રોલમૉડલ બને.
આ માત્ર પુસ્તકિયા જ્ઞાનની વાત નથી, એક એવી પેઢીના નિર્માણની વાત છે જે માનસિક રીતે વજ્ર જેવી મજબૂત અને હૃદયથી ફૂલ જેવી કોમળ હોય. કોઈ યુવાન જ્યારે નિષ્કામભાવે પોતાનું કર્તવ્ય બજાવતાં શીખે છે અને સ્થિતપ્રજ્ઞ રહીને જીવનના ચડાવ-ઉતારનો સામનો કરે છે ત્યારે એ શિક્ષણ આપણને ગણતરી કરતાં શીખવે છે, પણ કેળવણી આપણને કોની ગણતરી કરવી અને કયાં મૂલ્યો માટે જીવવું એ શીખવે છે.
અમારી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળામાં અમે દીકરીઓને આ સંસ્કારો આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના આત્મવિશ્વાસમાં જે ઉછાળો જોયો છે એ અદ્ભુત છે. જો આ નાનકડો પાઇલટ પ્રોજેક્ટ આટલો સફળ થઈ શકતો હોય તો સમગ્ર મહારાષ્ટ્રમાં આ કેમ ન થઈ શકે? આપણે એક એવી પેઢી તૈયાર કરીએ જે ઇન્ટેલિજન્સ અને કરુણા બન્ને ધરાવે. ગીતાના પાયા પર જ આપણે ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવી શકીશું. મારો હેતુ માત્ર તેમને પરીક્ષા માટે તૈયાર કરવાનો નથી, જીવનની એવી દરેક કસોટી માટે તૈયાર કરવાનો છે જ્યાં કોઈ પાઠ્યપુસ્તક કામ નહીં આવે પણ તેમના સંસ્કાર અને આંતરિક સ્થિરતા જ તેમનો રસ્તો શોધશે.